સ્વતંત્રતા દિવસ વિશેષ / જ્યારે નહેરુ કેબિનેટ શપથ લઈ રહી હતી, ગાંધીજી કોલકાત્તામાં પ્રાર્થનાસભાઓથી હુલ્લડોને અટકાવી રહ્યા હતા

While Nehru was taking oath of cabinet, Gandhi was preventing riots by prayer meetings in Kolkata.

  • મહાત્મા ગાંધીએ કોલકાત્તામાં બે દિવસમાં જ હુલ્લડોને અટકાવી દીધા 
  • તેમણે કહ્યું કે, જો હુલ્લડો ચાલુ રહેશે તો બન્ને દેશોની અવધારણાઓનો અંત આવી જશે 
  • ગાંધીજીએ આઝાદીનો બુદ્ધિ અને સંયમ સાથે ઉપયોગ કરવાની સલાહ આપી 

Divyabhaskar.com

Aug 15, 2019, 04:54 PM IST

નવી દિલ્હીઃ સંસદભવનમાં 14 ઓગષ્ટ 1947ની રાતે 11 વાગ્યે સ્વતંત્રતા દિવસ માટેની ઓફિશીયલ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. પહેલા વંદેમાતરમનું ગાન કરવામાં આવ્યું ત્યાર બાદ જવાહરલાલ નહેરુએ ભાષણ આપ્યું હતું. અડધી રાતે શરૂ કરાયેલી આ ઉજવણી બીજી દિવસે પણ ચાલુ રહી હતી, પરંતુ આ ઉજવણીમાં ગાંધીજી સામેલ થયા ન હતા. જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભઈ પટેલની અપીલ છતા તેઓ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સામેલ થયા ન હતા. આ દિવસે મહાત્મા ગાંધી રાજધાનીથી અંદાજે 1500 કિમી દૂર કોલકત્તાના હુલ્લડો વાળા વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે મેળ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મૌલાના અબુલ કલામ આઝાદના કહ્યા પ્રમાણે, વિભાજન મારા માટે ઝેર સમાન છે. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન બૂમો પાડી રહ્યાં હતા કે વિભાજન મારી છાતી પર ઘા કરી રહ્યું છે અને મહાત્મા ગાંધી આઝાદીના પ્રકાશમાં રંગાયેલી દિલ્હીથી દુર કોલકત્તામાં લાશો વચ્ચે છે. સત્ય રડી રહ્યું હતું અને જુઠ્ઠાણાનો રાજતિળક થઈ રહ્યો હતો. એકબાજુ હિન્દુસ્તાનમાં તો બીજી તરફ પાકિસ્તાનમાં.

14 ઓગસ્ટની સાંજઃ દિલ્હીમાં ઉજવણીની તૈયારીઓ અને કોલકત્તામાં ગાંધીની ચમત્કારિક પ્રાર્થનાસભા

અડધી રાતે મળેલી આઝાદી પર જ્યારે દેશભરમાં શંખનાદ સંભળાઈ રહ્યો હતો, તે સમયે મહાત્મા ગાંધી કોલકત્તાની હૈદરી મંજિલમાં હતા. તેમના માટે આ રાત પણ એક સામાન્ય રાતની જેમ જ હતી. 12મી ઓગષ્ટે પણ તેઓ આ જ ઘરેથી પશ્વિમ બંગાળના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલા હુલ્લડોને રોકવા માટે પ્રાર્થનાસભા કરી રહ્યા હતા. કોલકત્તાના ઘણા વિસ્તારોમાં તે દિવસોની પરિસ્થિતી ખરાબ હતી. 13મી ઓગષ્ટે ગાંધી આ વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે તેમની ગાડી પર પણ પથ્થરમારો થયો હતો. પરંતુ આગામી બે દિવસની અંદર અહીં શાંતિનો માહોલ બની ગયો હતો. 14 ઓગષ્ટની સાંજે જ્યારે દિલ્હીમાં ઉજવણીની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે ગાંધી તે હાઉસના આંગણામાં પ્રાર્થનાસભા કરી રહ્યા હતા.

 

ગાંધીજીએ કહ્યું હતું કે, આઝાદીના આવા આગમનથી હું ખુશ નથી

તે દિવસે હિંસાથી ભરપૂર કોલકાતાના એ તૂટેલા મકાનના આંગણામાં તેમની પ્રાર્થનાસભા એક ચમત્કાર જેવી હતી. આ સભામાં તેમણે કહ્યું કે, આવતી કાલથી આપણે અંગ્રેજી રાજથી મુક્ત થઈ જશું, પરંતુ અડધી રાતે ભારતના પણ બે ટૂકડાં થઈ જશે. આવતી કાલનો દિવસ ખુશીનો હશે, પરંતુ એટલો જ દુઃખનો પણ હશે. આ આઝાદી આપણને એક મોટી જવાબદારી સોંપી રહી છે. આપણે આપણો વિવેક અને ભાઈચારો ન છોડવો જોઈએ. જો આ વિવેક અને ભાઈચારાની રક્ષા કોલકત્તામાં થઈ ગઈ તો સમજો આખાય ભારતમાં થઈ ગઈ. કોલકત્તાના ઉદાહરણથી સમગ્ર દેશમાં માનવતા જાગશે. આઝાદીનું આવું આગમન મને ખુશ નથી કરતું. આવતી કાલે સ્વતંત્રતા દિવસે હું ઉપવાસ કરીશ. ભારતના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરીશ.

 

આ પ્રાર્થનાસભાના ઠીક પહેલા શહેરમાં એક સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં હિન્દુ અને મુસલમાનોએ ભાગ લીધો હતો. આ સરઘસ ગાંધીજીના નિવાસ સ્થાન હૈદરી મંજિલ સુધી પહોંચ્યું હતું. એક દિવસ પહેલા જ્યાં કોલકત્તા ભડકે બળી રહ્યું હતું તેનો માહોલ આ સરઘસ સાથે એકદમ બદલાયેલો જોવા મળ્યો હતો. 24 કલાક પહેલા જે લોકો એકબીજાના માથા ફોંડવા પર આવી ગયા હતા તે લોકો જ આ સરઘસમાં શાંતિપૂર્વક એકબીજાને ભેટતા જોવા મળ્યા હતા. આ ગાંધીજીની છેલ્લા બે દિવસની પ્રાર્થનાસભાઓના કારણે શક્ય બન્યું હતું.

15 ઓગસ્ટઃ સવારે બે પત્ર લખ્યા, બપોરે બંગાળમાં સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓને મળ્યા

ગાંધીજી માટે 15 ઓગસ્ટની સવાર સામાન્ય સવાર જેવી હતી. તેમણે બે પત્ર લખ્યા. એક પત્ર તેમણે પોતાના લંડનના મિત્ર અગાથા હેરિસનને લખ્યો અને બીજો રામેન્દ્ર જી સિન્હાને લખ્યો હતો. અગાથા હેરિસનને તેમણે સ્વતંત્રતા દિવસ મનાવવાની રીતે જણાવતા લખ્યું કે આ પત્ર હું ચરખો કાતતા લખી રહ્યો છું. તમે જાણો છો કે આજ જેવા પ્રસંગો મનાવવાની મારી રીત એ છે કે હું ભગવાનને ધન્યવાદ આપું અને પ્રાર્થના કરું. પ્રાર્થનાની સાથે ઉપવાસ રાખવો પણ જરૂરી છે. આ સિવાય ગરીબોના સંધર્ષ સાથે જોડાવવા અને સમર્પણ માટે ચરખો કાંતવો પણ જરૂરી છે.

ગાંધીજીએ આ પત્રમાં અગાથાને પોતે કેટલા વ્યસ્ત છે તે પણ જણાવ્યું હતું. તેમણે લખ્યું કે તમે વિંટર્ટનના ભાષણમાં મારો ઉલ્લેખ કર્યો છે પરંતુ હું તેને વાંચી શકયો નથી. ઈન્ડિપેન્ડન્સ બિલ પર થયેલી ચર્ચા દરમિયાન થયેલા ભાષણને પણ હું વાંચી શક્યો નથી. મને ન્યૂઝ પેપર વાંચવાનો સમય પણ મળતો નથી. ગાંધીજીએ આગળ પણ લખ્યું કે તમારે અને મારે તો જેટલું થઈ શકે, એટલું આપણું કામ કરતા રહેવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ. હવે હું ચરખો બંધ કરવાનો છું. મારે બીજું પણ કામ કરવાનું છે.

 

અહીંસાથી ભરી વીરતા ઘણી રીતે દેખાય છે

બાદમાં ગાંધીજીએ રામેન્દ્ર જી સિન્હાના પત્રનો જવાબ આપ્યો. રામેન્દ્ર જી સિન્હાએ ગાંધીજીને જણાવ્યું હતું કે કેવા તોફાનોને રોકવામાં તેમના પિતાનું મૃત્યું થયું હતું. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું કે તમારા પિતામાં વીરો વાળી અહિંસા હતી. અહિંસાથી ભરેલી વીરતા ઘણી રીતે દેખાય છે. તેના માટે જરૂરી નથી કે તમારે કોઇ હત્યારાના હાથે મરવું પડે.

પશ્ચિમ બંગાળના મંત્રીઓને સતાથી સાવધાન રહેવાની ચેતવણી

15 ઓગસ્ટની સવારે જ પશ્ચિમ બંગાળના મંત્રીઓએ ગાંધીજી સાથે મુલાકાત કરી હતી. તેમણે મંત્રીઓને આઝાદીની શુભકામનાઓ તો આપી સાથે જ ચેતવણી પણ આપી હતી. ગાંધીજીએ મંત્રીઓને કહ્યું આજે તમને કાંટાનો તાજ પહેરાવવાનો છે. સત્ય અને અહિંસાને પ્રોત્સાહન આપવા માટે સતત કોશિશ કરતા રહેવાનું છે.

રાજગોપાલાચારીએ તોફાનો રોકવા બાબતે અભિનંદન આપ્યા તો ગાંધીજી બોલ્યા- હજુ મને શાંતિ થઈ નથી

પશ્ચિમ બંગાળના નવા રાજયપાલ સી રાજગોપાલાચારી પણ તે દિવસે ગાંધીજીને મળ્યા હતા. તેમણે હૈદરી મંજિલે આવીને ગાંધીજીને શહેરમાં થઈ રહેલા તોફાનોને ચમત્કારિક રૂપથી રોકવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેના પર ગાંધીજીનો જવાબ હતો, મને ત્યા સુધી શાંતિ નહિ થાય, જયાં સુધી હિન્દુ અને મુસ્લમાન એક બીજાથી સુરક્ષિત હોવાનુ અનુભવશે નહીં.

 

કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોને મતભેદ ભુલીને કામ કરવા કહ્યું

15 ઓગસ્ટે બપોરે બે વાગે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો સાથે ગાંધીજીએ વાતચીત કરી હતી. તેમાં ગાંધીજીએ કહ્યું કે રાજકીય કાર્યકર્તા સામ્યવાદી હોય કે સમાજવાદી, તેમણે આજથી તમામ મતભેદ ભૂલીને ઘણાં બલિદાન, ત્યાગ અને મહેનતથી પ્રાપ્ત આ આઝાદીને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ.

વિદ્યાર્થીઓ સાથેની બેઠકમાં બોલ્યા- ધ્યાન રાખો કે તમારા હાથે કોઈ ખોટું કામ ન થાય

પશ્ચિમ બંગાળના પક્ષ-વિપક્ષના નેતાઓને મળ્યા બાદ ગાંધીજીએ વિદ્યાર્થીઓ સાથે એક બેઠક કરી હતી. તેમાં તેમણે જણાવ્યું કે શું હવે તોફાનો બંધ થઈ જવા જોઈએ ? તેમનુ કહેવું હતું કે આપણીપાસે હવે બે દેશ છે. બંનેમાં જ હિન્દુ અને મુસ્લિમ નાગરિકોને રહેવાનું છે. જો તોફાનો ચાલું રહે તો બે દેશની અવધારણાનો અંત આવશે. તમારે તેના પર સારી રીતે વિચાર કરવો જોઈએ. તમારે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે તમારાથી કોઈ ખોટું કામ ન થઈ જાય. ગાંધીજીએ આ વાતચીતમાં એ પણ કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિને માત્ર એ બાબત માટે પરેશાન કરવો કે તેનો ધર્મ અલગ છે, તે ખોટું છે.

 

પ્રાર્થનાસભામાં 30,000 લોકોને સંબોધિત કર્યા, આઝાદીનો સંયમથી ઉપયોગ કરવાની સલાહ આપી

નિત્યક્રમ પ્રમાણે 15મી ઓગષ્ટની સાંજે ફરી હૈદરી મંજિલમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. અંદાજે 30,000 લોકો હાજર રહ્યાં હતાં. આ પ્રાર્થનાસભામાં ગાંધીજીએ શહેરમાં છેલ્લા 2 દિવસોથી છવાયેલી શાંતિ માટે લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, જે એકતા અને માનવતા આપ સૌમાં જોવા મળી છે તેનાથી પંજાબના લોકોને પણ પ્રેરણા મળશે. ગાંધીજીએ આશા કરી હતી કે હાવડા સહિત આખું કોલકત્તા સાંપ્રદાયિકતાથી મુક્ત થઈ જશે. ગાંધીજીએ લોકોને આઝાદીનો બુદ્ધિમતા અને સંયમ સાથે ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ સલાહ ગાંધીજીએ આઝાદીના સમાચાર સાંભળી લોકોએ ગવર્નર હાઉસ પર કબ્જો કરી લેવા અંગે આપી હતી. ગાંધીજીએ કહ્યું કે, આ આઝાદી સાથે લોકો જો એવું વિચારીને રહી રહ્યા હોય કે સરકારી અથવા બીજી સંપત્તિ સાથે ઈચ્છે એવું કરી શકે છે તો તેમને દુઃખ થશે.

(કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી અને લેૈરી કોલિન્સ અને ડોમિનિક લેપિયરની બુક ફ્રીડમ એટ મિડનાઈટમાંથી)

X
While Nehru was taking oath of cabinet, Gandhi was preventing riots by prayer meetings in Kolkata.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી