• Home
  • Db Original
  • Mumbai's Vishal made 350 statues on the theme of Bal Ganesh, booking months ago

ગણેશચતુર્થી / મુંબઈના વિશાલે બાળ ગણેશની થીમ પર 350 મૂર્તિઓ બનાવી, મહિનાઓ પહેલા બુકિંગ

  • આ વર્ષે મૂર્તિઓમાં ગણેશ-કાર્તિકેય બ્રધરહુડની થીમ છે
  • ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, થાઈલેન્ડ સહિત ઘણા દેશોમાંથી ઓર્ડર મળે છે

Divyabhaskar.com

Sep 02, 2019, 04:14 PM IST

નીતિન આર.ઉપાધ્યાયઃ આમ તો મુંબઈમાં હજારો મૂર્તિ કલાકારો છે, જે ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે છે. પરંતુ આ બધામાં એક કલાકાર એવો છે જે બધામાં પોતાની એક અલગ છાપ સાથે તરી આવે છે. આ કલાકારનું નામ વિશાલ શિંદે છે જે બાપ્પાની મૂર્તિને અલગ અલગ રૂપ આપે છે. વિધ્નહર્તાના બાળ સ્વરૂપની જે તસવીરો વાઈરલ થાય છે તેમાંથી મોટાભાગની વિશાલે જ બનાવેલી હોય છે. પિતાના વારસામાં મળેલી આ મૂર્તિકલાને વિશાલે એવો રંગ આપ્યો છે કે તેને ફક્ત ભારતમાંથી જ નહીં પણ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ,કેનાડાથી મૂર્તિઓના ઓર્ડર આવે છે. વિશાલના બનાવેલા ગણેશની દુનિયામાં કેટલી માગ છે, તેનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે અંદાજે 6 મહિના પહેલાથી જ લોકો મૂર્તિનું બુકિંગ કરવાનું શરૂ કરી દે છે.

મુંબઈના સર જેજે આર્ટ કોલેજથી ગ્રેજ્યુએટ 39 વર્ષના વિશાલ શિંદેને આ મૂર્તિકલા વારસામાં મળી છે. તેમના પિતા સૂર્યકાન્ત શિંદે પણ લાંબા સમયથી મૂર્તિ બનાવવાના કામમાં લાગેલા છે. વિશાલનું બાળપણ પણ મૂર્તિઓની આસપાસ જ પસાર થયું છે. થોડા વર્ષો પહેલા કંઈક નવું કરવાની ધગશે તેને બાળ ગણેશની પ્રતિમાઓનો પ્રયોગ કરવાની પ્રેરણા આપી. મોટાભાગે ગણેશજીની સાદી મૂર્તિઓ જ હોય છે. જે આશીર્વાદ આપતી સ્થિતીમાં હોય છે. પરંતુ વિશાલે કંઈક નવું કરવા માટે બાળકો અને વૃદ્ધોમાં આકર્ષિત કરતી બાપ્પાના બાળ સ્વરૂપની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું. જે લોકોના ચહેરા પર આનંદ લઈ આવે છે. લોકો તેને પોતાના દિલની નજીક અનુભવે છે.

એક સિઝનમાં 350 મૂર્તિઓ

મુંબઈના લોઅર પરેલમાં ત્રિમૂર્તિ આર્ટ નામના પોતાના સ્ટુડિઓમાં મૂર્તિકારીનું કામ કરે છે. એક ગણપતિ ઉત્સવ દરમિયાન 300થી 350 મૂર્તિ બનાવે છે, જે બાળ ગણેશની થીમ પર હોય છે. વિશાલ પાસે તેની સહયોગી ટીમ પણ છે. બાળ ગણેશની મૂર્તિઓનું કામ 60 મૂર્તિઓના બુકિંગથી શરૂ કરવામાં આવે છે. આ વર્ષે 350 મૂર્તિઓનું બુકિંગ છે.

દર મૂર્તિ માટે મહિનાઓ પણ લાગી જાય છે
વિશાલ દર વર્ષે એક જેવી મૂર્તિ નથી બનાવતા. તેમનો પ્રયાસ રહે છે કે દરે વખત કંઈક નવું કરવામાં આવે. જેથી તે થીમને વિચારવા માટે અને તેને પુરું કરવામાં મહિનાઓનો સમય લાગી જાય છે. મૂર્તિના સ્કેચથી માંડી બીબામાં ઢાળવા સુધી સપ્તાહો સુધીનો સમય લાગી જાય છે. દરેક મૂર્તિના એક્સપ્રેશન પર ખાસ પ્રકારે કામ કરવામાં આવે છે. બાળ ગણેશની દરેક મૂર્તિના ચહેરાને એવો લુક આપવામાં આવે છે જેમાં ભોળપણ અને શરારત બન્ને હોય.

આ વખતે શું ખાસ છે?
આ વખતની મૂર્તિઓમાં એક બીજાને પોતાના શસ્ત્ર બતાવતા ગણેશ અને કાર્તિકેય, શંખનો અવાજ સાંભળતા ગણેશ, કમળના પાન પરના પાણીના ટીંપામાં પોતાનો ચહેરો જોતા ગણેશ, શતરંજ રમતા ગણપતિ અને કાર્તિકેય, કાર્તિકેયના મોર પર બેસેલા ગણપતિ જેવી મૂર્તિઓ ગણેશ-કાર્તિકેય બ્રધરહુડ થીમ પર બનાવી છે.

તમામ મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી હશે

વિશાલના જણાવ્યા પ્રમાણે, મૂર્તિઓ એવી હોવી જોઈએ, જે સમુદ્ર અથવા નદીઓમાં વિસર્જન બાદ કોઈ નુકસાન ન પહોંચાડે. અમે અમારી મૂર્તિઓના નિર્માણ વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે તે પ્રકૃતિ પર કોઈ પ્રકારની નકારાત્મક અસર ન કરે. તમામ પ્રતિમાઓ ઈકો-ફ્રેન્ડલી છે. જેમાં તમામ રંગ અને સામગ્રી કુદરતી હોય છે. વિસર્જન બાદ તેની કોઈ નકારાત્મક અસર સમુદ્ર અથવા નદીઓ પર નહીં પડે.

મૂર્તિની કિંમત 20થી 25 હજાર સુધી

વિશાલના જણાવ્યા પ્રમાણે, સાઈઝ અને ડિઝાઈન પ્રમાણે મૂર્તિની કિંમત નક્કી કરવામાં આવે છે. 20થી માંડી 55 હજાર સુધીની મૂર્તિઓનું નિર્માણ અહીં કરવામાં આવે છે જે મોટાભાગે બુક થઈ ગઈ છે. જેમાંથી ઘણી થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, લંડન, અને દુબઈ જેવા દેશોમાં મોકલવામાં આવી રહી છે. વિદેશમાંથી બાળ ગણેશની પ્રતિમાઓની માગ સતત વધતી જાય છે. માર્ચથી શરૂ થયેલી આ મૂર્તિઓનું નિર્માણ ઓગસ્ટમાં ફાઈનલ સ્ટેજ પર આવ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી