• Home
  • National
  • Maharashtra Haryana Assembly election Know about everything politics

ચૂંટણી / મહારાષ્ટ્રમાં ભાજપ માટે પડકાર, હરિયાણામાં સ્થિતિ આસાન, બંને પ્રાંતમાં ત્રીજું પરિબળ નિર્ણાયક

Maharashtra Haryana Assembly election Know about everything politics
Maharashtra Haryana Assembly election Know about everything politics

  • ભાજપ-સેના ગઠબંધન નબળું, પરંતુ મોદીમેજિક સૌથી વધુ પ્રભાવી બનશે
  • દલિત-મુસ્લિમ વોટબેન્કમાં ત્રીજું પરિબળ ફાચર મારી કોંગ્રેસ-એનસીપીની બાજી બગાડી શકે
  • હરિયાણામાં જ્ઞાતિ સમીકરણો સંતુલિત કરીને ભાજપ અગ્રેસર રહી શકે છે
  • ચૌટાલા પરિવારના આપસી ખટરાગનો ભાજપને ફાયદો મળશે

Divyabhaskar.com

Sep 28, 2019, 05:55 PM IST

નેશનલ ડેસ્ક: મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. બંને રાજ્યોમાં 12 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થવાની છે. ચૂંટણી પંચની જાહેરાતથી જ બંને રાજ્યોમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનની સરકાર છે. જ્યારે હરિયાણામાં બીજેપીની સ્વતંત્ર સરકાર છે. બીજેપી એકવાર ફરી બંને રાજ્યોમાં કમળ ખીલવવાનો પ્રયત્ન કરી રહી છે જ્યારે બીજી બાજુ વિપક્ષી દળ સત્તામાં પરત આવવા મરણીયા પ્રયાસો કરી રહી છે.

મહારાષ્ટ્ર: 2014ની ફેક્ટ ફાઈલ
મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટ છે. 2014ની વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ તો બીજેપીએ 27.8 ટકા વોટ સાથે 122 સીટ જીતી હતી અને શિવસેનાએ 19.3 ટકા વોટ સાથે 63 સીટો પર જીત મેળવી હતી. અહીં કોંગ્રેસે 18 ટકા વોટ સાથે 42 સીટ, એનસીપીએ 17.2 ટકા વોટ સાથે 41 સીટ પર જીત મેળવી હતી. આ સિવાય પ્રકાશ આંબેડકરની બહુજન અઘાડી પાર્ટીએ 0.6 ટકા વોટ સાથે 3 સીટ, પીડબ્લૂપીઆઈ 1 ટકા વોટ સાથે 3 સીટ અને ઔવેસીની પાર્ટી AIMIM 0.9 ટકા વોટ સાથે 2 સીટ જીતવામાં સફળતા મેળવી હતી. સમાજવાદી પાર્ટીએ એક સીટ અને અપક્ષને 7 સીટ જીતવામાં સફળતા મળી હતી. નોંધનીય છે કે, 25 વર્ષમાં પહેલીવાર શિવસેના અને બીજેપીએ અલગ અલગ ચૂંટણી લડી અને પોતાના દમ પર કોઈ બહુમતી સુધી પહોંચી શક્યું નહીં. ચૂંટણી પછી બંનેએ ફરી ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. આજ રીતે કોંગ્રેસ અને એનસીપીએ પણ અલગ અલગ ચૂંટણી લડી હતી.

ભાજપ માટે સાથીદાર જ અડચણ
ભારતીય જનતા પાર્ટી એક વાર ફરી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ચૂંટણી જીતવાની તૈયારી કરી રહી છે. આ વખતે બીજેપી અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે અને સાથે આરપીઆઈ સહિત ઘણી નાની પાર્ટીઓ પણ ગઠબંધનમાં સામેલ છે. જોકે બીજેપી અને શિવસેના વચ્ચે હજી સુધી સીટોની વહેંચણી નક્કી થઈ નથી. બીજેપી મહારાષ્ટ્રમાં 220 પ્લસ સીટ જીતવાનો ટાર્ગેટ લઈને ચાલી રહી છે.

પ્રસંગ જોઈને વાંકું પાડતાં વેવાઈ જેવા ઉદ્ધવ ઠાકરેએ અત્યારથી જ ભાજપનું નાક દબાવવાનું શરૂ કરી દીધું છે. બેઠકોની વહેંચણી અંગે શિવસેનાની નારાજગી યથાવત છે. છેલ્લી ઘડીએ સમાધાન કરી લેતાં ઉદ્ધવ અંગે શિવસૈનિકોના મનમાં પણ કચવાટ છે. આથી છેલ્લી ઘડીએ ઘીના ઠામમાં ઘી પડી જાય તો પણ ભાજપ-સેના વચ્ચે કાર્યકર સ્તરે તો મનમેળ નહિ જ થાય. ભાજપ માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે.

પવાર માટે અસ્તિત્વનો સવાલ
કોંગ્રેસ-એનસીપી એક વાર ફરી મહારાષ્ટ્રમાં સત્તામાં પરત આવવા માટે મરણીયા પ્રયાસ કરી રહી છે. બંને પક્ષ વચ્ચે સીટ શેરિંગ વિશે ફોર્મ્યૂલા નક્કી કરી લેવામાં આવી છે. બંને પક્ષોએ 125-125 સીટ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને બાકીની 38 સીટ સહયોગી દળ માટે છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિગ્ગજ મરાઠા નેતા શરદ પવાર માટે આ અસ્તિત્વનો જંગ છે. જો આ ચૂંટણીમાં તેઓ પક્ષને સત્તા સુધી દોરી જવામાં નિષ્ફળ રહેશે તો એનસીપીનું અલગ અસ્તિત્વ ટકાવવાનો પડકાર ઊભો થઈ શકે છે. આથી જ પવાર કોંગ્રેસની કમીઓ પૂરી કરવામાં પણ એટલી જ તત્પરતા દાખવે છે. વિદર્ભમાં મોદીનો અને કોંકણમાં ઠાકરેનો પ્રભાવ ખાળવા પવાર અને પૃથ્વીરાજ ચવ્હાણ સઘન પ્રવાસ કરી ચૂક્યા છે. અન્ય પ્રાંતોની સરખામણીએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું સંગઠન અસરકારક છે.

ભાજપની B ટીમ
મહારાષ્ટ્રમાં બે મુખ્ય પ્રતિસ્પર્ધી ઉપરાંતના જે પરિબળો નિર્ણાયક બને તેમ છે તેમાં પ્રકાશ આંબેડકરના બહુજન અઘાડી અને ઓવૈસીની પાર્ટી ઈત્તિહાદ ઉલ મુસલમિનને મુખ્ય ગણવા પડે. પ્રકાશ આંબેડકર અગાઉ પેટાચૂંટણીમાં દલિત મતો પોતાની તરફેણમાં વાળીને કોંગ્રેસ-એનસીપીના ઉમેદવારને હરાવવામાં નિર્ણાયક બની ચૂક્યા છે. દલિત મત નોંધપાત્ર છે અને એ ભાજપવિરોધી વોટબેન્ક મનાય છે. તેમાં જો આંબેડકર ફાચર મારે તો કોંગ્રેસ-એનસીપીને નુકસાન થઈ શકે છે. એ જ રીતે મુસ્લિમ મતદારો પર ઓવૈસીનો પ્રભાવ પણ અવગણી શકાય તેમ નથી. એટલે જ અત્યારથી કોંગ્રેસ-પવાર આંબેડકર-ઓવૈસીને ભાજપની B ટીમ ગણાવીને વોટબેન્કમાં ફાચર પડતી રોકવા પ્રયાસરત છે.

હરિયાણાઃ 2014ની ફેક્ટફાઈલ
હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટ છે. 2014માં વિધાનસભા ચૂંટણીમાં બીજેપી 33.20 ટકા વોટ સાથે 47 સીટ જીતવામાં સફળતા મળી હતી અને પાર્ટીની કમાન મનોહરલાલ ખટ્ટરને સોંપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ 24.20 ટકા વોટ સાથે 17 ટકા, ઈન્લો 24.10 ટકા વોટ સાથે 19 સીટ, બસપા 4.40 ટકા વોટ સાથે એક સીટ અને અકાણી દળે 0.60 ટકા વોટ સાથે એક સીટ જીતી હતી. જ્યારે 10.60 ટકા વોટ સાથે પાંચ સીટ પર અપક્ષ ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા હતા.

ભાજપઃ દોડવા માટે ઢાળ તો છે
મનોહરલાલ ખટ્ટરના વડપણ હેઠળની ભાજપની સરકાર અનેક વિવાદાસ્પદ નિર્ણયોને લીધે ચર્ચામાં રહી છે. આમ છતાં હળાહળ જ્ઞાતિવાદથી પ્રચૂર આ પ્રાંતમાં ભાજપે પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ સમીકરણો સંતુલિત કરી રાખ્યા છે, જે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ફળી શકે છે. અહીં મોદી મેજિક સૌથી મોટો આધાર છે. કાર્યકર્તાથી માંડીને મતદારો સુધીના સ્તરે ભાજપતરફી જુવાળ મોદીમેજિક પર આધારિત છે.

કોંગ્રેસઃ એક સાંધે ને તેર તૂટે
પ્રાંત કોંગ્રેસની હાલત કેન્દ્રિય પક્ષ જેવી જ છે. પંજાબમાં કેપ્ટન અમરિન્દર જેવા નેતા હોવાથી કોંગ્રેસ બેઠી થઈ શકી હતી. એ સ્થિતિ હરિયાણામાં પણ શક્ય છે પરંતુ હરિયાણા કોંગ્રેસ અનેક છાવણીઓમાં વહેંચાયેલી છે. ભુપેન્દર હુડ્ડા જૂથ સૌથી શક્તિશાળી છે પરંતુ કલમ 370 અંગે કોંગ્રેસની નીતિની જાહેર ટીકા કરીને હુડ્ડાએ નોંખો ચોકો જમાવવાની મહત્વાકાંક્ષા છતી કરી દીધી છે. આથી પક્ષ તેમને નેતૃત્વ આપતાં ખચકાય છે. કોંગ્રેસની આ હાલકડોકલ સ્થિતિનો સીધો લાભ ભાજપને મળશે.

ત્રીજા પરિબળ વેરવિખેર
હરિયાણામાં પક્ષ કરતાં ય પરિવારનું વિશેષ મહત્વ છે. એક સમયે ત્રણ લાલનો અહીં દબદબો હતો. એ પૈકી ભજનલાલના પુત્રો રાજનીતિમાં ફેંકાઈ ગયા છે. બંસીલાલના પરિવારજનો ભાજપ સાથે મેળાપમાં છે. ત્રીજા ચૌધરી દેવીલાલના પુત્રો પોતે જ આપસમાં લડીને વેરવિખેર છે. ઓમપ્રકાશ ચૌટાલા જેલમાં છે. અને પૌત્રો અજય તેમજ દુષ્યંત વચ્ચેનો અણબનાવ જગજાહેર છે. આથી ભાજપ માટે પડકારરૂપ બની શકતું આ ત્રીજું પરિબળ પણ ખાસ નડી શકે તેમ નથી. એ સિવાય આમઆદમી પાર્ટી અને તેમાંથી છૂટા પડેલા યોગેન્દ્ર યાદવનો સ્વરાજ પક્ષ અહીં મેદાનમાં છે પરંતુ તેનું ખાસ વજૂદ નહિ હોય.

X
Maharashtra Haryana Assembly election Know about everything politics
Maharashtra Haryana Assembly election Know about everything politics

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી