ન્યૂઝ 360 / મોટર વ્હિકલ એક્ટ સામે ભાજપશાસિત રાજ્યોનો વિરોધઃ દે દામોદર દાળમાં પાણી!

BJP states protest against Motor Vehicle Act
X
BJP states protest against Motor Vehicle Act

 • કેન્દ્રની યોજના સામે વિરોધ કરવાની ભાજપના કોઈ મુખ્યમંત્રીની ક્ષમતા નથી ત્યારે આ જોગવાઈનો વિરોધ શું સૂચવે છે?
 • ગુજરાતમાં સામાન્ય વહીવટી બાબત માટે પણ અમિતભાઈને પૂછવું પડે છે ત્યારે દંડની રકમ ઘટાડીને વિરોધની આગેવાની ગુજરાતે લીધી તે સૂચક છે

Divyabhaskar.com

Sep 12, 2019, 04:00 PM IST

નેશનલ ડેસ્કઃ મોટર વ્હીકલ એક્ટ 1998માં સુધારો લાગુ કરીને કેન્દ્ર સરકાર ફસાઈ રહી જણાય છે. ભારે મહત્વાકાંક્ષી ગણાવાયેલા આ સુધારા સામે ભાજપશાસિત રાજ્યો જ નારાજ છે, જેની આગેવાની મોદી-શાહના ગુજરાતે જ લીધી અને હવે વધુ રાજ્યો વિરોધમાં જોડાઈ રહ્યા છે. કેટલેક અંશે તેને ભાજપની આંતરિક યાદવાસ્થળીના સંકેત તરીકે પણ જોવાય છે.

શા માટે સુધારો ઈચ્છનીય?

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમની કામ કરવાની પદ્ધતિ માટે કાયમ નોંખા પડે છે. એનડીએ સરકારની પ્રથમ ટર્મમાં પણ તેમણે સડક નિર્માણ અંગે ભારે ઉજળી કામગીરી બતાવી હતી, જે મોદી સરકારની બેલેન્સ શીટમાં મોખરે રહી શકી હતી. બીજી ટર્મમાં ગડકરીએ દેશભરમાં માથાનો દુઃખાવો બની રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાનું બીડું ઝડપ્યું છે. ભારતીય સડકો ગમખ્વાર અકસ્માતો અને ભારે મોટી સંખ્યામાં થતી જાનહાનિ માટે બદનામ છે. દેશભરમાં સરેરાશ પ્રતિ વર્ષ આશરે દોઢ લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે અને એથીય બમણી સંખ્યામાં ઈજાગ્રસ્ત થાય છે, જેમાં ભોગ બનનારા પૈકી 65 ટકાની ઉંમર 18થી 35 વર્ષની હોય છે. આ આંકડા કોઈપણ વિકાસશીલ દેશ માટે બેહદ ભયજનક અને શરમજનક ગણાય. આથી સલામત ટ્રાફિકની અનિવાર્યતા કોઈથી નકારી શકાય તેમ નથી. 
 

2. શા માટે સુધારો અધૂરો?


પરંતુ માત્ર દંડની રકમ વધારવાથી ટ્રાફિક સલામત બની જશે એવું ધારી લેવું એ પણ તદ્દન વાહિયાત તર્ક છે. ટ્રાફિક વ્યવસ્થા માટે વાહનની સંખ્યા, રસ્તાની ગુણવત્તા અને ટ્રાફિક સેન્સ સહિતના અનેક પરિબળો ભાગ ભજવે છે. સુધારેલ મોટર વ્હીકલ એક્ટમાં દંડની રકમ ખાસ્સી વધારી દેવાઈ છે, પરંતુ રસ્તાની ગુણવત્તા અને તેનાં માટે જવાબદાર પરિબળો વિશે કોઈ જોગવાઈ નથી. સુધારેલા કાયદા સામેના ચોતરફી વિરોધનું એક કારણ આ પણ ગણવું પડશે. કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની રાવ-ફરિયાદ વધુ અસરકારક રીતે એકત્રિત થઈ રહી છે એ જોતાં દરેક વખતે લોકો જ દંડાય અને જવાબદાર તંત્રને કશું ન થાય એવું હવે લાંબું ચાલી શકે તેમ નથી.

3. શા માટે રાજ્યો વિરોધ કરી શકે છે?

કેન્દ્ર સરકારે આ કાયદો લાગુ કર્યો એ સાથે વિવિધ રાજ્યોમાંથી તેનાં અમલ અંગે નારાજગી જાહેર થવા લાગી હતી. રસપ્રદ વાત એ હતી કે સૌથી વધુ બોલકો વિરોધ કરનારા રાજ્યોમાં ભાજપશાસિત રાજ્યો જ મોખરે હતા. વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગૃહરાજ્ય ગુજરાતે જ સૌથી પહેલો વિરોધ કર્યો હતો અને મુખ્યમંત્રી રુપાણીએ કાયદામાં લાગુ થયેલ દંડની રકમમાં સીધું 50 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કરી દીધું. હવે બાકીના રાજ્યો પણ એ નકશેકદમ પર ચાલવા માંડ્યા છે. કેન્દ્રિય મંત્રી ગડકરી આરંભે એમ કહેતાં હતાં કે રાજ્યો દંડની રકમમાં કોઈ ઘટાડો કરી શકશે નહિ. હવે એવું કહી રહ્યા છે કે દંડ ઘટાડનાર રાજ્યો પોતે જ અકસ્માત ન રોકાય તો જવાબદાર રહેશે. અલબત્ત, એ જવાબદારીની વ્યાખ્યા તો કોઈને ખબર નથી.

4. કેન્દ્રના કાયદાનો રાજ્યો વિરોધ કરી શકે?
 • કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની આ તકરાર મુખ્યત્વે બંધારણિય છે. ભારતીય બંધારણ સમવાય તંત્રના આધાર પર રચાયેલું છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને કેટલાંક સ્પષ્ટ અધિકારો આપવામાં આવ્યા છે. એ માટે ત્રણ પ્રકારની સુચિ છેઃ કેન્દ્રિય સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તિ સૂચિ. આ ત્રણ યાદી અનુસાર દરેકના અધિકાર અને મર્યાદા સ્પષ્ટ બને છે. ત્રીજી સમવર્તી સૂચિ એવી છે જેમાં બંનેને સમાન અધિકાર હોય ત્યારે કોનો અધિકાર ક્યારે ચડિયાતો ગણાય. હાલનો વિવાદ આ ત્રીજી સમવર્તી સૂચિ સાથે સંકળાયેલો છે.
 • સુધારેલા મોટર વ્હિકલ એક્ટમાં કુલ 93 જોગવાઈ છે, જે પૈકી 63 જોગવાઈ એવી છે જે કેન્દ્ર સુચિમાં સામેલ છે. અર્થાત્ આ જોગવાઈનો અમલ કરાવવાનો કેન્દ્ર સરકારને અધિકાર છે. રાજ્યો તેમાં વાંધાવચકા કાઢી શકે નહિ. આ 63 જોગવાઈ કેન્દ્ર સરકાર જાહેરનામુ પ્રસિદ્ધ કરે એ સાથે લાગુ થઈ જાય છે. બાકીની 30 પૈકી 8 જોગવાઈ રાજ્ય સૂચિમાં સામેલ છે, જેમાં રાજ્યો નોટિફિકેશન જાહેર કરે અથવા ટાળી શકે છે. દંડની રકમ વધારવાની જોગવાઈ આ સૂચિમાં સામેલ છે. આથી રાજ્યો તેમાં પોતપોતાની મુનસફી મુજબ ઘટાડા કરીને સરવાળે દાળમાં પાણી નાંખી રહ્યા છે.
 • જોકે રાજ્ય સૂચિની જોગવાઈનો લાભ લઈને દંડની રકમ લાગુ કરવી કે નહિ એ પોતાનો અધિકાર છે એવી દલીલ કરનારા રાજ્યોએ એ પણ સમજી લેવું પડશે કે આ કાયદાના કડક અમલ સાથે કેન્દ્ર સરકારની વિભિન્ન સહાયો પણ જોડાયેલી છે. આ કાયદાનો અમલ ન કરનાર રાજ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા મળતી વિવિધ સબસિડી, પ્રાથમિકતાને પણ ભૂલી જવી પડશે. આથી આવનારા દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તંગદીલી વધારનારા કારણો પણ સામે આવતાં જાય તે ભય નકારી શકાય તેમ નથી.
   
5. .. અને વાત હવે રાજકારણની
 • દંડની રકમ ઘટાડનારા મોટાભાગના રાજ્યો ભાજપશાસિત છે આથી તેમનો આ વિરોધ આશ્ચર્યજનક મનાય છે. તેમાંય સવિશેષપણે ગુજરાતે લીધેલી આગેવાનીની રાજકીય દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય છે. ગુજરાત વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. અહીં સ્થાનિક વહીવટ પર બંનેનો, સવિશેષપણે અમિત શાહનો અંકૂશ કેટલો જડબેસલાક છે એ કોઈથી અજાણ્યું નથી. વરિષ્ઠ અધિકારીઓની બદલીથી માંડીને નાનામાં નાની નીતિગત બાબતો અમિત શાહની આગોતરી મંજૂરી વગર અમલી નથી બનતી એ કોઈથી અજાણ્યું નથી. એ સંજોગોમાં મોટર વ્હીકલ એક્ટ હળવો કરવાની ગુજરાતની ચેષ્ટા 'દિલ્હીના આશીર્વાદ' વગર શક્ય નથી.
 • સામા પક્ષે નીતિન ગડકરી રા.સ્વ.સંઘના આશીર્વાદ ધરાવતા, મક્કમ જનાધાર ધરાવનારા અને કાર્યક્ષમ મંત્રી ગણાય છે એ દરેક બાબતોની સમાંતરે એ હકિકત પણ નક્કર અને સર્વવિદિત છે કે તેઓ મોદી-શાહની ગુડબુકમાં હરગીઝ નથી. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જ ગડકરી અડવાણી છાવણીના મનાય છે અને 2014માં મોદીને વડાપ્રધાનપદના દાવેદાર જાહેર કરવા સામે બોલકો વિરોધ કરનારામાં સ્વ. સુષ્મા ઉપરાંત ગડકરી પણ મુખ્ય હતા.
 • આ વર્ષે ચૂંટણીનો માહોલ બરાબર ગરમાયો હતો ત્યારે પણ ગડકરીએ વિવાદાસ્પદ વિધાનો કરીને મોદી-શાહ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જી હતી. એવું એકથી વધુ વાર બન્યું હતું જ્યારે તેમણે પોતે જ પોતાની સરકારની કે પક્ષની નીતિ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હોય. ગડકરીને કદ પ્રમાણે વેતરી શકાય તેમ નથી. તેમની કાર્યદક્ષતા એટલી ઊડીને આંખે વળગે એવી છે કે તેમને મંત્રીમંડળમાંથી પડતાં મૂકી શકાય તેમ નથી. આથી કાયદાના વિરોધના નામે ભાજપશાસિત રાજ્યો ઉપરના ઈશારે ગડકરીનું પત્તું કાપવા પ્રયાસરત હોય એ શક્યતા પણ નકારી શકાય તેમ નથી. અન્યથા, કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાનો જરાક સરખો ય વિરોધ કરવાનું ભાજપના એકેય મુખ્યમંત્રીનું ગજું નથી એ પણ એટલી જ જગજાહેર બાબત છે.
 • જે હશે એ વાજતું-ગાજતું માંડવે આવશે, હાલ તો ગડકરીએ બનાવવા ધારેલી લિજ્જતદાર દાળમાં ભાજપના જ મુખ્યમંત્રીઓ બાલદી ભરી ભરીને પાણી રેડવા માંડ્યા છે.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી