ન્યૂઝ 360 / … અને હવે ઝાકિર નાઈકનો વારોઃ સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ વાત છે બદલાતી વૈશ્વિક શતરંજના શુભ સંકેતોની

… And now it's Zakir Naik's turn: on the eve of Independence Day, auspicious signs of changing global chess

  •  સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કોઠું ન આપ્યું એ પછી હવે મલેશિયા પણ કટ્ટરવાદના વાઘાં ઉતારી રહ્યું છે
  •  ભાગેડુ કટ્ટરવાદી ઝાકિર નાઈકને ભારતને સોંપવા અંગે મલેશિયાના વિદેશમંત્રીએ સરકારને ભલામણ કરી છે

 

Divyabhaskar.com

Aug 14, 2019, 06:49 PM IST

નેશનલ ડેસ્કઃ વાત ડિપ્લોમસી યાને કૂટનીતિ સંબંધિત છે એટલે સમજવામાં સરળતા રહે એ હેતુથી કેટલાંક સમાચારોનો ફ્લેશબેક જોવો જરૂરી છે.


5 ઓગસ્ટ, નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કાશ્મીરના વિભાજન અને વિવાદી કલમ 370 રદ કરવાનો પ્રસ્તાવ સંસદમાં મૂક્યો અને 70 વર્ષ જૂની સમસ્યાનું 2 દિવસમાં ફીંડલું વાળી દીધું.

9 ઓગસ્ટ, ઈસ્લામાબાદઃ બઘવાયેલા પાકિસ્તાને દુનિયાની મહાસત્તાઓ સમક્ષ રજૂઆત માટે દૂત મોકલવાનો નિર્ણય લીધો અને શરૂઆત સાઉદી અરેબિયાથી કરવાનું જાહેર કર્યું.

10 ઓગસ્ટ, રિયાધઃ પાક. વડાપ્રધાન ઈમરાનખાને સાઉદી સત્તાધિશ કિંગ સલમાન સાથે 32 મિનિટ ફોન પર વાત કરી. એ પછી પાક.ના વિદેશસચિવે પણ સલમાનની રૂબરૂ મુલાકાત કરી. મંત્રણાના અંતે પાકિસ્તાન દ્વિપક્ષી નિવેદનની રાહ જોઈ રહ્યું હતું ત્યારે અચાનક જ સાઉદી અરેબિયાએ સ્વતંત્ર ધોરણે નિવેદન જાહેર કરીને કહી દીધું કે જમ્મુ-કાશ્મીરનું વિભાજન અને કલમ 370 એ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાને તેમાં દખલ દેવી ન જોઈએ.

12 ઓગસ્ટ, મુંબઈઃ ભારતના નં. 1 ઔદ્યોગિક જૂથ રિલાયન્સના વડા મુકેશ અંબાણીએ પોતાના ગંજાવર પેટ્રોબિઝનેસનો 20 % હિસ્સો સાઉદી અરેબિયાની (સરકાર હસ્તકની) કંપની અરામ્કોને વેચવાની જાહેરાત કરી. એ જ જાહેરાતની સમાંતરે તેમણે કાશ્મીર અને લદ્દાખમાં મૂડીરોકાણના પ્રસ્તાવ વિશે પણ વાત કરી.

14 ઓગસ્ટ, ક્વાલાલુમ્પુરઃ મલેશિયામાં આશરો લઈ રહેલા કટ્ટરવાદી ડો. ઝાકિર નાઈકને ભારત પરત મોકલવા અંગે મલેશિયાના વિદેશમંત્રીએ મંત્રીમંડળને ભલામણ કરી.

સમાચારોનો આ દરેક ઘટનાક્રમ અલગ છે. સમાચારોની તારીખ અને ઘટનાના સ્થળો પણ અલગ છે અને તેમ છતાં આ દરેક સમાચારો એક જ ધાગે પરોવાયેલા છે, જેનું નામ છે કૂટનીતિ યાને ડિપ્લોમસી યાને સ્ટ્રેટેજી.

અમેરિકાના વિખ્યાત ડિપ્લોમેટ અને 1971ના ભારત-પાક. યુદ્ધ વખતે અમેરિકન પ્રેસિડેન્ટ નિક્સનના રાજકીય સલાહકાર રહી ચૂકેલા હેન્રી કિસિન્જરનું એક યાદગાર વિધાન છેઃ Diplomacy is like water. No shape, no taste, no color. કૂટનીતિની તરલતા સૂચવતા આ વાક્યનો ગર્ભીતાર્થ એવો છે કે કૂટનીતિમાં કશું સ્થાયી હોતું નથી. કૂટનીતિનું હવામાન ગમે ત્યારે બદલાઈ શકે. કૂટનીતિ તો જેવું પાત્ર એવો આકાર ધારણ કરી લે. સતત બદલાતા આ વૈશ્વિક હવામાનમાં ભારતની કૂટનીતિ અત્યારે ધાર્યા નિશાન પાડી રહી છે. જમ્મુ-કાશ્મીરના વિભાજન મુદ્દે દેશમાં આંતરિક સ્તરે સફળતા મેળવ્યા પછી કેન્દ્ર સરકાર હવે વૈશ્વિક મોરચે પોતાની તરફેણમાં હવામાન બનાવી રહી છે, જેમાં દરેક દિશાએ હકારાત્મક વલણ સાંપડી રહ્યું છે.

પાકિસ્તાનની કાગારોળને વૈશ્વિક મુસ્લિમ સમુદાયે જ હોંકારો આપ્યો નથી. ઈસ્લામિક દેશોના મુખિયાની ભૂમિકા ભજવનાર સાઉદી અરેબિયાએ પાક.ને મોળો પ્રતિસાદ આપ્યા પછી હવે મલેશિયા પણ નમતું જોખી રહ્યો હોવાના સંકેતો મળે છે. નવો બાવો ઝાઝી ભભૂત ચોળે એ ન્યાયે ઈસ્લામિક વિશ્વમાં પોતાની નોંધ લેવાય અને ખાસ તો ડહોળાતી જતી આર્થિક સ્થિતિમાં સાઉદી અરેબિયા જેવા દેશોની પનાહ મળતી રહે એ માટે મલેશિયા છેલ્લાં કેટલાંક સમયથી કટ્ટરવાદના ડાકલે ધૂણતું થયું છે.

ભારતની માફક હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક વિરાસત ધરાવતું મલેશિયા મૂળભૂત રીતે ભારતથી સ્થાનાંતરિત થયેલા હિન્દુ રાજાઓએ વિકસાવેલો દેશ છે. બ્રિટિશ હકુમત દરમિયાન અહીંની વસ્તી મુખ્યત્વે ત્રણ વર્ગસમૂહમાં આકાર પામી. સ્થાનિક મલય પ્રજા, ઓછામાં ઓછા 50 વર્ષથી અહીં વસતાં ભારતીયો અને એટલાં જ વર્ષથી અહીં વસતાં ચાઈનિઝ. નૃવંશશાસ્ત્રીય દૃષ્ટિએ આ ત્રણ વર્ગની રાજનીતિમાં છેલ્લાં ચાર દાયકાથી ધર્મ આધારિત રાજનીતિ સર્વોપરી બની છે. એ હિસાબે અહીં 65 ટકા જેટલાં મુસ્લિમો છે, 30 ટકા જેટલાં હિન્દુ અને 5 ટકા જેટલાં બૌદ્ધ, ખ્રિસ્તિ છે.

દુનિયાના મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશોને તાલિબાનના એક ઝંડા હેઠળ લાવવાના ઓસામા બિન લાદેનના પ્રયાસોને મલેશિયામાં ભારે પ્રતિસાદ મળ્યો હતો. એ પછી ISISની ચડતી કળા વખતે પણ મલેશિયામાં ઈસ્લામિક કટ્ટરવાદ વધુ વકર્યો. આજે સ્થિતિ એવી છે કે અહીં સરકાર બનાવવા માટે બહુમતિ મુસ્લિમ સમુદાયની તરફદારી અનિવાર્ય ગણાવા લાગી છે. વર્તમાન સરકાર પણ તેમાંથી બાકાત નથી.

હવે ફરીથી ડો. ઝાકિર નાઈકના મુદ્દા પર આવીએ.

ઝાકીર નાઈક ભારતના ગુનેગાર છે. ભડકાઉ ભાષણ દ્વારા સાંપ્રદાયિક સદભાવ બગાડવાના તેમજ દેશવિરોધી પ્રચાર કરવાના ગુનાસર ભારતમાં પ્રતિબંધિત થઈ ચૂકેલ ઝાકિર નાઈક હાલ મલેશિયામાં આશરો લઈ રહ્યો છે. અત્યાર સુધી મલેશિયાએ તેને અછો અછો વાના કર્યા અને સ્થાનિક કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠનોએ મસિહા તરીકે માથે ચડાવ્યો છે. ઝાકિરને ભારત પરત મોકલવાના પ્રયાસો સામે અહીં વખતોવખત જંગી જુલુસ નીકળ્યા છે અને તેની તરફેણમાં જેહાદના એલાન પણ થઈ ચૂક્યા છે.

મલેશિયાના વડાપ્રધાન નઝીબ રઝાક હાલ રાજકીય દૃષ્ટિએ સંકટમાં છે. તેમની સરકાર સામે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છે. દેશનું અર્થતંત્ર અત્યંત કંગાળ દશામાં છે. આવા સમયે દરેક રાજકારણી મૂળ મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા કટ્ટરવાદના ડાકલા ધૂણાવે. નઝીબ રઝાકે પણ એ જ રસ્તો અપનાવ્યો છે. બહુમતિ લોકોમાં ઝાકિર નાઈક પ્રત્યેનો આદર પારખીને તેમણે ઝાકિરની તરફેણ કરી છે. પરંતુ ભારતે ચારે દિશાએથી ઊભા કરેલા દબાણમાં હવે નઝીબને પણ ઝીંક ઝીલવી મુશ્કેલ થઈ રહી છે.

ઈસ્લામિક દેશ તરીકે મલેશિયાના ડૂબતાં અર્થતંત્રને સાઉદી અરેબિયાનો મોટો આધાર છે. વહાબી મુસ્લિમ દેશના મુખિયા તરીકે સાઉદી અરેબિયા મલેશિયાને પ્રતિ વર્ષ 2 લાખ ડોલરની તગડી લોન આપે છે. એક લાખથી વધુ મલેશિયન નાગરિકો સાઉદી અરેબિયામાં કામધંધો ધરાવે છે. મલેશિયાના બે મોટા બંદરો પણ સાઉદી અરેબિયાએ લિઝ પર લીધેલાં છે. સાઉદી અરેબિયાના તમામ તાગડધિન્ના ખનીજતેલને આભારી છે અને ખનીજતેલની રાજનીતિ તેમજ ખનીજતેલનું અર્થતંત્ર બહુ ઝડપથી દિશા બદલી રહ્યું છે. આથી સાઉદી અરેબિયાએ પણ મુસ્લિમ વિશ્વમાં મસિહા બનવાને બદલે ઘરઆંગણે ધ્યાન દેવાની ફરજ પડી છે. આથી સાઉદી પ્રિન્સ હવે પોતાના દેશને દુબઈના શેખ મખ્તુમની માફક ઉદારવાદી વાઘાં પહેરાવવાના આગ્રહી છે. અલબત્ત, આ માટે તેમણે હાલ તો ભારે કઠણ અને સામા પ્રવાહે તરવાનું થાય છે. પરંતુ સાઉદીની આ છબી બદલવાની કવાયત આખરે ભારતને ફળી રહી છે.

ડો. ઝાકિર નાઈક મલેશિયા માટે જોખમી અને આંતરરાષ્ટ્રીય સંબંધો (એટલે કે ભારત સાથેના) બગાડવામાં કારણભૂત હોવાથી તેમને રાજદ્વારી રક્ષણ આપવું ન જોઈએ એવી મલેશિયાના વિદેશમંત્રી કુલાસેગરન (કુલશેખરન) દ્વારા બુધવારે સરકારને ભલામણ કરવામાં આવી છે. આ ભલામણના આધારે મલેશિયા આજકાલમાં ડો. ઝાકિરના ભાવિ વિશે નિર્ણય લેશે.

એક સમય હતો જ્યારે ઈસ્લામિક વિશ્વ એકજૂટ હતું. ખનીજતેલની રાજનૈતિક શતરંજમાં સાઉદી અરેબિયા વજીર હતું અને અમેરિકા પણ તેને નારાજ કરવાનું ટાળતું હતું. પાકિસ્તાન સાઉદી અરેબિયા તેમજ અમેરિકા બંનેનું પીઠ્ઠું હતું.

આજે ત્રણ દાયકા પછી વૈશ્વિક કૂટનીતિ સદંતર બદલાઈ ચૂકી છે એ દર્શાવે છે કે હેન્રી કિસિન્જરનું એ યાદગાર વિધાન ખરેખર સાચું છે.

કૂટનીતિમાં કશું જ સ્થાયી નથી. કારણ કે એ બહુ તરલ ચીજ છે. તેનો કોઈ નિશ્ચિત રંગ નથી, કદ નથી, આકાર નથી કે સ્વાદ નથી. એ સંજોગો મુજબ બદલાતી રહે છે. બદલાવની હાલની દિશા ભારતના હિતમાં છે અને આવનારા દિવસોમાં વૈશ્વિક સ્તરે ભારત વધુ મજબૂત બની શકે છે. સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ આવા સંકેતોને શુભ ગણીએ.

જય હિન્દ.

X
… And now it's Zakir Naik's turn: on the eve of Independence Day, auspicious signs of changing global chess
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી