ન્યૂઝ 360 / ખૂબસૂરત પંગોંગમાં વિવાદની બદસૂરતીઃ કાશ્મીરનો જવાબ ચીન લદ્દાખમાં આપી રહ્યું છે ?

The ugliness of the controversy in the gorgeous Pongong: Is China responding to Kashmir in Ladakh?

  • પેંગોંગ સરોવર વિસ્તારમાં સીમાનો વિવાદ ખડો કરીને ચીન લદ્દાખ મોરચે ભારત માટે મુશ્કેલીઓ સર્જવા ધારે છે
  • જોનસન લાઈન વડે અંગ્રેજોએ તિબેટ અને ભારત વચ્ચે આબાદ બફર ઝોન આંકી આપ્યો હતો, જે આપણે આઝાદી પછી જાળવી શક્યા નથી

Divyabhaskar.com

Sep 13, 2019, 07:34 PM IST

નેશનલ ડેસ્કઃ આપણે લાડુડી અને નીલકંઠ અને એવોર્ડ વાપસીના વિવાદમાં સોશિયલ મીડિયા પર વ્યસ્ત હતા એ દરમિયાન ઘટેલી બે ઘટના નોંધપાત્ર બને છે. નં. 1: બે વર્ષ પહેલાં ભારત અને ચીન વચ્ચે તંગદીલી સર્જવાનું નિમિત્ત બનેલ ડોકલામ વિસ્તારમાં ચીને પુનઃ સૈન્ય જમાવટ કરવા માંડી છે. અહીં સરફેસ ટૂ એર મિસાઈલ તૈનાત કર્યા છે. નં. 2: લદ્દાખના વિખ્યાત પેન્ગોન્ગ સરોવર વિસ્તારમાં ચીને ભારતીય સૈન્યની હાજરી સામે વાંધો ઊઠાવીને તેમને તગેડી મૂકવા પ્રયાસ કર્યો અને ફરી વખત આ વિસ્તાર પર પોતાનો દાવો જતાવ્યો. આ બંને સમાચાર ઝીણવટપૂર્વક જોઈએ તો સ્પષ્ટ થાય છે કે કાશ્મીરના મોરચે પાકિસ્તાનને ઘોર પછડાટ મળી અને ચીન પણ તેમાં કંઈ કરી શક્યું નહિ એટલે તેનો બદલો ચીન હવે બીજી દિશાએ વાળવા ચાલબાજી કરી રહ્યું છે.

સૌ પ્રથમ આ બે સમાચારોની ભીતરમાં જઈએ.

પૂર્વોત્તરના પહાડી વિસ્તારની ભાષા મુજબ લા એટલે ઘાટ. એટલે ડોકલામ એ ખરેખર ડોક-લા અને તેની બીજી એવી જ સહોદર ઘાટી નાથુ-લા તરીકે ઓળખાય છે. જગતના નકશા પર નજર કરવાથી ખ્યાલ આવે છે કે ભારત, ભુતાન અને ચીનના કબજા હેઠળના તિબેટના ત્રિભેટે આ વિસ્તાર આવેલો છે. અડાબીડ જંગલ, આકરી ચટ્ટાનો અને ઊંડી ખીણો ધરાવતો આ વિસ્તાર જીવલેણ મચ્છરો માટે ય એટલો જ કુખ્યાત છે. અહીં કોઈ કાળે માનવ વસાહત રહી નથી. આમ છતાં તેનું વ્યુહાત્મક મહત્વ એટલું છે કે ભારત, ભુતાન અને ચીન એવા ત્રણ ત્રણ દેશોની અહીં બાજનજર રહે છે.

સત્તાવાર રીતે આ વિસ્તાર ભુતાનનો હિસ્સો છે પરંતુ તેનો એક ભૂમિ માર્ગ છેક પૂર્વ ભારત સુધી પહોંચતો હોવાથી ચીન દાયકાઓથી આ વિસ્તારને વિવાદાસ્પદ ગણાવી હડપી જવા તત્પર છે. ભુતાન સાવ ટચૂકડો દેશ છે. ચીનની દાદાગીરી સામે ભુતાનનું કશું ઉપજે પણ નહિ અને નિર્જન, બંજર વિસ્તાર માટે ચીનને નારાજ કરવાનું ભુતાનને પાલવે પણ નહિ. પરંતુ ચીનની મેલી મુરાદ પારખીને ભારતે ભુતાન સાથે લાંબા ગાળાના સૈન્ય કરાર કરેલા છે. એ મુજબ, એકબીજાના સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની પરસ્પર જવાબદારી છે. આ કરારને ઓઠું બનાવીને, જ્યારે જ્યારે ચીન ડોક-લા અને નાથુ-લા વિસ્તારમાં પેશકદમી આરંભે ત્યારે ભારત હસ્તક્ષેપ કરતું રહે છે. ભુતાન નામની ડોશી ડોક-લા ગુમાવે તેનો નહિ, પરંતુ ડોક-લાના રસ્તે ચીન નામનો જમ ભારત સુધીનું ઘર ભાળી ન જાય એ ભારત માટે વિશેષ ચિંતાનો વિષય છે. બે વર્ષ પહેલાં બંને દેશો લગાતાર ત્રણ મહિના સુધી અહીં સામસામે આવી ગયા હતા અને ભારે તંગદીલી ઊભી થઈ હતી. હવે ફરીથી ચીને અહીં સૈન્ય જમાવટ કરી છે ત્યારે નવેસરથી ખાંડા ખખડે તો પણ નવાઈ નહિ.

ડોક-લા અને નાથુ-લા એ તો ભુતાનની સીમા છે, પરંતુ ચીનની દાદાગીરીની બીજી ઘટના તો ભારતની ભૂમિ પર લદ્દાખ ખાતે જ બની છે. 3 ઈડિયટ્સ ફિલ્મની ક્લાઈમેક્સના કારણે દેશભરમાં જાણીતું થઈ ગયેલ લદ્દાખનું પેંગોંગ સરોવર આકાશની ભૂરાશ ઓઢીને હિલોળાતા સ્વચ્છ જળ માટે વિખ્યાત છે. ચોમેર ઊંચા હિમાચ્છાદિત પહાડોની ગોદમાં વસેલી નિસર્ગની આ રમ્ય નજાકતને પણ આંતરરાષ્ટ્રીય વિખવાદનો એરુ આભડી ચૂકેલો છે.

આશરે 600 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ સરોવરનો એક હિસ્સો ભારતમાં છે, તો બે તૃતિયાંશ હિસ્સા પર ચીનનો કબજો છે. અલબત્ત, આ કબજો પણ ચીને દાદાગીરી કરીને મેળવેલો છે અને હવે તે પૂર્ણતઃ વિસ્તાર ગળી જવા માટે વારંવાર પેંતરા અજમાવતું રહે છે. મૂળ તો તિબેટ પર ચીનનો કબજો પોતે જ બળજબરીપૂર્વકનો છે. એ સંજોગોમાં તિબેટના હિસ્સામાં આવતાં પેંગોંગ સરોવર પરનો ચીનનો હિસ્સો ય એવો જ ગણવો પડે. સરોવરથી ઉત્તરે ખુર્ણક નામનો પહાડી વિસ્તાર શરૂ થાય છે, જે તિબેટનું પ્રવેશદ્વાર ગણાય છે. અહીં ચીન કાયમી ધોરણે મોટા પ્રમાણમાં સૈન્ય જમાવટ કરી રાખે છે. ગુરુવારે પેંગોંગ સરોવર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલાં ભારતીય સૈન્યને હટાવવામાં ચીનની રેડ આર્મીની ખુર્ણક ફોર્સ જ સંડોવાયેલી હતી.

લદ્દાખ પર ચીનનો ડોળો કંઈ આજકાલનો નથી. 1962માં ચીન સાથે થયેલા યુદ્ધમાં ભારતે અરુણાચલ પ્રદેશ અને લદ્દાખ એ બે મોરચે બહુ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અંગ્રેજોની દૂરંદેશી ગણો કે ભારતીય નેતૃત્વની બેવકૂફી, પરંતુ દોઢ દાયકા સુધી ચીની દૈત્યને ભારતીય સરહદોથી અંગ્રેજોએ આબાદ દૂર રાખ્યો હતો, જે અંગ્રેજોની વિદાય પછી ભારતીય વિસ્તારોને ગળવામાં સફળ રહ્યો હતો.

ઈસ. 1865માં હિમાલય અને કારાકોરમના દુર્ગમ, પહાડી વિસ્તારની મોજણી કરીને અંગ્રેજોએ સ્પષ્ટ સીમારેખા આંકી હતી. સર્વેક્ષક વિલિયમ જોનસનના નામ પરથી આ સીમારેખા જોનસન લાઈન તરીકે ઓળખાય છે. આ સીમારેખા તિબેટ અને ભારતને અલગ પાડતી હતી અને લદ્દાખના ઉત્તર હિમાલયને કાશ્મીરનો હિસ્સો બનાવતી હતી. આઝાદી સુધી જારી રહેલી આ સ્થિતિ આઝાદી પછી સતત નબળી પડતી ગઈ. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોના વાલીપણા હેઠળ સલામત રહેલું તિબેટ ચીન ગળી ગયું અને પછી તરત દસ જ વર્ષમાં લદ્દાખનો અક્સાઈ ચીન તરીકે ઓળખાતો ટૂકડો ય તેણે કાપી લીધો. આજે અક્સાઈ ચીનની સીમારેખાને આપણે અંકૂશ રેખા તરીકે સ્વીકારવા મજબૂર બન્યા છે. દ્વિપક્ષી વાર્તાલાપ આ સીમારેખાને વાસ્તવિક સીમા ગણ્યા પછી જ આગળ વધી શકે છે.

આટલું અનુસંધાન સમજ્યા પછી હવે ફરીથી તાજાં સમાચારની વાત કરીએ. ચીન ડોક-લા અને લદ્દાખ એમ નવેસરથી બે મોરચા ખોલી રહ્યું છે. હાલમાં જ ભારતે જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન કરીને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો અને વિવાદાસ્પદ કલમ 370 ખતમ કરી નાંખી. ભારતના આ પગલાંથી બઘવાઈ ગયેલું પાકિસ્તાન આખી દુનિયામાં દોડી આવ્યું. ચીને પણ સલામતી સમિતિમાં ભારત વિરુદ્ધ પ્રસ્તાવ મૂકવાની પેરવી કરી જોઈ. ક્યાંયથી કોઈએ પણ પાકિસ્તાનને કોઠું આપ્યું નથી.

ચીન પોતે કાશ્મીર અંગેના ભારતના નિર્ણયને વખોડવાથી દૂર રહ્યું છે અને તેને ભારતનો આંતરિક મામલો ગણાવે છે. કારણ કે 'આંતરિક મામલા'ના નામે ચીન પોતે તિબેટમાં ઘણી પેશકદમી કરી ચૂક્યું છે અને હજુ ય કરતું રહે છે. એ જોતાં કાશ્મીર મુદ્દે ચીનને સીધી દખલ પોસાય એમ નથી.

આથી નવા બે મોરચા ખોલીને ચીન ભારતને પોતાના ફાવટના મેદાનમાં ઉતારવાની પેરવી કરી રહ્યું છે.

X
The ugliness of the controversy in the gorgeous Pongong: Is China responding to Kashmir in Ladakh?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી