અયોધ્યા / એક જ રીક્ષામાં અદાલત આવતાં આ બે હિન્દુ-મુસ્લિમ દોસ્તોનો આત્મા આજે આશીર્વાદ આપતો હશે

Supreme court Ayodhya verdict today special story on Ayodhya divyabhaskar.com

  • મુસ્લિમ પક્ષકાર હાશિમ અન્સારી અને હિન્દુ પક્ષકાર રામચંદ્ર પરમહંસની અતૂટ દોસ્તીની વિરલ દાસ્તાન
  • પરમહંસના મૃત્યુ પછી અન્સારીએ મૃતદેહ પાસે બેસીને રાતભર ખુત્બો પઢ્યો હતો

Divyabhaskar.com

Nov 09, 2019, 02:25 PM IST

નેશનલ ડેસ્કઃ બે સદી જૂના અયોધ્યા વિવાદ અંગે શનિવારે સર્વોચ્ચ અદાલતે ઐતિહાસિક ચુકાદો આપીને હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાં હાશમિ અન્સારી અને રામચંદ્રદાસ પરમહંસની દોસ્તીનું સન્માન કર્યું છે. અન્સારી મુસ્લિમ પક્ષકાર હતા અને રામચંદ્રદાસ દિગંબર અખાડા વતી હિન્દુ પક્ષકાર હતા પરંતુ બંને એક જ રીક્ષામાં અદાલતમાં આવતા હતા. મંદિર અને મસ્જિદ બંનેને સમાન મહત્વ આપનારા આ ચુકાદાથી એ બંને બુઝુર્ગોના આત્માને શાતા મળી હશે.

કોણ હતા હાશિમ અન્સારી?
અયોધ્યાના વતની હાશિમ અન્સારીનો જન્મ 1921માં થયો હતો. બાબરી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારતમાં 22-23 ડિસેમ્બરની મધ્યરાત્રિએ નિર્મોહી અખાડાના ત્રણ સાધુઓ કામળો વીંટીની આવ્યા અને મુખ્ય ગુંબજની નીચે રામલલ્લાની મૂર્તિ મૂકી ત્યાં પૂજા-અર્ચના, આરતી કરીને જતાં રહ્યા. આ સમગ્ર ઘટના પોતે નજરે નીહાળી હોવાના દાવા સાથે સૌ પ્રથમ અદાલતમાં જનાર મુસ્લિમ પક્ષકાર એટલે હાશિમ અન્સારી. એ વખતે તેમની ઉંમર 28 વર્ષની હતી. માત્ર 2 ધોરણ સુધી ભણેલા અન્સારી દરજી કામ કરતા હતા. પ્રથમ ફરિયાદી તરીકે સુન્ની વકફ બોર્ડે તેમને મુખ્ય પક્ષકાર બનાવ્યા હતા અને છ દાયકાઓ સુધી ફૈઝાબાદથી માંડીને લખનૌ, દિલ્હીની અદાલતોમાં અન્સારીએ પણ એકપણ વખત ચુક્યા વગર દરેક મુદત વખતે હાજરી આપી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, અયોધ્યા વિવાદમાં તેઓ મુસ્લિમ પક્ષકારનો મુખ્ય ચહેરો ગણાતાં હતા.

કોણ હતા રામચંદ્રદાસ પરમહંસ?
દિગંબર અખાડાના સાધુ તરીકે રામચંદ્રદાસ પરમહંસ 1934થી રામ જન્મસ્થાન મુક્તિ આંદોલન જગાવવા પ્રયત્નશીલ હતા. ‘અયોધ્યા મેં નહિ રામ, તબ તક નહિ વિરામ’ એ સૂત્ર લખેલું બેનર પોતાની કુટિર પર કાયમ માટે રાખતાં રામચંદ્રદાસ સ્થાનિક કલેક્ટરને આવેદનપત્ર આપીને ધરપકડ વ્હોરી લેનારા સૌ પ્રથમ કારસેવક હતા. બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર બનવું જોઈએ એ અંગે 1949માં ફૈઝાબાદની અદાલતમાં દાવો દાખલ કરનારા પ્રથમ હિન્દુ પક્ષકાર તરીકે રામચંદ્રદાસનું નામ છે.

પ્રથમ મુસ્લિમ પક્ષકાર અને પ્રથમ હિન્દુ પક્ષકાર વચ્ચે અતૂટ દોસ્તી
રસપ્રદ બાબત એ છે કે, હાશિમ અન્સારી અને રામચંદ્રદાસ વચ્ચે અદાલતી ખટલાનો આરંભ થયો એથી ય પહેલાંની દોસ્તી હતી. દંતધાવન કુંડ પાસે રોજ સાંજે રામચંદ્રદાસ ફરવા આવે અને અન્સારી ત્યાં પાના રમવા બેઠા હોય. પછી તો ધીરે ધીરે રામચંદ્રદાસ પણ તેમની સાથે તાશ રમવામાં જોડાવા લાગ્યા. અદાલતમાં બંને પક્ષકાર બન્યા પછી પણ રોજ સાંજે તાશ રમવાના સમયે એકબીજા સાથે જોડી બનાવવાનો તેમનો કાયમી ક્રમ અતૂટ રહ્યો હતો. દન્તધાવન કુંડ પર આપણે કદી જ વિવાદની ચર્ચા નહિ કરીએ એવી બંને વચ્ચે પરસ્પર સમજુતી હતી.

એક જ રીક્ષામાં બેસીને બંને અદાલતમાં આવતા
અયોધ્યા વિવાદ સંબંધિત કેસમાં ફૈઝાબાદની અદાલતમાં મુદત હોય ત્યારે એક જ રીક્ષામાં બેસીને આવતાં હાશિમ અન્સારી અને રામચંદ્રદાસ બંને ધર્મ વચ્ચેના એખલાસનું પ્રતીક ગણાતા હતા. અન્સારીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ‘મેં કભી વકફ બોર્ડ સે પૈસે નહિ લેતા થા. વૈસે હી પરમહંસજી ભી અપને ન્યાસ સે પૈસા નહિ લેતે થે. તો ક્યા થા, કભી ઓટો રિક્ષા કે પૈસે મૈં દે દેતા થા તો કભી પરમહંસજી. કભી કભી તો દોનો કે પાસ પૈસે નહિ હોતે થે તો હમ પૈદલ ભી ચલે જાતે થે’

અન્સારીનું ઘર સળગાવવામાં આવ્યું ત્યારે સૌથી પહેલાં રામચંદ્રદાસ પહોંચ્યા હતા
1992માં બાબરી મસ્જિદ ધ્વંસ કરી દેવાયા પછી ફાટી નીકળેલા તોફાનો વખતે અન્સારીના ઘરને આગ ચાંપવાનો પ્રયાસ થયો હતો. સીતારસોઈ તરીકે ઓળખાતી જગ્યાએ દેખાવકારોને રોકી રહેલાં રામચંદ્રદાસને ખબર પડી કે તરત તેઓ અન્સારીના ઘરે ધસી ગયા હતા અને પાણીની બાલદીઓ ભરીને આગ ઠારવામાં જોડાયા હતા. એ દૃષ્ય જોયા પછી તોફાનીઓને પણ શરમ આવી હતી.

એ આખી રાત અન્સારીએ ખુત્બો પઢ્યો હતો
2003ના રોજ રામચંદ્રદાસનું અવસાન થયું. એ વખતે 82 વર્ષના અન્સારી એપેન્ડિક્સનું ઓપરેશન કરાવીને લખનૌ હોસ્પિટલમાં આરામ કરી રહ્યા હતા. સમાચાર મળતાં જ તરત તેઓ અયોધ્યા આવ્યા અને નાદુરસ્ત તબિયતની પરવા કર્યા વગર રામચંદ્રદાસના મૃતદેહ પાસે બેસીને રાતભર પવિત્ર કુરાનની આયાતો પઢતા રહ્યા. દોસ્તની અંતિમવિધિ પછી હિન્દુની માફક સરયુમાં સ્નાન કર્યું. મુંડન કરાવ્યું અને પછી જ ઘરે ગયા.

બેમિસાલ દોસ્તી એ જ ભારતનું ખરું ચિત્ર
એક જ મુદ્દે પોતપોતાના ધર્મસ્થાન માટે, પોતપોતાની આસ્થા માટે અદાલતનો આશરો લેનારા આ બંને દિવંગત દોસ્તોનો આત્મા આજે સર્વોચ્ચ અદાલતના સંતુલિત ચુકાદા પછી શાતા અનુભવતો હશે. આ ચુકાદો કોઈનો વિજય નથી, કોઈનો પરાજય નથી. એ આ બેમિસાલ દોસ્તીની જીત છે.

X
Supreme court Ayodhya verdict today special story on Ayodhya divyabhaskar.com
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી