તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nirbhaya Justice Convicts Hanging. Meet Five Official Who Met Daily To Delhi Gangrape Victim; From Police SI Pratibha Sharma To Doctor

તૂટતાં શબ્દોમાં ઈશારા ઉમેરીને તેણે કહ્યું હતું, ના ફાંસી નહિ... એ સૌને જીવતા બાળવા જોઈએ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોતાને થયેલી ઈજા જીવલેણ છે એ જાણતી હોવા છતાં એ છોકરીની જીવવાની ઈચ્છા બહુ જ પ્રબળ હતીઃ પ્રતિભા શર્મા
  • ડોક્ટર તરીકે મારી 35-40 વર્ષની કારકિર્દીમાં આવો ભયંકર કેસ મેં કદી જોયો નથી. હું એ યાદ જ કરવા નથી માંગતીઃ ડો. અરુણા બત્રા

નેશનલ ડેસ્કઃ '21 ડિસેમ્બરે હું એકથી દોઢ કલાક સુધી નિર્ભયા સાથે હતી. ઘણાં સવાલ-જવાબ થયા હતા, પણ તેની એક વાત મને વારંવાર યાદ આવ્યા કરે છે. મેં એને પૂછ્યું હતું કે હવે તું કેવો ન્યાય ઈચ્છે છે? તો એનો પહેલો જવાબ હતો કે એ દરેકને ફાંસી થઈ જોઈએ. પછી જરાક અટકીને તૂટતાં અવાજે એ બોલી ઊઠી હતી, ના ફાંસી નહિ, એ દરિંદાઓને તો જીવતાં આગમાં નાંખવા જોઈએ. થોડુંક શબ્દોથી, થોડુંક ઈશારાથી એ કહી રહી હતી. તેનાં હાવભાવમાં આરોપીઓ પ્રત્યેનો ગુસ્સો અને ભારોભાર નફરત સ્પષ્ટ વર્તાતા હતા.' 

આ શબ્દો છે ઉષા ચતુર્વેદીના, જે નિર્ભયાને ફક્ત એક જ વાર મળ્યા હતા. 16 ડિસેમ્બર, 2012ના રોજ આ ઘટના બની તેના 5 દિવસ પછી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉષા ચતુર્વેદી નિર્ભયાનું નિવેદન લેવા માટે સફદરજંગ હોસ્પિટલ પહોંચ્યા હતા. નિર્ભયા સાથેની એક માત્ર મુલાકાતમાં તેમણે પારખેલું તેનું દર્દ ઉષા ચતુર્વેદીએ દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવ્યું હતું. નિર્ભયાના આખરી દિવસોમાં રોજ તેની સાથે કલાકો વિતાવનાર ASI પ્રતિભા શર્મા અને ડો. અરુણા બત્રાએ પણ નિર્ભયા સાથેના સ્મરણો વહેંચ્યા હતા. આ કેસમાં દોષિતો સામે મજબૂત પૂરાવાઓ ઊભા કરનારા ડો. બી.કે.મહાપાત્ર અને ડો. અસિત આચાર્ય સાથે પણ ભાસ્કરે વાત કરી હતી.

એ ન્યાયની આશાએ મને તાકી રહેતી હતીઃ ઉષા ચતુર્વેદી
એ દિવસને યાદ કરતાં ઉષા ચતુર્વેદી કહે છે કે, 'જ્યારે પહેલી વાર મેં નિર્ભયાને જોઈ તો મને અંદાજ આવી ગયો હતો કે તેની સાથે કેટલી હદે રાક્ષસી અત્યાચાર થયો છે. તેના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવ્યો હતો પણ એ બેહદ આશાભરી આંખે મને જોઈ રહી હતી. તેની આંખોમાં ન્યાય મળવાની આશા સ્પષ્ટ વર્તાતી હતી. હું લગભગ દોઢેક કલાક તેની પાસે બેઠી. એટલા સમયમાં મને લાગ્યું કે એ છોકરી જીવવા માટે રીતસર તરફડે છે. તેની જીજીવિષા (જીવવા માટેની ઈચ્છા) બેહદ પ્રબળ હતી. જોકે તેની ઈજા જ એટલી ઘાતક હતી કે તેની બચવાની શક્યતા બહુ ઓછી છે એવો મને અહેસાસ થતો હતો. મને સમજાતું હતું કે એ જે નિવેદન આપી રહી છે એ ડાઈંગ ડેક્લેરેશન જ બનવાનું છે. મારા સવાલોના જવાબ આપતી વખતે એ ઘડીભર ઓક્સિજન માસ્ક હટાવતી હતી. તેનાં અવાજમાં કંપન હતું. જ્યારે એ બોલી ન શકે ત્યારે ઈશારાથી સમજાવતી હતી. નિવેદન લખ્યા પછી મેં તેને આશ્વાસ્ત કરી હતી કે આરોપીઓને સજા અપાવવા આટલું પૂરતું છે. તને જરૂર ન્યાય મળશે. એ સાંભળીને તેની આંખો ચમકી ઊઠી હતી.

હું ઈશ્વરને સતત પ્રાર્થના કરતી હતી કે એ બચી જાયઃ પ્રતિભા શર્મા
વસંતવિહાર પોલીસ સ્ટેશનના તત્કાલિન ASI પ્રતિભા શર્મા નિર્ભયા કેસના પ્રથમ તપાસ અધિકારી હતા. બળાત્કારની ઘટના બની એ જ દિવસે તેઓ નિર્ભયાને મળ્યા હતા. એ પછી રોજ તેઓ નિર્ભયાને મળતા હતા. પ્રતિભા કહે છે કે, 'તેની વિદાયને સાત વર્ષ થયા. પોલીસ અધિકારી તરીકેની મારી કારકિર્દીમાં મેં ઘણાં કેસ જોયા છે. પરંતુ નિર્ભયા જેવો કેસ એ પહેલાં કે પછી કદી જોયો નથી. હું તેને રોજ મળતી હતી. કલાકો સુધી તેની સાથે વાતો કરતી હતી. એ બહુ બોલી શકતી ન હતી. પરંતુ ધીમા, તૂટતા અવાજે કહેતી હતી કે મારે જીવવું છે. તેની આંખોમાં જીજીવિષા સ્પષ્ટ વર્તાતી હતી. જોકે તેને એ ય ખબર હતી જ કે તેની ઈજાઓ બહુ જ ગંભીર છે, જે એને જીવવા નહિ દે. હું તેની વિવશતા જોઈને ઈશ્વરને તેની આવરદા માટે સતત પ્રાર્થના કરતી રહેતી હતી. એ બચી ન શકી તેનો મને બેહદ વસવસો છે. 

એ ભયાનક ઘટનાને હું યાદ સુદ્ધાં નથી કરવા માંગતીઃ ડો. અરુણા બત્રા
નિર્ભયા પર બીજી મોટી સર્જરી 19 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી. એ સર્જરી કરનાર ડોક્ટરોની ટીમમાં સામેલ ડો. અરુણા બત્રાએ એક નિવેદનમાં કહ્યું હતું કે મેં મારી 35-40 વર્ષની કારકિર્દીમાં આટલી ભયાનક સ્થિતિ કદી કોઈની જોઈ નથી. મને સતત એ સવાલ થયા કરતો હતો કે કોઈ માણસ આવું રાક્ષસી કૃત્ય કેવી રીતે કરી શકે? ડો બત્રા એ ઘટનાને હવે યાદ જ કરવા નથી માંગતાં. તેઓ કહે છે કે એ બહુ જ દર્દનાક અનુભવ હતો, જે મને અત્યંત વિચલિત કરી દે છે એટલે હું એ યાદ જ કરવા નથી માંગતી.

દાંતના નિશાન ઓળખતાં 5 દિવસ થયા હતાઃ ડો. આસિત આચાર્ય
નિર્ભયાના શરીર પર ઠેરઠેર દાંતના નિશાન હતા. ASI પ્રતિભા શર્માના હુકમથી ફોટોગ્રાફર અસગર હુસૈને ગેંગરેપના ચાર દિવસ પછી એટલે કે 20 ડિસેમ્બર 2020ની સાંજે નિર્ભયાના શરીર પર થયેલી ઈજાઓના ફોટા લીધા હતા. 2 જાન્યુઆરી, 2013ના રોજ એ ફોટોગ્રાફ્સ કર્ણાટકના ધારવાડ ખાતે એસડીએમ ડેન્ટલ કોલેજના હેડ ડોક્ટર અસિત આચાર્યને મોકલવામાં આવ્યા હતા. એ સાથે પકડાયેલા પાંચેય આરોપીઓના દાંતના મોડેલ પણ તેમને મોકલાયા હતા. ફોરેન્સિક ઓડોંટોલોજીની વિવિધ ટેક્નિક વડે આરોપીના દાંતની બનાવટ અને નિર્ભયાના શરીર પર થયેલ દાંતના નિશાનને સરખાવીને ડો. આચાર્યે સાબિત કર્યું હતું કે 4 નિશાન પૈકી 3 રામસિંહના છે અને 1 અક્ષયનું છે. ડો.અસિત કહે છે કે, ઈજાઓ એટલી જુગુપ્સાપ્રેરક હતી કે એ ચકાસવાનું મારા માટે ય ઘડીભર મુશ્કેલ થઈ ગયું હતું. 

DNA એનાલિસિસ મહત્વની ભૂમિકા ભજવીઃ ડો. મહાપાત્ર
દોષિતો સામે કેસ મજબૂત બનાવવામાં ડીએનએ એનાલિસિસની મહત્વની ભૂમિકા હતી. કપડાં પરથી મળેલા લોહીના ધબ્બા, વાળ અને નખ તેમજ દાંતના નિશાનના આધારે ડીએનએ એનાલિસિસ કરવામાં આવી હતી. એ સઘળી કામગીરી કરનાર ડો. મહાપાત્ર કહે છે કે, મને મળેલી દરેક ચીજવસ્તુ પર દોષિતોના ડીએનએ મેચ થતા હતા જેને લીધે તેમની સામેનો કેસ બહુ જ સંગીન બન્યો. 

અન્ય સમાચારો પણ છે...