પંડિતોના પુનર્વસનનો પ્રયાસ / અઢી હજાર વર્ષથી અહીં વસતાં કાશ્મીરી પંડિતો ધર્મના રક્ષક બની રહ્યા છે અને તેના કારણે અત્યાચારનો ભોગ પણ બન્યાં

X

 • પંડિતોના પુનર્વસન માટે ભારત સરકારના પ્રયત્નો સંદર્ભે વિશેષ લેખ
 • મહર્ષિ કશ્યપના નામથી આ વિસ્તાર કાશ્મીર તરીકે ઓળખાયો, કાસ્પિયન સમુદ્રનું મૂળ નામ પણ કાશ્યપાયન હોવાનું મનાય છે
 • જમ્મુની મુત્થા કોલોની અને દિલ્હીના કેમ્પમાં બદહાલ જિંદગી જીવતાં પંડિતો વેદકાલીન જ્ઞાનવારસાના છેલ્લાં વાહકો હતા

Divyabhaskar.com

Jul 15, 2019, 11:10 AM IST

ધૈવત ત્રિવેદીઃ કેન્દ્રમાં મોદી સરકારની બીજી ઈનિંગ અને ખાસ તો ગૃહમંત્રી તરીકે અમિત શાહની વરણી પછી અપેક્ષા મુજબ જ કાશ્મીરની કાયમી સમસ્યામાં નોંધપાત્ર પ્રગતિ થવાની આશા બંધાઈ છે. ભાજપના મહાસચિવ અને કાશ્મીરના પ્રભારી રામ માધવે શનિવારે કરેલી જાહેરાત મુજબ, દાયકાઓથી પોતાના વતનથી વિસ્થાપિત થઈ ચૂકેલા કાશ્મીરી પંડિતોને ખીણ વિસ્તારમાં ફરીથી વસાવવા અંગે યોજના ઘડાઈ રહી છે.

આવી યોજનાઓ અને આવી હૈયાધારણા જોકે અગાઉ પણ અપાઈ ચૂકી છે એટલે ફક્ત તેનાંથી બહુ આશાવાદી બનવાની ભૂલ કરવા જેવી નથી. આમ છતાં, સમગ્ર દેશની સહાનુભૂતિ કાશ્મીરથી વિખૂટા પડીને બદહાલ બની ચૂકેલા લાખો કાશ્મીરી પંડિતોની સાથે છે. હજારો વર્ષનો ગૌરવશાળી ઈતિહાસ અને ભવ્ય પરંપરા ધરાવતા પંડિતો પોતાના વતનમાં સલામત રીતે પાછા ફરે એ અનિવાર્યપણે આવશ્યક છે. આ શ્રેણી કાશ્મરી પંડિતોના કાશ્મીર સાથેના ગૌરવશાળી જોડાણ અને રાજકીય બદસલૂકીઓના પાપે વતનથી ઉખડી જવાના દર્દને ઉજાગર કરવાનો પ્રયાસ છે. 

કાશ્મીરઃ પેચીદો ભૂગોળ, પેચીદો ઈતિહાસ, પેચીદી રાજનીતિ

 • કાશ્મીર તરીકે ઓળખાતો ખીણ વિસ્તાર એ આજે જમ્મુ અને કાશ્મીર નામના રાજ્યનો હિસ્સો છે. આ રાજ્ય પરસ્પર વિરોધાભાસી એવા ત્રણ ભૂસમૂહોનું બનેલું છે. એ ત્રણ ભૂસમૂહ એટલે જમ્મુનો મેદાની વિસ્તાર, જેમાં જમ્મુ ઉપરાંત ઉધમપુર, સામ્બા, ડોડા વ. કુલ 10 જિલ્લાઓ આવેલા છે, જેનું ક્ષેત્રફળ આશરે 36 હજાર ચો. કિમી. જેટલું છે. મેદાની વિસ્તારનો લેન્ડસ્કેપ જ્યાંથી બદલાય છે એ પીર પંજાલ પહાડીઓ ઉતર્યા પછી ખીણ વિસ્તાર શરૂ થાય છે. 
 • આ ખીણ વિસ્તારમાં હજારો વર્ષ પહેલાં મહાકાય સરોવર હતું, જે કાળક્રમે સૂકાઈને નાનાં સરોવરોમાં વહેંચાઈ ગયું અને સૂકાયેલી જમીનમાં જનવસવાટ શક્ય બન્યો. કાશ્મીર તરીકે ઓળખાતો વિસ્તાર એ મૂળભૂત રીતે આ સૂકાયેલા મહાસરોવરનો વિસ્તાર છે, જેનું ક્ષેત્રફળ આશરે 16 હજાર ચો. કિમી. જેટલું છે. રાજ્યનો ત્રીજો વિસ્તાર એટલે લદ્દાખ. ઉત્તર-પૂર્વે હિમાલય અને કારાકોરમનો આશરે 33 હજાર ચો. કિમી.નો આ વિસ્તાર પહાડી અને દુર્ગમ છે. 
 • ભૂગોળની માફક આ સમગ્ર પ્રદેશની પરંપરા, ઇતિહાસ પણ અલગ છે. આજે જવાહર ટનલને લીધે જમ્મુ અને શ્રીનગર આસાન રસ્તે જોડાયેલા છે પરંતુ એ પહેલાં સદીઓ સુધી એ પ્રવાસ ભારે દુર્ગમ હોવાથી કાશ્મીરનો ખીણ વિસ્તાર લગભગ અસ્પૃશ્ય (Virgin) ગણાતો રહ્યો છે. જ્યારે લદ્દાખ તેના વિકરાળ પહાડો અને વિષમ હવામાનને લીધે કપાયેલું રહ્યું છે. 
2. કશ્યપ ઋષિનું કાશ્મીર હવે મકબૂલ, બુરહાન, ઝાકિરનું કાશ્મીર
 • કાશ્મીર શબ્દનો સીધો સંબંધ વેદકાલીન મહર્ષિ કશ્યપ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. આશરે 6000 વર્ષ પહેલાં દ્રાવિડ પ્રજા સાથેના સંઘર્ષમાં આર્યો ચડિયાતા સાબિત થયા હતા. ગંગા-જમનાના દો-આબ (આબ એટલે પાણી) તરીકે ઓળખાતા ફળદ્રુપ વિસ્તારો પર કબજો જમાવી ચૂક્યા હતા. દ્રાવિડો વિંધ્યાચળ અને કાવેરી નદીની સામે પાર વસી ચૂક્યા હતા. મેદાની વિસ્તાર પછી આવતી બનીહાલની દુર્ગમ પર્વતમાળાને લીધે કાશ્મીરનો ખીણ વિસ્તાર અલાયદો પડેલો હતો. મહર્ષિ કશ્યપના પ્રભાવને લીધે તેને કશ્યભૂશિર તરીકેનું નામ મળ્યું હતું, જેમાંથી સમયાંતરે કાશ્મીર શબ્દ અવતર્યો. 
 • કશ્યપ ઋષિનો પ્રભાવ આજના કાશ્મીરથી ઉત્તર-પશ્ચિમે છેક ઈરાન, તુર્કમેનિસ્તાન અને અઝારબૈજાન સુધી પ્રસરેલો હતો. આ દેશોને જોડતા કાસ્પિયન સમુદ્રનું મૂળ નામ પણ મહર્ષિ કશ્યપને લીધે કાશ્યપાયન હોવાનું માનવામાં આવે છે. ઈસ. પૂર્વે 2000થી શરૂ કરીને ઈસ.ની 12મી સદી સુધી, એટલે કે સળંગ 3200 વર્ષ સુધી અહીં માત્ર આર્યો એટલે કે હિન્દુઓનો જ વસવાટ હતો. એટલે કાશ્મીર સાથે ભારતનું જોડાણ નિઃશંક ગણાવું જોઈએ. આશરે અઢી હજાર વર્ષ પહેલાં અહીં બ્રાહ્મણોનો બહુ મોટો સમૂહ વસવાટ માટે આવ્યો ત્યારથી આ પ્રદેશ તેમનો બની રહ્યો છે. હવે આ જ પ્રદેશ મકબૂલ બટ્ટ, બુરહાન વાની અને ઝાકિર લખવી જેવા આતંકવાદીઓનો બની ચૂક્યો છે એ વાસ્તવિકતાને સમયનું બહુ વરવું અટ્ટહાસ્ય ગણવું પડે. 
3. કાશ્મીરી પંડિતો એટલે વૈદિક જ્ઞાનવારસાના છેલ્લાં રખવૈયા
 • આજે જેને કાશ્મીરી પંડિત તરીકે ઓળખવામાં આવે છે એ સમુદાયનો કાશ્મીરમાં વસવાટ ઓછામાં ઓછા બે હજાર વર્ષ જૂનો છે. ત્રણ હજાર વર્ષથી પેઢી દર પેઢીથી અહીં વસવા ટેવાયેલી આ પ્રજા ક્રમશઃ અહીંથી હડસેલાતી ગઈ છે અને છેલ્લાં ત્રણ દાયકાથી તો તેઓ પોતાના વતન, પોતાના બાપદાદાઓની ભૂમિથી સદંતર વિખૂટા પડી ચૂક્યા છે. આજે જમ્મુની મુત્થા કોલોની અને દિલ્હીના રેફ્યુજી કેમ્પમાં બદહાલ દશામાં જીવતા પંડિતોનો ભૂતકાળ, ઈતિહાસ એટલાં ગૌરવવંતા છે કે ભારતની એકપણ પ્રજા ભાગ્યે જ તેમની બરાબરી કરી શકે. ગવર્ન્મેન્ટ એડમિનિસ્ટ્રેશન હોય કે સૈન્ય, કોઈ એક સમુદાયે સૌથી વધુ પ્રમાણમાં ટોચના અધિકારીઓ આપ્યા હોય તો એ કાશ્મીરી પંડિતો છે. 
 • બુદ્ધિશાળી, પ્રભાવશાળી, ગૌર અને મજબૂત કદ-કાઠી ધરાવતા કાશ્મીરી પંડિતોના જીન્સમાં શુદ્ધ આર્યત્વ જળવાયું હોવાનું મનાય છે. સમગ્ર ભારતથી ભૌગોલિક રીતે કપાયેલા કાશ્મીરમાં પંડિતોનું આગમન પણ ધાર્મિક બળજબરીના પ્રતિકાર સ્વરૂપે જ થયું હતું. આજે વિધિની વક્રતા એ છે કે ધર્મને જાળવવા માટે તેઓ કાશ્મીરમાં આવ્યા, હવે ધર્મના કારણે જ તેમણે ત્રણ હજાર વર્ષ પછી કાશ્મીર છોડવાનો વારો આવ્યો. 
4. કેમ કાશ્મીરી પંડિતોને હંમેશા ધર્મના કારણે હેરાનગતિ ભોગવવી પડી છે?
 • અગાઉ કોનાં કારણે તેમણે કાશ્મીરના દુર્ગમ સ્થાન તરફ સ્થળાંતર કરવું પડ્યું હતું? 
 • મૂળ એ પંડિતો ક્યાંના હતા? પંડિત તરીકે ઓળખાયા એ પહેલાં તેમની શું ઓળખ હતી? 
 • શા માટે પંડિતોને હિન્દુ ધર્મના જ્ઞાનવારસાનું છેલ્લે સુધી જીવની જેમ જતન કરનારા તરીકે ઓળખવામાં આવે છે? 
 • વાંચો આવતીકાલે... 
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી