પોતે કમાયેલી સંપત્તિ પુત્રને મળે તો તેના સંતાનો પૈતૃક સંપત્તિનો દાવો કરી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર

પવન કુમાર, નવી દિલ્હીઃ રાજ્યના એક સંપત્તિ વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની પીઠે ગુજરાતના આ કેસમાં કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પોતે સર્જેલી સંપત્તિ પુત્રના નામે વસિયત કરે છે, તો તે સંપત્તિ પૈતૃક નહીં પણ પુત્રએ સર્જેલી સંપત્તિ જ ગણાશે. સ્વયં અર્જિત સંપત્તિનો માલિક તે સંપત્તિ પુત્રો સિવાય બીજા કોઈને પણ આપી શકે છે.  સુપ્રીમ કોર્ટે છોટાભાઈ પટેલ વિરુદ્ધ રમણબાઈ માથુરભાઈ પટેલના કેસમાં આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે, વસિયતનામામાં અલગથી ઉલ્લેખ ના કર્યો હોય ત્યાં સુધી પુત્ર કે અન્યને મળેલી સંપત્તિ પૈતૃક ના ગણાય.  ઇચ્છા પ્રમાણે કોઇને પણ સંપત્તિ આપી શકે આ કેસમાં અમારી સામે એ પ્રશ્ન હતો કે, વારસ તરીકે પિતા પાસેથી મળેલી સંપત્તિ છોટાભાઈની પૈતૃક સંપત્તિ હતી કે તેમની પોતાની અર્જિત સંપત્તિ? આ કેસનો જવાબ અમને 1953માં સુપ્રીમ કોર્ટે સીએન મુદલિયાર વિ. સીએ મુરુગનાથ મુદલિયાર કેસના ચુકાદામાંથી મળ્યો છે. તેમાં કહેવાયું છે કે, ભેટ કે વસિયત રૂપે પિતા પાસેથી મળેલી, તેમણે પોતે અર્જિત કેલી સંપત્તિમાં પુત્રનો અધિકાર શું હોય? મિતાક્ષરા ઉત્તરાધિકાર કાયદા પ્રમાણે, આવી સંપત્તિ પુત્રની પૈતૃક સંપત્તિ નહીં પણ સ્વયં અર્જિત સંપત્તિ ગણાશે. આ સંપત્તિને તેઓ ઈચ્છા પ્રમાણે કોઈને પણ આપી શકે છે અને તેની સામે કોઈ વંશજ વાંધો ના ઉઠાવી શકે.  આ કેસના આધારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ પણ સંપત્તિ પિતા તરફથી મળી હોય એટલે પૈતૃત ના ગણાઈ જાય. આ કેસના તથ્યોથી માલુમ પડે છે કે, વાદીઓએ વસિયતનામું કોર્ટમાં રજૂ નથી કર્યું, જેમાં એવો ઉલ્લેખ કરાયો હોય કે સંબંધિત સંપત્તિ પૈતૃક છે કે સ્વયં અર્જિત સંપત્તિ. આશાભાઈ પટેલે આ સંપત્તિ ખરીદી હત અને તેઓ તે કોઈને પણ આપવાનો અધિકાર ધરાવે છે કારણ કે, તે તેમણે અર્જિત કરેલી હતી.  શું છે સમગ્ર મામલો? ગુજરાતના પાદરામાં આશાભાઈ પટેલે 1952માં એક વસિયતનામાના માધ્યમથી સ્વયં અર્જિત સંપત્તિ પોતાના પુત્ર છોટાભાઈ પટેલને આપી હતી. છોટાભાઈના પુત્ર ગોવિંદભાઈ અમેરિકામાં છે. છોટાભાઈના પત્નીનું મૃત્યુ ઓગસ્ટ 1997માં થયું હતું. ત્યાર પછી તેમણે 15 નવેમ્બર, 1997ના રોજ તેમની સાથે વર્ષોથી રહેતા રમણભાઈ માથુરભાઈ પટેલને પ્રોપર્ટી ગિફ્ટ ડીડના રૂપમાં એ સંપત્તિ આપી દીધી. 6 ડિસેમ્બર, 2001ના રોજ છોટાભાઈનું નિધન થયું અને ત્યાર પછી તેમના વારસ ગોવિંદભાઈ અને અન્યોએ નીચલી અદાલતમાં કેસ કર્યો કે, ગિફ્ટ ડીડ પર છેતરપિંડીથી હસ્તાક્ષર કરાવાયા છે. આ અમારી પૈતૃક સંપત્તિ છે, એટલે તે દાન કે ભેટમાં આપવાનો હક છોટાભાઈને હતો જ નહીં કારણ કે, એ નિર્ણય લેતા તેમણે વારસોની સંમતિ જ નહોતી લીધી. નીચલી અદાલતે આ સંપત્તિને પૈતૃક ગણાવીને નિર્ણય ગોવિંદભાઈના પક્ષમાં લીધો. કોર્ટે પણ ઠરાવ્યું કે, છોટાભાઈને સંપત્તિ ભેટમાં આપવાનો હક ન હતો.  એટલે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, જ્યાં 9 ઓક્ટોબર 2017ના રોજ એ સંપત્તિ પૈતૃક ગણવાનો ઈનકાર કરીને નીચલી અદાલતના નિર્ણયને રદ કરાયો. એટલે આ કેસને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.

અન્ય સમાચારો પણ છે...