• Home
 • National
 • Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news

જન્મભૂમિ રામની / સુપ્રીમનો નિર્ણય- વિવાદિત જમીન પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિર બનાવાશે, મુસ્લિમોને મસ્જિદ માટે 5 એકર અન્ય જગ્યાએ વૈકલ્પિક જમીન અપાશે

Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news
Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news
Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news

 • સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 જજની બંધારણીય બેન્ચે સવારે 10.30 વાગે ચુકાદો વાંચવાની શરૂઆત કરી
 • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી હતી, જો ધર્મશાસ્ત્રમાં દખલ દેવામાં આવે તો તે કોર્ટ માટે અવ્યવહારીક થશે
 • સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી સુનાવણી થઈ, હિન્દુ-મુસ્લિમ પક્ષે 160 કલાક કરતાં વધારે સમય સુધી દલીલો સાંભળીને 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો

Divyabhaskar.com

Nov 10, 2019, 02:08 AM IST

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની બેન્ચ આજે અયોધ્યા મામલે ઐતિહાસીક ચુકાદો આપ્યો છે. બેન્ચના અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો અને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવામાં આવે અને તેની યોજના 3 મહિનામાં તૈયાર કરવામાં આવશે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે.

સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે.

ચીફ જસ્ટિસે શિયા-સુન્ની વક્ફ બોર્ડની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટના નિર્ણયના મુખ્ય અંશો

 • ચીફ જસ્ટિસે કહ્યું- અમે સર્વસમ્મતિથી નિર્ણય સંભળાવી રહ્યા છીએ. આ કોર્ટે ધર્મ અને શ્રદ્ધાળુઓની આસ્થાનો સ્વીકાર પણ કરવો જોઈએ. કોર્ટે સંતુલન જાળવવું જોઈએ.
 • ચીફ જસ્ટિસે કહ્યું- મીર બકીએ બાબરી મસ્જિદ બનાવી. ધર્મશાસ્ત્રમાં પ્રવેશ કરવો કોર્ટ માટે યોગ્ય નથી. વિવાદિત જમીન રેવન્યૂ રેકોર્ડમાં સરકારી જમીન તરીકે ચિન્હિત છે.
 • રામ જન્મભૂમિ સ્થાન ન્યાયિક નથી, જ્યારે ભગવાન રામ ન્યાયિક વ્યક્તિ હોઈ શકે છે. વિવાદિત માળખુ ઈસ્લામિક મૂળનું માળખુ નથી. બાબરી મસ્જિદ ખાલી જમીન પર નહતી બનાવાઈ. મસ્જિદ નીચેનું જે માળખુ છે તે ઈસ્લામિક નથી.
 • તોડી પાડવામાં આવેલા માળખા નીચે એખ મંદિર હતું. આ વાતનો પુરાવો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) કરી ચૂક્યો છે. પુરાતાત્વિક પ્રમાણોને માત્ર એક ઓપિનિયન ગણાવવો તે એએસઆઈનું અપમાન કહેવાય. જોકે એએસઆઈ એ સાબીત નથી કરી શકી કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
 • હિન્દુ આ સ્થાનને ભગવાન રામનું જન્મસ્થળ માને છે. અહીં સુધી કે મુસ્લિમ પણ આ વિવાદિત જગ્યા વિશે આવું જ કહે છે. પ્રાચીન યાત્રીઓ દ્વારા લખવામાં આવેલા પુસ્તકો અને પ્રાચીન ગ્રંથ આ વાતને દર્શાવે છે કે અયોધ્યા રામની જન્મભૂમિ છે. ઐતિહાસિક ઉદાહરણોથી પણ સંકેત મળ્યા છે કે હિન્દુઓની આસ્થામાં અયોધ્યા ભગવાન રામની જન્મભૂમિ છે.
 • તોડી પાડવામાં આવેલું માળખુ જ ભગવાન રામનું જન્મસ્થાન છે. હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. જોકે માસિકી હકને ધર્મ અને આસ્થાના આધાર પર સ્થાપિત ન કરી શકાય. તે કોઈ વિવાદ પર નિર્ણય કરવાના સંકેત છે. એવા પુરાવા મળ્યા છે કે, રામ ચબૂતરા અને સીતા રસોઈ પર હિન્દુઓ અંગ્રેજોના સમય પહેલાંથી પૂજા કરે છે. રેકોર્ડમાં સામેલ સાક્ષીઓ જણાવે છે કે, વિવાદિત જમીનનો બહારનો ભાગ હિન્દુઓનો હતો.
 • 1946ના ફૈઝાબાદ કોર્ટના આદેશને પડકાર આપતી શિયા વક્ફ બોર્ડની વિશેષ અનુમતિ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. શિયા વક્ફ બોર્ડનો દાવો વિવાદિત જમીન પર હતો. તેને ફગાવી દેવામાં આવ્યો છે.

હિન્દુઓએ તેમનો દાવો સ્થાપિત કર્યો
ચુકાદા દરમિયાન બેન્ચે કહ્યું, હિન્દુઓએ તેમનો દાવો સ્થાપિત કર્યો છે કે તેમનો બહારના વિભાગમાં અધિકાર હતો અને ઉત્તર પ્રદેશ સુન્ની વક્ફ બોર્ડ અયોધ્યા વિવાદમાં પોતાનો દાવો સફળ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બહારના વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ વર્ષોથી પૂજા કરી રહ્યા છે અને મુસ્લિમો દ્વારા મસ્જિદમાં શુક્રવારની નમાઝના સાક્ષી એ જણાવે છે કે તેમણે ત્યાનું સ્વામિત્વ ગુમાવ્યું નથી. સાક્ષીઓ જણાવે છે કે, મસ્જિદમાં નમાઝ વખતે તકલીફ પડવા છતા તે સંપૂર્ણ રીતે બંધ નહતી થઈ.

સીતા રસોઈ, રામ ચબૂતરાની હાજરી અહીંની ધાર્મિક વાસ્તવિકતાનો પૂરાવો
સુપ્રીમ કોર્ટે કહ્યું- વિવાદિત જમીનની નીચે જે માળખુ છે તે ઈસ્લામિક માળખુ નથી. પરંતુ ઓર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)નો રિપોર્ટ એ સાબીત નથી કરી શક્યા કે મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. હિન્દુ વિવાદિત જમીનને ભગવાન રામનું જન્મ સ્થળ કહે છે અને મુસ્લિમ પણ આ સ્થાનને આવું જ કહે છે. તોડી પાડવામાં આવેલા માળખા પર ભગવાન રામની જન્મભૂમિ હોવાનો હિન્દુઓનો વિશ્વાસ નિર્વિવાદ છે. અહીં સીતા રસોઈ, રામ ચબૂતરો અને ભંડાર ગૃહની હાજરી સ્થાન ધાર્મિક હોવાનો પુરાવો છે. જોકે આસ્થા અને વિશ્વાસના આધાર પર માલિકી હક નક્કી ન કરી શકાય. આ માત્ર વિવાદનો ઉકેલ લાવવાનો પુરાવો છે.

નિર્ણયને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં 3 દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો થે. જોકે અયોધ્યામાં રામલલ્લાના દર્શન પર કોઈ પ્રતિબંધ લગાવાવમાં આવ્યો નથી. મધ્ય પ્રદેશમાં પણ નિર્ણયને ધ્યાનમાં રાખીને શનિવારે સ્કૂલ-કોલેજોમાં રજા રાખવામાં આવી છે.

 • કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે
 • ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.

જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી
વડાપ્રધાન મોદીએ ચુકાદા પહેલાં ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.

એએસઆઈના પૂર્વ રિજનલ ડિરેક્ટર (ઉત્તર) કે.કે. મોહમ્મદે જ કોર્ટને એએસઆઈ રિપોર્ટ સોંપ્યો હતો
અયોધ્યા મુદ્દે સુપ્રીમનો ચુકાદો એવો જ છે, જેવો અમે ઈચ્છતા હતા. અલ્લાહાબાદ હાઈકોર્ટે પણ સાક્ષીઓને સાંભળીને ચુકાદો આપ્યો હતો. પુરાતત્ત્વિક અને ઐતિહાસિક પુરાવાના આધારે મેં કહ્યું હતું કે અયોધ્યામાં મસ્જિદ પહેલાં મંદિર હતું. એ માટે મને કેટલાક લોકોએ ના કહેવા જેવું કહ્યું અને ધમકીઓ પણ આપી. હવે સુપ્રીમકોર્ટના ચુકાદાથી હું મારી જાતને દોષમુક્ત મહેસૂસ કરું છું. મને 1976-77માં અયોધ્યાનું પુરાતત્ત્વીય અધ્યયન કરવાની તક મળી હતી. ત્યારે ઉત્ખનનમાં મંદિરના સ્તંભો નીચે ઈંટોનો આધાર મળ્યો હતો. ત્યારે કોઈએ તેને મુશ્કેલીના રૂપમાં ના જોયું. બાદમાં હું ત્યાં પહોંચ્યો તો મેં મસ્જિદની દીવાલોમાં મંદિરના સ્તંભ જોયા. સ્તંભના નીચલા ભાગમાં 11મી અને 12મી સદીનાં મંદિરોમાં જોવા મળતા હતા, એવા પૂર્ણ કળશ બનાવાયા હતા. મંદિર સ્થાપત્ય કળામાં કળશ આઠ ઐશ્વર્ય ચિહનોમાંના એક છે. મસ્જિદને નુકસાન પહોંચાડાયું એ પહેલાં અમે આ પ્રકારના 14 સ્તંભ જોયા હતા. આ મસ્જિદ બાબરના સેનાનાયક મીર બાકીએ તોડેલા અથવા એ પહેલાં તોડેલા મંદિરના અવશેષોનો ઉપયોગ કરીને મસ્જિદ બનાવી હતી. પહેલાં જે પથ્થરોથી નિર્મિત સ્તંભની વાત હતી, એવા જ સ્તંભ અને તેની નીચે મસ્જિદની બાજુમાં અને પાછળ, ઈંટોનો ચબુતરો મળ્યો હતો. આ પુરાવાના આધારે મેં કહ્યું હતું કે મસ્જિદની નીચે મંદિર હતું. ખોદકામ નિષ્પક્ષ રીતે કરવા મેં 137 મજૂર રાખ્યા હતા તેમાં 52 મુસ્લિમ હતા. ખોદકામમાં મળેલા 263 અવશેષના આધારે અયોધ્યામાં મસ્જિદ પહેલાં મંદિર હોવાની પુષ્ટિ થઈ હતી. મસ્જિદના ખંડેરમાંથી વિષ્ણુ હરિશિલા પટલ મળ્યું હતું. તેના પર 11મી અને 12મી સદીની નાગરી લિપિમાં સંસ્કૃત ભાષામાં લખ્યું હતું કે આ મંદિર બાલી અને વિષ્ણુને સમર્પિત છે. ત્યાં શિવ-પાર્વતીની માટીની મૂર્તિઓ પણ મળી હતી.

અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત જમીનને 3 ભાગમાં વહેંચવાનો ચુકાદો આપ્યો હતો
2010માં અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાની 2.77 એકરના વિસ્તારને 3 સમાન હિસ્સામાં વહેંચી દો. એક હિસ્સો સુન્ની વક્ફ, બીજો નિર્મોહી અખાડા અને ત્રીજો રામલલ્લા વિરાજમાનને મળે. હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી હતી.

બંધારણીય પીઠના જસ્ટિસ
અયોધ્યા મામલે સુનાવણી કરી રહેલી બેન્ચની અધ્યક્ષતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા છે. તેમના સિવાય આ બેન્ચમાં જસ્ટિસ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામેલ છે.

અયોધ્યા વિવાદઃ 1526થી અત્યાર સુધી

1526 : ઇતિહાસકારો અનુસાર, બાબર ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ લડવા 1526માં ભારત આવ્યો હતો. બાબરના સુબેદાર મીરબાકીએ 1528માં અયોધ્યામાં મસ્જીદ બનાવી. બાબરના સન્માનમાં તેનું નામ બાબરી મસ્જીદ રાખવામાં આવ્યું.
1853 : અવધના નવાબ વાજીદ અલી શાહના સમયમાં પહેલીવાર અયોધ્યામાં સાંપ્રદાયિક હિંસા ભડકી. હિન્દુ સમુદાયે કહ્યું કે મંદિર તોડીને મસ્જીદ બનાવવામાં આવી છે.
1949 : વિવાદિત સ્થળે સેન્ટ્રલ ડોમની નીચે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.
1950 : હિન્દુ મહાસભાના વકીલ ગોપાલ વિશારદે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં અરજી કરીને રામલલ્લાની મૂર્તિની પૂજાના અધિકારની માગ કરી.
1959 : નિર્મોહી અખાડાએ વિવાદિત સ્થળ પર માલિકી હક દર્શાવ્યો.
1961 : સુન્ની વક્ફ બોર્ડ(સેન્ટ્રલ)એ મૂર્તિ સ્થાપિત કરવાના વિરોધમાં કોર્ટમાં અરજી કરી અને મસ્જીદ અને તેની આસપાસની જમીન પર પોતાનો હક દર્શાવ્યો.
1981 : ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે જમીનના માલિકી હક માટે કેસ દાખલ કર્યો.
1885 : ફૈઝાબાદ જિલ્લા કોર્ટે રામ ચબુતરે છત્રી લગાવવાની મહંત રઘુબીર દાસની અરજી ઠુકરાવી.
1989 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત સ્થળે યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું.
1992 : અયોધ્યામાં વિવાદિત ઢાંચાનો ધ્વંશ કરવામાં આવ્યો.
2002 : અલાહાબાદ હાઈકોર્ટે વિવાદિત ઢાંચાવાળી જમીનના માલિકી હકને લઇને દાખલ અરજીઓ પર સુનાવણી હાથ ધરી.
2010 : અલાહાબાદ હાઈકોર્ટે 2:1થી ચુકાદો આપ્યો અને વિવાદિત સ્થળની સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વચ્ચે ત્રણ ભાગમાં સરખી વહેચણી કરી.
2011 : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે રોક લગાવી.
2016 : સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વિવાદિત સ્થળે રામ મંદિરના નિર્માણની મંજૂરી માગી.
2018 : સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદને લઇને દાખલ વિભિન્ન અરજીઓ પર સુનાવણી શરૂ કરી.
6 ઓગસ્ટ 2019 : સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે અલહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ હિન્દુ અને મુસ્લીમ પક્ષની અપીલો પર સુનાવણી શરૂ કરી.
16 ઓક્ટોબર 2019 : સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઇ.

X
Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news
Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news
Ayodhya Ram Mandir, Supreme Court Ayodhya Verdict Ram Janmabhoomi Babri Masjid live news

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી