તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, જોકે આપણી પાસેથી જેટલું ખરીદે છે, તેનાથી પાંચ ગણું ભારતને વેચે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે પણ જિનપિંગ અને મોદી 6 કલાક સાથે રહ્યા હતા, બંને વચ્ચે 50 મિનિટ વેપાર અને આંતરરાષ્ટ્રીય પ્રાથમિકતાઓ વિશે વાત થઈ હતી
  • ચેન્નઇમાં પીએમ મોદી-જિનપિંગે બન્ને દેશ વચ્ચે વેપાર અને રોકાણ વધારવા અંગે સૌથી વધુ વાત કરી
  • 2020માં ચીન-ભારતના સંબંધો 70 વર્ષના થશે, જે પ્રસંગે બન્ને દેશમાં 70 પ્રકારના કાર્યક્રમ થશે
  • ભારત-ચીન વચ્ચેનો વેપાર આ વર્ષના અંત સુધીમાં 7 લાખ કરોડ રૂપિયાને પાર થઇ જશે

ચેન્નઇઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારતપ્રવાસ ભારતીય કૂટનીતિની દ્રષ્ટિએ ઘણો મહત્ત્વનો રહ્યો, કેમ કે જિનપિંગ કાશ્મીર મુદ્દે એક શબ્દ પણ નથી બોલ્યા. બીજી સૌથી મહત્ત્વની વાત ચેન્નઇ સમિટમાં બન્ને દેશ વચ્ચે વેપાર અને રોકાણ રહી. સમિટમાં બન્ને નેતાઓ વચ્ચે કુલ 6 કલાક સુધી વન-ટુ-વન મીટિંગ થઇ, જેમાં બન્નેએ મહત્તમ ચર્ચા દ્વિપક્ષી વેપાર, રોકાણ અને સેવાઓ અંગે કરી. જોકે, બન્ને દેશ વચ્ચે વેપાર અને રોકાણમાં વધારો ભારત માટે કાયમ ખોટનો સોદો જ રહ્યો છે. હાલ ચીન ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે પણ તે આપણી પાસેથી જેટલો સામાન ખરીદે છે તેનાથી 5 ગણો સામાન આપણને વેચી રહ્યું છે. મોદી-જિનપિંગે બન્ને દેશના લોકો વચ્ચે સંપર્કો વધારવા અંગે પણ વાત કરી. આવતા વર્ષે ભારત-ચીન સંબંધોના 70 વર્ષ પૂરા થઇ રહ્યા છે. આ પ્રસંગે બન્ને દેશ 70 પ્રકારના કાર્યક્રમ યોજવા વિચારી રહ્યા છે. મતલબ કે દર અઠવાડિયે ભારત કે ચીનમાં દ્વિપક્ષી સંબંધો સાથે જોડાયેલો એક કાર્યક્રમ યોજાશે.

ભારતને સૌથી વધુ વેપાર ખોટ ચીન સાથે જ થઇ રહી છે
ભારત-ચીન વચ્ચે વેપારમાં છેલ્લા 20 વર્ષમાં ભારે વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2000માં બન્ને દેશ વચ્ચે માત્ર 3 અબજ ડોલરનો વ્યાપાર થતો હતો, જે 2008માં વધીને 51.8 અબજ ડોલરનો થઇ ગયો. આ સાથે જ ચીન અમેરિકાની જગ્યાએ ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની ગયું. 2018માં બન્ને દેશના વ્યાપાર સંબંધો નવી ઊંચાઇ પર પહોંચી ગયા. બન્ને વચ્ચે 95.54 અબજ ડોલરનો વેપાર થયો. ચીનમાં ભારતના રાજદૂતના જણાવ્યાનુસાર 2019ના અંત સુધીમાં ભારત-ચીન વચ્ચેનો વ્યાપાર 7 લાખ કરોડ રૂપિયાને પાર થઇ જશે. વ્યાપાર વધી રહ્યો છે તેનો અર્થ એ નથી કે તેનો બન્ને દેશને સરખો ફાયદો મળી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના કહેવા મુજબ 2018માં ભારત-ચીન વચ્ચે 95.54 અબજ ડોલરનો વ્યાપાર થયો પણ તેમાં ભારતની નિકાસ માત્ર 18.84 અબજ ડોલરની જ હતી. મતલબ કે ચીને ભારત પાસેથી ઓછો સામાન ખરીદ્યો અને ભારતને તેનાથી પાંચ ગણો સામાન વેચ્યો. આમ, વેપાર  વધવાથી ચીનને વધુ ફાયદો થયો. ભારતને સૌથી વધુ વેપાર ખોટ ચીન સાથે જ થાય છે. 2018માં ભારતને ચીન સાથે 57.86 અબજ ડોલરની વેપાર ખોટ થઇ હતી.

રોકાણની વાત: ચીન રોકાણ કરવામાં પણ ભારતથી આગળ, સ્ટાર્ટ-અપ પહેલી પસંદ
ચીનના વાણિજ્ય મંત્રાલય મુજબ, ડિસેમ્બર-2017ના અંત સુધીમાં ચીને ભારતમાં 4.747 અબજ ડોલરનું રોકાણ કર્યું. ચીન ભારતના સ્ટાર્ટ-અપ્સમાં ઘણું રોકાણ કરી રહ્યું છે. જોકે, ભારતનું ચીનમાં રોકાણ તેની તુલનાએ ઓછું છે. સપ્ટેમ્બર-2017ના અંત સુધીમાં ભારતે ચીનમાં 851.91 લાખ ડોલરનું રોકાણ કર્યું છે. બન્ને દેશ પરસ્પર રોકાણ વધારવા પર ભાર મૂકી રહ્યા છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી અને જિનપિંગે એક એક્ઝિબિશનમાં પણ ભાગ લીધો હતો. મોદીએ જિનપિંગને તેમની તસવીર વાળી શૉલ ગિફ્ટ કરી છે. શી જિનપિંગ ચીન જવા રવાના થઈ ગયા છે અને તેમણે વડાપ્રધાન મોદીને ત્રીજી ઔપચારિક બેઠક માટે ચીન આવવા આમંત્રણ આપ્યું છે, જે વડાપ્રધાને સ્વીકારી પણ લીધું છે.
મોદીએ આજે ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં બપોરે લંચ રાખ્યું હતું. નોંધનીય છે કે મોદી ગયા વર્ષે એપ્રિલમાં પહેલી અનઔપચારિક બેઠક માટે ચીનના વુહાન ગયા હતા. બંને નેતાઓ બેંકોકમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી થનારી આસિયાન સમિટમાં પણ ભાગ લેશે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ભાગીદારી વધારવા વિશે સહમતી થઈ

  • બંને નેતાઓની મુલાકાત પછી વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે છ કલાક સુધી મુલાકાત થઈ હતી. ચીન વેપાર ખોટ ઓછી કરવા માટે મહત્વના પગલાં લેશે. આ વેપારી સંબંધો જાળવી રાખવા માટે ખૂબ ગંભીર બાબત છે. જિનપિંગ અને મોદીની વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ભાગીદારી કરવા વિશે અને માર્કેટમાં રોજગારી વધારવા વિશે પણ વાત થઈ હતી.
  • જિનપિંગે રક્ષા ક્ષેત્રે સંબંધ વધારવા વિશે પણ વાત કરી હતી. તેનાથી બંને દેશની સેનાઓ વચ્ચે વિશ્વાસ વધશે. રક્ષા મંત્રી ટૂંક સમયમાં જ ચીનની મુલાકાત લેશે. તેની જાહેરાત કરવામાં આવશે. આવતા વર્ષે ચીન-ભારત વચ્ચે સંબંધોને 70 વર્ષ પૂરા થઈ જશે. આ દરમિયાન અમે 70 પ્રકારના કાર્યક્રમ કરવા વિશે પણ વિચાર કરી રહ્યા છીએ. તેમાં દર સપ્તાહે ભારત અથવા ચીનમાં તેની સાથે સંકળાયેલો એક કાર્યક્રમ થશે.
  • ગોખલેએ કાશ્મીર મુદ્દે ચર્ચા વિશે સવાલ પૂછાતા કહ્યું છે કે, બંને નેતાઓ વચ્ચે કાશ્મીર મુદ્દે તોઈ વાત નથી થઈ. સરકાર પહેલાં જ કહી ચૂકી છે કે, આ અમારો અંગત મુદ્દો છે. બંને નેતાઓ વચ્ચે આતંકવાદ જેવા વૈશ્વિક જોખમોનો સામનો કરવા વિશે વાત થઈ છે. ચીન અને ભારત જેવા મોટા દેશોમાં કટ્ટરપંથનું વધવું ચિંતાજનક છે.

ભારત ચીને પર્યટન વધારવા વિશે ભાર આપ્યો
ગોખલેના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીએ બંને દેશોમાં પર્યટન વધારવા વિશે પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતની સ્વતંત્રતાના 75માં વર્ષમાં અમે અમારા ટૂરિઝમમાં અમારા જૂના સ્તરને ભારણ આપવાનો પ્રયત્ન કરીશું. મોદી અને જિનપિંગ વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા વિશે પણ વાતચીત થઈ હતી. જિનપિંગે તે વિશે સહમતી દર્શાવી હતી. વડાપ્રધાને તમિલનાડુ અને કુચિયાન રાજ્યમાં સંબંધ સુધારવા વિશે ભાર આપ્યો હતો. કુચિયાનમાં તાજેતરમાં જ તમિલ કલાકૃતિઓ મળી આવી છે. તે સિવાય એક મંદિર પણ શોઘવામાં આવ્યું છે. વડાપ્રધાન દક્ષિણ ભારત અને ચીન વચ્ચેના સંબંધોને આગળ વધારવા માટે આ વાત મહત્વની માને છે.

મોદી ત્રીજી અનઔપચારિક બેઠક માટે ચીન જશે
વિદેશ સચીવે કહ્યું કે, જિનપિંગે અનઔપચારિક બેઠક માટે વડાપ્રધાન મોદીને ફરી ચીન આવવા આમંત્રણ આપ્યું છે. જોકે હાલ તેનો સમય નક્કી કરવામાં આવ્યો નથી. મોદીએ આમંત્રણ સ્વીકારી લીધું છે. આજે થયેલી ચર્ચાઓમાં ચીન અને ભારત વચ્ચે પીપલ-ટુ-પીપલ રિલેશન વધારવા વિશે પણ વાત કરવામાં આવી છે. જેથી બંને દેશોના નાગરિકોને સીધો ફાયદો થાય.

આતંકવાદ-વેપાર જેવા મુદ્દે વાતચીત
કોવલમ મધ્ય ચેન્નાઈનું પ્રખ્યાત પર્યટક સ્થળ છે. અહીં જ બનાવવામાં આવેલા કૉવ રિસોર્ટમાં આજે વડાપ્રધાન મોદી અને જિનપિંગ મળ્યા છે. મુલાકાત દરમિયાન બંને નેતાઓની સાથે ટ્રાન્સલેટર પણ હાજર છે. બંને દેશોની વચ્ચે આતંકવાદ અને વેપાર જેવા મુદ્દાઓની ચર્ચા થવાની શક્યતા છે.

શુક્રવારે મોદી-જિનપિંગ 6 કલાક સાથે રહ્યા પણ કોઇ જ નિવેદન ન આવ્યું, પ્રેસ કોન્ફરન્સ પણ ન થઇ
તમિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક વાતચીત થઇ. મોદી અને જિનપિંગ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી વન-ટુ-વન મીટિંગ થઇ. અહીં બન્ને નેતા અંદાજે 6 કલાક સાથે રહ્યા પણ બન્ને તરફથી કોઇ સંયુક્ત નિવેદન જાહેર કરવામાં નથી આવ્યું કે કોઇ પ્રેસ કોન્ફરન્સ નથી થઇ કે મોદી-જિનપિંગ વચ્ચે શું વાતચીત થઇ તેના વિશે કંઇ બહાર આવ્યું નથી.

મોદીએ કહ્યું- ભારત-ચીનના સંબંધો મજબૂત થશે
વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે, આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં શુક્રવારે અને શનિવારે બંને નેતાઓની મુલાકાત થશે. તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મહાબલીપુરમમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે. ચેન્નાઈથી મહાબલીપુરમ સુધી 5 હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તા અને કાર્યક્રમ સ્થળ પર 800 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે દરિયા કિનારાથી થોડે દૂર યુદ્ધ સબમરીન તહેનાત કરી છે.

આજનો કાર્યક્રમ  (શનિવાર)
10.00થી 10.40 AM: ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
10.50થી 11.40 AM: ભારત-ચીન વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત
11.45AM થી 12.45 PM: ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થા
02.00 PM: વડાપ્રધાન મોદી દિલ્હી આવવા રવાના થશે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો