ભાસ્કર ઇન્ટરવ્યૂ / ફોન અને ઇન્ટરનેટ દુશ્મનો માટે હથિયાર, આપણે આપણું ગળું કાપવા માટે તેમને આ હથિયાર પકડાવી શકીએ નહીં: રાજ્યપાલ

જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક

  • કાશ્મીરની હાલની સ્થિતિ અંગે રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે સીધી વાત...
  • યુટીની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી થઈ જશે
  • પાક. ગભરાયેલું છે અથવા કંઈ કરવાની ફિરાકમાં છે
  • જે મોટી માછલીઓ છે તેમની તપાસ શરૂ થઈ તો તમામ જેલમાં હશે
  • કાશ્મીરના ફક્ત અઢી જિલ્લામાં આતંકવાદ બચ્યો છે: મલિક 

Divyabhaskar.com

Aug 14, 2019, 03:43 AM IST

શ્રીનગર, રાજભવનથી હેમંત અત્રી/ઉપમિતા વાજપેયી: ડાલ લેકના કિનારે રાજા હરિસિંહના મહેલમાં બનેલા ગવર્નર હાઉસમાં રાજ્યપાલ સત્યપાલ મલિકને મળવા માત્ર એપોઈન્ટમેન્ટ લઈને પહોંચનારા જ નથી હોતા બલ્કે કશું જણાવ્યા વિના મદદ માંગનારા પહોંચી જાય છે. મલિક કહે છે કે હાલમાં મળવાવાળા ઓછા છે તો કામ ઓછું છે. જ્યારે તેઓ કાશ્મીરના રાજ્યપાલ નિમાયા ત્યારે 30 વર્ષ પછી કોઈ નેતા આ ખુરશી પર બેઠો હતો. લોકો તેમને ટ્વિટર અને વોટ્સએપ દ્વારા મદદ માંગે છે. તેઓ મદદ કરે પણ છે. હાલમાં રાજ્યમાં ઇન્ટરનેટ બંધ છે. અફવા અને આશંકા વચ્ચે મલિકનો પ્લાન તૈયાર છે. ખીણમાં હાલની સ્થિતિ વચ્ચે રાજ્યપાલે પ્રથમવારે કોઈ અખબાર સાથે વાતચીત કરી તેના મુખ્ય અંશ...

પ્રશ્ન: તમને પીપલ્સ ગવર્નર છો. ટ્વિટર પર મુશ્કેલી કહે છે, નેટ બંધ છે. સમસ્યા કેવી રીતે જણાવે?
રાજ્યપાલ: હું તેમની મુશ્કેલી સમજીને સમાધાન મોકલું છું. શ્રીનગરમાં 1600 અને કાશ્મીરમાં 10 હજાર કર્મચારી 24 કલાક કામ કરી રહ્યાં છે. થોડા દિવસમાં પ્રતિબંધ હટી જશે. અમે 15 ઓગસ્ટ પછી તે ઘટાડીશું. ઇન્ટરનેટ તોફાનીઓ, દુશ્મનો અને પાકિસ્તાનીઓનું હથિયાર છે. આપણે તેમના હાથમાં આપણું ગળું કાપવાનું હથિયાર પકડાવી શકીએ નહીં.
પ્રશ્ન: તમને કલમ 370 હટાવવાની જાણકારી ક્યારે મળી?
રાજ્યપાલ: હું જ્યારથી અહીં આવ્યો છું ત્યારથી ચર્ચા હતી કે 370 હટશે. મેં અહીંના નેતાઓને પણ જણાવી દીધું હતું. આ કંઈ ગજવામાંથી કાઢેલો નિર્ણય નથી. તેને સંસદમાં લવાયો છે.
પ્રશ્ન: ચૂંટણી ક્યારે, યુટીની પ્રક્રિયા ક્યાં સુધીમાં?
રાજ્યપાલ: ચૂંટણી હવે નવા સીમાંકનના આધારે પૂરી થશે. આ માટેના પંચની રચના ગમે ત્યારે થશે. તેનું કામ પૂરું થતાં છ મહિનાથી એક વર્ષનો સમય લાગશે. ત્યારપછી ચૂંટણી થશે. યુટીની પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂરી થઈ જશે.
પ્રશ્ન: વિદેશી મીડિયામાં ક્યાંક પથ્થરબાજી અને હિંસક દેખાવોની વાત છે? આ કેટલું સાચું?
રાજ્યપાલ: ખોટું બતાવાય છે. ત્યાં ઉર્સ હતો અને બીજીબાજુથી નમાજની ભીડ આવી રહી હતી. વીડિયો એવી રીતે લેવાયો કે ભીડ દેખાય. પછી તોફાનીઓએ પથ્થરમારો શરૂ કર્યો પણ સુરક્ષાદળે કોઈને ગંભીર ઇજા થવા દીધી નહીં. 4 લોકોના પગમાં પેલેટના છરા વાગ્યા છે.
પ્રશ્ન: તમે કહ્યું હતું પાક. કંઈ કરશે તો અંદર ઘૂસી જવાબ આપીશું, શું કંઈ ઇનપુટ છે?
રાજ્યપાલ: પાક. આર્મીના ટોચના અધિકારીના ચોપર સરહદી વિસ્તારમાં ફરે છે. પાક. ગભરાયેલું છે અથવા કંઈ કરવાની ફિરાકમાં છે. ફિદાયીન હુમલો કરાવી શકે. અમે ખતરનાક જવાબ આપવાની તૈયારીમાં છીએ.
પ્રશ્ન: સ્થાનિક નેતાઓની બેનામી સંપત્તિ અને ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા, તપાસ ક્યાં પહોંચી ?
રાજ્યપાલ: જેની તપાસ મારા હાથમાં હતી તેમની પૂછપરછ થઈ ચૂકી છે. બાકી જે મોટી માછલીઓ છે તેમની તપાસ શરૂ થઈ તો તમામ જેલમાં હશે.
પ્રશ્ન: શું મુકેશ અંબાણી સિવાય કોઈ બીજાએ કાશ્મીરમાં રોકાણ માટે સંપર્ક કર્યો છે?
રાજ્યપાલ: દાલમિયાનો મેસેજ આવ્યો હતો. બીજા ઘણા સંપર્ક કરી રહ્યાં છે.
પ્રશ્ન: અત્યાર સુધી કોઈનું મૃત્યુ થયું? કેટલા લોકોની ધરપકડ કરાઈ?
રાજ્યપાલ: બુરહાન વાનીના મોત પછી અઠવાડિયામાં 50 લોકોનાં મોત થયાં, પરંતુ 4 ઓગસ્ટથી અત્યાર સુધી એક પણ નહીં. પથ્થરમારાની કેટલીક ઘટના થઈ, પરંતુ કોઈને ગંભીર ઈજા નથી થઈ. 500 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં 150 નેતા છે. અન્ય પથ્થરબાજ અને આતંકીઓના સાથીદારો છે.
પ્રશ્ન: દક્ષિણ કાશ્મીર અને ડાઉનટાઉનમાં આતંકવાદનો સામનો કેવી રીતે કરીશું?
રાજ્યપાલ: કાશ્મીરના ફક્ત અઢી જિલ્લામાં આતંક બચ્યો છે. અમે અહીં યુવાનોને આતંકથી દૂર લઈ જવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેમના માટે કામ કરીને અને પ્રેમથી તેમને જીતી લઈશું, એવી મને આશા છે.
પ્રશ્ન: અહીં આશરે 95% લોકો નથી જાણતા કે, 370 શું છે તેનાથી શું થશે? તમે તેમને કેવી રીતે એકજૂટ કરશો?
રાજ્યપાલ: કમનસીબી છે કે 370 ફક્ત જૂઠા આત્મગૌરવની કહાની છે. અહીં નેતા, અધિકારી પણ તેના વિશે નથી જાણતા. હું સેક્રેટરી અને અધિકારીઓને મળીને સમજાવી રહ્યો છું. તેમને કહું છું કે, લોકોને પણ મળીને આ વાત સમજાવો કે, 370 નહીં હોય તો શું થઈ જશે? અમે ટીવી, રેડિયો અને અખબારો થકી લોકોને સમજાવવાનો પ્રયાસ કરીશું.
પ્રશ્ન: જે લોકો અગાઉ અલગતાવાદ કે આતંકવાદનો વિરોધ કરતા હતા તેઓ તો ક્યાંક તે તરફ નહીં આકર્ષાય?
રાજ્યપાલ: એવી કોઇ સ્થિતિ નહીં સર્જાય. જે નેતાઓ જેલમાં છે તેઓ પણ બહાર આવશે ત્યારે આ લોકોને અલગતાવાદ અને આતંકવાદથી દૂર રહેવાનું શીખવશે. આ નેતાઓ બહાર આવીને બદલાઇ ચૂકેલા જણાશે. તૂટી ગયા બાદ તેઓ મુખ્ય પ્રવાહમાં આવી જશે.
પ્રશ્ન: રાહુલ ગાંધીએ કાશ્મીર આવવાનું તમારું આમંત્રણ સ્વીકાર્યું છે?
રાજ્યપાલ: મેં ક્યારેય રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ નથી આપ્યું. તેઓ જે કહી રહ્યા હતા, એ વિશે મેં તેમને અહીં આવીને સમજવાનું કહ્યું હતું, જેથી તેઓ આડેધડ ના બોલે. મેં સુરક્ષા દળોને પણ સ્થિતિનો તકાજો લેવાનું કહ્યું છે, ત્યાર પછી જ કોઈને અહીં આવવાની મંજૂરી અપાશે. મેં રાહુલ ગાંધીની કોઇ શરત માની નથી કે માનવાનો પણ નથી.

X
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકજમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી