• Home
  • National
  • BJP Trinamool blames each other; Mamta removed the yatra

મોદી vs મમતા / બંગાળમાં 19 કલાક પહેલાં પ્રચાર બંધ, ચૂંટણી પંચે ગૃહ અગ્ર સચિવ અને CIDના ADGને હટાવ્યા

  • નિયત સમય કરતાં પહેલાં ચૂંટણી પ્રચાર રોકવાનો પ્રથમ કિસ્સો
  • કેન્દ્રીય ચૂંટણી પંચે લીધેલું અત્યાર સુધીનું સૌથી કડક પગલું
  • ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી બંગાળમાં પ્રચાર પર પ્રતિબંધ

Divyabhaskar.com

May 16, 2019, 03:26 AM IST

કોલકાતા/નવી દિલ્હીઃ કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસાના 25 કલાક પછી ચૂંટણી પંચે બુધવારે રાતે બે મોટા નિર્ણય કર્યા. પંચે પશ્ચિમ બંગાળમાં 9 લોકસભા બેઠકો પર નિશ્ચિત સમયથી 19 ક્લાક પહેલા ગુરુવારે રાતે 10 વાગ્યે જ ચૂંટણી પ્રચાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પ્રચાર સમય કરતાં પહેલા રોકવાનો દેશમાં આ પહેલો કિસ્સો છે. પંચે અનુચ્છેદ 324માં મળેલા અધિકારોનો ઉપયોગ કરતા આ કાર્યવાહી કરી છે. પંચે રાજ્યના એડીજી CID અને ગૃહ વિભાગના અગ્ર સચિવને પણ હટાવી દીધા છે. છેલ્લા તબક્કામાં 19 મીએ 59 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીપંચે બંધારણની કલમ 324માં મળેલા હકોનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. પંચે બુધવારે તમામ 9 બેઠકના ચૂંટણી અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ નિર્ણય લીધો હતો.

બંગાળમાં ચૂંટણીઃ હિંસાથી કાર્યવાહી સુધીના 25 કલાક...

1. અમિત શાહે કહ્યું- મારા પર હુમલા થયા, CRPF ન હોત તો ન બચી શક્યો હોત
મંગળવારે સાંજે 7 વાગ્યે: હિંસાના કારણે રોડ શો બંધ કર્યા બાદ શાહ દિલ્હી પાછા ફર્યા. કહ્યું- TMCના ગુંડાઓએ હુમલા કર્યા.

2. મમતાએ કહ્યું- ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ ભાજપે તોડી, અમારી પાસે પુરાવા છે
બુધવારે સવારે 10 વાગ્યે: મમતાએ કહ્યું- ભાજપે વિદ્યાસાગરની મૂર્તિ તોડી. તેના 40 વીડિયો ચૂંટણી પંચને સોંપી દીધા છે.

3. ભાજપના કાર્યકરોએ કોલકાતાથી લઈને દિલ્હી સુધી મૂક ધરણાં અને દેખાવો કર્યાં
11 વાગ્યે: ભાજપે દિલ્હીમાં જંતર-મંતર સહિત ઘણા સ્થળે દેખાવો કર્યા. કોલકાતામાં પણ દિવસભર દેખાવો થતા રહ્યા.

4. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં સમય કરતાં વહેલાં પ્રચાર બંધ કરવાનો નિર્ણય લીધો
રાત્રે 8 વાગ્યે: પંચનો નિર્ણય આવ્યો. તે પહેલાં અમિત શાહે પંચ સામે આક્ષેપ કર્યો હતો કે તે મૂકદર્શક બનેલું છે.

ચૂંટણી અધિકારીઓ અને મતદારોમાં પણ ભયનો માહોલ: પંચ

ચૂંટણીપંચે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર વખતે હિંસાની ઘટના સતત વધી રહી છે. અહીંના ચૂંટણી કમિશનરે 13મેએ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમના મતે, ચૂંટણીની તૈયારી પંચના નિયમો પ્રમાણે થઈ રહી હતી, પરંતુ તમામ ઉમેદવારોને પ્રચાર માટે સમાન અને મતદારોને ભયમુક્ત માહોલ આપવાની વાત આવી તો જિલ્લા તંત્ર અને પોલીસે સાથ ના આપ્યો. ઓબ્ઝર્વરે પણ કહ્યું કે ઉપરથી ભલે બધું સારું લાગી રહ્યું હોય, પરંતુ લોકો સાથેની વાત કરતા ભય દેખાય છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અધિકારીઓ-મતદારોને કહી રહ્યા છે કે ચૂંટણી પછી કેન્દ્રીય સુરક્ષાદળો તો જતા રહેશે પણ અમે અહીં જ રહીશું.

  • પંચે કબૂલ્યું કે પ્રચારનો વધુ સમય આપીશું તો કાયદો વ્યવસ્થા વધુ કથળી શકે છે.
  • પંચે તેમના ચુકાદાના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના ત્રણ નિર્ણયોને પણ ટાંક્યા છે.

મમતા લાલઘૂમઃ શાહના ઇશારે પંચનું પગલું

ચૂંટણીપંચના નિર્ણય અંગે પશ્ચિમ બંગાળના મુંખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાજપ પ્રમુખ અમિત શાહના દબાણ હેઠળ ચૂંટણીપંચે આ પગલું ભર્યું છે. અમિત શાહે ચૂંટણીપંચને ધમકી આપીને આ કામ કરાવ્યું છે. તેમણે ચૂંટણીપંચના નિર્ણયની આકરી ટીકા કરતા કહ્યું કે પંચ ભાજપ અને મોદી-અમિત શાહને કોઈ નોટિસ મોકલતું નથી.

તેમણે લોકોને ભાજપને મત નહીં આપવા અપીલ કરી હતી. મોદીએ બંગાળ અને બંગાળીઓનું અપમાન કર્યું છે. મોદીએ મારું અપમાન કર્યું છે. અમિત શાહે રોડ શો દ્વારા હિંસા કરી છે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી છતાં મોદીએ માફી માગી નથી. બંગાળના લોકો આને ગંભીરતાથી લેશે. બંગાળ એ કંઈ ઉત્તર પ્રદેશ, ઓડિશા કે ત્રિપુરા નથી. ભાજપની ઓફિસનો કબજો લેતાં એક સેકન્ડ પણ નહીં લાગે.

કોંગ્રેસ, CPI(M)એ પૂછ્યું- 24 કલાકનો સમય કેમ આપ્યો?

આ નિર્ણય પછી મમતા બેનરજીએ ચૂંટણી પંચ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘મેં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકોથી ભરેલું ચૂંટણી પંચ ક્યારેય નથી જોયું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કોઈ મુશ્કેલી જ નથી, જેથી અહીં કલમ 324 હેઠળ લાગુ કરવી પડે.’ બીજી તરફ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે, જો હિંસાના કારણે પ્રચાર રોકવાની નોબત આવી ગઈ તો પંચે ગુરુવાર સુધી રાહ કેમ જોઈ? શું એટલા માટે કે, ગુરુવારે સાંજે ત્યાં મોદીની રેલીઓ છે? નોંધનીય છે કે, ગુરુવારે મોદીની દમદમ અને લક્ષ્મીકાંતપુરમાં રેલીઓ છે. દમદમની રેલી સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે.

અમિત શાહ વિરુદ્ધ ત્રણ કેસ દાખલ, 58 લોકોની ધરપકડ

કોલકાતાની હિંસક ઘટનાઓના આરોપમાં પોલીસે અમિત શાહ અને ભાજપ કાર્યકરો વિરુદ્ધ ત્રણ અલગ અલગ એફઆઈઆર દાખલ કરીને 58 લોકોની ધરપકડ કરાઈ હતી. એ પહેલા અમિત શાહે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ મારા પર ત્રણ હુમલા કર્યા. સીઆરપીએફ ના હોત તો હું બચ્યો ના હોત. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ પણ તૃણમૂલના ગુંડાઓએ જ તોડી છે. આ મુદ્દે તૃણમૂલના ડેરેક ઓ,બ્રાયને કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાંખી હતી. તેના એક નહીં 40 વીડિયો મોજુદ છે, જે તમામ ચૂંટણી પંચને સોંપી દેવાયા છે. ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે.

ચૂંટણીપંચને અનુચ્છેદ 324 હેઠળ કઈ સત્તા?

ચૂંટણીપંચને લાગે કે કોઈ કિસ્સામાં ગડબડ થઈ છે અથવા તો કંઈ અસ્પષ્ટ હોય ત્યારે તે આર્ટિકલ 324 હેઠળ દખલ કરી શકે છે. આ અનુચ્છેદ હેઠળ ચૂંટણીપંચને સ્વતંત્ર અને સ્વાયત્ત ચૂંટણી કરાવવા કેટલાક અધિકાર અપાયા છે. તેના હેઠળ વહીવટી અધિકારીઓને ફરજ પર મૂકવા કે તેમને હટાવવા, પ્રચારનો સમય નક્કી કરવા જેવા મહત્ત્વના નિર્ણય લઈ શકે છે.

ટીએમસીએ ચૂંટણીપંચને હિંસાનો વીડિયો સોંપ્યો

ટીએમસીના નેતા ડેરેક ઑ’બ્રાયને કહ્યું હતું કે ભાજપના ગુંડાઓએ વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે તેનો એક વીડિયો પણ રજૂ કર્યો હતો. અમિત શાહ જૂઠું બોલી રહ્યાં હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે ચૂંટણીપંચને આ વીડિયો મોકલી આપ્યો છે.

CRPFના હોત તો જીવતો આવી શક્યો ન હોતઃ અમિત શાહ

ભાજપ પ્રમુખ અમિત શાહે મંગળવારે કોલકાતામાં તેમના રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે કહ્યું છે કે તેમાં તૃણમૂલનો હાથ છે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા પણ ટીએમસીના ગુંડાઓએ તોડી છે. જો સીઆરપીએફ ન હોત તો તેઓ કોલકાતાથી જીવતા પરત ફરી શક્યા ન હોત તેવું પણ તેમણે કહ્યું હતું. ચૂંટણીપંચ મૂકપ્રેક્ષક બની રહ્યું છે. આટલું બધું થયું છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી.

હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસ અન ભાજપે એક-બીજા પર આક્ષેપો કર્યા

કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપે એક-બીજાને જવાબદાર ઠેરાવ્યા છે. શાહે કહ્યું કે અમે શાંતિથી રોડ શો કાઢી રહ્યાં હતા, પરંતુ ત્રણ હુમલા થયા. જો સીઆરપીએફ ન હોત તો મારું બચવું મુશ્કેલ હતું. દીદીને અપીલ કરું છું કે જો કઈ છુપાવવાનું ન હોય તો કોઈ નિષ્પક્ષ એજન્સી પાસે તપાસ કરાવો.

તૃણમૂલે ભાજપ પર હિસા ફેલાવવાનો ઉલટો આરોપ લગાવ્યો

બીજ તરફ તૃણમૂલે ભાજપ પર હિસા ફેલાવવાનો ઉલટો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું- શાહ બંગાળની બહારથી ગુંડા લઈને આવ્યા હતા. ભાજપ વાળાઓ જ પથરમારો કર્યો અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે સાંજે પદ યાત્રા કાઢી હતી. તે પહેલા મમતાએ કહ્યું કે શું અમિત શાહ ભગવાન છે કે જેમની વિરુદ્ધ પ્રદર્શન ન કરી શકાય.

મમતા દીદી વિનાશ વેરવા ઈચ્છે છે

દીદીના ગુંડા બંદૂક-બોમ્બ લઈને બધું બરબાદ કરી દેવા માગે છે પણ લોકોની હિંમત તેમના અત્યાચારી શાસનનો અંત કરી દેશે. શાહ પર હુમલો તેમની હતાશા બતાવે છે. નરેન્દ્ર મોદી

બગદીદી બનવા માગે છે મમતા દીદી

યાદ રાખો, પ.બંગાળ ભારતનું અભિન્ન અંગ છે. ISISના બગદાદીથી પ્રભાવિત થઇને બગદીદી બનવાનું દીદીનું સપનું ભારત માતાના સપૂત વોટની ચોંટથી તોડશે. યોગી આદિત્યનાથ

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી