લોકસભા ચૂંટણી / PM મોદીની સાથે જ રાહુલની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- મારા સવાલોના જવાબ આપો

  • રાહુલે કહ્યું- અત્યારે વડાપ્રધાનજી પણ લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હું તેમને સવાલ કરવા માંગુ છું

divyabhaskar.com

May 17, 2019, 07:56 PM IST

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા 2 મહિનાથી ચાલતી રેલી અને ચૂંટણી પ્રચાર પૂરો થવાની ગણતરીની મિનિટો જ બાકી હતી અને તે સમયે જ વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ મોદીના ખોટા વાયદાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, અત્યારે વડાપ્રધાનજી પણ લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. હું તેમને સવાલ કરવા માંગુ છું. હું તેમને કહેવા માંગુ છું કે, તેઓ મારા સવાલના જવાબ આપે.

મોદીના વિચારો મહાત્મા ગાંધીના વિચારો નથી: પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણી અભિયાન માટે પાર્ટી કાર્યકર્તાઓનો આભાર માન્યો છે અને કહ્યું છે કે પીએમ મોદીએ રાફેલ મુદ્દે મારી સાથે ચર્ચા કરવાનો પડકાર કેમ ન સ્વીકાર્યો. પીએમ મોદી અને અમિત શાહની વિચારધારા મહાત્મા ગાંધીની વિચારધારા જેવી નથી. આ ચૂંટણીમાં ચૂંટણી પંચની ભૂમિકા પૂર્વગ્રહવાળી રહી છે અને તેમણે વડાપ્રધાન મોદીના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આદેશો આપ્યા છે.

અમે યુપીમાં વિચારધારા સાથે આગળ વધ્યા છીએ: રાહુલ ગાંધીએ કહ્યું કે, હું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની વિચારધારાથી આગળ વધ્યો છું. વિચારધારાના સ્તર પર માયાવતી, મુલાયમ સિંહ, મમતા અને ચંદ્રાબાબુ નાયડૂ જેવા નેતા બીજેપીને કદી સપોર્ટ નથી કરતાં. અમે બંગાળ અને યુપીમાં ગઠબંધન નથી કર્યું પરંતુ અમે વિચારધારા સાથે જોડાયેલા છીએ. મને જણાવતા ગર્વ થાય છે કે, અમે મોદી જેવા લોકોની સામે લડી રહ્યા છીએ. અમે RSS જેવા સંગઠન સામે લડી રહ્યા છીએ. કરોડો ભારતીયો અમારી સાથે ઉભા હોવાનો અમને ગર્વ છે.

અમે પીએમ મોદીના ખોટા વાયદાઓને ઉઘાડા પાડ્યા: રાહુલ ગાંધીએ કહ્યું અમે પીએમ મોદીના ખોટા વાયદાઓને ઉઘાડા પાડ્યા છે. અમે ઉઘાડું પાડ્યું કે તેઓ 15 લાખ રૂપિયા નહીં આપી શકે. 23 તારીખે ખબર પડી જશે કે જનતા શું ઈચ્છે છે. તેઓ મારા પરિવાર વિશે સતત ટીપ્પણીઓ કરી રહ્યા છે પરંતુ હું તેમના માતા-પિતા વિશે કશું નહીં કહું.

મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં અમુક પત્રકારોને તો ઘૂસવા પણ ન દીધા: રાહુલ ગાંધીએ કહ્યું કે, પરિણામોના પાંચ દિવસ પહેલાં વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તે ખૂબ સારી વાત છે. પરંતુ મને પછી ખબર પડી કે તેઓ જાતે પ્રેસ કોન્ફરન્સ નથી કરી રહ્યા પરંતુ તેઓ બીજેપી અધ્યક્ષ અમિત શાહની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા છે. પરંતુ ત્યાં તો દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અમુક પત્રકારોને તો ઘૂસવા દેવામાં પણ નથી આવ્યા.

રાહુલ ગાંધીએ કહ્યું હું તો 2-3 પત્રકાર મોકલવાનો હતો પરંતુ ખબર પડી કે દરવાજો બંધ છે. હું વડાપ્રધાનને સવાલ કરવા માંગુ છું કે, પીએમજી તમે મારી સાથે રાપેલ મુદ્દે કેમ ચર્ચા ન કરી. તમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છો. મેં તમને ચેલેન્જ આપી હતી, અનિલ અંબાણી મુદ્દે સવાલ પૂછ્યા હતા. તો આજે દેશની જનતાને જણાવી દો કે તમે મારી સાથે ચર્ચા કેમ ન કરી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી