નારાજગી / મદ્રાસ હાઇકોર્ટે કહ્યું- હોર્ડિંગ્સની વિરુદ્ધ આદેશ આપી-આપીને અમે થાકી ગયા, હવે સરકાર પર ભરોસો નથી

અકસ્માતગ્રસ્ત ટુ વ્હિલર અને મૃતક સુબાશ્રીની ફાઇલ તસવીર

  • ચેન્નાઇમાં અન્નાદ્રમુકનું હોર્ડિંગ યુવતી પર પડ્યું, પાછળથી આવી રહેલા ટેન્કરે કચડી નાંખતા મોત

Divyabhaskar.com

Sep 14, 2019, 01:27 PM IST

ચેન્નાઇ: તમિલનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુકના એક ગેરકાયદેસર હોર્ડિંગે ચેન્નાઇમાં 23 વર્ષની આશાસ્પદ સોફટવેર એન્જિનિયર યુવતી સુબાશ્રીનો જીવ લઇ લીધો. સ્કૂટર પર ઓફિસથી ઘેર પરત થતી વખતે હોર્ડિંગ પડતા યુવતી રોડ પર લપસી પડી, તે જ સમયે પાછળથી આવતા ટેન્કરે તેને કચડી નાંખી. આ ઘટના અંગે શુક્રવારે મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારને કડક ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે અમે ગેરકાયદે હોર્ડિંગ્સ વિરુદ્ધ આદેશ આપી-આપીને થાકી ગયા. હવે તો સરકાર પરથી પણ ભરોસો ઊઠી ગયો છે. સોશિયલ એક્ટિવિસ્ટ ‘ટ્રાફિક’ રામાસ્વામીએ હાઇકોર્ટ સમક્ષ આ ઘટનાનો ઉલ્લેખ કરી તાત્કાલિક સુહોડીણીનો આગ્રહ કર્યો હતો. જસ્ટિસ એમ. સત્યનારાયણ અને એન. શાસયીની બેન્ચે રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડવોકેટ જનરલને કહ્યું કે જ્યારે ફ્લેક્સ બોર્ડ લાગી રહ્યાં હતાં ત્યારે અધિકારી ક્યાં હતા? ભોગ બનેલી યુવતીનાં માતા-પિતાને સરકાર શું જવાબ આપશે?

માફ કરશો પણ અમારો સરકાર પરથી ભરોસો ઊઠી ગયો છે
મૃત્યુ માટે તમે માત્ર વળતર આપી સંતુષ્ટ થઇ શકો નહીં. રોડ પર હજુ કેટલા લિટર લોહી વહાવવા માગો છો?’ બેન્ચે પૂછ્યું કે - શું દેશમાં નાગરિકોના જીવની આટલી જ કિંમત છે? અમલદારશાહો આટલા સંવેદનવિહોણા કેમ છે? ફ્લેક્સ બોર્ડ રાતો રાત લાગ્યાં નથી. કલ્પના કરો કે તે યુવતી સુબાશ્રી જીડીપીમાં કેટલું યોગદાન આપી શકી હોત? આ અમલદારશાહોની ઉદાસીનતા છે. માફ કરશો પણ અમારો સરકાર પરથી ભરોસો ઊઠી ગયો છે.’ યુવતી પર જે હોર્ડિંગ પડ્યું તે અન્નાદ્રમુકના એક નેતાના પરિવારના લગ્ન કાર્યક્રમ માટે લગાવાયું હતું, બેન્ચે પૂછ્યું કે શું ફ્લેક્સ બોર્ડ વિના લગ્ન થઇ શક્યાં ન હોત? રાજ્ય સરકારે આ ઘટના અંગે જવાબ આપવા માટે બે સપ્તાહનો સમય માગ્યો છે.

કોર્ટની ફટકાર પછી રાજકીય પક્ષોની હોર્ડિંગ નહીં લગાવવાની અપીલ
રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે ગેરકાયદે હોર્ડિંગની સંખ્યા 80 ટકા સુધી ઘટી છે. તેની સામે બેન્ચે કહ્યું કે કોઇ પણ પક્ષ અમારી વાત સાંભળતો નથી. આજ સુધી જોયું નથી કે કોઇ પક્ષે ફ્લેક્સ બોર્ડ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હોય. શું આ પક્ષો કાયદાથી પર છે? મુખ્યમંત્રી પોતાના કાર્યકર્તાઓને હોર્ડિંગ નહીં લગાવવા કહે. હવે તો રાજકીય પક્ષો તેમની વિરુદ્ધ આંદોલન શરૂ કરે. કોર્ટની ફટકાર પછી અન્નાદ્રમુક અને દ્રમુકે પોતાના કાર્યકર્તાઓને હોર્ડિંગ નહીં લગાવવા આગ્રહ કર્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી