- નાગરિકો દેશમાં કોઈ પણ સ્થળેથી PDS અંતર્ગત ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદી શકશે, ડુપ્લિકેટ કે ડબલ રેશનકાર્ડ નાબુદ થશે
- આશરે 81 કરોડ લોકોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ,2013 હેઠળ લાભો પહોંચાડી શકાશે
Divyabhaskar.com
Dec 03, 2019, 04:48 PM ISTનેશનલ ન્યૂઝઃ વન નેશન, વન ટેક્સ એટલે કે GSTનો અમલ થયા બાદ હવે કેન્દ્ર સરકાર વન નેશન, વન રેશન કાર્ડ યોજનાને આગામી 1 જૂન, 2020થી અમલી બનાવવા જઈ રહી છે. સંસદમાં મંગળવારે કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને કરેલી જાહેરાત અનુસાર સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંગે તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ યોજનાથી નાગરિકો સરકારી સહાયતાનો સીધો લાભ મેળવી શકશે.
કોઈ પણ ગરીબ વ્યક્તિ તેના હકની સબસિડી હેઠળ ખાદ્ય પદાર્થોથી વંચિત ન રહે તેવા ઉમદા ઉદ્દેશથી આ યોજના પર ઝડપભેર કામ થઈ રહ્યું છે. આ માટે ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા,ઝારખંડ, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 14 રાજ્યને ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ (ePos) થી જોડી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં મોટાભાગના રાજ્યો પણ આ સાથે જોડી દેવામાં આવશે. આ સાથે રેશન કાર્ડને લગતી વિગતોને સર્વર સાથે જોડવામાં આવી રહી છે અને કોઈ પણ સ્થળેથી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) અંતર્ગત ખરીદી કરી શકાશે. આમ ગરીબ લોકો અને ખાસ કરીને શ્રમજીવી લોકોને લાભ મળશે. સરકાર આ યોજના મારફતે PDS અંતર્ગત આશરે 81 કરોડ લોકોને સુવિધા પહોંચાડવા માગે છે. PDS હેઠળ પ્રત્યેક વર્ષ આશરે 612 લાખ ટન ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે.
કેવી રીતે કામ કરશે આ વ્યવસ્થા
- રેશન કાર્ડને ડિજીટલ સ્વરૂપ આપવાનું કામ થઈ રહ્યું છે. તેને લીધે એક વ્યક્તિ એક કરતા વધારે કાર્ડ ધરાવી શકશે નહીં એટલે કે આધાર કાર્ડ અથવા પાન કાર્ડની માફક એક જ રેશન કાર્ડ ધરાવી શકે છે.
- રેશન કાર્ડ ઉપર એક યુનિક આઈડેન્ટીફિકેશન નંબર હોય છે, જેને લીધે નકલી કાર્ડ બનાવવાનું લગભગ અશક્ય બની જાય છે.
- કોઈ પણ વ્યક્તિ અન્ય સ્થળ પર મજૂરી, રોજગારી કે નોકરી માટે જશે તો તેમને જે-તે જગ્યા પર PDS અંતર્ગત સબસિડી વાળા ખાદ્ય પદાર્થો મળશે.
- રેશન કાર્ડધારક કોઈ એક દુકાન અને દુકાનદાર પર આધાર રાખવો પડશે નહીં અને ભ્રષ્ટાચાર પર અંકૂશ આવશે.
- આ વ્યવસ્થા માટે તમામ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની દુકાનોને ઇન્ટરનેટ સાથે જોડી દેવામાં આવી છે.
- જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)નું સંકલિત સંચાલન ગુજરાત, આંધ્રપ્રદેશ, હરિયાણા,ઝારખંડ, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 14 રાજ્યમાં છે અને તેને વધુ રાજ્યોને આવરી લેવામાં આવશે.
- રેશન કાર્ડને આધાર કાર્ડ નંબર સાથે જોડવાથી અને આ વ્યવસ્થા અમલી બનવાથી ચોરી તથા ગેરરીતિની ઘટનાઓને અટકાવી શકાશે. રેશન કાર્ડધારકો સાથે દુકાનદારોની મનમાની બંધ થશે.
એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ યોજનાના ફાયદા
- આ યોજનાના માધ્યમથી દેશના તમામ નાગરિકોને એક રેશન કાર્ડથી સમગ્ર દેશમાં રાશન ઉપલબ્ધ બનશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ,2013 હેઠળ તમામ નાગરિકોને ખાદ્યાન ઉપલબ્ધ બનાવી શકાશે.
- આ યોજનાથી સામાન્ય પ્રજાજનોને લાભ મળશે. કાર્ડ ધારકોને કોઈ એક દુકાનદાર પર આધાર રાખવો નહીં પડે અને ગેરરીતિ કે ભ્રષ્ટચારને નિયંત્રિત કરી શકાશે.
- વિવિધ રાજ્યોમાંથી લાભો મેળવવા માટે એક કરતા વધારે રેશન કાર્ડ રાખવા પર અંકૂશ આવી જશે.
પોઇન્ટ ઓફ સેલ (Point of Sale, PoS)
પોઇન્ટ ઓફ સેલ/વેચાણ માટેનું કેન્દ્ર (PoS) એવી જગ્યા છે કે જ્યાં ગ્રાહકો વિવિધ ચીજવસ્તુઓ અથવા સેવાઓ મેળવે છે અને ચુકવણી કરે છે. આ કોઈ બાહ્ય એવો સ્ટોર પણ હોઈ શકે છે કે જ્યાં કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે.