તમિલનાડુ / 50 હજારનું બિલ જોઇને પંચાયત જાતે જ વીજળી ઉત્પન્ન કરવા લાગી, હવે તેને વેચીને 19 લાખ કમાય છે

ઓડનથુરઇમાં 23 વર્ષ અગાઉ ઝૂંપડાં હતા. હવે પાકા મકાનો થઇ ગયા છે. ઘરોની છત પર સોલર પેનલ લાગેલી છે.
ઓડનથુરઇમાં 23 વર્ષ અગાઉ ઝૂંપડાં હતા. હવે પાકા મકાનો થઇ ગયા છે. ઘરોની છત પર સોલર પેનલ લાગેલી છે.

  • તમિલનાડુની ઓડનથુરઇ દેશની સૌથી સ્વનિર્ભર પંચાયત, દિવસે સૌર અને રાત્રે પવન ઉર્જાથી વીજળી મેળવે છે

Divyabhaskar.com

Sep 16, 2019, 03:16 AM IST

ઓડનથુરઇથી શિવાની ચતુર્વેદી: કોઇમ્બતૂરથી 40 કિ.મી. દૂર ઓડનથુરઇ પંચાયત સ્વનિર્ભર બન્યાની કહાણી અનોખી છે. અહીંના 11 ગામમાં દરેક ઘર પાકું છે. છત પર સોલર પેનલ લાગેલી છે. કોન્ક્રીટના રસ્તા છે. દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા છે અને દરેક ઘરમાં શૌચાલય પણ છે. ઓડનથુરઇ ગ્રામ પંચાયત પોતાની જરૂરિયાતની વીજળી જાતે ઉત્પન્ન કરવા ઉપરાંત તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડને વીજળી વેચે પણ છે, જેનાથી તેને વાર્ષિક 19 લાખ રૂ.ની આવક થાય છે. આવું કરનારી તે દેશની એકમાત્ર પંચાયત છે. તમામ ઘરોમાં વીજળી મફત છે.

1996માં સરપંચ રહેલા આર. ષણમુગમ પરિવર્તનના પ્રણેતા બન્યા
આ વિશેષતાઓના કારણે વર્લ્ડ બેંકના નિષ્ણાતો, દેશભરના સરકારી અધિકારીઓ અને 43 દેશના વિદ્યાર્થીઓ ગામ જોવા આવી ચૂક્યા છે. પરિવર્તનની આ કહાણી 23 વર્ષ અગાઉ શરૂ થઇ હતી. ત્યારે નાના-નાના ઝૂંપડાંવાળા ગામ ગરીબી અને અસુવિધાઓમાં ફસાયેલા હતા. 1996માં સરપંચ રહેલા આર. ષણમુગમ આ પરિવર્તનના પ્રણેતા બન્યા. તેઓ જણાવે છે કે, તે સમયે દર મહિને પંચાયતનું વીજ બિલ 2 હજાર રૂ. આવતું હતું. પછીના એક વર્ષમાં પંચાયતમાં કુવા બનાવાયા, સ્ટ્રીટ લાઇટ લગાવી તો આ બિલ 50 હજાર રૂ. થઇ જતાં ચિંતા વધી ગઇ. આ દરમિયાન જાણવા મળ્યું કે બાયોગેસ પ્લાન્ટમાંથી વીજળી બની શકે છે. ત્યારે વડોદરા જઇને તેની ટ્રેનિંગ લીધી. 2003માં પહેલો ગેસ પ્લાન્ટ લગાવ્યો. તે પછી વીજ બિલ અડધું થઇ ગયું. પછી બે ગામમાં સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ્સ લગાવી. 2006માં ષણમુગમને પવનચક્કી લગાવવાનો વિચાર આવ્યો પણ પંચાયત પાસે માત્ર 40 લાખ રૂ.નું રિઝર્વ ફંડ હતું જ્યારે પવનચક્કી ટરબાઇન 1.55 કરોડ રૂ.ની હતી.

ઘરોમાં દિવસે સોલર પેનલથી અને રાત્રે પવનચક્કીથી વીજળી મળે છે
ષણમુગમે પંચાયતના નામે બેંક લોન લઇને ઓડનથુરઇથી 110 કિ.મી. દૂર 350 કિલોવોટની પવનચક્કી લગાવડાવી. તેની મદદથી આખું ગામ વીજળી માટે સ્વનિર્ભર થઇ ગયું. જોકે, પંચાયતના બીજા 10 ગામના લોકો હજુ પણ રાજ્ય વિદ્યુત બોર્ડ પર નિર્ભર હતા. ત્યારે ષણમુગમે એકીકૃત સૌર અને પવન ઉર્જા પ્રણાલી અપનાવી. દરેક ઘરની છત પર સોલર પેનલ લગાવાઇ. ઘરોમાં દિવસે સોલર પેનલથી અને રાત્રે પવનચક્કીથી વીજળી મળે છે. પંચાયતે બેંક લોન 7 વર્ષમાં ચૂકવી દીધી. હવે વાર્ષિક 7 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે. પંચાયતની જરૂરિયાતો 4.5 લાખ યુનિટમાં પૂરી થઇ જાય છે. બાકીના અઢી લાખ યુનિટ ટીએનઇબીને 3 રૂ. પ્રતિ યુનિટના ભાવે વેચી દેવાય છે. વીજળીમાં સ્વનિર્ભર થતાં ગામની પ્રગતિના અન્ય રસ્તા પણ ખુલી ગયા છે.

વીજળી ઉત્પન્ન કરવાથી અંધકાર દૂર થવા ઉપરાંત જીવનસ્તર પણ સુધર્યું
આજે પંચાયત વીજળી વેચીને વાર્ષિક 19 લાખ રૂ. કમાય છે. આ રકમ 11 ગામના વિકાસકાર્યોમાં વપરાય છે. તેનાથી લોકોનું જીવનસ્તર પણ સુધર્યું છે. રાજ્ય સરકારની સોલર પાવર્ડ ગ્રીન હાઉસ સ્કીમ અંતર્ગત 950 ઘર બનાવાયા છે. અઢી-અઢી લાખ રૂ.ના ખર્ચે આ ઘર 300 ચોરસ ફૂટ જગ્યામાં બન્યા છે.

X
ઓડનથુરઇમાં 23 વર્ષ અગાઉ ઝૂંપડાં હતા. હવે પાકા મકાનો થઇ ગયા છે. ઘરોની છત પર સોલર પેનલ લાગેલી છે.ઓડનથુરઇમાં 23 વર્ષ અગાઉ ઝૂંપડાં હતા. હવે પાકા મકાનો થઇ ગયા છે. ઘરોની છત પર સોલર પેનલ લાગેલી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી