કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક આજે, રાહુલ ગાંધી રાજીનામું રજૂ કરે તેવી શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાહુલ મેસેજ આપવા માંગે છે કે પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે તેઓ પોતે જવાબદાર
  • 2014માં કોંગ્રેસે 44 સીટ જીતી હતી, આ વખતે પાર્ટીને 8 સીટનો ફાયદો થયો

નવી દિલ્હી: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં રણદીપ સુરજેવાલે કહ્યું કે રાહુલ ગાંધીએ રાજીનામું આપવા માટે જણાવ્યું હતું, પરંતુ તેમના રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું ન હતું. સુરજેવાલે કહ્યું કે પાર્ટી હાર સ્વીકાર કરે છે, પરંતુ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી જ રહેશે. પાર્ટીમાં ફેરફારનો સંપૂર્ણ અધિકાર રાહુલ ગાંધીને આપવામાં આવ્યો છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી એ કહ્યું કે ગાંધી પરિવારમાંથી અગામી અધ્યક્ષ ન હોવો જોઈએ. સાથે જ પ્રિયંકા ગાંધીનું નામ અધ્યક્ષ પદ માટે ન પ્રસ્તાવિત કરવામાં આવે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ખત્મ થઈ ગઈ છે. બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ કહ્યું કે હું અધ્યક્ષ તરીકે કામ કરીશ નહિ, પાર્ટી માટે કામ કરવા માંગુ છું. બાદમાં રાહુલ ગાંધી અને જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા નીકળી ગયા હતા.

બેઠકમાં કોેંગ્રેસ વર્કિંગ કમિટિના સભ્યો એ પોતાની વાત રજૂ કરી હતી. સભ્યોને રાહુલને કહ્યું કે તમે રાજીનામું ન આપો. તમે કામ કરો. તમામની વાત સાંભળ્યા બાદ રાહુલે બેઠકને સંબોધિત કરી હતી.

નોંધનીય છે કે, મોદી સુનામીમાં કોંગ્રેસની જે સ્થિતિ થઈ છે તેનાથી દરેક વ્યક્તિને ખૂબ આશ્ચર્ય થયું છે. હાર વિશે ચર્ચા કરવા કોંગ્રેસના સીનિયર નેતાઓ ભેગા થયા છે. આ બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ પહોંચી ગયા છે.

52 સીટ પરથી જીતી કોંગ્રેસ, અમેઠી હાર્યા રાહુલ: 2014ની સરખામણીએ આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 8 સીટ વધારે મળી છે. ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 44 સીટ મળી હતી. જ્યારે આ વખતે પાર્ટીને માત્ર 52 સીટ મળી છે. જેથી તેઓ લોકસભામાં વિપક્ષનો દરજ્જો પણ મેળવી શકશે નહીં. વિપક્ષનો દરજ્જો મેળવવા માટે પણ કોંગ્રેસને 54નો આંકડો જોઈએ. રાહુલ ગાંધી ભલે વાયનાડથી સારી રીતે જીત્યા હોય પરંતુ કોંગ્રેસનો ગઢ મનાતા અમેઠીમાં હવે ભગવો લહેરાવા લાગ્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 55,000 મતથી હરાવ્યા છે.

જોકે આ બેઠક વિશે હાલ કોઈ એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ કોંગ્રેસી સૂત્રોના જણાવ્યા પ્રમાણએ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં અને પાર્ટી તેમના નેતૃત્વમાં કામ કરશે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પાર્ટીને મળેલી હારની પણ સમીક્ષા કરવામાં આવશે. જ્યાં પાર્ટીએ 5 મહિના પહેલાં જ સરકાર બનાવી છે.

રાજીનામાની રજૂઆત કરીને રાહુલ ગાંધીએ મેસેજ આપવા માંગે છે કે, પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે તેઓ જવાબદાર છે. 2014માં કોંગ્રેસે 44 સીટ જીતી હતી અને આ વખતે પાર્ટીને માત્ર 8 સીટનો જ ફાયદો થયો છે. માનવામાં આવે છે કે, બેઠકમાં પાર્ટી લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પર ચર્ચા કરવામાં આવી શકે છે. ખાસકરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જ્યાં પાર્ટીએ પાંચ મહિના પહેલાં વિધાનસભા ચૂંટણી હતી. આ સિવાય કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં થયેલી હાર વિશે પણ મંથન થઈ શકે છે. અહીં કોંગ્રેસ સત્તામાં હતી પરંતુ તેમ છતા ભાજપે અહીં 28માંથી 25 સીટ પર જીત મેળવી છે. અહીં કોંગ્રેસને માત્ર એક સીટ મળી છે.

ત્રણ રાજ્યના પ્રદેશ અધ્યક્ષે રાજીનામું આપ્યું

આ દરમિયાન ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને ઓરિસ્સામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધું છે.