ચીફ જસ્ટિસે કહ્યું- બાળકોના યૌન શોષણ મામલે સુનાવણી માટે દરેક જિલ્લામાં કોર્ટ હોવી જોઈએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- આ સ્પેશિયલ કોર્ટ 60 દિવસમાં જ બનાવવી જોઈએ
  • સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે, જે જિલ્લામાં પોક્સો સાથે જોડાયેલા 100થી વધારે કેસ હોય ત્યાં આવી કોર્ટ બનાવવી જોઈએ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુરુવારે બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા કેસની સુનાવણી માટે દરેક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટ સ્થાપવાનો નિર્દેષ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કોર્ટ માટે ફંડિગની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે. અહીં માત્ર બાળકોના યૌન શોષણ કેસની જ સુનાવણી કરવામાં આવશે. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, 60 દિવસની અંદર આ પ્રમાણેની કોર્ટ બનાવવાની વ્યવસ્થા કરવી.

સુપ્રીમ કોર્ટે કહ્યું- જે જિલ્લાઓમાં પોક્સો એક્ટ સાથે જોડાયેલા કેસની સંખ્યા 100 કરતા વધારે હોય ત્યાં આ પ્રકારની સ્પેશિયલ કોર્ટની વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. 30 દિવસમાં કેન્દ્ર સરકારે જણાવવું પડશે કે આ કોર્ટની સ્થાપના અને ત્યાંના જજની નિયુક્તિ માટે તેમણે શું યોજના બનાવી છે?

ફોરેન્સિક રિપોર્ટ સમયસર ફાઈલ કરો- સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર નક્કી કરે કે બાળકોના યૌન શોષણ મામલે સુનાવણી માટે સંવેદનશીલ વકીલોની નિમણૂક કરવામાં આવે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફન્સેસ એક્ટ (પોક્સો) અંતર્ગત રાજ્યના મુખ્ય સચિવ નક્કી કરે કે, ફોરેન્સિક રિપોર્ટ સમયસર ફાઈલ થવો જોઈએ.

શક્ય હોય એટલા વધુ લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ- બ્રાયન
આ પહેલાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને રાજ્યસભામાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્શુઅલ ઓફેન્સ (સંશોધન) બિલ 2019ને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું- યૌન શોષણ મામલે શક્ય હોય તેટલા વધુ લોકોએ અવાજ ઉઠાવવો જોઈએ. બાળકોને બેડ ટચ અને ગુડ ડચ વિશે શીખવવું જોઈએ.

બ્રાયને જણાવ્યું કે, મને કહેતા ખૂબ દુખ થાય છે કે 13 વર્ષની ઉંમરમાં કોલકાતામાં બસમાં મારી સાથે યૌન શોષણ થયું હતું. વર્ષો સુધી હું ચૂપ રહ્યો. ઘણાં વર્ષો પછી મેં આ વાત મારા માતા-પિતાને જણાવી. નવા સુધારણા બિલમાં બાળકોના યૌન શોષણના દોષિતો માટે મોતની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આપણે પણ બાળકોને આવી ઘટનાઓ વિરુદ્ધ અવાજ ઉંચો કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ.