નવી દિલ્હી: ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટ આવતી કાલે સુનાવણી કરશે. આ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી સામે સવાલ ઉભો કર્યો છે કે, પીડિતાના પરિવારે લખેલો પત્ર મળવામાં આટલી વાર કેમ લાગી? પીડિતાના પરિવારે 12 જુલાઈએ જ સીજેઆઈને સંબોધીને પત્રને લખ્યો હતો કે તેમને વારંવાર ધમકી મળી રહી છે અને તેમને જીવનું જોખમ છે. આ પત્ર ઉપર કોઈ એક્શન ન લેવાતા 28 જુલાઈએ પીડિત પરિવારનો એક્સિડન્ટ પણ થયો અને તેમાં પીડિતાની કાકી અને માસીનું મૃત્યુ થઈ ગયું. ત્યારે ખરેખર સવાલ ઉભો થાય છે કે, પીડિત પરિવારે પત્ર લખીને જાણ કરી હોવા છતા 16 દિવસ સુધી કેમ કોઈ એક્શન લેવામાં ન આવી.
નોંધનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પીડિતાના મેડિકલ રિપોર્ટ પણ મેળવી લીધા છે. બુધવારે સુનાવણી દરમિયાન સીનિયર વકીલ વી ગિરિએ કહ્યું છે કે, આ કેસને ઉત્તર પ્રદેશથી ટ્રાન્સફર કરી દેવો જોઈએ. સીજેઆઈએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસેથી જવાબ માંગ્યો છે કે, ઉન્નાવ રેપ પીડિતાના પરિવાર તરફથી 12 જુલાઈ દ્વારા લખવામાં આવેલા પત્રને સામે લાવવામાં આટલી વાર કેમ થઈ. આ ખુલાસો કરવા માટે સીજેઆઈએ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીને એક સપ્તાહનો સમય આપ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારની ભલામણ પછી કેન્દ્ર સરકારે ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે થયેલા રોડ એક્સિડન્ટની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. તપાસ એજન્સીએ કુલદીપ સેંગર સહિત 10 આરોપીઓ સામે કેસ દાખલ કરી દીધો છે. 20 અન્ય લોકો સામે પણ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગુનાહિત કાવતરાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરીમાં પીડિતાની માતાએ અરજી દાખલ કરી હતી
આ વર્ષે જાન્યુઆરીમાં પીડિતાની માતાએ સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસની ઉત્તર પ્રદેશમાં નિષ્પક્ષ તપાસ નથી થઈ રહી તેથી તેને લખનઉની જગ્યાએ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે.
ચાર આરોપીઓએ નોટિસ રિસીવ નથી કરી
પીડિતાની માતાની અરજી પર સુપ્રીમ કોર્ટે 16 ઓપ્રિલે યુપી સરકાર, સીબીઆઈ અને આરોપીઓને નોટિસ આપી હતી.
ગયા સોમંવારે આ કેસ રજિસ્ટ્રાર કોર્ટની સામે આવ્યો અને જોવા મળ્યું કે, ચાર આરોપીઓએ હજી સુધી નોટિસ રિસીવ કરી નથી. તેથી હજી સુધી આ કેસની સુનાવણી થઈ શકી નથી. દરેક આરોપી નોટિસ રિસીવ કરી લે તે પછી જ આ કેસની સુનાવણી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.