• Home
  • National
  • Former Chief Election Commissioner of India, T N Seshan passed away in Chennai, after a cardiac arrest

અવસાન / દેશના પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ટીએન શેષન- (જન્મ- 15 ડિસેમ્બર 1932, નિધન-10 નવેમ્બર 2019)
ટીએન શેષન- (જન્મ- 15 ડિસેમ્બર 1932, નિધન-10 નવેમ્બર 2019)

  • ચેન્નાઈમાં રવિવારે કાર્ડિયક અરેસ્ટથી ટીએન શેષનનું નિધન થયુ
  • ટીએન શેષન (તિરૂનેલ્લઈ નારાયણ અય્યર શેષન)નો જન્મ 15 ડિસેમ્બર 1932ના રોજ કેરલના પલક્કડ જિલ્લામાં થયો હતો
  • કહેવાતું હતું કે ભારતના નેતાઓ માત્ર બેથી ડરે છે. એક- ઇશ્વર અને બીજા શેષન

Divyabhaskar.com

Nov 11, 2019, 02:34 AM IST

નેશનલ ડેસ્ક: દેશમાં ચૂંટણી નિયમો કડકાઈથી લાગુ કરવા માટે જાણીતા થયેલા પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષનનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. ચૂંટણી ઓળખપત્રની શરૂઆત તેમણે કરી હતી. 10મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેઓ 12 ડિસેમ્બર 1990થી 11 ડિસેમ્બર, 1996 સુધી આ પદ પર રહ્યા હતા.

પીએમ મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

ટી એન શેષન... ડર એવો કે અલ-શેષન કહેવાયા

1955માં એક તેજતર્રાર યુવક સિવિલ સર્વિસીસની એક્ઝામમાં ટોપર રહ્યો હતો. તે યુવક હતો તિરુનેલ્લઇ નારાયણ ઐયર શેષન, જેમને આપણે ટી. એન. શેષનના નામથી ઓળખીએ છીએ. તેમણે દેશને પહેલી વાર ચૂંટણી પંચની તાકાત બતાવી. એ નામ કે જેના માટે કહેવાતું હતું કે ભારતના નેતાઓ માત્ર બેથી ડરે છે. એક- ઇશ્વર અને બીજા શેષન. દેશના 10મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા તે પહેલા શેષને જે પણ મંત્રાલયમાં કામ કર્યું તે મંત્રીની છબિ આપોઆપ સુધરી ગઇ. જોકે, 1990માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા બાદ શેષનનો એક ડાયલોગ બહુ ચર્ચિત રહ્યો- આઇ ઇટ પોલિટિશિયન્સ ફોર બ્રેકફાસ્ટ. તેમણે આ જ કડકાઇ કામમાં પણ બતાવી. તેથી અલ-કાયદાની માફક શેષન ‘અલ-શેષન’ કહેવાયા.

જ્યારે શેષને 50 હજાર અપરાધીઓને આગોતર જમીન અથના પોલીસમાં સરન્ડરનો વિકલ્પ આપ્યો હતો....
જ્યારે અપરાધીઓને કહ્યું- આગોતરા જામીન લઇ લો: 1992ની યુપીની ચૂંટણીમાં તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારીઓ અને 280 નિરીક્ષકોને કહી દીધું હતું કે એક પણ ભૂલ સાંખી લેવાશે નહીં. અખબારોમાં છપાયેલા કેટલાક અહેવાલો મુજબ ત્યારે એક રિટર્નિંગ ઓફિસરે કહ્યું હતું- ‘અમે એક દયાવિહીન માણસની દયા પર નિર્ભર છીએ.’ એકલા યુપીમાં જ શેષને અંદાજે 50 હજાર અપરાધીઓને એવો વિકલ્પ આપ્યો હતો કે તેઓ આગોતરા જામીન લઇ લે અથવા તો પોલીસમાં સરન્ડર થઇ જાય.

જ્યારે કહ્યું- 95 પછી કોઇ ચૂંટણી નહીં થાય: ચૂંટણીમાં ઓળખપત્રનો ઉપયોગ શેષનના કારણે જ શરૂ થયો હતો. શરૂમાં જ્યારે નેતાઓએ એમ કહીને વિરોધ કર્યો કે ભારતમાં આટલી ખર્ચાળ વ્યવસ્થા શક્ય નથી તો શેષને કહ્યું હતું- જો મતદાર ઓળખપત્ર નહીં બનાવાય તો 1995 પછી દેશમાં કોઇ જ ચૂંટણી નહીં થાય. ઘણા રાજ્યોમાં તો તેમણે ચૂંટણી એટલા માટે સ્થગિત કરાવી દીધી કે ઓળખપત્ર તૈયાર નહોતા થયા.

રાજ્યપાલને ન છોડ્યા તો મંત્રીઓની શું વિસાત: 1993માં હિમાચલના તત્કાલીન રાજ્યપાલ ગુલશેર અહેમદ પુત્રનો પ્રચાર કરવા સતના પહોંચી ગયા. અખબારોમાં તસવીર છપાઇ. ગુલશેરે પદ છોડવું પડ્યું. લાલુપ્રસાદ યાદવને જીવનમાં જો કોઇએ સૌથી વધુ પરેશાન કર્યા હોય તો તે શેષન હતા. 1995ની ચૂંટણી બિહારમાં ઐતિહાસિક રહી. લાલુ શેષનની સખત ટીકા કરતા. કહેતા- શેષનવા કો ભૈંસિયા પે ચઢાકર ગંગાજીમાં હેલા દેંગા. બિહારમાં ચાર તબક્કામાં ચૂંટણી જાહેર થઇ, ચારેય તારીખો બદલાઇ ગઇ. અહીં સૌથી લાંબી ચૂંટણી થઇ.

મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા પહેલા જ્યારે રસ્તા પર ડ્રાઇવરને હટાવ્યો અને બસ ચલાવી: શેષન... બે વર્ષ ચેન્નઇમાં ટ્રાફિક કમિશનર રહ્યા. તે વખતે એક ડ્રાઇવરે કહ્યું- જ્યારે તમે બસના એન્જિનને નથી સમજતા કે તમને બસ ચલાવતા પણ નથી આવડતું તો તમે ડ્રાઇવરોની સમસ્યાઓ શું સમજવાના? પછી શેષન ડ્રાઇવિંગ શીખ્યા તેમ જ વર્કશોપમાં સમય પણ ગાળ્યો. તેમનો દાવો હતો કે તેઓ બસનું એન્જિન કાઢીને તેને પાછું ફિટ કરી શકે છે. એક વાર શેષન પ્રવાસીઓથી ભરેલી બસ જાતે ચલાવીને 80 કિ.મી. દૂર સુધી લઇ ગયા હતા.

X
ટીએન શેષન- (જન્મ- 15 ડિસેમ્બર 1932, નિધન-10 નવેમ્બર 2019)ટીએન શેષન- (જન્મ- 15 ડિસેમ્બર 1932, નિધન-10 નવેમ્બર 2019)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી