તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maoist Ramana, Who Had A Reward Of Hundreds Of Crores On His Head, Died In Hiding After A Prolonged Illness.

જેના માથાં સાટે સવા કરોડનું ઈનામ હતું એ માઓવાદી રામન્ના લાંબી માંદગી પછી ગુપ્તવાસમાં મૃત્યુ પામ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 100 વધુ ભારતીય જવાનોના મોતનું કારણ ગણાતો રામન્ના એકપણ વાર પકડાયો ન હતો
  • ભારતીય સૈન્ય પર થયેલા મોટાભાગના હુમલાના આયોજન અને અમલમાં રામન્નાનો જ દોરીસંચાર હતો

નેશનલ ડેસ્કઃ 100થી વધુ ભારતીય ફૌજીઓની શહાદત અને 150થી વધુ આતંકી હુમલાઓનો માસ્ટર માઈન્ડ ગણાતો કુખ્યાત નક્સલવાદી રામન્ના લાંબી માંદગી બાદ પોતાના ભૂર્ગભવાસમાં જ મોતને ભેટ્યો છે. તેનાં માથા સાટે ચાર રાજ્યોએ જાહેર કરેલ ઈનામી રકમ આશરે રૂપિયા સવા કરોડથી વધુ હતી.

માઓવાદીએ આખરે રામન્નાનું મૃત્યુ થયું હોવાનું સ્વીકાર્યું
શુક્રવારે બપોરે માઓવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ વિવિધ માધ્યમોને લખેલ પત્રમાં સત્તાવાર માહિતી આપી હતી કે પક્ષની કેન્દ્રિય સમિતિના સભ્ય અને દંડકારણ્ય એક્શન કમિટીના કન્વિનર રામન્નાનું લાંબી માંદગી પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે. આ અગાઉ પણ રામન્નાના મોતના સમાચાર વખતોવખત વહેતા થતા રહેતા હતા. પરંતુ આ વખતે માઓવાદીઓની સત્તાવાર જાહેરાત પછી બસ્તરના આઈજી સુંદરરાજે પણ રામન્નાના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યા અનુસાર, રામન્ના ગંભીર બિમારીને લીધે પથારીવશ હોવાની માહિતી અમને મળી હતી, પરંતુ તેના ઠેકાણા વિશે કોઈ ચોક્કસ બાતમી ન હતી. તેલંગણા સરહદ નજીકના બિજાપુર ખાતે નદીના તટ પર તેની અંતિમવિધિ થઈ હતી.

15 વર્ષથી નક્સલવાદી બન્યો હતો
તેલંગણા રાજ્યના સિદ્ધપીઠ જિલ્લાના મુરીયમ્બા ગામે સાધારણ શિક્ષક પરિવારમાં જન્મેલો રામન્ના ભણવામાં અત્યંત તેજસ્વી ગણાતો હતો. શાળાકક્ષાએ નેતૃત્વના ગુણો ધરાવતો રામન્ના ઈતરવાંચનનો શોખીન હોવાથી બાળવયે જ લેનિન અને માર્ક્સની વિચારસરણીથી પ્રભાવિત થઈને નક્સલવાદ પ્રત્યે આકર્ષાયો હતો. 15 વર્ષની વયે પહેલી વાર બંદૂક ઊઠાવીને તેણે સિદ્ધપેઠના જિલ્લા મથક પર સશસ્ત્ર હુમલાની આગેવાની કરી હતી. ત્યારથી મૃત્યુપર્યંત તેના નામે વિવિધ રાજ્યોમાં 150થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કમનસીબે એકપણ વખત એ પકડાયો ન હતો.

સમગ્ર પરિવાર નક્સલવાદી
રામન્ના ઉપરાંત તેની પત્ની સાવિત્રી માઓવાદી તરીકે સક્રિય છે. નક્સલી હુમલાઓમાં સહાયકારક ભૂમિકા ભજવતા મહિલાઓના જૂથની તે આગેવાની કરે છે. રામન્નાનો નાનો ભાઈ પરશુરામ ચાર વર્ષ પહેલાં પોલીસ સાથેની મુઠભેડમાં માર્યો ગયો હતો. રામન્નાનો પુત્ર શ્રીકાંત પણ છત્તીસગઢના માઓવાદી મોરચાની આગેવાની સંભાળે છે.

સૈન્ય પર હુમલાના આયોજનમાં એક્કો
રામન્નાની સૌથી મોટી તાકાત તેની આયોજનશક્તિ હતી. ભારતીય સૈન્ય પર હુમલાઓ કરવામાં તે નાણાં, શસ્ત્રો, તાલીમબદ્ધ યુવાનો તૈયાર કરવામાં માહેર હતો. હુમલાનો સમય, જગ્યા અને હુમલાનો પ્રકાર પસંદ કરવામાં તેની ફાવટ એવી હતી કે મોટાભાગે તે દરેક પ્રયાસમાં ભારતીય સૈન્યને મોટી હાનિ પહોંચાડી શકતો હતો. આઝાદી પછીના ભારતીય ઈતિહાસનો સૌથી મોટો નક્સલવાદી હુમલો તેના નામે બોલે છે.

2010ના હિચકારા હુમલાનો માસ્ટર માઈન્ડ
6 એપ્રિલ, 2010ના રોજ બસ્તર નજીક ભારતીય સૈન્યના 80 જવાનો અને 150થી વધુ પોલીસકર્મીઓ સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે તેમની છાવણીથી થોડે દૂર ગ્રેનેડ ધડાકા કરીને સુરક્ષા કાફલાને ત્યાં જવા તેણે લલચાવ્યો અને પછી અગાઉથી દાટી રાખેલ સુરંગનો વિસ્ફોટ કર્યો હતો, જેમાં 78 જવાનો શહીદ થયા હતા.

ચાર રાજ્યોએ જાહેર કર્યું હતું સવા કરોડનું ઈનામ
150થી વધુ હુમલાઓ અને 100થી વધુ ફૌજીઓના મોતનું કારણ ગણાતા રામન્નાને જીવતો કે મરેલો ઝડપવા માટે વિવિધ રાજ્યોએ તગડી રકમનું ઈનામ જાહેર કર્યું હતું. એ મુજબ મહારાષ્ટ્ર સરકારે રૂ. 60 લાખ, છત્તીસગઢે રૂ. 40 લાખ, તેલંગણાએ રૂ. 25 લાખ અને ઝારખંડે રૂ. 12 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. જોકે વેશપલટો કરવામાં માહેર રામન્ના કદી ઝડપાયો ન હતો. તેને પકડવા માટે થયેલા તમામ જોઈન્ટ ઓપરેશન છતાં દરેક વખતે તે છટકી જવામાં સફળ રહ્યો હતો.    

અન્ય સમાચારો પણ છે...