• Gujarati News
  • National
  • The Four Characters Who Played A Vital Role In The Foundation Of This Major Change In Kashmir

એ ચાર પાત્ર જેમણે કાશ્મીરમાં આ મોટાં પરિવર્તનનો પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સત્યપાલ મલિક, રામ માધવ, બીવીઆર સુબ્રમણ્યમ અને કે.વિજયકુમાર - Divya Bhaskar
સત્યપાલ મલિક, રામ માધવ, બીવીઆર સુબ્રમણ્યમ અને કે.વિજયકુમાર
  • રામે સરકાર રચાવી-પાડી દીધી, વિજય-બીવીઆરની મદદથી ડોભાલે દાવ રમ્યો

નવી દિલ્હી: એ ચાર પાત્ર જેમણે કાશ્મીરમાં આ મોટાં પરિવર્તનનો પાયો નાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

સત્યપાલ મલિક : રાજ્યનો માહોલ સામાન્ય રાખ્યો, કહેતા રહ્યા- કંઈ છુપાવીને નહીં કરીએ

  • સત્યપાલ મલિક ઓગસ્ટ 2018માં રાજ્યપાલ બન્યા. રાજ્યપાલ શાસન વચ્ચે પ્રદેશ સંભાળ્યો અને પરિવર્તન વચ્ચે માહોલ બગડવા ન દીધો.

સત્યપાલ મલિકની જમ્મુ-કાશ્મીર રાજ્યપાલ પદ પર નિમણૂક બે કારણોસર ચર્ચામાં હતી. પહેલી તેનાથી પહેલાં અહીં બ્યૂરોક્રેટ બેકગ્રાઉન્ડના લોકો જ રાજ્યપાલ બનતા હતા. રાજકીય વ્યક્તિનું પદે આવવું એ સંકેત હતો કે કેન્દ્ર કાશ્મીરમાં દફ્તરબંધી રાજનીતિ નહીં, ગ્રાઉન્ડ રિયાલિટી પર આગળ વધવા માગે છે. બીજું કારણ- મલિક ક્યારેય સંઘ સાથે વધારે નજીકના નથી રહ્યા. ભાજપમાં પણ 2004થી જ હતા. તેમની નિમણૂક બાદથી રાજ્યમાં 35-એ પર કેન્દ્ર સરકારની સક્રિયતા સતત વધતી રહી. તમામ ઊઠાપટક અને યોજનાઓ વચ્ચે રાજ્યમાં સ્થિતિ સામાન્ય રાખવાની જવાબદારી સત્યપાલ પાસે હતી. રવિવાર સુધી તે કહેતા પણ રહ્યા કે બધું સામાન્ય છે. બધા લોકો નિશ્ચિંત રહો.

રામ માધવ : જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન કરાવ્યું, માહોલ પક્ષમાં કર્યો, અલગ થઈ ગયા

  • રામ માધવ પ્રેક્ટિકલ એપ્રોચ અપનાવનાર તરીકે ઓળખાય છે. સંઘમાં પોશાક બદલવા ટેક્નો-ફ્રેન્ડલી હોવાની વાત કરતા રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નિયમાવલીમાં એક વાત ખાસ નોંધાયેલી છે - પ્રસિદ્ધિ પરિમુક્ત, એટલે કે પ્રસિદ્ધ કે ચર્ચાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો. તેનું પાલન કરે છે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ. 2014માં તે સંઘથી ભાજપમાં આવી ગયા. આસામમાં તરુણ ગોગોઈનો કિલ્લો ધ્વસ્ત કર્યો. પછી એક સરહદી રાજ્ય જમ્મુ-કાશ્મીમાં ભાજપ-પીડીપી ગઠબંધનથી સરકાર રચાવી. ગઠબંધનનો ઉપયોગ કરી ખીણનો માહોલ પક્ષની તરફેણમાં કર્યુ. પછી તક જોઈ ગઠબંધનથી હટવાનો દાવ રમ્યો જેનાથી કાશ્મીરમાં પરિવર્તનનો પાયો તૈયાર થઈ શકે. સંઘના બેકગ્રાઉન્ડથી આવતા રામ માધવ મીડિયામાં વધારે ચર્ચામાં રહેતા નથી પણ ગત 2-3 વર્ષમાં પાર્ટીનો સંભાવનાશીલ ચહેરો બની ગયા છે.

બીવીઆર સુબ્રમણ્યમ : સરકાર અને સૈન્યદળો વચ્ચે કોઓર્ડિનેશન કાયમ રાખ્યું

  • મનમોહન સિંહના કાર્યકાળમાં સુબ્રમણ્યમ પીએમઓમાં જોઈન્ટ સેક્રેટરી રહ્યા. મોદીના આવ્યા પછી તે એક વર્ષ પીએમઓમાં રહ્યા.

બીવીઆર સુબ્રમણ્યમ જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ એન.એન.વોહરાએ વરિષ્ઠ આઈએએસ અધિકારી બીવીઆર સુબ્રમણ્યમને ગત વર્ષે જૂનમાં બી.બી.વ્યાસની જગ્યાએ નિમણૂક આપી હતી. સુબ્રમણ્યમને નક્સલ મોરચે સફળ અધિકારી તરીકે જોવાય છે. નક્સલ પ્રભાવિત છત્તીસગઢમાં ગૃહ વિભાગનું કામ જોતાં તેમણે સ્થાનિક પોલીસ, અર્ધસૈન્ય દળ અને રાજ્ય સરકારના વિભાગો વચ્ચે સમન્વય બનાવ્યો. તેમની આ છબિએ તેમને કાશ્મીર સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીર પહોંચ્યા તે અજિત ડોભાલના સતત સંપર્કમાં રહ્યા. સિક્યોરિટી ફોર્સ અને બ્યૂરોક્રેટ્સ વચ્ચે સમન્વય સ્થાપિત રાખવાનું કામ કર્યુ.

કે.વિજયકુમાર : જૂન 2018માં ખીણ મોકલાયા, ડોભાલ-રાજ્યપાલ વચ્ચેની કડી બની રહ્યા

  • કે.વિજયકુમાર 2004માં કુખ્યાત ચંદનચોર વીરપ્પનને મારવા માટે રચાયેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ચીફ હતા. ઓપરેશન સફળ થયું હતું.

કે.વિજયકુમાર 1985થી 1990 સુધી રાજીવ ગાંધીને સિક્યોરિટી આપનાર ટીમનો ભાગ રહ્યા. વિજયની કારકિર્દીનો મોટો પડાવ 2004માં આવ્યો જ્યારે તેમને ચંદનચોર વીરપ્પનના આતંકને ખતમ કરવા માટે બનેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સને લીડ કરવા માટે પસંદ કર્યા. વીરપ્પન માર્યો ગયો. 2018માં વિજય જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલના સલાહકાર બનીને પહોંચ્યા. કુમારને કાશ્મીરમાં અજિત ડોભાલની કોર ટીમનો ભાગ મનાય છે. ડોભાલ જેટલીવાર પણ કાશ્મીર આવ્યા, કુમારને મળ્યા. મળીને યોજના બનાવી. કુમારે એક વર્ષમાં રાજ્યપાલ સત્યપાલ મલિક અને અજિત ડોભાલ વચ્ચે કડી તરીકે કામ કર્યુ જેથી યોજના બનાવવાની સાથે સાથે રાજ્યમાં સામાન્ય માહોલ પણ જળવાઈ રહે.