ચેન્નાઈ કનેક્ટ / કાશ્મીર મામલે ચીનની બોલતી બંધ, બંને દેશ આતંકવાદ-ધાર્મિક કટ્ટરતા સામે લડવા સહમત, શી-મોદી હવે ચીનમાં મળશે

શી જિનપિંગ અને નરેન્દ્ર મોદીની તસવીર

Divyabhaskar.com

Oct 13, 2019, 10:39 AM IST

મામલ્લાપુરમઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બીજું અનૌપચારિક શિખર સંમેલન શનિવારે પૂરું થઈ ગયું. મામલ્લાપુરમમાં 6 કલાકની મંત્રણા દરમિયાન બંને આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ મળીને લડવા માટે સહમત થયા. કાશ્મીર પર અનેક વખતે પાકિસ્તાનની ભાષા બોલી ચૂકેલા ચીને આ મંત્રણામાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ જ ના કર્યો. વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે જિનપિંગે મોદીને પાક. પીએમ ઇમરાન ખાનના ચીન પ્રવાસ અંગે માહિતી આપી. કાશ્મીર અંગે ભારતના વલણથી ચીન વાકેફ છે. ગોખલે મુજબ જિનપિંગે આ પ્રવાસથી સંતુષ્ટિ વ્યક્ત કરી. તેમણે મોદીને આગામી વર્ષે ત્રીજી અનૌપચારિક શિખર વાર્તા માટે ચીન પધારવા આમંત્રણ આપ્યું છે જેને મોદીએ કબૂલી લીધું છે. ભારતમાં 24 કલાક રોકાયા બાદ જિનપિંગ બપોરે નેપાળ જતા રહ્યાં હતા.

આ ચાર વિષયો પર બંને દેશોમાં સંબંધોના ભવિષ્યની દિશા નક્કી
વેપાર: અત્યારે દિશા નક્કી થઈ, વિવાદ દૂર કરવા ઉચ્ચસ્તરીય મેકેનિઝમ રચાશે
મોદીએ જિનપિંગ સામે વેપાર અસંતુલનનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે કારોબાર, સેવા અને રોકાણમાં સંતુલન જરૂરી છે. તેની સામે જિનપિંગે મક્કમ પગલા લેવાનું વચન આપ્યું. દ્વિપક્ષીય વેપાર, ખાદ્ય ઓછી કરવા, વેપાર, રોકાણ અને સેવાઓના મામલે સહયોગ વધારવાના ઉપાયો માટે ઉચ્ચસ્તરીય મેકેનિઝમ રચવાનો નિર્ણય લેવાયો છે.

સરહદ વિવાદ: સમજૂતી માટે બંને દેશોના વિશેષ પ્રતિનિધિ સતત મળતાં રહેશે
બંને નેતાઓમાં સહમતિ સધાઈ છે કે સરહદ વિવાદ ઉકેલવા માટે બંને પક્ષોના વિશેષ પ્રતિનિધિ સતત મળતા રહેશે. જિનપિંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની બેઠક ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આગામી બેઠકની તારીખ ડિપ્લોમેટિક સ્તરે નક્કી કરાશે. ભારત વતી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ વિશેષ પ્રતિનિધિ છે.

આતંકવાદ: મળીને લડવા સંમતિ પરંતુ પાક. પ્રેરિત આતંકવાદનો ઉલ્લેખ નહીં઼
બંને નેતાઓએ આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ મળીને લડવાની વાત કરી. જિનપિંગે કહ્યું કે સમાજને આ બુરાઈથી સુરક્ષિત રાખવા માટે બંને દેશ મળીને કામ કરી શકે છે. વિદેશ સચિવ ગોખલે મુજબ આઈએસના જોખમ અંગે વાત થઈ પરંતુ પાક. પ્રાયોજિત આતંક અંગે કોઈ વાત થઈ નહીં.

સૈન્ય-નાગરિક સંબંધ: કૈલાશ-માન સરોવર યાત્રીઓને વધુ સુવિધા આપવાનો વાયદો
જિનપિંગે રણનૈતિક સંવાદ અને સંપર્ક મજબૂત કરવા માટે સુરક્ષા અને સુરક્ષા સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ભારત-ચીનના રાજકીય સંબંધોની 70મી વર્ષગાંઠે 70 આયોજન થશે. 35 ચીન અને 35 ભારતમાં થશે. ચીન માનસરોવર યાત્રીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

ચેન્નાઈ કનેક્ટથી દ્વિપક્ષીય સહયોગનું નવું યુગ શરૂ થશે. અમે મતભેદોને વિવાદ બનવા દઈશું નહીં. અમારો સંબંધ વિશ્વ શાંતિનું ઉદાહરણ છે. - નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
ભારત-ચીન મહત્ત્વના પાડોશી છે. ભારતમાં મળેલા સન્માનથી અભિભૂત છું. તેનાથી અમે ચીન પ્રત્યે મિત્રતાપૂર્ણ ભાવના સમજી શકીએ છીએ. - શી જિનપિંગ, ચીનના પ્રમુખ

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી