ભાસ્કર ઓરિજિનલ / વિશ્વના સૌથી લોકપ્રિય શિક્ષક હરારીએ કહ્યું- ટેકનોલોજી માણસને હેક કરી દેશે, કોઈ નોકરી 5 વર્ષ પણ નહીં ચાલે

માર્ક ઝુકરબર્ગ અને પ્રો. યુવાલ નોઆ હરારીની ફાઇલ તસવીર
માર્ક ઝુકરબર્ગ અને પ્રો. યુવાલ નોઆ હરારીની ફાઇલ તસવીર

  • શિક્ષક દિને પ્રોફેસર હરારીનો ઇન્ટરવ્યૂ, તેમનાં પુસ્તકોની 2 કરોડ નકલો વેચાઈ ચૂકી છે
  • ઝુકરબર્ગ, લેગાર્ડથી લઈ હોલિવૂડ સેલિબ્રિટી સહિતના તેમનો ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે

Divyabhaskar.com

Sep 05, 2019, 03:43 AM IST

નવી દિલ્હી: ઇઝરાયલાની હીબ્રુ યુનિવર્સિટીમાં પ્રો. યુવાલ નોઆ હરારી એવા શિક્ષક છે કે જેનો ઇન્ટરવ્યૂ ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગ, આઈએમએફના માજી વડા ક્રિસ્ટીન લેગાર્ડ અને વિખ્યાત અભિનેત્રી નતાલી પોર્ટમેન સહિતના લોકો લઈ ચૂક્યા છે. 1976માં જન્મેલા હરારીના સૈમ્પિયન્સ, હોમો ડાયસ અને 21 લેસન્સ ફોર્મ 21 સેન્ચ્યુરી જેવા તેમના પુસ્તકોની બે કરોડ નકલો વેચાઈ ચૂકી છે. ભાસ્કરના રિતેશ શુક્લાએ ટેકનોલોજી, રોજગારી અને માણસના ભવિષ્ય અંગે તેમની સાથે વાતચીત કરી.

સવાલ: ટેકનોલોજી દુનિયાને બદલી રહી છે. એવામાં રાજકીય રાષ્ટ્રવાદ ક્યાં સુધી ચાલી શકશે?
પ્રોફેસર હરારી: પરમાણુ યુદ્ધ, પર્યાવરણ નબળું પડવું અને ટેકનોલોજી માણસ સામે ત્રણ સૌથી મોટા પડકાર બની ચૂક્યા છે. તમામ દેશ મળીને પ્રથમ બે પડકારોનો તો સામનો કરી શકે છે પણ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ અને બાયો એન્જિનિયરિંગ વૈશ્વિક વ્યવસ્થા, જોબ માર્કેટ સહિતની વસ્તુ આપણા મગજમાં ખળભળાટ મચાવી દેશે. અમેરિકા, ચીન, ભારત જેવા મોટા દેશો મળીને રોબોટ અને જેનેટિકલી એન્જિનીયર સુપર હ્યુમન્સના ઉત્પાદનને નિયંત્રિત કરવું પડશે. એવામાં રાષ્ટ્રવાદનું વૈશ્વિકીકરણ જરૂરી બની જાય છે.

સવાલ: જો નવી ટેકનોલોજી અને આતંકીઓના હાથમાં આવી જાય તો?
પ્રોફેસર હરારી: એ જોખમ તો છે કે આતંકીઓના હાથમાં નવી ટેકનોલોજી આવી જશે. ઇતિહાસમાં નોંધ છે કે ઉગ્રવાદીઓએ હંમેશાં મહિલા અને નબળાં પર અત્યાચાર કર્યા છે. જો જેનેટિકલી એન્જિનિયરિંગથી મનુષ્યને ફેક્ટરીમાં ઉત્પન્ન કરવાનું શરૂ કરવામાં આવે તો મહિલાની જરૂરિયાત જ ખતમ થઈ જાય. ધાર્મિક ઉગ્રવાદીઓને ટેકનોલોજીથી બચાવવા જરૂરી છે. વૈશ્વિક સહયોગ વગર તેનો મુકાબલો આસાન નહીં હોય.

સવાલ: જો માણસ મશીનથી હારે તો અર્થતંત્ર અને નોકરીમાં તેની શું ભૂમિકા હશે?
પ્રોફેસર હરારી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે માણસની બુદ્ધિને પણ પાછળ છોડી છે. ભવિષ્યમાં જૂના રોજગાર અસ્તિત્વ ગુમાવી દે છે. ઓટોમેશન ટેકનોલોજીને કારણે જેટલી ઝડપથી નોકરીઓ ઊભી થશે એટલી જ ઝડપથી ખતમ પણ થશે. સૌથી મોટી ચિંતા એ હશે કે લોકો ત્રણથી પાંચ વર્ષમાં જૂની નોકરી ચાલુ રાખી પોતાને નવી નોકરી માટે કેવી રીતે તૈયાર કરશે? આજની શિક્ષણ વ્યવસ્થા આના માટે તૈયાર નથી. બધાએ સતત નવી ચીજ શીખવી પડશે. એવું નહીં થાય તો વસ્તીનો મોટો એક હિસ્સો બિનઉપયોગી બની જશે.

સવાલ: ભવિષ્યની શાળા અને શિક્ષક કેવા હશે?
પ્રોફેસર હરારી: ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે કે જે નોકરી આજે છે તે બે વર્ષ રહેશે કે નહીં એ કહેવું મુશ્કેલભર્યું છે. ઇન્ટરનેટ આવવાથી
શાળામાં પણ શિક્ષકોની જરૂરિયાત રહેશે કે નહીં એ કહેવું મુશ્કેલભર્યું છે. જો આવનારા સમયમાં એવું થઈ જાય કે બાળકો પોતાના સ્માર્ટ ફોન પર વિશ્વના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણે અને સ્માર્ટ ફોન પર જ પરીક્ષા આપી રિઝલ્ટ મેળવે તો આવનારા સમયમાં શાળા કે શિક્ષકોનું અસ્તિત્વ બચશે? આ એક એવો પ્રશ્ન છે કે તેના પર હજુ પણ સમાજની દૃષ્ટિ જઈ રહી નથી. એકવાત નક્કી છે કે આવનારા સમયમાં જે બે ચીજ શીખવાની સૌથી વધુ જરૂર પડવાની છે તે - ભાવનાત્મક શક્તિ અને પરિવર્તન સામે ઝઝુમવાનું મનોબળ. જો તેમાં ખામી રહી જશે તો કોઈના પણ માટે ટકી રહેવું મુશ્કેલભર્યું હશે.

સવાલ: શું ટેકનોલોજી લોકશાહીને નબળી પાડશે?
પ્રોફેસર હરારી: ટેકનોલોજી દરેક રાજકીય પરંપરાને નિષ્ક્રિય કરી શકે છે. લોકશાહી હોય, સમાજવાદ હોય કે પછી મૂડીવાદ. 21મી સદીમાં ટેકનોલોજી તો મનુષ્યને પણ હેક કરી શકે છે. અહીં હેકનો મતલબ છે કે હવે કમ્પ્યુટર પોતાના યુઝર્સને એટલી સારી રીતે જાણવા લાગશે કે તે યુઝર્સ પોતે પણ પોતાને નહીં જાણતા હોય. આ ટેકનોલોજીથી કોઈ સરકાર કે કંપની આપણી પાસે એવો નિર્ણય લેવડાવી શકે છે કે જે આપણો ના હોય પણ તેમના ફાયદાનો હોય.

સવાલ: શું ત્રીજું વિશ્વયુદ્ધ 21મી સદીમાં સંભવ છે? જો થશે તો કારણ શું હશે?
પ્રોફેસર હરારી: આમ તો આજે ઇતિહાસના સૌથી શાંત યુગમાં આપણે જીવી રહ્યાં છીએ. નાનું-મોટું યુદ્ધ વિશ્વના કોઈને કોઈ ખૂણામાં થઈ રહ્યું છે પરંતુ વિશ્વનો મોટો હિસ્સો યુદ્ધથી મુક્ત છે. પ્રાચીન સમયમાં 15 ટકા મોત માનવીય હિંસાને કારણે થતા હતા. આજે આ સંખ્યા 1.5 ટકા પર આવી ગઈ છે. હવે હિંસાથી અનેકગણા મોત વધુ ખાવાથી કે જાડાપણાને કારણે થાય છે. એ કહેવું ખોટું નહીં હોય કે આજે ખાંડ દારૂગોળાથી વધુ ખતરનાક છે. 1945માં પૂરા થયેલા બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં મોટા યુદ્ધ અટકી ગયા. એવું નથી કે ધરતી પર દેવતાનો વાસ થયો છે પણ એટલા માટે કે માણસોએ સમજી-વિચારીને નિર્ણય કર્યો છે. એ વાતની કોઈ ગેરંટી નથી કે ભવિષ્યમાં પણ સમજી વિચારીને નિર્ણય લેવાશે. આપણે ક્યારેય માનવીય બેવકૂફીને અવગણવી જોઈએ નહીં. કારણ કે ઇતિહાસમાં માનવીય બેવકૂફીથી વધુ શક્તિશાળી કશું થઈ રહ્યું નથી. જો યુદ્ધ થાય તો તેનું કારણ બેવકૂફી ઉપરાંત અન્ય કંઈ નહીં હોય. જો એમ પૂછવામાં આવે કે એ બેવકૂફી શું હશે તો તેનો જવાબ આપણને પ્રથમ બે વિશ્વયુદ્ધમાંથી મળી શકે છે. જો કેટલાક શક્તિશાળી બેવકૂફોને એવું લાગે કે યુદ્ધ વેપારથી પણ વધુ ફાયદાકારક છે તો અનેક સમજદાર ભેગા મળીને પણ યુદ્ધ રોકી શકશે નહીં.

સવાલ: ...તો આપણી પાસે ઉપાય શું છે?
પ્રોફેસર હરારી: ઉપાય મુશ્કેલ અને લાંબો છે. હવે સંભવ નથી કે સમગ્ર જીવન કોઈ એક ધાર્મિક ગ્રંથના સહારે નીકળી જાય. આજના સમયમાં ઘણા બધા પુસ્તકો બધાએ જલ્દી-જલ્દી વાંચવાની જરૂર છે. માત્ર વાંચવાથી કામ નહીં ચાલે. મેડીટેશન જેવી ક્રિયાનો પણ ભરપૂર લાભ લેવો પડશે જેથી આપણે આપણા મગજ અને શરીરને હેક કરતા બચાવી શકીએ. હું પોતે રોજ બે કલાક ધ્યાન કરું છું અને દર વર્ષે લગભગ 2 મહિના વિપશ્યના કરું છું. આજે આપણે બહુ સતર્ક રહેવાની જરૂર છે કે આપણે આપણા વિશે કઈ વાતો જાહેર કરી રહ્યાં છીએ. આજે આપણે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર આપણી પસંદ કે નાપસંદ વસ્તુ રજૂ કરીએ છીએ. હકીકતમાં આપણે આપણા વિશેનો ડેટા ફ્રીમાં દાન કરી રહ્યાં છીએ. હકીકતમાં તો આપણા ડેટાને બચાવવાની જરૂર છે. જો શક્ય હોય તો આપણે દરેક સંભવ ઉપાય કરવો જોઈએ કે પસંદ-નાપસંદ અંગે નેતા અને કોર્પોરેટ ભ્રમમાં રહે.

મનુષ્યને હેક કરવા માટે ત્રણ ચીજ જરૂરી છે - 1. બાયોલોજિકલ જ્ઞાન 2. વ્યવહારથી જોડાયેલા ડેટા અને 3. કમ્પ્યુટિંગ શક્તિ. આજે ત્રણેય ઉપલબ્ધ છે. મનુષ્ય મશીન સામે વામન થઈ ગયો છે. મત આપવા સુધી કોઈ જાણી શકતું નથી કે મત કોને પડવાનો છે. પણ હવે મત કોને આપવો એના માટેનો માહોલ બનાવાઈ શકાય છે.

X
માર્ક ઝુકરબર્ગ અને પ્રો. યુવાલ નોઆ હરારીની ફાઇલ તસવીરમાર્ક ઝુકરબર્ગ અને પ્રો. યુવાલ નોઆ હરારીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી