નવો મોટર એક્ટ / દંડ ઘટાડનારા CM પરિણામોની પણ જવાબદારી લે: કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી

નીતિન ગડકરીની ફાઇલ તસવીર
નીતિન ગડકરીની ફાઇલ તસવીર

  • ટ્રાફિકમાં રાહતના મુદ્દે પરિવહન મંત્રીએ કહ્યું- લોકોનો જીવ બચાવવાની જવાબદારી મારા એકલાની નથી
  • મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં કાયદો લાગુ કરવાનો ઇનકાર કર્યો 
  • કેજરીવાલ અને પટનાયક ગુજરાત મોડલને અનુસરવાનું વિચારી રહ્યા છે

Divyabhaskar.com

Sep 12, 2019, 02:22 AM IST

નવી દિલ્હી: ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અંગેના દંડમાં ગુજરાત સરકારે 90 ટકા સુધીનો ઘટાડો કર્યા પછી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે લોકોની જિંદગી બચાવવાની જવાબદારી તેમના એકલાની નથી. મુખ્યમંત્રી ઇચ્છે તો તેમના રાજ્યમાં દંડ ઘટાડી શકે છે પરંતુ તેની સાથે જ તેમણે પરિણામોની પણ જવાબદારી લેવી પડશે.

દંડ કરતા લોકોનો જીવ મહત્ત્વનો: ગડકરી
ગડકરીએ કહ્યું કે આ કાયદાનો હેતુ માર્ગ અકસ્માતમાં માર્યા જતા લોકોનો જીવ બચાવવાનો છે. સરકારની આવક વધારવાનો હેતુ ક્યારેય નહોતો. દર વર્ષે માર્ગ અકસ્માતમાં લગભગ દોઢ લાખ લોકો મોતને ભેટે છે. શું એ લોકોની ચિંતા કરવી ન જોઈએ? દંડ કરતા લોકોનો જીવ મહત્ત્વનો છે. તેમણે ઉમેર્યું કે આ કોઈ રાજકીય વિષય નથી. કેન્દ્ર સરકારે બધાની સલાહ લઈને અને સંસદમાં ચર્ચા કર્યા પછી આ કાયદો લાગુ પાડ્યો છે. અકસ્માત ઘટાડવા અને લોકોનો જીવ બચાવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની છે. રાજ્યોએ રાજકીય દબાણમાં આવ્યા વિના પોતાની જવાબદારી અંગે સમજી વિચારીને જ નિર્ણય કર્યો હશે. ગડકરીએ કહ્યું કે લોકોનો જીવ બચાવવો એ તેમનું પ્રથમ કર્તવ્ય છે. પરંતુ માત્ર તેમનું એકલાનું નથી. તેમાં બધાનો સહયોગ જોઈએ. ઉલ્લેખનીય છે કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે નવા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે લોકોને ત્રણ મહિનાનો સમય આપવો જોઈએ.

લોકો કાયદાનું પાલન કરવાનું શરૂ કરે તે માટે રાહત આપી છે: રૂપાણી
મંગળવારે ટ્રાફિક નિયમોની જાહેરાત કરતી વખતે વિજય રૂપાણીએ કહ્યું હતું કે રોજબરોજ બનતાં ગુના માટે માંડવાળ ફી નક્કી કરવા સંવેદનશીલ અભિગમ રાખ્યો છે. અમલમાં આવનારો કાયદો નવો છે અને જાહેર જનતા ઉપર નાણાંકીય ભારણ ઓછું પડે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા શરુ થાય તે માટે સરકારે જૂના કાયદાની સરખામણીમાં નવા કાયદામાં સમતુલા રાખી છે. પરંતુ નિર્દોષ નાગરિકોની જિંદગી અને જાહેર રોડ સલામતી માટે જોખમી હોય તેવા ગુનાઓ જેવાકે પૂર ઝડપે વાહન ચલાવવું, રજિસ્ટ્રેશન વગરનું કે ફિટનેસ વગરનું વાહન ચલાવવું, વિમા વગરનું વાહન ચલાવવું, દારુ અથવા ડ્રગ્સના નશામાં નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવું વગેરે ગુનાઓ માટે મહત્તમ દંડ કરવાનું જાહેર કર્યું છે.

રાજ્ય સરકારો ચિંતાગ્રસ્ત

  • મમતા બેનર્જીનો કાયદો લાગુ કરવા ઇનકાર
  • દિલ્હી, કર્ણાટક, ઉત્તરાખંડ સરકાર પણ ગુજરાત મોડલને અનુસરવાનું વિચારે છે
  • નવીન પટનાયક પણ ફેરફાર કરશે
  • ફડણવીસે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો
  • રાજસ્થાન, મ.પ્ર. કાયદાથી નારાજ
X
નીતિન ગડકરીની ફાઇલ તસવીરનીતિન ગડકરીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી