આદેશ / સુપ્રીમ કોર્ટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની માહિતી વેબસાઈટ પર રજૂ કરવા રાજકીય પક્ષોને આદેશ કર્યો

Supreme Court orders political parties to submit information on candidates with criminal backgrounds on the website

  • વર્તમાન સંસદમાં 542 પૈકી 233 સાંસદ સામે કેસ થયેલા છે. 159 સાંસદો સામે હત્યા,દુષ્કર્મ,અપહરણના કેસ છે
  • ભાજપના 303 પૈકી 116, કોંગ્રેસના 52 પૈકી 29 સાંસદ સામે કેસ નોંધાયેલ છે

Divyabhaskar.com

Feb 14, 2020, 12:46 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજકીય પક્ષોએ ચૂંટણીના ઉમેદવારોને લગતા ગુનાહિત કેસોની માહિતી તેમની વેબસાઈટો પર આપવી ફરજિયાત છે. દેશમાં પ્રાદેશિકથી લઈ રાષ્ટ્રીયસ્તરે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે અવાર-નવાર આ ચૂંટણીઓમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતારતા હોય છે. રાજકારણના વધી રહેલા આ અપરાધિકરણ અંગે દાખલ એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે આ અંગેની વિગતો વેબસાઈટ પર દેખાડવાની રહેશે. સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને આદેશ આપ્યો હતો કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને શા માટે ટિકિટ આપવામાં આવે છે તે અંગેની જાણકારી વેબસાઈટ પર આપવાની રહેશે.ન્યાયમૂર્તિ રોહિંટન નરીમન અને ન્યાયમૂર્તિ એસ રવિંદ્ર ભટ્ટની ખંડપીઠે એક અરજી પર આ આદેશ આપ્યો હતો.

કેટલાક અરજદારો પૈકી એક ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે કોર્ટ ચૂંટણી પંચને આદેશ કરે કે તે રાજકીય પક્ષો પર દબાણ કરે કે તે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓને ટિકિટ ન આપે. જો કોઈ રાજકીય પક્ષે ગુનેગારને ટિકિટ આપી છે તેવું માલુમ પડે તો ચૂંટણી પંચ તે રાજકીય પક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે રાજકારણના અપરાધિકરણને અટકાવવા માટે એક કાર્યયોજના તૈયાર કરવા ચૂંટણી પંચને શુક્રવારે આદેશ કર્યો હતો. ન્યાયમૂર્તિ આર એફ નરીમાન અને ન્યાયમૂર્તિ રવીન્દ્ર ભટ્ટની બનેલી ખંડપીઠે ચૂંટણી પંચને કહ્યું હતું કે રાજકારણમાં અપરાધીઓના પ્રભૂત્વને ખતમ કરવા માટે એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે. આ અંગે કોર્ટે જવાબ આપવા પંચને એક સપ્તાહનો સમય આપ્યો હતો. બીજીબાજુ ચૂંટણી પંચનું કહેવું છે કે ઉમેદવારો દ્વારા તેમના ગુનાહિત રેકોર્ડને લગતી માહિતી આપવાથી જ આ સમસ્યાનો ઉકેલ આવી શકે નહીં. પંચે કોર્ટના વર્ષ 2018માં આપેલા ચૂકાદાને યાદ અપાવ્યો હતો, જેમાં ગુનાહિત ઉમેદવારોના રેકોર્ડને ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેર કરવા કહેવામાં આવ્યું હતું.

સંસદમાં શું સ્થિતિ છે

દેશની સંસદમાં અત્યારે 43 ટકા સાંસદો પર કેસ છે. એટલે કે 542 સાંસદ પૈકી 233 સાંસદો સામે કેસ નોંધાયેલા છે. આ પૈકી 159 એટલે કે 29 ટકા સાંસદો સામે હત્યા, દુષ્કર્મ અને અપહરણ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.

પક્ષ પ્રમાણે શું સ્થિતિ છેઃ

ભાજપના 303 સાંસદ પૈકી 116 સાંસદો સામે ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના 52 પૈકી 29 સાંસદ સામે ગુનાહિત કેસ થયેલા છે. આ ઉપરાંત લગભગ તમામ પક્ષોમાં કલંકિત સાંસદો છે. BSPના 10 સાંસદ પૈકી પાંચ, JDUના 16 પૈકી 13, તૃણમુલ કોંગ્રેસના 22 પૈકી નવ, CPI (M)ના ત્રણ પૈકી બે સાંસદો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.

અગાઉના ગૃહમાં 185 સાંસદ કલંકિત સાંસદ હતા

અગાઉના ગૃહ એટલે કે 16મી લોકસભામાં 185 સાંસદ સામે કેસ નોંધાયેલા હતા.એટલે કે 34 ટકા સાંસદો સામે કેસ નોંધાયા હતા. 112 સાંસદો વિરુદ્ધ ગંભીર કેસ નોંધાયા હતા.

530 ઉમેદવારોએ જાહેરાત આપી ન જણાવ્યું કે તેમના પર કેટલા કેસ, હાલ 16 સાંસદ છે
2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 8039 ઉમેદવાર હતા. 1440 ગુનાઇત છબિ ધરાવતા હતા. તેમાંથી 530 ઉમેદવારોએ સુપ્રીમકોર્ટના આદેશોની અવગણના કરતા તેમની સામે દાખલ કેસની જાહેરાતો ન આપી. આવા 16 ઉમેદવારો સાંસદ પણ બની ગયા. તેમાં 8 ભાજપ, 5 વાયએસઆર કોંગ્રેસ, 2 ટીએમસી અને 1 લોજપાના છે. સૂત્રો મુજબ 530 કલંકિત ઉમેદવારોએ જાહેરાતના માધ્યમથી આરોપોની વિગત ન આપી પણ પંચ કંઈ ના કરી શક્યું. એક વરિષ્ઠ અધિકારીએ સ્વીકાર્યુ કે સુપ્રીમકોર્ટના આદેશ પછી સૂચનો તો જારી કરાયા પણ પંચ પાસે જાહેરાત ન આપનારા વિરુદ્ધ કાર્યવાહીનો કોઈ અધિકાર નથી. એવામાં સુપ્રીમકોર્ટના આદેશોની સંપૂર્ણ અસર ગ્રાઉન્ડ પર ન દેખાઈ.
જ્યારે મૌલિક અધિકાર સસ્પેન્ડ થઈ શકે તો કલંકિત નેતા કેમ નહીં?
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર એસ.વાય.કુરૈશીએ કહ્યું કે સરકાર બંધારણમાં નોંધાયેલા સ્વતંત્રતા, વાણી, વિરોધ કરવા જેવા મૌલિક અધિકારોને સસ્પેન્ડ કરી શકે છે તો રાષ્ટ્રહિતમાં કલંકિતોના ચૂંટણી લડવાના અધિકારને કેમ સસ્પેન્ડ નથી કરી શકતી? શું સૌથી મોટા લોકતંત્રમાં આ શોભે છે કે તેના એક તૃતીયાંશથી વધુ સાંસદ ગુનાઈત બેકગ્રાઉન્ડ ધરાવતા હોય. ચૂંટણી પંચ એક હદ પછી શક્તિવિહીન છે.

X
Supreme Court orders political parties to submit information on candidates with criminal backgrounds on the website
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી