મહારાષ્ટ્ર / સતારા નજીકના એક ગામમાં પ્રત્યેક ઘરમાં એક સૈનિક છે, ગામના 1,650થી વધુ જવાન સેનામાં  

સ્કૂલમાં  જ બાળકોને પરેડ, ડ્રીલનો અભ્યાસ કરાવાય છે
સ્કૂલમાં જ બાળકોને પરેડ, ડ્રીલનો અભ્યાસ કરાવાય છે

  • આ ગામનું એક ધ્યેય વાક્ય છે, ‘ઈથે ઘડતી વીર જવાન’ એટલે કે અહીં વીર જવાનો ઘડાય છે
  • વિદ્યાલયમાં જ બાળકોની પરેડ, ડ્રીલનો અભ્યાસ કરાવાય
  • બ્રિટિશ યુગમાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આ ગામના 46 જવાન શહીદ થયા હતા

Divyabhaskar.com

Aug 15, 2019, 04:09 AM IST

મંગેશ ફલ્લે, સતારા: મહારાષ્ટ્રના સતારા જિલ્લાનું એક ગામ છે, મિલિટરી આપશિંગે. નામમાં જ ‘મિલિટરી’ શબ્દ હોવાનું કારણ છે દેશની સેવા કરવાનો ઉત્સાહ. અહીં દરેક ઘરમાંથી એક યુવાન સેનામાં કે સીમા સુરક્ષાદળમાં ફરજ બજાવે છે. છત્રપતિ શિવાજીની સેનાથી શરૂ થયેલી આ પરંપરા હજુ કાયમ છે. આ ગામના 1,650થી વધુ જવાનોએ સેનાની વિવિધ પાંખમાં ફરજ બજાવી છે. બ્રિટિશ યુગમાં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે આ ગામના 46 જવાન શહીદ થયા હતા. આ કારણથી અંગ્રેજોએ આ ગામનું નામ રાખ્યું હતું ‘મિલિટરી આપશિંગે.’ બીજા વિશ્વયુદ્ધમાં પણ આ ગામના ચાર જવાન શહીદ થયા હતા. ચીન વિરુદ્ધ 1962ના યુદ્ધમાં ચાર અને 1965, 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં પણ એક-એક જવાન શહીદ થયા હતા. આમ તો સતારા જિલ્લાનાં અનેક ગામમાંથી સેના અને સુરક્ષાદળોમાં અનેક લોકો ગયા હતા. આ જવાનો મરાઠા રેજિમેન્ટ, મહાર રેજિમેન્ટ, મદ્રાસ રેજિમેન્ટ અને એન્જિનિયર રેજિમેન્ટમાં કાર્યરત છે. આ સિવાય નૌસેના, વાયુસેના, બીએસએફ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષાદળોમાં પણ મોટી સંખ્યામાં આ જિલ્લાના જવાનો સેવા આપી રહ્યા છે.

કેટલાંક ઘરોમાં તો છ-છ લોકો સેનાની વિવિધ પાંખમાં
સેનામાં કેપ્ટનના હોદ્દેથી નિવૃત્ત થયેલા શંકરરાવ દેશમુખ કહે છે કે જે રીતે કોઈ શિક્ષકનો પુત્ર શિક્ષક અને એન્જિનિયરનો પુત્ર એન્જિનિયર બને છે, એ જ રીતે આપશિંગેમાં સૈનિક પરંપરા છે. ગામના લોકો પાસે ખેતી બહુ ઓછી છે. આ કારણથી પ્રત્યેક ઘરમાંથી ઓછામાં ઓછો એક જવાન સુરક્ષાદળોમાં જાય છે. કેટલાંક ઘરોમાં તો છ-છ લોકો સેનાની વિવિધ પાંખમાં ફરજ બજાવી રહ્યા છે.

ગામનું ધ્યેય વાક્ય છે: અહીં જવાન ઘડાય છે
મિલિટરી આપશિંગે ગામમાં શ્રી છત્રપતિ શિવાજી વિદ્યાલયમાં જ બાળકોની પરેડ, ડ્રીલનો અભ્યાસ કરાવાય છે. ધોરણ-9ના વિદ્યાર્થી સૌરભ નિકમનું કહેવું છે કે આ ગામનું એક ધ્યેય વાક્ય છે, ‘ઈથે ઘડતી વીર જવાન’ એટલે કે અહીં વીર જવાનો ઘડાય છે.’ 81 વર્ષીય નિવૃત્ત કેપ્ટન લક્ષ્મણ કરાંડેની ચોથી પેઢી પણ સેનામાં છે. તેમનો ભત્રીજો વિશ્વાસ કરાંડે મેજર જનરલ હોદ્દા સુધી પહોંચ્યો હતો. આ પરિવારના 23 લોકો આજેય સેનામાં ફરજ બજાવે છે. તેઓ કહે છે કે દેશસેવાની જિદ અમારા લોહીમાં છે.

X
સ્કૂલમાં  જ બાળકોને પરેડ, ડ્રીલનો અભ્યાસ કરાવાય છેસ્કૂલમાં જ બાળકોને પરેડ, ડ્રીલનો અભ્યાસ કરાવાય છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી