ભાસ્કર નોલેજ / નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ સામે જારી થનાર બ્લુ કોર્નર નોટિસ શું છે? રેડ, બ્લુ,યલો, બ્લેક કોર્નર ક્યારે, કોની સામે જારી થાય?

wich types of Notice are Issued By Interpol

  • જે-તે દેશની પોલીસ દ્વારા સત્તાવાર અરજી મળ્યા બાદ ઈન્ટરપોલ હેડઓફિસ દ્વારા કેસની યોગ્યતા મુજબ વિવિધ 8 પ્રકારની નોટિસ જારી કરવામાં આવે છે
  • આ પ્રકારની નોટિસ આપવા પાછળ ઈન્ટરપોલનો મુખ્ય ઉદ્દેશ તમામ સભ્ય દેશોની પોલીસને સતર્ક કરવાનો છે. જેથી શંકાસ્પદ અપરાધીને ઝડપી શકાય. 

Divyabhaskar.com

Dec 02, 2019, 05:06 PM IST

નેશનલ ડેસ્કઃ અમદાવાદના ચર્ચિત નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં ગુમ થયેલી સાધિકાઓ સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ પોલીસ કાર્યવાહી કરશે. અગાઉ IPLના પૂર્વ કમિશનર અને ભાગેડુ આર્થિક અપરાધી લલિત મોદી સામે પણ બ્લુ કોર્નર નોટિસ જારી કરાઈ હતી. રેડ, બ્લુ ઉપરાંત યલો, બ્લેક એવા પણ ઈન્ટરપોલ નોટિસના પ્રકાર છે. જે વિવિધ સંજોગો મુજબ જારી કરવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ બ્યૂરો(NCB)અને અધિકૃત સંસ્થાઓની અરજી પછી યોગ્ય લાગે એ કેસમાં ઈન્ટરપોલ હેડ ઓફિસ દ્વારા વિવિધ 8 પ્રકારની નોટિસ જારી કરવામાં આવે છે. આ નોટિસ ઈન્ટરપોલની ચાર સત્તાવાર ભાષા અંગ્રેજી, ફ્રેન્ચ, અરબી અને સ્પેનિશમાં આપવામાં આવે છે. આ પ્રકારની નોટિસ જાહેર કરવા પાછળ ઈન્ટરપોલનો મુખ્ય ઉદ્દેશ તમામ સભ્ય દેશોની પોલીસને સતર્ક કરવાનો છે. જેથી શંકાસ્પદ અપરાધીને ઝડપી શકાય.

ઈન્ટરપોલની 8 પ્રકારની નોટિસ અને તેના ઉદ્દેશ

1. રેડ કોર્નર નોટિસ
આ નોટિસ વોન્ટેડ અપરાધીઓની ધરપકડ અથવા તેમના પ્રત્યર્પણ કરવા માટે આપવામાં આવે છે. રેડ કોર્નર નોટિસ ગુનાહિત કેસમાં દોષી સાબિત થયેલા વ્યક્તિને શોધવામાં અથવા તેની ધરપકડ કરવા માટે આપવામાં આવે છે. રેડ કોર્નર નોટિસ એ આંતરરાષ્ટ્રીય ધરપકડનો વોરંટ નથી, પરંતુ જે-તે દેશમાં છૂપાયેલા આરોપી અંગેની ચેતવણી છે. ભારત સરકારની અપીલ પછી દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ આ નોટસ જાહેર કરાઈ હતી.

2. યલો કોર્નર નોટિસ
આ નોટિસ ગુમ થયેલા વ્યક્તિઓ અને અપહરણ કરાયેલા વ્યક્તિઓ અને મોટાભાગે કિશોર અને માનસિકત રીતે નબળા લોકોની શોધ ખોળ કરવા માટે આપવામાં આવે છે. આ નોટિસની મદદથી ગુમ થયેલા ખોવાયેલા વ્યક્તિઓની ભાળ મળવાની સંભાવનાઓ વધી જાય છે. આ નોટિસને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ લગાડવામાં આવે છે જેથી જો કોઈ વ્યક્તિને ખોવાયેલા વયક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી મળે તો તે પોલીસને જાણ કરી શકે.

3. બ્લૂ કોર્નર નોટિસ
આ નોટિસ એવા દેશને આપવામાં આવે છે જ્યાં અપરાધી વ્યક્તિ આશરો લઈ રહ્યો હોવાની શંકા હોય. આ નોટિસ દ્વારા અપરાધી વ્યક્તિ વિશે તેની રોજબરોજની પ્રવૃત્તિ વિશે માહિતી એકઠી કરવામાં આવે છે. આ એક તપાસની નોટિસ છે જેનાથી કોઈ વ્યક્તિ વિશે તપાસ કરવા અથવા ઓળખાણ મેળવવા માટે આપવામાં આવે છે. ઈન્ટરપોલે આઈપીએલના પૂર્વ કમિશનર લલિત મોદી વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરી છે. હવે ભારત સરકાર લલિત મોદી વિરુદ્ધ રેડ કોર્નર માંગી રહી છે.

4. બ્લેક કોર્નર નોટિસ

મૃતદેહ મળ્યો હોય પરંતુ તે કોનો છે તેની ઓળખ સ્પષ્ટ થઈ ન હોય એવા કિસ્સામાં બ્લેક કોર્નર નોટિસ જારી કરવામાં આવે છે. દર વર્ષે અંદાજે 150 બ્લેક નોટિસ ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવે છે.

5. પર્પલ કોર્નર નોટિસ
આ પ્રકારની નોટિસ પર્યાવરણને નુકસાન પહોંચાડનારા લોકો માટે આપવામાં આવે છે. આ નોટિસ જંગલી જાનવરોનો શિકાર કરનારા અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેના શરીરના હિસ્સાનો વેપાર કરનારા લોકો સામે આપવામાં આવે છે. ભારતમાં એક શિંગડા વાળા ગેંડાનો શિકાર અને બંગાળ ટાઈગરનો શિકાર કરનારા લોકો વિરુદ્ધ આ પ્રકારની નોટિસ આપવામાં આવેલી છે.

8. ગ્રીન કોર્નર નોટિસ
આ નોટિસ એવા લોકો વિશે ચેતવણી આપવા માટે આપવામાં આવે છે કે જેમણે ઘાતકી ગુના કર્યા હોય અને તેઓ ભવિષ્યમાં આવા ગુના ફરી કરી શકે તેવી સંભાવના હોય. આ પ્રકારની નોટિસ વારંવાર યૌનશોષણ કરનારા આરોપીઓને આપવામાં આવે છે.

7. ઈન્ટરપોલ-સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વિશેષ સૂચના
આ પ્રકારની સૂચના એવા સમૂહો અને વ્યક્તિઓને આપવામાં આવે છે જે સંયુક્ત રાષ્ટ્ર સરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિઓના નિશાના પર હોય છે. ઈન્ટરપોલે અત્યાર સુધી આ પ્રકારની 500થી વધારે નોટિસ જાહેર કરી છે. લશ્કર-એ-તૈયબા, તાલિબાન અને અલ-કાયદા જેવા આતંકવાદી ગ્રુપને આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે.

8. ઓરેન્જ કોર્નર નોટિસ
આ પ્રકારની નોટિસ એવા વ્યક્તિ, વસ્તુ, પાર્સલ બોમ્બ, શંકાસ્પદ હથિયાર અને અન્ય ઘાતકી અને વિસ્ફોટક સામગ્રી વિશે સતર્ક કરવા અંગે આપવામાં આવે છે. જેનાથી સાર્વજનિક સુરક્ષાને જોખમ હોય. તાજેતરમાં જ આ પ્રકારની નોટિસ ફ્રાન્સ સરકારની અપીલ પર એક ‘વજન ઉતારવાની ગોળી’વિરુદ્ધ આપવામાં આવી હતી.

X
wich types of Notice are Issued By Interpol

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી