• Home
  • National
  • Pankaja, Khadse and Tawde: Gopinath Munde's MADHAV formula for the BJP can now be passed on to the BJP

મહારાષ્ટ્ર / પંકજા, ખડસે અને તાવડેઃ ભાજપને ફળેલી મહાજન-મુંડેની MADHAV ફોર્મ્યુલા હવે ભાજપને જ નડી શકે

Pankaja, Khadse and Tawde: Gopinath Munde's MADHAV formula for the BJP can now be passed on to the BJP

  • 40 ટકા ઓબીસી પર ભાજપનો મદાર, પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેએ માળી, ધાનગર, વંઝારી સમુદાયની કમિટેડ વોટબેન્ક બનાવી હતી

  • પંકજા, ખડસે, તાવડે એ ત્રણેય દિગ્ગજ નેતાઓ પોતાની સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો પાછળ ફડણવીસનો દોરીસંચાર માને છે

Divyabhaskar.com

Dec 02, 2019, 04:33 PM IST

નેશનલ ડેસ્કઃ 80 કલાકની સરકાર રચવાના ફિયાસ્કા પછી મહારાષ્ટ્રમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ સામે ગત ટર્મથી નારાજ રહેલાં દિગ્ગજ નેતાઓ એકનાથ ખડસે અને વિનોદ તાવડે પછી હવે સ્વ. ગોપીનાથ મુંડેની પુત્રી પંકજાએ પણ મોરચો માંડ્યો છે. આગામી 12 ડિસેમ્બરે ગોપીનાથની જન્મજયંતી નિમિત્તે સમર્થક સંમેલનની જાહેરાત કરીને શક્તિ પ્રદર્શન કરવાનો હેતુ ધરાવતા પંકજાની આગેવાની હેઠળ ભાજપના ઓબીસી અસંતુષ્ટો એકજૂટ થાય તો ભાજપ માટે નવી મુશ્કેલી સર્જાઈ શકે છે.


પંકજા મુંડે


પારલી વિધાનસભા બેઠક પરથી 2014માં ચૂંટાયેલ પંકજાને ફડણવીસ સરકારમાં મંત્રીપદ પણ મળ્યું હતું પરંતુ ફડણવીસ સાથે તેમને સતત અણબનાવ રહ્યો. મંત્રીમંડળની બેઠકમાં પણ ઉગ્ર બોલાચાલી થવાથી પંકજાએ બેઠકનો ત્યાગ કર્યાની ચર્ચા પણ જે-તે વખતે થઈ હતી. એ પછી પંકજા સામે ભ્રષ્ટાચારના અહેવાલો માધ્યમોમાં ચગ્યા ત્યારે પડદા પાછળ ફડણવીસનો દોરીસંચાર હોવાનું મોઘમ શબ્દોમાં પંકજાએ કહ્યું હતું. હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં પિતરાઈ ભાઈ અને એનસીપીના ઉમેદવાર ધનંજય મુંડે સામે પંકજા 30 હજાર મતે હાર્યા ત્યારે પણ તેમણે આંતરિક પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા.


એકનાથ ખડસે


ફડણવીસ સરકારમાં અઘોષિત રીતે બીજા નંબરનું સ્થાન ધરાવતા ખડસેને પણ ફડણવીસ સાથે સારાસારી ન હતી. ફડણવીસે ક્યારેય તેમની સિનિયોરિટી સ્વિકારી જ નહિ અને સતત વિધાન પરિષદ તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેમના ઉમેદવારોને ટિકિટ ન મળે એવી પેરવી કરી હોવાનો ખડસેનો આક્ષેપ હતો. ભ્રષ્ટાચારના આક્ષેપો થવાથી ખડસેને રાજીનામું આપવાની ફરજ પડી હતી અને 2019માં તેમની ટિકિટ સુદ્ધાં કાપી નાંખવામાં આવી હતી.


વિનોદ તાવડે


2014 પછી મહારાષ્ટ્રની સરકારમાં શિક્ષણમંત્રી રહેલા તાવડેને ફડણવીસની નીતિરીતિ સામે સ્પષ્ટ વિરોધ હતો. તેમણે એ વખતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ફરિયાદ પણ કરી હતી. એ પછી તાવડે સામેની મોરચાબંધી વધુ તીવ્ર બની હતી. એ પછી એ જ મોડસ ઓપરેન્ડી મુજબ તાવડેના ભ્રષ્ટાચારની વિગતો પણ ચગી હતી અને તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.


MADHAV થિયરીનું આગવું મહત્વ


ગુજરાતની રાજનીતિમાં જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરવા માટે જેમ KHAM થિયરી છે એ રીતે મહારાષ્ટ્રમાં MADHAV થિયરીએ ભાજપને આજની મજબૂત સ્થિતિએ મૂકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ થિયરીના જનક પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડે હતા. મહારાષ્ટ્રમાં આશરે 45 ટકા જેટલો ઓબીસી સમુદાય છે. તેમાં પણ માળી (MA), ધનગર (DHA) અને વંજારી(V) સમુદાયનું પ્રમાણ સવિશેષ છે. આ ત્રણ સમુદાયને એકજૂટ કરવામાં ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેની મહત્વની ભૂમિકા હતી. એ બંને નેતાઓ સગપણમાં સાળા-બનેવી હતા. પંકજા મુંડે પોતે વંજારી સમાજના છે. તાવડે ધનગર છે અને ખડસે માળી છે. આથી આ ત્રણેય નેતાની નારાજગી ભાજપની કમિટેડ વોટબેન્ક પર ગંભીર ખતરો ઊભો કરી શકે તેમ છે.


શિવસેના સાથે ગાઢ સંબંધ


રાજ્યના જૂના જોગી હોવાના કારણે આ દરેક અસંતુષ્ટ નેતાઓને શિવસેના સાથે નજદીકી સંબંધ રહ્યો છે. દાયકાઓ જૂના ગઠબંધનના નાતે મુંડે પરિવાર ઠાકરે પરિવાર સાથે ઘનિષ્ઠતા ધરાવે છે. એ સંજોગોમાં સતત અવહેલનાના કારણે અપમાનિત થયેલા પંકજા મુંડે વખત આવ્યે ભાજપનો કાન ખેંચવા પ્રેરાય તો તેમાં નવાઈ નથી. આગામી 12 ડિસેમ્બરે ગોપીનાથ મુંડેની જન્મજયંતી નિમિત્તે તેમણે બોલાવેલા સમર્થક સંમેલન પછી કંઈક નવાજૂની થઈ શકે છે.

X
Pankaja, Khadse and Tawde: Gopinath Munde's MADHAV formula for the BJP can now be passed on to the BJP

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી