વિવાદ / પાંચ વર્ષ પછી ભાજપે ફરી કાશ્મીરી પંડિતોને ખીણમાં વસાવવાની વાત શરૂ કરી

રામ માધવની ફાઇલ તસવીર
રામ માધવની ફાઇલ તસવીર

  • પીડીપીના કારણે ખીણમાં ટાઉનશિપ ના બની શકી 
  • પંડિતોને કાશ્મીરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં વસાવવામાં આવશે : રામ માધવ 

Divyabhaskar.com

Jul 14, 2019, 04:09 AM IST

નવી દિલ્હીઃ ભાજપ સરકારે પાંચ વર્ષ પછી કાશ્મીર ખીણમાં પંડિતોને વસાવવાની શરૂઆત કરી છે. ભાજપ મહા સચિવ રામ માધવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કાશ્મીર ખીણમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કાશ્મીરી પંડિતોને ફરી વસાવવામાં આવશે. સરકાર અહીં હિંદુઓના પુનર્વસનની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવને ભાજપ હાઈકમાન્ડની લગભગ મંજૂરી પણ મળી ગઈ છે. જમ્મુ કાશ્મીર ભાજપના પ્રભારી રામ માધવના કહેવા પ્રમાણે, ભાજપ ઘણાં સમયથી કાશ્મીરી પંડિતોને ખીણમાં વસાવવાની યોજના તૈયાર કરી રહ્યો છે. ભાજપ કાશ્મીરથી જઈ ચૂકેલા પંડિતોને ફરી કાશ્મીરમાં વસાવવા પ્રતિબદ્ધ છે. ભાજપ-પીડીપી ગઠબંધન સરકારે હિંદુઓ માટે જુદી ટાઉનશિપ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ તેના પર કોઈ કામ નથી થયું.

2014માં મોદીએ પંડિતોને વસાવવાની વાત કરી હતી
મને પૂરો વિશ્વાસ છે કે, જ્યારે અમે સત્તામાં આવીશું તો આ મુદ્દાને ફરી આગળ વધારીશું અને જોઈશું કે, તેનો શું ઉકેલ નીકળી શકે છે. કાશ્મીરી પંડિતોના ખીણમાં વસવાના મૂળભૂત અધિકારોનું સન્માન થવું જોઈએ. આ સાથે આપણે તેમને સુરક્ષા પણ આપવી પડશે. - રામ માધવ, ભાજપ મહા સચિવ

કાશ્મીરી પંડિતોના નેતાઅો ભાજપની યોજના સાથેે અસંમત
કાશ્મીરી પંડિત સમાજના નેતા સંજય ટિકુ ભાજપની આ યોજના સામે જાહેરમાં અસંમતિ દર્શાવી ચૂક્યા છે. ટિકુએ કહ્યું હતું કે, પંડિતો માટે અલગથી કોલોનીઓ બનાવવી અને તેમને સુરક્ષા આપવી એ સમસ્યાનો વાસ્તવિક ઉકેલ નથી. તેનાથી ખીણમાં તીખી પ્રતિક્રિયા મળી શકે છે. શું એ શક્ય છે કે, અમે પાંજરામાં કોઈ કેદી જેવું જીવન જીવીએ? ભલે ગમે તેટલી સુરક્ષા હોય!

હુર્રિયતે કહ્યું- કોલોની બનાવવાથી મૂળ હેતુ ખતમ થઈ જશે
ગયા મહિને ઑલ ઈન્ડિયા હુર્રિયત કોન્ફરન્સે કાશ્મીરી પંડિતોની મુલાકાત લીધી હતી. તેમાં પંડિતો માટે જુદી કોલોનીઓ બનાવવાના નિર્ણય સામે સર્વસંમતિ જોવા મળી હતી. હુર્રિયત નેતા મીરવાઈઝ ઉમર ફારૂકે કહ્યું કે, જો તમે પંડિતોને જુદી કોલોનીઓમાં રાખો છો, તો તેનાથી મૂળ હેતુ જ ખતમ થઈ જશે. તેનો હેતુ સમાજ વચ્ચે પારસ્પરિક વિશ્વાસ અને સન્માનની ભાવના વધારવાનો છે.

માધવના નિવેદન પર ગૃહ મંત્રાલય મૌન કેમ?
માધવના નિવેદન પર ગૃહ મંત્રાલયે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. મોદી સરકારે 2014માં કાશ્મીરી પંડિતોને વસાવવાની જાહેરાત કરી હતી. 2015માં કાર્યયોજના બનાવાઈ હતી.

30 વર્ષમાં ત્રણ લાખ કાશ્મીરી હિંદુ વિસ્થાપિત થયા
જમ્મુ કાશ્મીરમાં 80ના દસકામાં આતંક શરૂ થયો. 1989માં પંડિતોને આતંકીઓએ નિશાન બનાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી આશરે ત્રણ લાખ કાશ્મીરી હિંદુ ત્યાંથી ભાગવા મજબૂર થઈ ગયા. 1947 પછી પંડિતો પીઓકેથી ભાગીને ભારતના કાશ્મીરમાં આવ્યા હતા.

કાશ્મીર ખીણમાં વસતી 70 લાખ, 97% મુસ્લિમ
કાશ્મીર ખીણમાં હાલ 70 લાખ લોકો રહે છે, તેમાં 97% મુસ્લિમ છે. હિંદુઓની વસતી 90ના દસકામાં 5% હતી, જે હવે નહીં બરાબર છે. ખીણમાં આતંકી ઘટનાઓના કારણે ત્યાં સેના સહિત અન્ય સુરક્ષા દળો તૈનાત છે. ત્રણ દસકામાં કાશ્મીરમાં 50 હજારથી વધુ લોકો આતંકી હુમલામાં માર્યા ગયા છે.

X
રામ માધવની ફાઇલ તસવીરરામ માધવની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી