ડીબી ઓરિજનલ / અયોધ્યા કેસઃ હિન્દુ પક્ષના વકીલ સવારે 4 વાગ્યા સુધી તૈયાર કરે છે, મુસ્લિમ પક્ષ રાતે 2 વાગ્યાથી નોટ્સ પર કામ શરૂ કરે છે

Ayodhya case: Hindu party lawyer prepares for 4 o'clock in the morning

  • અયોધ્યા કેસ સાથે 1994થી જોડાયેલા રાજીવ ધવન મુસ્લિમ પક્ષના વકીલ, તેમની સાથે મીનાક્ષી અરોડા, શેખર નાફડે, જફરયાબ જિલાની, નિઝામુદ્દીન પાશા
  • હિન્દુપક્ષના વકીલ કે.પારાશરન, સી એસ વૈદ્યનાથન, રંજીત કુમાર, પી એન મિશ્રા અને હરિશંકર જૈન રોજ 22-22 કલાક સુધી કામ કરી રહ્યાં છે
  • સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ જફરયાબ જિલાનીએ સાંસદ અસદદ્દીન ઓવૈસીના બંગલાને વોર રૂમ બનાવ્યો 

Divyabhaskar.com

Oct 07, 2019, 03:02 PM IST

નવી દિલ્હીથી પ્રમોદ કમાર ત્રિવેદીઃ અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર સમગ્ર દેશની નજર છે. સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠ આ મામલાની 6 ઓગસ્ટથી સતત સુનાવણી કરી રહી છે. ભાસ્કર APPએ આ મામલામાં કોર્ટની કાર્યવાહી સિવાયના અન્ય પાસાઓને જાણવા માટે પક્ષકારો અને વકીલો સાથે વાત કરી છે. તેમાં એ પણ જાણવા મળ્યું છે કે 6 ઓગસ્ટથી આ લોકો માત્ર કોર્ટની જ જીંદગી જીવી રહ્યાં છે. હિન્દુ પક્ષના વકીલ બાબરનામા-આઈન, અકબરી-કુરાન વાંચી રહ્યાં છે, જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ વાલ્મિકી રામાયણ અને સ્કંધ પુરાણ વાંચી રહ્યાં છે.

હિન્દુ પક્ષના વરિષ્ઠ વકીલ સી એસ વૈદ્યનાથન સવારે 4 વાગ્યા સુધી કેસની તૈયારી કરે છે તો મુસ્લિમ પક્ષના રાજીવ ધવન આખી રાત નોટ્સ પર કામ કરે છે. ધવન ઘણી વાર રાતે 2 વાગ્યાથી કેસ નોટ્સ વાંચવાનું અને ઠીક કરવાનું શરૂ કરે છે. સવારે 8 વાગ્યા સુધી સીટ પરથી ઉભા થતા નથી. બાદમાં તે સુપ્રીમ કોર્ટ જાય છે. સાંજે અગામી દિવસની તૈયારી શરૂ કરે છે. આ માત્ર વરિષ્ઠ વકીલોની દિનચર્યા નથી, તેમના સાથીદાર એવા 50 વકીલોનું ખાવા-પીવાનું પણ ઓફિસમાં જ થઈ રહ્યું છે. બંને પક્ષોના વકીલ કોર્ટ અને ઓફિસ સિવાય કોઈ કાર્યક્રમમાં કે કયાંય ફરવા પણ 2 ઓગસ્ટ પહેલા ગયા હતા. 2 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રોજ સુનાવણીની તારીખ 6 ઓગસ્ટ નક્કી કરી હતી. બાદમાં કોર્ટ અને ઓફિસમાં કેસની તૈયારી એ જ તેમની જિંદગી છે. દોઢ મહીનામાં બંને પક્ષોના વકીલ લગભગ 10 લાખ રૂપિયાની બુક્સ ખરીદી ચૂૂક્યા છે. લગભગ 1000 બુક્સના પાનાઓ ફેરવી ચૂૂક્યા છે.

અયોધ્યા મામલામાં જજમેન્ટ જ ચોપડીઓ બરાબર

અયોધ્યા મામલો સંવેદનશીલ હોવાથી આ મામલા સાથે જોડાયેલા તમામ વકીલો વાતચીત કરી રહ્યાં નથી. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ભાસ્કર APP સાથેની વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે કેસના નિર્ણય સુધીમાં નો ઈન્ટરવ્યું. જોકે અમે તેમને જ્યારે કોર્ટની કાર્યવાહી માટેની તૈયારી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે આ વાત તેમને તેમની ટીમ સારી રીતે સમજાવી શકશે. બુક્સના વાંચન પર ધવને કહ્યું કે સાધારણ કેસમાં જ 200 બુક્સ વાંચે છે, તો પછી આ મામલામાં તો જ્જમેન્ટ જ ઘણી બુક્સ બરાબર છે. આ જ હાલત હિન્દુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને, કે.પારાશરન અને હરિશંકર જૈનની છે. જૈન જણાવે છે કે મુસ્લિમ ધર્મને સમજવા માટે સૌૈથી વધુ બુક્સ વાંચવી પડી.

રાતે 4 વાગે ટીમ ઘરે જાય છે, પછીથી ધવન નોટ્સ પર કામ શરૂ કરે છે
અમે દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોની સ્થિત રાજીવ ધવનના ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું કોર્ટથી પરત ફર્યા બાદ સાંજે 6.30 વાગ્યાથી 7 સહયોગીયોની ટીમ કામ કરી હતી અને રાજીવ ધવન તેમને નિર્દેશ કરી રહ્યાં હતા. ધવને પૂછવામાં આવ્યું કે કેસની તૈયારી ક્યાં સુધી કરો છો તો તેમનું કહેવુ હતું કે આ વાત ટીમ જ સારી રીતે કહી શકશે. તેમણે આ અંગે હસતા-હસતા કહ્યું કે ટીમ કદાચ એમ પણ કહી શકે છે કે અમારા બોસ ખૂબ જ ક્રૂર છે. જે પોતે તો સૂતા નથી પરંતુ અમને પણ સૂવા દેતા નથી. રોજ સુનાવણીના કારણે તેમને પણ ખૂબ મહેનત કરવી પડી રહી છે. આજે જ સવારે 4 વાગ્યા સુધી કેસની તૈયારી કરી રહ્યાં હતા.

ધવન ત્રણ રાત સુધી સતત જાગતા રહ્યાં, જરૂરી કામ હતું, પરંતુ બહાર ગયા ન હતા

ધવનને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ તૈયારીમાં શું કરે છે, તો તેમણે ત્રણ મોટી બુક્સ બતાવી અને કહ્યું કે આ જોવો. આ છે જજમેન્ટ લગભગ 10 હજાર પેજના જજમેન્ટને વાંચવું તે પણ તૈયારીનો એક ભાગ છે. ધવનના સહયોગી જણાવે છે કે ગત દિવસોમાં દલીલનો જવાબ બનાવવાનો હતો તો ધવન ત્રણ દિવસ સુધી જાગતા રહ્યાં. સાંજે 6 વાગે કોર્ટમાંથી પરત ફર્યા બાદ અમારું કામ શરૂ થયું. અમે રાતે 2 વાગ્યા સુધી નોટ્સ તૈયાર કરી અને ધવન સરના ટેબલ પુર મૂકી દીધી. બાદમાં સરે નોટ્સના એક-એક શબ્દને વાંચવાનું શરૂ કર્યું. સવારે 9 વાગ્યા સુધી નોટ્સ ફાઈનલ થઈ અને સવારે 10.30 વાગ્યે કોર્ટમાં પહોંચી ગઈ. અમારે તો દિવસે દલીલ કરવાની ન હતી. પરંતુ ધવન સરે 5.15 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી. સાંજે 6 વાગે ફરીથી અમને તેમણે નોટ્સ બનાવવા કહ્યું હતું. આમ સતત ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. એક પારિવારિક કામને લઈને ધવન સરે બહાર જવું પડે તેવું હતું, પરંતુ તે જઈ શકયા ન હતા.

હિન્દુ પક્ષના વકીલ રોજના સરેરાશ 2 કલાક જ ઉંધી શકે છે

હિન્દુ પક્ષના વકીલ કે.પારાશરન, સીએસ વૈદ્યનાથન, રંજીત કુમાર, પીએન મિશ્રા અને હરિશંકર જૈન છે. તેમના સહયોગી જણાવે છે કે જો 37 દિવસ સુધી સતત ચાલેલી સુનાવણીની વાત કરવામાં આવે તો અમે 74 કલાકમાંથી 2 કલાકથી વધુ આરામ કરી શક્યા નથી. માત્ર શનિવાર-રવિવારે 4-4 કલાક સુઈ શકીએ છીએ. રોજ ચાલતી સુનાવણીને કારણે કેસ પર રિસર્ચ અને ધર્મ પર આપવામાં આવેલી દલીલોને ક્રોસચેક કરવી પડે છે. નહિતર પછી સાચા અને ખોટાનો રેફરન્સ કઈ રીતે મળશે. આ કેસ ધર્મ સાથે જોડાયેલો છે તો ધર્મની દલીલને સમજવી, વાંચવી અને નોટ્સ બનાવવી જરૂરી છે. પછીથી અગામી દિવસે દલીલ અને દલીલનો જવાબ બનાવવાનો હોય છે.

37 દિવસથી પૂજા પણ કરી શકયા નથી, પરંતુ બાબરનામા વાંચી રહ્યાં છે

1987થી આ મામલામાં વકીલ તરીકે દલીલ કરતા વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની ઓફિસ ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં છે. અમે તે ઓફસમાં પહોંચ્યા તો તે બાબરનામા વાંચી રહ્યાં હતા. તેમના 5 સહયોગી પણ મુસ્લિમ ધર્મની અલગ-અલગ બુક્સના પાનાઓ ફેરવી રહ્યાં હતા. તેમને પૂછ્યુ તો કહેવા લાગ્યા કે મુસ્લિમ પક્ષની દલીલનો ઉતર આપવાનો છે, આ કારણે તે ત્રીજી વાર બાબરનામા વાંચી રહ્યાં છે. પહેલા તે રોજ બે કલાક પૂજા કરતા હતા. પરંતુ બે મહીનાથી પૂજા પણ કરી શકયા નથી. હવે રામલલાનો કેસ જ પૂજન થઈ ગયો છે.

છેલ્લે 1 ઓગસ્ટે પરિવારની સાથે જમ્યા હતા

હિન્દુ પક્ષના એડવોકેટ હરિશંકર જૈન જણાવે છે કે જેવો કોર્ટે 2 ઓગસ્ટે રોજ સુનાવણી કરવાનો ચૂકાદો સંભળાવ્યો, તેવી જ ઓફિસ વોર રૂમ બની ગઈ. પરિવારની સાથે છેલ્લી વાર બે મહિના પહેલા 1 ઓગસ્ટે જમ્યા હતા. ત્યારથી ઓફિસમાં જ ટિફિન મગાવી લે છે અને સહયોગીઓની સાથે કેસની તૈયારી કરતા-કરતા જમે છે. કોર્ટના લન્ચ ટાઈમમાં પણ 15 મિનિટમાં ફ્રેશ થઈને કેસની તૈયારી કરવા લાંગે છે. કાર્યક્રમમાં હાજરી આપવી એ વાત તો દૂરની છે, તેઓ કોઈ પરિવારજનોને પણ મળી શકયા નથી. જ્યારે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનના સહયોગી જણાવે છે કે અમારું ખાવ-પીવાનું પણ નહિ, પાર્ટી પણ ધવન સાહેબની ઓફિસમાં જ થઈ રહી છે. ધવન સાહેબે તો સુપ્રીમ કોર્ટમાં પણ કહ્યું હતું કે રોજ સુનાવણી થઈ રહી છે તો સહયોગીઓને ઘરે પાર્ટી પણ આપવી પડે છે.

6 ઓગસ્ટથી ઘરે ગયા નથી
1986થી લખનઉ કોર્ટમાં આ મામલાની વકીલાત કરતા વરિષ્ઠ વકીલ જફરયાબ જિલાનીનો વોર રૂમ છે કે હૈદરાબાદથી સાંસદ અસુદુદ્દીન ઓવૈસીનો દિલ્હી સ્થિત બંગલો. જ્યારે અમે પટેલ ચોક સ્થિત ઓવૈસીના બંગલાએ પહોંચ્યા તો જિલાની વાલ્મિકી રામાયણમાંથી કેસ માટે તથ્ય શોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે કાલે અમારે(મુસ્લિમ પક્ષ) જવાબ રજૂ કરવાનો છે, આ કારણ તૈયારી કરવામાં આવી રહી છે. તેઓ જણાવે છે કે રાજીવ ધવન તો ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તે બુક્સ ખૂબ જ વાંચે છે. જિલાની જણાવે છે કે જ્યારથી આ કેસની સુનાવણી શરૂ થઈ છે ત્યારથી અમે દિલ્હીમાં છીએ. ઘરે જવાની વાત તો દૂર રહી, ઘરના સભ્યોને તબિયત પણ પૂછી શકાતી નથી.

રાજીવ ધવન કોઈ પણ ફી વગર વકીલ તરીકે હાજર રહે છે

જફરયાબ જિલાની જણાવે છે કે રાજીવ ધવન અમારા કેસ સાથે 1994માં જોડાયા હતા. ત્યારથી અત્યાર સુધી તે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર વકીલાત કરે છે. અમે એક વખત તેમના સહાયક વકીલને રૂપિયા આપ્યા તો ધવન સાહેબે પરત આપી દીધા. આ મામલામાં રાજીવ ધવન જણાવે છે કે તેમને રૂપિયાનો એવો કોઈ પ્રેમ નથી. તે રૂપિયાથી કામ કરનારાઓ જેવો વ્યવહાર કરતા નથી. એ વાત સાચી છે કે એક વાર મુસ્લિમ પક્ષે પૈસા આપવાનો પ્રયાસ કર્યો હતો તો મે સ્પષ્ટ ઈન્કાર કરવાની સાથે લખીને આપ્યું હતું કે હું પૈસા પરત કરી રહ્યો છું, જેથી રકમ યોગ્ય જગ્યાએ પહોંચી જાય.

વકીલનો દાવો- અરબ દેશોમાંથી ફીસ આવે છે

હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન જણાવે છે કે તેમણે 1989માં લખનઉથી આ કેસની વકીલાત શરૂ કરી હતી, પરંતુ આજ સુધી કોેઈ પૈસા પણ લીધા નથી. તે કહે છે કે અમે તો રામ માટે લડી રહ્યાં છે તો પૈસા કઈ રીતે લઈ શકીએ છીએ. અન્ય વકીલોની ફીસ અંગે હરિશંકર જૈન કહે છે કે બંને પક્ષોના જે વ્યવસાયિક વકીલ છે, તે તો ફીસ લઈ રહ્યાં છે. ફીસ પક્ષકાર જ આપે છે. કેટલીક ફીસ પાકિસ્તાન, અરબ દેશોથી આવે છે તો કેટલીક હિન્દુસ્તાનીઓ આપે છે.

25 વકીલોએ 2 ઓગસ્ટથી નવો કેસ લીધો નથી

હિન્દુ-મુસ્લિમ પક્ષકારોના વરિષ્ઠ વકીલ અને તેમના સહયોગી વકીલે ઓગસ્ટથી કોઈ કેસ નવો લીધો નથી. તે જણાવે છે કે કેસ લેવો તો અલગ વાત છે અમારી પાસે ક્લાયન્ટ સાથે વાત કરવાનો પણ સમય નથી. જે કેસ પહેલેથી હતા, તેમાં તારીખ લીધી છે અથવા તો બીજા વકીલને ટ્રાન્સફર કર્યા છે.

બાબરનામા-કુરાનને ત્રીજી વાર વાંચી રહ્યો છે

મુસ્લિમ ધર્મ પર દલીલ કરવી હોય તો તેમના ધર્મનો અભ્યાસ કરવો જરૂરી છે. હું આ ત્રીજી વખત બાબરનામા વાંચી રહ્યો છું, કારણ કે બાબરી મસ્જિદનો મામલો બાબર સાથે જોડાયેલો છે. આ સિવાય છેલ્લી 37 સુનાવણીમાં જેટલા મુસ્લિમ શાસકોનો ઉલ્લેખ કર્યો, તેમની ધાર્મિક કટ્ટરતાને સમજવા માટે અકબર, જહાંગીર, હુમાયુંની બુક્સ વાંચવી જરૂરી છે.

- હરિશંકર જૈન, વકીલ, સુપ્રીમ કોર્ટ, હિન્દુ પક્ષકાર

વાલ્મિકી રામાયણથી લઈને સ્કંધ પુરણ પણ વાંચ્યું

હિન્દુ ગ્રંથોને ખૂબ જ વાંચ્યા અને હવે રોજ સુનાવણી થઈ રહી છે તો પણ વાંચી રહ્યાં છે. જ્યારે હિન્દુ પક્ષકારો તરફથી દલીલ રામાયણ અને સ્કંધ પુરાણ પર કરવામાં આવે છે તો તેનો જવાબ આપવા માટે તે જ ગ્રંથ વાંચીએ છીએ.

- જફરયાબ જિલાની, વરિષ્ઠ વકીલ, સુપ્રીમ કોર્ટ, મુસ્લિમ પક્ષકાર

આ પણ બાકી કેસની જેમ

હજારો પેજના જજમેન્ટ અને રોજ સુનાવણી થાય છે તો 200 બુક્સ વાંચવી એ સામાન્ય બાબત છે. આ કેસમાં બુક્સની સંખ્યા ત્રણથી ચાર ગણી થઈ ગઈ છે. અમારી ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. બાકી અન્ય કેસોની જેમ આ પણ એક કેસ છે.

- રાજીવ ધવન, વરિષ્ઠ વકીલ, સુપ્રીમ કોર્ટ, મુસ્લિમ પક્ષકાર

X
Ayodhya case: Hindu party lawyer prepares for 4 o'clock in the morning
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી