ન્યૂઝ 360 / આસામમાં ઘુસણખોરોની સમસ્યા : NRC કાગળ પર આસાન છે એટલું જ વ્યવહારમાં મુશ્કેલ છે

The problem of intruders in Assam: NRC is as easy on paper as it is difficult to deal with

  • આઝાદી પૂર્વે આસામ પૂર્વ બંગાળ (આજના બાંગ્લાદેશ)નો હિસ્સો હતું, બંને વિસ્તારો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હજુ ય છે જ
  • ઘુસણખોરીની સમસ્યા સોશિયોઈકોજીયોપોલિટિકલ જેવા બહુરંગી પરિમાણો ધરાવે છે

Divyabhaskar.com

Sep 10, 2019, 06:54 PM IST

નેશનલ ડેસ્કઃ આસામના નાગરિકોની ઓળખ માટે લાગુ કરાયેલ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC)ની યોજના લાગુ કરી ત્યારે તેને જેટલી મહત્વાકાંક્ષી અને અસરકારક ગણાવવામાં આવતી હતી એટલી જ એ યોજના હવે કેન્દ્ર સરકારના ગળાનું હાડકું બની રહી છે. નાગરિકત્વ સુચિનો અંતિમ ડ્રાફ્ટ જાહેર થયા પછી હવે નોટબંધી જેવી સ્થિતિ થઈ છે. નોટબંધી વખતે કાળું નાણું પરત ફરવાનો બહુ મોટો આશાવાદ વ્યક્ત થયો હતો. તેને બદલે જેટલું હતું એ સઘળું બેન્કમાં આવી ગયું અને હિસાબ સરભર થઈ ગયો. છેવટે ખાયા પિયા કુછ નહિ, ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ સર્જાયો. NRC મુદ્દે પણ છેવટે એવો જ ઘાટ સર્જાઈ રહ્યો છે.

આમ જુઓ તો આ યોજના કડકાઈથી લાગુ થાય એ સરવાળે દેશના હિતમાં જ છે. પરંતુ દેશના હિતમાં હોય એ સઘળું વ્યવહારુ રીતે અમલમાં મૂકાય એ પણ એટલું જ આવશ્યક હોય છે. કાળું નાણું પરત આવે એ દેશના હિતમાં જ છે, પણ એ પરત લાવવાની યોજનાઓ ચોક્સાઈભરી હોવી જોઈએ. એમાં અંધારામાં તીર મારીને પછી તીર જ્યાં વાગ્યું હોય ત્યાં કુંડાળા દોરી નાંખવાની રાજનીતિ કામિયાબ ન નીવડે. આસામ સહિતના પૂર્વોત્તર રાજ્યોની ઘુસણખોરી સામે ભાજપ કરતાં ય સવિશેષ તો રા.સ્વ.સંઘનો રોષ બહુ જૂનો (અને સદંતર સાચો) છે. આ ક્ષેત્રમાં સંઘ પરિવારની વિવિધ સંસ્થાઓ લાંબા ગાળાથી કામગીરી કરી રહી છે. એટલે કેન્દ્રમાં ભાજપની મજબૂત સરકાર રચાયા પછી અહીં ઘુસણખોરી ડામવા મક્કમ પગલાં લેવાય એ અપેક્ષિત હતું જ, પરંતુ કમનસીબે એ ફળીભૂત થયું નથી.

NRCની આવશ્યકતા સમજતાં પહેલાં આસામનું સોશિયોઈકોજીયોપોલિટિકલ ફેબ્રિક સમજવું અનિવાર્ય બની જાય છે. આ શબ્દ પોતે જ દર્શાવે છે કે ઘુસણખોરીની સમસ્યા સાથે સમાજકારણ, ભૂગોળ, અર્થકારણ અને રાજકારણ એવા બહુવિધ પરિબળો સંકળાયેલા છે.

સામાજિક, રાજકીય પરિબળઃ

પૂર્વોત્તરના સાત રાજ્યો સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાય છે. એ પૈકી આસામને બાદ કરતાં બાકીના છ રાજ્યો સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુરને આસામ સાથે ઓછો અને પરસ્પર સાથે વધુ સામ્ય છે. એ સામ્ય એ છે કે આ દરેક ટચૂકડા રાજ્યો સ્થાનિક આદિજાતિના પ્રભાવક્ષેત્રો છે. આ જાતિઓ પરાપૂર્વથી અહીં વસે છે અને અહીંના વસ્તીમાનચિત્ર (ડેમોગ્રાફિક મેપ)માં ખાસ બદલાવ આવ્યો નથી. જ્યારે સાત રાજ્યોના આ ઝુંડનું સૌથી મોટું એવું આસામ બહુરંગી વસ્તીચિત્ર ધરાવે છે, જેનાં મૂળિયા પણ ખાસ્સા ઊંડા છે.

આસામના સમાજજીવનને સમજવા માટે એંશીના દાયકાના દિગ્ગજ કોંગ્રેસ અગ્રણી દેવકાન્ત બરુઆએ એક આબાદ શબ્દ આપ્યો હતોઃ અલી, કુલી અને બંગાલી. અલી એટલે બંગાળથી આસામ આવીને વસેલાં મુસ્લિમો. બંગાળમાં મીર જાફર, મીર કાસિમને પ્લાસીના યુદ્ધમાં પરાસ્ત કર્યા પછી રોબર્ટ ક્લાઈવે ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પગદંડો મજબૂત કર્યો અને બંગાળની નવાબી બદહાલ થવા લાગી ત્યારથી નવાબ આધારિત રહેલો બંગાળી મુસ્લિમોનો બહુ મોટો સમૂહ અન્યત્ર સ્થાનાંતરિત થવા લાગ્યો. એ વખતે આસામમાં સ્થાયી થવું એ બંગાળી મુસ્લિમોની પ્રથમ પસંદગી હતી. બંગાળથી આવેલા મુસ્લિમો બ્રહ્મપુત્રના કાંઠાવિસ્તારમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

બીજું પરિબળ એટલે કુલી. 200 વર્ષ પહેલાં અંગ્રેજોએ ચાના બગીચામાં મજૂરીએ જોતરવા માટે હાલના ઝારખંડ, છત્તીસગઢ વિસ્તારના આદિવાસીઓને અહીં વસાવ્યા હતા. આ આદિવાસીઓએ સ્થાનિક બોડો, દારી, સુગ્મા, મેંશી વ. આદિજાતિ સાથે સંબંધો બાંધ્યા અને એ રીતે તેમનું સંખ્યાત્મક પ્રભુત્વ વધ્યું.

ત્રીજો વર્ગ બંગાલી તરીકે ઓળખાય છે એ એક સમયનો કારકૂન વર્ગ છે. અંગ્રેજી શાસન દરમિયાન સરકારી કચેરીઓમાં કામ કરી શકે એવા થોડું-ઘણું ભણેલા, અંગ્રેજી કેળવણી મેળવેલા બંગાળી નિમ્ન મધ્યમવર્ગનો સમૂહ અહીં મોટી સંખ્યામાં વસાવવામાં આવ્યો. આ ત્રણ મુખ્ય વર્ગ ઉપરાંતના સ્થાનિક આદિજાતિઓ એટલે આજનું આસામ. એ સિવાયના દરેક બાંગ્લાદેશથી આવેલા ઘુસણખોરો હોવાનું માનવામાં આવે છે પણ હવે વસ્તીની ભેળસેળ એટલી પેચીદી થઈ ચૂકી છે તેમને ઓળખી શકાય તેમ નથી. આ આપણે NRC અને ઘુસણખોરી સંબંધિત સમસ્યાનું સામાજિક, રાજકિય પાસું જોયું.

ભૌગોલિક પરિબળઃ

હવે વાત કરીએ ભૂગોળની. અત્રે યાદ રહે કે આસામને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આઝાદી પછી મળ્યો છે. બ્રિટિશ શાસન વ્યવસ્થામાં બંગાળ પૂર્વ અને પશ્ચિમ એમ બે હિસ્સામાં વહેંચાયેલું હતું. સામાજિક જાગૃતિના નામે થતી ચળવળો રાજકીય સ્વરૂપ ધારણ કરતી રોકવા બંગભંગનો એ ઐતિહાસિક નિર્ણય લોર્ડ કર્ઝનની દેણ હતો. આસામ એ વખતે પૂર્વ બંગાળ એટલે કે આજના બાંગ્લાદેશનો હિસ્સો હતું.

આઝાદી પછી પૂર્વ બંગાળ પાકિસ્તાનના ભાગે ગયું. પ. બંગાળ યથાવત રહ્યું અને પૂર્વ બંગાળના ભારતના ભાગે આવેલા સરહદી વિસ્તારને ભારતે આસામ નામે નવું રાજ્ય બનાવ્યું. એ વખતે પહેલી વખત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનશીપ યાને NRC લાગુ કરવામાં આવ્યું અને ભારતની નાગરિકતા સંબંધી વ્યાખ્યાઓ, દસ્તાવેજો નક્કી થયા.

જોકે આ માત્ર ઔપચારિકતા જ બની રહી. કારણ કે સાંસ્કૃતિક, ભૌગોલિક દૃષ્ટિએ આ બંને પ્રદેશ કદી વિખૂટા ન પડતાં લોકકથાના પ્રેમીઓ સદેવંત-સાવળિંગા જેવા અભિન્ન છે. આજે પણ સાંસ્કૃતિક વિરાસતની દૃષ્ટિએ પ.બંગાળ કરતાં બાંગ્લાદેશ અને આસામ વચ્ચે વધુ સામ્ય જોવા મળે. આસામ અને બાંગ્લાદેશ વચ્ચે નૈસર્ગિક સરહદ જેવું કશું છે જ નહિ. ઉલટાનું, કુલ 23 સ્થાનો તો એવાં છે જ્યાં ક્યાં ભારત પૂરું થાય છે અને ક્યાંથી બાંગ્લાદેશ શરૂ થાય છે એ વિશે સરકારી તંત્ર પોતે જ ચોક્કસ નથી. સ્વાભાવિક રીતે જ, આવો માહોલ હોય ત્યાં બે દેશના પ્રજાજનો વચ્ચે આપસમાં આર્થિક, સામાજિક વ્યવહાર પણ હોવાના. કારણ કે સરહદ તો રાજકીય દૃષ્ટિકોણથી આવી પડેલો ફાંસલો છે. પરિણામે આસામ અને બાંગ્લાદેશ વચ્ચે આઝાદી પછી પણ નિયમિત રીતે અને પૂરી તલ્લિનતાથી પરસ્પર વ્યવહાર ચાલતો રહ્યો છે. કેટલાંક ગામોમાં પરસ્પર સંતાનોના લગ્નનો ય રિવાજ છે અને આવ-જા તો બહુ જ સામાન્ય ગણાય છે.

સાઠના દાયકા સુધી સૈન્ય પણ આ વ્યવહાર પર ખાસ અંકુશ રાખતું ન હતું. કારણ કે તેનાંથી વધુ સારી રીતે શાંતિ જળવાતી હતી. પરંતુ 1969થી ચિત્ર બદલાવાની શરૂઆત થઈ. પાકિસ્તાને પોતાના પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતા આ હિસ્સા પર દમનખોરી દાખવવા માંડી અને મુજીબુર રહેમાનની આગેવાની હેઠળ પૂર્વ પાકિસ્તાને અલગ રાષ્ટ્રની માગણી કરી. ભારતે એ લડતને વ્યુહાત્મક ટેકો આપ્યો અને એમ પાકિસ્તાનના બે ફાડિયા થયા અને બાંગ્લાદેશનો જન્મ થયો.

બાંગ્લાદેશના જન્મ પછી શેખ મુજીબનું શાસન હતું ત્યાં સુધી બાંગ્લાદેશ ભારતનું ઓશિયાળું રહ્યું. પરંતુ મુજીબની હત્યા પછી લશ્કરી શાસન દાખલ થયું અને કટ્ટરવાદ પાંગર્યો ત્યારે તેમના માટે ભારત મોટોભાઈ મટીને દુશ્મન ગણાવા લાગ્યો. બાંગ્લાદેશમાં રોજગારી ન હતી, સામાજિક સ્થિતિ વિકટ બની રહી હતી. તેની સામે ભારતમાં પ્રગતિની, નોકરીની તકો ઉજળી હતી. આથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ સરહદ પાર કરીને ભારત આવવા માંડ્યા. આઝાદી પછી સતત ચાલુ રહેલો આ ઉપક્રમ સિત્તેરના દાયકામાં સૌથી વધુ હતો.

એટલા માટે જ એંશીના દાયકામાં આસામમાં ભારે હિંસક વિદ્યાર્થી આંદોલનો થયા અને આસામ ગણ પરિષદનો જન્મ થયો. એ વખતે થયેલી આસામ સંધિમાં બીજી વખત NRC નવી શરતો સાથે લાગુ કરવામાં આવી, જેમાં સ્થાયી નાગરિકત્વની કટ ઓફ ડેટ 1971 નક્કી થઈ, જે આજે પણ લાગુ થયેલી છે.

આર્થિક અને રાજકીય કારણઃ

હવે ત્રીજા અને છેલ્લાં પરિબળની વાત કરીએ. બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસી આવેલા લોકોએ શરૂઆતમાં બ્રહ્મપુત્રના કાંઠાની બંજર, રેઢી જમીનો કબજે કરીને ખેતી કરવા માંડી. આથી અલી તરીકે ઓળખાતા મૂળ આસામીઓની રોજીરોટી પર અસર પડી. એ પછી ઘુસણખોરોની સંખ્યા વધી એટલે તે માછીમારી, જંગલ આધારિત મધ-જવની ખેતી જેવા ક્ષેત્રોમાં પડ્યા. આ બાબત આદિવાસીઓની રોજગારીને અસર કરનારી બની. દાયકાઓ વિત્યા પછી ક્રમશઃ સ્થાયીત્વ પામતાં ગયેલાં બાંગ્લાદેશીઓએ સ્થાનિક નોકરીઓમાં પણ હરિફાઈ ઊભી કરી દીધી એટલે બંગાલી તરીકે ઓળખાતો પરંપરાગત આસામી સમુદાય પણ અડફેટે ચડી ગયો. આજે સ્થિતિ એવી છે કે મૂળ આસામીઓનો દરેક વર્ગ તમામ સ્તરે ઘુસણખોરોથી ત્રસ્ત છે, પરંતુ સમયના વિતવા સાથે મૂળ અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત લગભગ ન ઓળખી શકાય એટલી હદે ભૂંસાઈ ચૂક્યો છે.

એક તબક્કે કોંગ્રેસે વોટબેન્કની લાલચે ઘુસણખોરોને પનાહ આપી. એંશીના દાયકાના આંદોલનમાં કોંગ્રેસનો એટલે જ ખો નીકળી ગયો અને તેનાં સ્થાને ગણ પરિષદ સત્તા પર આવી. જોકે એ પછી ય પરિસ્થિતિમાં ખાસ ફરક ન પડ્યો છેલ્લાં બે દાયકાથી બદરુદિન અજમલ નામના સ્થાનિક નેતાની આસામ યુનાઈટેડ ફ્રન્ટ નામની પાર્ટી ઘુસણખોરોની વોટબેન્ક પર કબજો જમાવી ચૂકી છે. ઘુસણખોરોને દસ્તાવેજો પૂરા પાડીને તેમના મત મેળવવાના વેપલામાં છેવટે આસામની શાંતિ અને દેશની સલામતિ સાથે ગંભીર ચેડાં થયા છે.

હવે હાલત એટલી હદે વકરી ચૂકી છે કે NRC અનિવાર્ય હોવા છતાં હવે લગભગ અશક્ય બની ચૂક્યું છે.

X
The problem of intruders in Assam: NRC is as easy on paper as it is difficult to deal with
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી