• Home
 • National
 • The Rajasthan government changed the textbooks, Savarkar is no longer 'Veer'

વિવાદ / રાજસ્થાન સરકારે પાઠ્યપુસ્તકોમાં પરિવર્તન કર્યું, સાવરકર હવે 'વીર' નહીં

The Rajasthan government changed the textbooks, Savarkar is no longer 'Veer'

 • વસુંધરા સરકારે સાવરકરને દેશભક્ત ગણાવ્યા હતા, ગેહલોત સરકારે તેમાં સુધારો કર્યો
 • હલ્દીઘાટીના યુદ્ધ, ચિત્તોડ પર ખિલજીના આક્રમણ સહિતની વિગતોમાં ફેરફાર કરવામાં આવ્યો 
 • પાઠ્યપુસ્તકોમાં છેડછાડ, સુધારા અંગે હવે વર્તમાન અને પૂર્વ શિક્ષણમંત્રી પરસ્પર દોષારોપણ કરે છે 

Divyabhaskar.com

Jun 14, 2019, 02:29 PM IST

નેશનલ ડેસ્કઃ દેશભરમાં શિક્ષણનું 'મોદીફિકેશન' થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતી કોંગ્રેસ પોતાનું જ્યાં શાસન છે ત્યાં કહેવાતા સુધારા લાગુ કરવા માંડ્યા છે. રાજસ્થાન સરકારે ઉચ્ચતર માધ્યમિકના પાઠ્યપુસ્તકોમાં સાવરકરના નામ આગળ 'વીર'નું વિશેષણ હટાવીને નવા સુધારા અમલી બનાવ્યા છે. આ ઉપરાંત, અગાઉની ભાજપશાસિત સરકારે નોટબંધી વિશે દાખલ કરેલ પ્રકરણનો પણ છેદ ઊડાડી દીધો છે.

અગાઉની ભાજપ સરકારનું શિક્ષણઃ

 • સાવરકરના નામ આગળ 'વીર'નું વિશેષણ લગાવવામાં આવ્યું છે.
 • આઝાદીની લડાઈમાં સાવરકરે આગળનો ભાગ ભજવ્યો હતો અને અંગ્રેજો સામેની સશસ્ત્ર ક્રાંતિને ઉત્તેજન આપ્યું હતું તેની પ્રચૂર વિગતો હતી.
 • હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપ સામે અકબરની સેનાનો પરાજય થયો હતો અને મેવાડની સેનાના ભયથી ડરેલી મુઘલ સેનાએ તેનો પીછો કરવાનું ટાળ્યું હતું.
 • નોટબંધીને ભારતીય અર્થતંત્રનું મહત્વનું પ્રકરણ ગણાવ્યું હતું. કાળું નાણું પરત લાવવાનો ભગીરથ પ્રયાસ ગણાવાયો હતો.
 • જાતિવાદી અને સાંપ્રદાયિક સંસ્થાઓની સૂચિમાં જમાત-એ-ઈસ્લામ, મજલીસ-એ-ઈત્તિહાદ-ઉલ-મુસલમિન અને સીમી જેવી ફક્ત મુસ્લિમ સંસ્થાઓના જ નામ હતા.
 • ચિત્તોડના રાણા રતનસિંહની સ્વરૂપવાન પત્ની પદ્મિનીને મેળવવા માટે અલાઉદ્દિન ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું.

હાલની કોંગ્રેસ સરકારનું શિક્ષણઃ

 • સાવરકરના નામ આગળથી વીરનું વિશેષણ હટાવી લેવામાં આવ્યું છે.
 • કાળાપાણીની સજામાંથી માફી મેળવ્યા બાદ સાવરકરે પોતાને 'પોર્ટુગલના પુત્ર' કહ્યા હતા અને અંગ્રેજો સામેની 'હિન્દ છોડો' ચળવળનો વિરોધ કર્યો હતો.
 • ગાંધીહત્યા કેસમાં સાવરકરની સંડોવણી હતી અને તેમની સામે અદાલતમાં કાર્યવાહી પણ થઈ હતી, જેમાં તેઓ પૂરાવાના અભાવે છૂટી ગયા હતા.
 • હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપના અશ્વ ચેતકના મૃત્યુ પછી મહારાણાએ યુદ્ધ મેદાન છોડી દીધું હતું.
 • નોટબંધીનું પ્રકરણ જ નાબૂદ કરી દેવામાં આવ્યું છે.
 • જાતિવાદી આને સાંપ્રદાયિક સંસ્થાઓની યાદીમાં અગાઉની યાદીની સાથે હિન્દુ મહાસભાનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે.
 • મહંમદ જાયસી નામના સર્જકના પુસ્તક 'પદ્માવત'માં થયેલ ઉલ્લેખ મુજબ પદ્મિનીને હાંસલ કરવા ખિલજીએ ચિત્તોડ પર આક્રમણ કર્યું હોવાનું મનાય છે. પરંતુ જાણીતા ઈતિહાસકારો ખિલજીની સત્તાવિસ્તારની લાલસાને મુખ્ય કારણ ગણે છે.

ભાજપનો પ્રતિભાવઃ અમે હંમેશા કહેતાં આવીએ છીએ કે 'ક્રાંતિકારિયોં કા અપમાન, યહી હૈ કોંગ્રેસ કી પહચાન'. કોંગ્રેસે કદી ક્રાંતિકારીઓના બલિદાનને પ્રકાશમાં આવવા દીધા નથી. કોંગ્રેસ ફક્ત એક પરિવારના ઈતિહાસને જ મોટો ગણાવે છે. વીર સાવરકર, સુભાષબાબુ, સરદાર પટેલ જેવા નેતાઓને હાંસિયામાં ધકેલીને કોંગ્રેસ નહેરુ, ઈન્દિરા, રાજીવને જ દેશના સાચા સપૂતો સાબિત કરવા માંગે છે.
- વાસુદેવ દેવનાની, વસુંધરા સરકારમાં શિક્ષણમંત્રી

કોંગ્રેસનો પ્રતિભાવઃ અમે નિમેલી તજ્જ્ઞો અને શિક્ષણવિદની કમિટીને પાઠ્યપુસ્તકોમાં ગંભીર ભૂલો જણાઈ છે. NCERTની માર્ગદર્શિકાનું પણ ઉલ્લંઘન થતું જણાયું છે. અગાઉની ભાજપ સરકારે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરીને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો એજન્ડા લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાવિ પેઢીને ગુમરાહ કરવાના આવા પ્રયાસો ખાળવા જ પડે.
- ગોવિંદસિંઘ દોતસરા, ગેહલોત સરકારમાં શિક્ષણમંત્રી

X
The Rajasthan government changed the textbooks, Savarkar is no longer 'Veer'

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી