સંસદ / કર્ણાટક-ગોવામાં રાજકીય સ્થિતિના મુદ્દે સોનિયા-રાહુલનું પ્રદર્શન, લોકશાહી બચાવોના સૂત્રોચ્ચારો કર્યા

Rahul Gandhi in Lok Sabha discussion on Budget 2019 updates

  • ગત દિવસોમાં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે

  • ગોવામાં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યો બુધવારે ભાજપમાં સામેલ થઈ ગયા

  • રાજ્યસભમાં ચિદમ્બરમે કહ્યું- રાજકીય અસ્થિરતાથી અર્થવ્યવસ્થા નબળી પડશે

Divyabhaskar.com

Jul 11, 2019, 03:12 PM IST

નવી દિલ્હી: કર્ણાટક અને ગોવાની રાજકીય સ્થિતિને લઈને ગુરૂવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો. કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે રાજકીય અસ્થિરતાની અસર રાજ્યોમાં રોકાણ પર પડી શકે છે જેનાથી દેશની અર્થવ્યવસ્થાન નીચે જશે. આવનારા દિવસોમાં લોકશાહી પર ખતરો વધી રહ્યો છે. આ પહેલાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષે સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમાની સામે પ્રદર્શન અને સૂત્રોચ્ચારો કર્યાં. વિપક્ષી નેતાઓના હાથમાં લોકતંત્ર બચાવો બેનર હતા.
કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના 16 ધારાસભ્યોના રાજીનામાને કારણે કુમારસ્વામીની ગઠબંધન સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે બળવાખોર ધારાસભ્યોને નિર્દેશ આપ્યાં છે કે ગુરૂવારે સાંજે 6 વાગ્યે વિધાનસભા સ્પીકરને મળે અને આજે જ સ્પીકર રાજીનામા અંગે પોતાનો નિર્ણય કોર્ટને જણાવે. બીજી બાજુ બુધવારે કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે.

ચિદમ્બરમે રાજ્યસભામાં કહ્યું, "હું ઈચ્છતો હતો કે ખુશીના વાતાવરણમાં બોલું. હું માત્ર એટલા માટે નિરાશ છું કેમ કે કાલે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ, પરંતુ આવનારા દિવસોમાં લોકશાહી પર ખતરો વધી રહ્યો છે. આ વાતથી પણ દુઃખી છું. ગત દિવસોમાં કર્ણાટક અને ગોવામાં શું થયું, બધાંએ જોયું. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. વિદેશી રોકાણકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રાજકીય અસ્થિરતા જે સાંભળશે અને વાંચશે તેની અસર અર્થવ્યવસ્થા પર પડશે."

દેશના ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ: રાહુલ ગાંધી
લોકસભામાં કોંગ્રેસ સાંસદોએ ખેડૂતોની સ્થિતિ વિશે ચર્ચા કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા સંસદીય વિસ્તાર વાયનાડમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. અહીં 8 હજાર ખેડૂતોને લોન ન ચૂકવી હોવાથી નોટિસ આપવામાં આવી છે અને કેરળમાં 18 ખેડૂતોએ આત્મહત્યા કરી છે કારણકે તેઓ બેન્કની લોન ચૂકવી શક્યા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ખેડૂતોને ખૂબ ઓછા પૈસા આપ્યા છે જ્યારે અમીરોને ખૂબ વધારે આપ્યા છે. આવું બમણુ વલણ કેમ? સરકાર મટે ખેડૂતો કરતા અમીરો વધારે મહત્વના કેમ છે? રાહુલ ગાંધીએ સરકાર પાસે માંગણી કરતા કહ્યું છે કે, આરબીઆઈને નિર્દેશ આપે અને ખેડૂતોને ધમકાવવાનું બંધ કરે. દેશમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે, તે માટે સરકારે કોઈ પગલાં લેવા જોઈએ.

ખેડૂતોની દયાજનક સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર: રાજનાથ
લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન વિશે સીનિયર નેતા રાજનાથ સિંહે કહ્યું કે, ખેડૂતોની દયાજનક સ્થિતિ 4-5 વર્ષમાં નથી થઈ. જે લોકોએ લાંબા સમયથી સરકાર ચલાવી છે તેઓ આ માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર આવ્યા પછી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. જેટલા ટેકાના ભાવ અમારી સરકારમાં વધ્યા છે તેટલા કોઈ સરકારમાં નથી વધ્યા. રાજનાથ સિંહે કહ્યું કે, દરેક ખેડૂતોને રૂ. 6 હજાર પેન્શન આપવાનું પણ અમારી સરકારમાં નક્કી કરવામાં આવ્યું છે. ખેડૂતોની સૌથી વધારે આત્મહત્યા આ પહેલાંની સરકારના સમયમાં થઈ છે અને તે વાત હું દાવા સાથે કહી શકુ છું.

દેશમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, બેરોજગારી વધી: ચિદમ્બરમ

રાજ્યસભામાં ચિદમ્બરમે કહ્યું હતું કે, એનડીએ પહેલીવાર સત્તામાં આવી ત્યારથી દેશની અર્થવ્યવસ્થા સતત નબળી પડી રહી છે. કૃષિ ક્ષેત્રે પણ ઘટાડો થયો છે અને દર વર્ષે દેશમાં 10 હજાર ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે 800 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે, અમારી સરકાર ગયા પછી નિકાસમાં સતત 4 વર્ષ સુધી ઘટાડો થયો છે. માત્ર 2018માં નિકાસમાં થોડો સુધારો થઈ શક્યો છે. બેરોજગારી સતત વધી રહી છે અને બીટેક કરનાર વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી.

બજેટ વિશે ચર્ચા કરતાં ચિદ્મ્બરમે કહ્યું કે, હું એટલા માટે દુખી નથી કારણકે કાલે ભારત મેચ હારી ગયું પરંતુ એ કારણથી દુખી છું કારણકે રોજ લોકતંત્ર પર એક ધબ્બો લાગી રહ્યો છે. કર્ણાટક અને ગોવામાં જે થઈ રહ્યું છે તે લોકોની સામે જ છે. અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. વિદેશી રોકાણકારો અને રેટિંગ સંસ્થાઓ કદાચ ભારતીય ન્યૂઝ પેપર અને ટીવી ચેનલ નથી જોતા. કારણકે દેશની રાજકીય સ્થિતિની ખરાબ અસર અર્થવ્યવસ્થા પર થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકારને એવું લાગે છે કે, તેઓ આ બધુ કરીને તેમનું રાજકીય લક્ષ્ય મેળવવા માંગે છે પરંતુ હકીકતમાં તેઓ દેશની આર્થિક સ્થિતિને ઘણું નુકસાન કરી રહ્યા છે અને લોકતંત્રના માળખાને પણ નુકસાન પહોંચાડે છે.

X
Rahul Gandhi in Lok Sabha discussion on Budget 2019 updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી