ભાસ્કર ઇન્ટરવ્યૂ / નોકરીવાળા સેક્ટરને મજબૂત કરવા પડશે, તેમને સસ્તું વ્યાજ આપશો તો જ અર્થતંત્ર સુધરશે: ડૉ. મનમોહનસિંહ

ડૉ. મનમોહનસિંહની ફાઇલ તસવીર
ડૉ. મનમોહનસિંહની ફાઇલ તસવીર

  • જીએસટી, નોટબંધીની અસરે પીછો નથી છોડ્યો

Divyabhaskar.com

Sep 12, 2019, 02:45 AM IST

નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ માને છે કે દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે આથી નોકરી આપી શકે તેવા સેક્ટરને મજબૂત કરવા પડશે. ભાસ્કર જૂથના રાજકીય સંપાદક હેમંત અત્રી સાથે તેમણે મોદી સરકારના 100 દિવસ પૂરા થવા નિમિત્તે સરકારની નીતિ અને અર્થતંત્રના પડકારો અંગે વાત કરી. તેમણે આર્થિક હાલત સુધારવા માટે પાંચ પગલા ભરવા કહ્યું. તેમની સાથેની વાતચીતના અંશ...

સવાલ: દેશની આર્થિક હાલત કેવી રીતે સુધરશે?
ડૉ. મનમોહનસિંહ: મોદી સરકારને પૂર્ણ બહુમતિ એકવાર નહીં બેવાર મળી છે. હું જ્યારે નાણામંત્રી કે વડાપ્રધાન હતો ત્યારે આટલો મોટો જનાદેશ નહોતો મળ્યો. તેમ છતાં અમે 1991ના સંકટ અને 2008ના વૈશ્વિક નાણાકીય સંકટને સફળતાપૂર્વક પાર કર્યું હતું. હવે દેશ એક લાંબી આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ સ્ટ્રક્ચરલ અને સાઈકલિકલ બંને છે. પ્રથમ પગલું તો એવું છે કે એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે આપણે સંકટનો સામનો કરી રહ્યાં છીએ. સરકાર તજજ્ઞો અને તમામ સ્ટેક હોલ્ડરની વાત ખુલ્લા મનથી સાંભળે. પરંતુ કમનસીબે મને અત્યાર સુધી મોદી સરકારમાં કોઈ ફોકર્સ એપ્રોચ દેખાતો નથી. મોદી સરકારે હેડલાઈન મેનેજ કરવાની ટેવમાંથી બહાર આવવાની જરૂર છે. આમ પણ ઘણો સમય બરબાદ થઈ ચૂક્યો છે. હવે સેક્ટર પ્રમાણે જાહેરાત કરવા સિવાય સમગ્ર આર્થિક માળખાને એક સાથે આગળ વધારવા પર કામ થવું જોઈએ. તેની પાંચ રીત છે.

  • પ્રથમ - જીએસટીને તર્કસંગત બનાવવો પડશે, ભલે થોડા સમય માટે ટેક્સનું નુકસાન જાય.
  • બીજું - ગ્રામીણ ખપત વધારવા અને કૃષિને પુન:જીવિત કરવા માટે નવા રસ્તા શોધવા પડશે. કોંગ્રેસના ઢંઢેરામાં તેનો નક્કર વિકલ્પ છે જેમાં કૃષિ બજારને મુક્ત કરી લોકોને નાણા આપી શકાય છે.
  • ત્રીજું - મૂડી ઊભી કરવા લોનની અછત દૂર કરવી પડશે. માત્ર જાહેર ક્ષેત્રની બેન્ક નહીં પણ એનબીએફસી સાથે પણ ઠગાઈ થાય છે.
  • ચોથું - કાપડ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ અને નિવાસી મકાન જેવા નોકરી આપી શકે તેવા અગ્રણી ક્ષેત્રને પુન: જીવિત કરવા પડશે. તેમને સરળતાથી લોન આપવી પડશે. ખાસ કરીને એસએમઇને.
  • પાંચમું - આપણે અમેરિકા-ચીનમાં ચાલી રહેલી ટ્રેડવોરને કારણે ખૂલી રહેલા નિકાસ બજારને ઓળખવા પડશે. યાદ રાખવું જોઈએ કે સાઈકલિકલ અને સ્ટ્રક્ચરલ બંને સમસ્યાનું સમાધાન જરૂરી છે. ત્યારે જ આપણે ત્રણ-ચાર વર્ષમાં ઉચ્ચ નિકાસદાર પાછો મેળવી શકીશું.

સવાલ: હાલ આપણે મોદી-2 શાસન પહેલા 100 દિવસની સિદ્ધિઓનું પ્રચાર અભિયાન જોઈ રહ્યા છીએ, ત્યારે તમે દેશના અર્થતંત્ર માટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. શું હકીકતમાં સ્થિતિ ગંભીર છે? આ આર્થિક મંદીમાંથી બહાર નીકળવામાં કેટલો સમય લાગશે?

ડૉ. મનમોહનસિંહ: પોતાના કામની વાત કરવી મોદી સરકારનો વિશેષાધિકાર છે, પરંતુ સરકારે હવે અર્થતંત્રની બેહાલી વિશે ઈનકારની મુદ્રામાં ના રહી શકે. ભારતમાં ચિંતાજનક મંદી છે. છેલ્લા ત્રિમાસિકનો 5% જીડીપી વિકાસ દર છ વર્ષમાં સૌથી ઓછો છે. નોમિનલ જીડીપ ગ્રોથ પણ 15 વર્ષના નીચલા સ્તરે છે. અર્થતંત્રના અનેક મુખ્ય ક્ષેત્ર પ્રભાવિત થયા છે. ઓટોમોટિવ સેક્ટર ઉત્પાદનમાં ભારે ઘટાડો થતા તે સંકટમાં છે. સાડા ત્રણ લાખથી વધુ નોકરીઓ જતી રહી છે. માનેસર, પિંપરી-ચિંચવડ અને ચેન્નાઈ જેવા ઓટોમોટિવ હબમાં આ દર્દને અનુભવી શકાય છે. તેની અસર સંબંધિત ઉદ્યોગો પર પણ છે. વધુ ચિંતા ટ્રક ઉત્પાદનમાં મંદીથી છે, જે માલ અને જરૂરી વસ્તુઓની ધીમી માંગનો સ્પષ્ટ સંકેત છે. સમગ્ર મંદીથી સેવા ક્ષેત્ર પણ પ્રભાવિત છે. છેલ્લા કેટલાક સમયથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સારું પ્રદર્શન નથી કરી રહ્યું, જેના કારણે ઈંટ,સ્ટિલ અને ઈલેક્ટ્રિકલ્સ જેવા ઉદ્યોગોને પણ અસર થઈ છે. કોલસો, કાચું તેલ અને કુદરતી ગેસ ઉત્પાદનમાં ઘટાડા પછી મહત્ત્વના ક્ષેત્રો ધીમા થઈ ગયા છે. ગ્રામીણ અર્થતંત્ર ઉત્પાદનની અપૂરતી કિંમતોથી ગ્રસ્ત છે. 2017-18માં બેકારી 45 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે રહી છે. આર્થિક વિકાસ વધારવાનું વિશ્વસનિય એન્જિન ગણાતી ખપત પણ 18 મહિનાના સૌથી નીચા સ્તરે છે. બિસ્કિટના પાંચ રૂપિયાના પેકેટના વેચાણમાં પણ ઘટાડો થયો તે આ આખી કહાની સારી રીતે બયાં કરે છે. ગ્રાહક લોનની ઓછી ઉપલબ્ધતા અને ઘરેલુ બચતમાં ખપત પણ પ્રભાવિત થાય છે. મારા અંદાજે આ મંદીમાંથી બહાર આવતા થોડા વર્ષો લાગશે, પરંતુ સરકારે સમજદારીથી કામ લેવું જરૂરી છે. આપણે એ ના ભૂલવું જોઈએ કે, નોટબંધીની ભયંકર ભૂલ પછી જીએસટીના અયોગ્ય અમલથી આ મંદી સર્જાઈ છે. આરબીઆઈએ હાલમાં જ એવા આંકડા આપ્યા છે, જેનાથી ખબર પડે છે કે, ગ્રોસ બેંક રિસ્કમાં કન્ઝ્યુમર ગુડ્સનું દેવું 2016ના અંતે એટલે કે નોટબંધી પછી સતત ઘટી રહ્યું છે. આ ડેટાથી અર્થતંત્રની માંગ સંબંધિત મુશ્કેલીઓ પ્રદર્શિત થાય છે.

સવાલ: તમે સતત કહેતા આવ્યા છો કે, નોટબંધી અને ખામીભર્યું જીએસટી હાલના સંકટનું મુખ્ય કારણ છે. પૂર્વ મુખ્ય સ્ટેટિસ્ટિશિયન પ્રણબ સેન પણ એક ઈન્ટરવ્યૂમાં આ વિચાર સાથે સહમતિ દર્શાવી હતી. તમારી નજરે નોટબંધી અને જીએસટીનો અર્થતંત્ર પર ઓવરઓલ પ્રભાવ શું રહ્યો? બંનેએ વેપાર અને રોજગારને કેવી રીતે પ્રભાવિત કર્યા?
ડૉ. મનમોહનસિંહ: હા, સાચી વાત. રોકડ પૈસાની અછતના કારણે સંકટ સર્જાયું છે. ભારતમાં પૂરતું અનૌપચારિક અર્થતંત્ર છે, જે નકદ પર ચાલે છે. તેનાથી એક મોટા હિસ્સામાં કાયદેસરની ગતિવિધિઓ સામેલ છે, જે કર મર્યાદાના દાયરામાંથી બહાર છે અને ફક્ત આ જ કારણથી તેને ‘કાળા’ અર્થતંત્રના હિસ્સાના રૂપમાં ના જોવું જોઈએ. ઉદાહરણ તરીકે, કૃષિ ક્ષેત્રનો જીડીપીમાં હિસ્સો લગભગ 15% છે, જે મુખ્યત્વે રોકડ પર ચાલે છે અને મોટા ભાગે કરમુક્ત છે. કૃષિ અર્થતંત્રને નોટબંધી દરમિયાન સિસ્ટમમાંથી રોકડ અચાનક પાછી ખેંચાઇ જવાથી માઠી અસર થઇ હતી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ જણાવ્યું કે નોટબંધીના તુરંત બાદ જાન્યુઆરી-એપ્રિલ 2017 દરમિયાન બિનસંગઠિત ક્ષેત્રમાં દોઢ કરોડ નોકરીઓ ખતમ થઇ ગઇ. તેના કારણે ગામડાંમાં રિવર્સ માઇગ્રેશન શરૂ થયું અને મનરેગાના કામની માગમાં ઘણી વૃદ્ધિ થઇ. તત્કાલીન નાણા મંત્રીએ મનરેગાને રેકોર્ડ બજેટ ફાળવણીની વાત કરી તે તીવ્ર ગ્રામીણ સંકટનો સ્વીકાર હતો. આપણે યાદ રાખવું જોઇએ કે મનરેગા એક માગ સંચાલિત કાર્યક્રમ છે, જેને લોકો ત્યારે ચૂંટે છે કે જ્યારે તેમની પાસે બીજો કોઇ વિકલ્પ હોતો નથી. આપણે તાજેતરમાં જ જોયું કે કોર્પોરેટ રોકાણ જીડીપીના 7.5%થી ઘટીને જીડીપીના માત્ર 2.7% થઇ ગયું. તે 2010-11માં જીડીપીના 15%ના રૂપમાં ઉચ્ચ સ્તરે હતું. આ દર્શાવે છે કે સંગઠિત ક્ષેત્ર પણ નોટબંધીની અસરથી ન બચ્યું. નાના વ્યવસાય અને એમએસએમઇ ક્ષેત્રને માઠી અસર થઇ. આપણા સૌથી ખરાબ ડર સાચા પડ્યા છે અને નોટબંધીના કારણે વિકાસને થયેલું નુકસાન દીર્ઘકાલીન જણાય છે. એક તરફ જ્યાં નોટબંધીના દુષ્પ્રભાવોની અસર પછી પણ જારી હતી ત્યાં બીજી તરફ સરકારે જીએસટી એટલી ઉતાવળથી અમલી બનાવ્યું કે જેનાથી અર્થતંત્રને બીજો મોટો ફટકો પડ્યો. જીએસટી એક માળખાકીય સુધારો છે, જેને અમે યુપીએ સરકાર દરમિયાન રજૂ કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેથી અમે જીએસટીના સમર્થક છીએ. જોકે, તેને ખરાબ રીતે લાગુ કરાયું. દાખલા તરીકે, એમએસએમઇથી સોર્સિંગને પણ અસર થઇ, કેમ કે મોટી કંપનીઓ એવા સપ્લાયર્સ પાસેથી ખરીદી કરવાનું પસંદ કરતી હતી કે જેઓ જીએસટી રિસિપ્ટ આપી શકે તેમ હતા. અન્ય મામલાઓમાં, આયાતને એ નાની ભારતીય કંપનીઓ પાસેથી સોર્સિંગ પર પ્રાથમિકતા અપાઇ કે જે જીએસટીના દાયરામાં મુશ્કેલીથી આવતી હતી. તેના કારણે આખી સપ્લાય ચેન અવરોધાઇ અને હવે આપણે જોઇ રહ્યા છીએ કે ચીનથી આયાતોનું આપણા બજારોમાં પૂર આવી ગયું છે. વર્તમાન સમયમાં અધિકારીઓ દ્વારા કરદાતાઓની વધતી હેરાનગતિના સમાચાર પણ સતત આવી રહ્યા છે. જટિલ, ઘણા સ્લેબવાળું જીએસટી માળખું, દરોમાં સતત ઘટાડો અને નિયમો બદલવાની સાથે-સાથે પ્રારંભિક પીડાએ નાના અને મધ્યમ વ્યવસાયોને પણ નુકસાન પહોંચાડ્યું છે. નોટબંધી બાદ ક્ષતિયુક્ત જીએસટીએ ખાસ કરીને આપણા સૌથી નબળા શ્રમિકોને રોજગારીની દ્રષ્ટિએ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.

સવાલ: એક તરફ સરકારે વિકાસને વેગ આપવા બેન્કોને ગ્રાહકો અને વેપારીઓ-ઉદ્યોગપતિઓને ઋણ આપવાનો આગ્રહ કર્યો છે. બીજી તરફ તેણે બેન્કોના મર્જરને મંજૂરી આપી દીધી છે. શું બેન્કોના મર્જરથી બેન્કિંગ ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલાશે?
ડૉ. મનમોહનસિંહ: જાહેર ક્ષેત્રની બેન્કોનું મર્જર બેન્કિંગ ક્ષેત્રને સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. સવાલ એ છે કે શું તેના માટે આ યોગ્ય સમય છે? સમયની માગ છે કે નાણાંની તરલતાનો પ્રવાહ સુગમ બનાવાય અને નોન-પરફોર્મિંગ એસેટ્સના પડકારોને દૂર કરવામાં આવે. આ પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે માત્ર મર્જરથી બેન્કર્સનું ધ્યાન એકીકરણના પડકારો પર જ કેન્દ્રિત થઇ શકે છે. મર્જરની પ્રક્રિયા ઘણી જટિલ હોય છે. આપણી બેન્કોને તેમના ટ્રાન્ઝિશન પિરિયડ દરમિયાન મદદ કરવા માટે કોઇ પણ વ્યૂહાત્મક યોજનાનો અભાવ આ સમસ્યાને વધારશે. લાંબા સમયગાળામાં બેન્કોનો વિલય કરવા માટે વર્તમાન પસંદગી અને ક્ષેત્રીય એકાગ્રતાનું જોખમ પણ સામે રહે છે. વિલયનો કોઈપણ લાભ દેખાવામાં વર્ષો લાગી જાય છે. સરકાર એ ધારણા પર વિશ્વાસ કરી રહી છે કે નબળી બેન્કોને મજબૂત બેન્કોમાં વિલય કરીને ખામીઓ દૂર કરી મોટી અને મજબૂત બેન્ક બનાવશે. આવું કરતી વખતે એ પણ સમાન રૂપે સંભવ છે કે નબળી બેન્કો, મજબૂત બેન્કોને પણ પોતાની તરફ આકર્ષી લેશે કેમ કે તેમની પાસે નબળી બેલેન્સ શીટ છે. ખરેખર અમુક મોટી બેન્ક ખુદ અને નબળી ક્રેડિટ પ્રોફાઈલનો અનુભવ કરે છે. વિલય માટે પસંદ કરાયેલી બેન્કોમાં એક વર્તમાનમાં પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક હેઠળ છે અને એક અન્યને તાજેતરમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં હટાવી દેવાઈ હતી. આ બેન્કોની નબળાઈ હવે એન્કર બેન્ક સુધી વધી જશે. તે ઉપરાંત એક મોટી બેન્ક ફક્ત પોતાના આકારના આધાર પર મજબૂત થઇ રહી છે જે જરૂરી નથી. આપણે અત્યાર સુધી 2008ના વૈશ્વિક નાણાંકીય સંકટના તમામ પાઠને નથી શીખ્યા. સાથે સરકાર એ સંરચનાત્મકક મુદ્દાના ઉકેલને રજૂ કરવામાં પણ નિષ્ફળ રહી છે જે જાહેર બેન્કિંગ ક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ દીર્ઘકાલિન નીતિગત સુધારાની જરૂરવાળું ક્ષેત્ર પણ છે. ખરેખર તાત્કાલિક ધ્યાન, અર્થવ્યવસ્થામાં ક્રેડિટ પ્રવાહમાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર હોવી જોઈએ.

સવાલ: શું કોંગ્રેસ પક્ષ રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવી શક્યો છે?
ડૉ. મનમોહનસિંહ: હા, પૂર્ણરૂપે. અમે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી પહોંચવા અને સહાયતા કરવાની નીતિ પર ચાલ્યા છીએ. રાહુલ ગાંધીએ સરકારને આગ્રહ કર્યો કે સરકાર ઉતાવળે જીએસટી લાગુ ના કરે. અમે સરકારને ટેક્સ સ્લેબ અને જીએસટી સંરચનાને તર્કસંગત બનાવવા આગ્રહ કર્યો. દરેક મંચથી આર્થિક વાસ્તવિકતાથી સરકારને વાકેફ કરાવવા અને રચનાત્મક સમાધાન રજૂ કરવાના અમારા નિરંતર પ્રયાસ હતા. આખરે સરકારે અમારા અનેક સૂચનોને માન્યા પણ. જ્યારે સરકારે જમીન સંપાદન કાર્યદા જેવા મહત્ત્વપૂર્ણ લોક હિતૈષી ઉપાયોને ઉલટાવવાનો પ્રયાસ કર્યો તો અમે અમારા વિરોધી સ્ટેન્ડ પર અડગ થઈ ગયા અને સરકારને આખરે અમારું વલણ સમજાયું. એ પણ યાદ રાખવું કે અનેક કાર્યક્રમ જે હવે જીએસટી જેવા છે અમારા વિચાર હતા જેમનો પહેલા ભાજપે વિરોધ કર્યો હતો. આ વિરોધ કરનારામાં ગુજરાતના તત્કાલીક સીએમ મોદી પણ સામેલ હતા. વડાપ્રધાને સંસદમાં મનેરગાની પણ જોરદાર ટીકા કરી પણ હવે એ જોતાં એક સુરક્ષા જાળ તરીકે તે કેટલી મહત્ત્વપૂર્ણ છે સરકારે તેના માટે મોટી રકમ ફાળવી છે.

સવાલ: પોતાની નાણાકીય નીતિ અને આર્થિક મેનેજમેન્ટના સંદર્ભમાં તમે ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળને કેવી રીતે જુઓ છો?
ડૉ. મનમોહનસિંહ: ભાજપ સરકારના પ્રથમ કાર્યકાળનો સ્થાયી વારસો નોટબંધી અને જીએસટી છે જેણે અર્થવ્યવસ્થાના બીજા કાર્યકાળમાં પણ પીછો છોડ્યો નથી. મોદી સરકારનો અન્ય મુખ્ય ફોકસ ફૂગાવાને નિયંત્રિત કરવાનો હતો. એ આપણા ખેતી ક્ષેત્રના ભોગે આવ્યો છે. ખેતી આવક 14 વર્ષના નીચલા સ્તરે જતી રહી છે. ખેતી નિકાસ સંકોચાઇ છે અને આયાત ઝડપથી વધી છે. તેણે સ્થિર મજૂરી અને વપરાશમાં ઘટાડામાં યોગદાન આપ્યું એ પણ ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં. મોદી સરકાર એનપીએ સંકટનો સામનો કરવામાં નબળી હતી જેણે હવે એનબીએફસી ક્ષેત્રને પ્રભાવિત કરી છે. તેના પરિણામે બેન્કોને લોન આપવામાં તકલીફ પડે છે અને ઉદ્યમીઓને લોન લેવા અને રોકાણ કરવામાં રસ રહ્યો નથી. હવે બેન્ક ફ્રોડ પણ વધ્યા છે. આ મોર્ચે મોદી સરકારની વિલંબથી કરાયેલી કાર્યવાહી દેશ માટે મોંઘી સાબિત થઇ છે. જોકે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી પ્રક્રિયા એક મહત્ત્વપૂર્ણ સંરચનાત્મક સુધાર છે. વર્તમાન સ્થિતિમાં આ વિશાળ એમએસએમઈ ક્ષેત્રમાં મદદ નહીં કરી શકે. આર્થિક રૂપે સરકારે રાજકોષીય ફરજ અને બજેટ મેનેજમેન્ટ કાયદા દ્વારા નક્કી લક્ષ્યોને સાધવાનો પ્રયાસ કરવા પર ભાર મૂક્યો પણ તેનાથી સરકારને પેટ્રોલિયમ ઉત્પાદો પર કર અને ઉપકરને આક્રમક રીતે લાગુ કરવા પડ્યા જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી કિંમતોનો લાભ ગ્રાહકોને અપાયો હોત તો કદાચ આપણે એ મંદીથી બચી શકતા જે આજે આપણે અનુભવી રહ્યાં છીએ.

X
ડૉ. મનમોહનસિંહની ફાઇલ તસવીરડૉ. મનમોહનસિંહની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી