સોશિયલ સ્ક્રોલ / નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટારને ટક્કર આપવા ઝોમેટોએ પોતાની વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ સ્ટાર્ટ કરી!

Zomato launches its own video streaming service to hit Netflix, Amazon Prime, HotStar!

Divyabhaskar.com

Sep 13, 2019, 09:32 PM IST

ઝોમેટો પીપલ બડા સ્માર્ટ છે. દર થોડા સમયાંતરે કોઈક ને કોઈક મુદ્દે ચર્ચામાં રહેવાની રેસિપી એમને બરાબર આવડે છે. એમના ફૂડ ડિલિવરી મેને પાર્સલમાંથી શબરીકર્મ કર્યું અને બિરયાની ટેસ્ટ કરી લીધી, એ પછી ઝોમેટોની આબરૂનું બરાબર ધોવાણ થયું હતું. એ પછી એક કે બાદ એક મસ્ત ટ્વીટ્સ કરીને ઝોમેટોએ સોશિયલ મીડિયાના બાશિંદાઓનાં દિલોની જમીન ફરીથી સંપાદિત કરી લીધી છે.

લેકિન શુક્રવારની સવારે ઝોમેટોએ એક નવી જ દિશામાં મોરચો ખોલવાની જાહેરાત કરી. ફૂડ ડિલિવરી કરવા ઉપરાંત ઝોમેટો હવે ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પણ શરૂ કરવા જઈ રહ્યું છે. આગામી ત્રણ મહિનામાં તે 18 ઓરિજિનલ વેબ શોઝ રિલીઝ કરશે. અને તેની શરૂઆત આગામી સોમવારથી યાને કે 16 સપ્ટેમ્બરથી જ થઈ રહી છે.

પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ માટે ઝોમેટોએ શૅફ સંજીવ કપૂર, કોમેડિયન્સ સાહિલ શાહ, સુમુખી સુરેશ, નેવિલ શાહ, આદર મલિક, કૌતુક શ્રીવાસ્તવ વગેરેને પણ કામે લગાડી દીધાં છે. આ લોકોને લઈને ઝોમેટોએ ત્રણથી પંદર મિનિટનો એક એવા ઢગલાબંધ એપિસોડ્સ બનાવ્યા છે.

‘ઝોમેટો ઓરિજિનલ્સ’ના આ પ્રોગ્રામ્સની ડિટેઇલ્સ કંઈક આવી છેઃ ‘ફૂડ એન્ડ યુ વિથ સંજીવ કપૂર’, ‘બનાકે દિખા વિથ સુમુખી સુરેશ’, ‘ગ્રાન્ડમાસ્ટર શૅફ વિથ સાહિલ શાહ’, ‘સ્ટારી મીલ્સ વિથ જેનિસ’ (જેમાં તાપસી પન્નૂ, રાજકુમાર રાવ જેવી સેલિબ્રિટીઝ આવીને પોતાની ફેવરિટ રેસિપીઝ શૅર કરશે). નેચરલી, આ તમામ પ્રોગ્રામ્સના કેન્દ્રમાં ફૂડ એટલે કે ખાણીપીણી કેન્દ્રમાં છે તેવું દેખાઈ રહ્યું છે.

અચ્છા, લાખ રૂપિયાનો સવાલઃ આ વીડિયોઝ જોવા ક્યાં મળશે? જવાબ છેઃ ઝોમેટોની એપ પર. અત્યારે જ તમે ઝોમેટોની એપ ઓપન કરશો તો સૌથી નીચેના ભાગે જમણી બાજુએ ટીવીના સિમ્બોલ સાથેનું ‘સ્નીક પીક’ નામનું બટન દેખાશે. તેમાં અત્યારે વિવિધ રેસ્ટોરાંના વીડિયોઝ પડ્યા છે. ત્યાં જ આ ‘ઝોમેટો ઓરિજિનલ્સ’ના વીડિયોઝ ખડકાવાના છે.

વિરાટ કોહલીને કેવાં ગીતો સાંભળવાં ગમે છે?
BCCI મંજે ‘બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા’નું ટ્વિટર હેન્ડલ ખાસ્સું ઈન્ટરેસ્ટિંગ છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અત્યારે શું થઈ રહ્યું છે, લશ્કર ક્યાં લડી રહ્યું છે એટસેટરા ડિટેઇલ્સ તો આ હેન્ડલ પરથી પબ્લિશ થાય જ છે. સાથોસાથ અમુક દુર્લભ ફોટોગ્રાફ્સ, વીડિયોઝ, ડ્રેસિંગ રૂમની મોમેન્ટ્સ, શૅરિંગ અને એનેક્ડોટ્સ માટે પણ આ હેન્ડલને ફોલો કરવા જેવું છે. બનતા સુધી તો તમે ફોલોનું બટન દબાવી જ રાખ્યું હશે, કેમ કે, તેના 94 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. આ હેન્ડલ પરથી પબ્લિશ થતી સામગ્રીની મજા લો, ટ્વીટને રિટ્વીટ કરો ત્યાં સુધી બરાબર છે. લેકિન જો તમે તેમના કન્ટેન્ટને ડાઉનલોડ કરીને તમારા હેન્ડલ પર ચડાવવાની કોશિશ કરી તો આ BCCIને ‘બોર્ડ ઓફ કંટ્રોલ ફોર સેન્સરશિપ ઈન ઈન્ડિયા’માં કન્વર્ટ થતાં વાર નહીં લાગે!

એની વે. અત્યારે વાત કરવાની છે ‘દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન’ દ્વારા યોજાયેલા ‘એન્યુઅલ ઑનર્સ 2019’ પ્રોગ્રામની. આ પ્રોગ્રામમાં ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. એમની લગોલગ ‘ઈન્ડિયા ટીવી’વાળા રજત શર્મા બેઠા હતા. આ કાર્યક્રમમાં જ દિલ્હીના ‘ફિરોઝશા કોટલા સ્ટેડિયમ’ને સત્તાવાર રીતે ‘અરુણ જેટલી સ્ટેડિયમ’ તરીકે જાહેર કરાયું. આ કાર્યક્રમમાં જ હાથમાં હાથ પરોવીને બેઠેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ક્યુટ રોમેન્ટિક મોમેન્ટ જોવા મળી, જેમાં અનુષ્કાએ વિરાટના હાથને કિસ કરેલી. આ રહી એ મોમેન્ટ.


લેકિન ટીવી એન્કર મનીષ પૉલે હોસ્ટ કરેલી આ ઈવેન્ટમાં એણે ટિપિકલ ફિલ્મી અંદાજમાં કોહલીને લવિંગ કેરી લાકડીએ રોસ્ટ પણ કરેલો. મનીષ પૉલે કોચ રવિ શાસ્ત્રીને પૂછ્યું કે કોહલી કેવાં ગીતો સાંભળવાનું પસંદ કરે છે? શાસ્ત્રીભાઉ કહે કે એને ને શિખર ધવનને સાથે બેસાડી દો, પછી જુઓ મજા! મનીષે શિખરને માઈક ધરીને એ જ સવાલ પૂછ્યો. તો જવાબમાં શિખરે પહેલે જ વાક્યે સિક્સ મારી, ‘શાદી સે પહલે યા શાદી કે બાદ?’ પછી શું થયું એ બધું અમે કહી દીએ એના કરતાં તમે જાતે જ વીડિયો જોઈ લો ને ભઈ!

ભારતમાં ‘ઝરદોસી’ કળા ક્યાંથી આવી?
ધર્મ-કોમના ઝઘડા, જિંગોઈઝમ, રાજકારણ અને વૈમનસ્યથી ઉપર ઊઠીને ફોલો કરવા જેવું એક અફલાતૂન ટ્વિટર હેન્ડર છે, ‘ઈન્ડો ઈસ્લામિક કલ્ચર’. ભારતની ગંગા-જમુની તહેઝીબનું અને ભારતીય ઉપમહાદ્વીપમાં ઈસ્લામિક કલ્ચરની જાણી-અજાણી, રસપ્રદ અને જ્ઞાનવર્ધક વાતો આ હેન્ડલ પરથી રોજેરોજ પીરસાતી રહે છે. જેમ કે, આજે શુક્રવારે એમણે ‘ઝરદોસી’ વિશે ઈન્ટરેસ્ટિંગ વિગતો શૅર કરી. અત્યારે લોકજીભે ચડી ગયેલી એમ્બ્રોઈડરીની કળા ‘ઝરદોસી’ (જરદોસી) ભારતમાં પર્શિયાથી આવેલી. પર્શિયન શબ્દ ‘ઝર’નો અર્થ થાય સોનું (એટલે જ ઝર, ઝમીન ને જોરુવાળી કહેવત આવી હશે!). જ્યારે ‘દોઝી’ એટલે એમ્બ્રોઈડરી અથવા તો ભરતકામ. સોનાના તારથી થતું ભરતકામ એટલે ‘ઝરદોઝી’ કે ‘ઝરદોસી’. મુઘલ બાદશાહ અકબરના શાસનકાળમાં આ કળા પૂરબહારમાં ખીલી હતી.

આ વિષયની ટ્વીટ્સનો થ્રેડ બનાવીને આ હેન્ડલ લખે છે કે, ઝરદોસીની કળા ભલે પર્શિયાથી આવી હોવાનું મનાતું હોય, પરંતુ સોના-ચાંદીના તારથી ભરતકામના ઉલ્લેખો પ્રાચીન ભારતમાં, વેદ-પુરાણોમાં પણ જોવા મળે છે. અજંતાની ગુફાઓનાં ચિત્રોમાં પણ તેની હયાતી જોવા મળે છે. ઔરંગઝેબના શાસનકાળમાં ભારતમાં લખનૌ કળાનું કેન્દ્ર બનેલું. ઈ.સ. 1903ના ‘શિકાગો સન્ડે ટ્રિબ્યુન’ અખબારમાં છપાયેલી બ્રિટિશ લેડી મેરી કર્ઝન (બંગાળના ભાગલા પડાવનારા લોર્ડ કર્ઝનની પત્ની)ની તસવીરમાં પણ એણે ઝરદોસીવાળું સ્કર્ટ પહેરેલું દેખાય છે. 2016ની પ્રજાસત્તાક દિન પરેડમાં ઉત્તર પ્રદેશના ટેબ્લોમાં ઝરદોસી કળાનો નમૂનો પેશ કરવામાં આવ્યો હતો.

શહીદ જતીન દાસને નમન
આજથી એક્ઝેક્ટ 116 વર્ષ પહેલાં ઈ.સ. 1903માં આજના જ દિવસે લાહોર જેલમાં જતીન્દ્ર નાથ દાસે 63 દિવસના ઉપવાસને અંતે પોતાનો દેહ છોડ્યો હતો. એમણે જેલમાં ભારતીય કેદીઓને થતી સતામણી અને અમાનવીય પરિસ્થિતિ સામે ઉપવાસ આંદોલન ચલાવ્યું હતું. પરંતુ ગાંધીજીના ભારતમાં આગમન પહેલાં આદરેલા એમના સત્યાગ્રહની ક્રૂર અંગ્રેજો પર કોઈ જ અસર ન થઈ અને 63 દિવસને અંતે એમનું અવસાન થયું હતું. ઇતિહાસકાર એસ. ઈરફાન હબીબે ટ્વીટ કરીને આ શહીદની યાદ અપાવી છે. અમારા તરફથી પણ આ મહાન શહીદને ભાવપૂર્ણ અંજલિ.

X
Zomato launches its own video streaming service to hit Netflix, Amazon Prime, HotStar!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી