નવી દિલ્હી / બજેટ અગાઉ નાણાંની તંગી સામે ઝઝૂમતી સરકાર દ્વારા 2000 વેપારીઓ સામે મોટી કાર્યવાહી, GSTનું 40 હજાર કરોડનું રિફંડ અટકાવાયું

GST ભવનની ફાઇલ તસવીર.
GST ભવનની ફાઇલ તસવીર.

  • રિટર્ન મિસમેચ થતાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમે પગલું ભર્યું
  • સરકારની તપાસમાં બહાર આવ્યુ છે કે, કૌભાંડ આચરવા માટે રાતોરાત નવી કંપનીઓ ખોલવામાં આવી હતી

Divyabhaskar.com

Jan 30, 2020, 12:11 PM IST
નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમે 40 હજાર કરોડની ટેક્સ ક્રેડિટ અટકાવી દીધી છે. લગભગ 2000 કંપનીઓ સાથેના રિટર્નના આંકડા સુસંગત નહીં હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. સીબીઆઈસીના ચેરમેન જોન જોસેફે કહ્યું હતું કે આડકતરા વેરા વિભાગે 4 કલાકમાં આ ઇનપુટ ક્રેડિટ અટકાવી દીધી હતી.
ચાર કલાકની કાર્યવાહીમાં 2000 પેઢીઓની 40000 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક
કંપનીઓ ઉત્પાદન માટેના ઇનપુટ પર ચૂકવાયેલા કરવેરા પેટે ક્રેડિટ મેળવવા હકદાર હોય છે. પરંતુ રિટર્નમાં ભારે વિસંગતતા જોવા મળતાં મોટાપાયે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાનમાં આવતા સરકારે કડક પગલાં ભર્યા છે. આડકતરા વેરા વિભાગે રિટર્ન ‘મિસમેચ’ હોય તેવા અંદાજિત 2000 કરદાતાઓની 40000 કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ સ્થગિત કરી દીધી છે. કેન્દ્રીય આડકતરા કરવેરા બોર્ડના અધ્યક્ષ જહોન જોસેફે કહ્યું કે ચાર કલાકની કાર્યવાહીમાં 2000 પેઢીઓની 40000 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી દેવામાં આવી છે. રીટર્ન ફાઈલ થયા હોય અથવા કૌભાંડ-ગેરરીતિ આચરવા ઈરાદાપૂર્વકના મીસમેચ રીટર્નમાં ટેકસ ક્રેડીટ સ્થગીત કરવામાં આવી છે.
વેપારીઓના સરવૈયા ચકાસવાને બદલે ઉપલબ્ધ ડેટાના આધારે જ સમગ્ર કાર્યવાહી કરાઇ
સૂત્રોએ કહ્યું કે બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવવા કરદાતાઓ નવા-નવા કૌભાંડ-કારસ્તાન કરતા રહ્યા છે. જીએસટી વિભાગ દ્વારા પ્રથમ તબકકે જીએસટીએ-1ના 20 ટકા મીસમેચ કેસો તથા ત્યારબાદ જીએસટીઆર-3બીના રિટર્નને તપાસ હેઠળ લેવામાં આવ્યા હતા. બોગસ ઈનપુટ ટેકસ ક્રેડીટ રોકવા માટે જ સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો મુકવામાં આવ્યા છે. વેપારીઓના સરવૈયા ચકાસવાને બદલે ઉપલબ્ધ ડેટાના આધારે જ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બોગસ ટર્નઓવરના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવાનોજ ઉદેશ હોય છે
મહેસુલ વિભાગ દ્વારા આંકડાકીય ડેટા રાજય સરકારોને મોકલવામાં આવી રહ્યા છે, જીએસટી રીટર્નમાં ‘મીસમેચ’ ભુલ હોય તો સુધારો કરાવવા અને કૌભાંડ હોય તો સંબંધીત વેપારીના ગળા પકડવાની તાકીદ કરવામાં આવી છે. સરકારની તપાસમાં એવુ બહાર આવ્યુ છે કે કૌભાંડ આચરવા માટે રાતોરાત નવી કંપનીઓ ખોલી નાખવામાં આવી હતી. બોગસ ટર્નઓવરના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડીટ મેળવવાનોજ ઉદેશ હોય છે. આ માટે બનાવટી દસ્તાવેજો ઉપયોગમાં લેવામાં આવે છે. રાતોરાત શટર પણ પડી જાય છે. આ જ કારણોસર જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી છે. કેટલાંક કિસ્સામાં એવુ બહાર આવ્યુ છે કે વેપારીઓએ લોખંડનો ભંગાર ખરીદ્યો હોવા છતાં તેઓએ નિકાસકારોને કપડાના બીલો આપ્યા હતા અને તેના આધારે નિકાસકારોએ આઈજીએસટી રિફંડના દાવા પેશ કરી દીધા હતા. જીએસટી વસુલાત અપેક્ષિત થતી ન હોવાનું કારણ કૌભાંડો જ હોવાનુ ધ્યાનમાં આવતા જ સરકાર કડક કાર્યવાહી કરવા લાગી છે.
લિકેજની માહિતી
  • સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આવકવેરા વિભાગ અને જીએસટી રિટર્નની સુસંગતતા માટે ડેટા એનાલિસ્ટ નિયમિત ધોરણે કેસની તપાસ કરતા હોય છે. તેમાં આંકડા વિસંગત જોવા મળ્યા હતા.
  • ઉદ્યોગના તજજ્ઞના અનુસાર ખોટા દાવાની ખરેખર વસૂલાત માટે જીએસટી સત્તાવાળાઓએ ખરેખર જે બેનિફિસિયરી છે તેમને શોધી કાઢવા જોઈએ. તેમને પકડવા જોઈએ.
  • કન્સલ્ટન્ટના મત અનુસાર હજુ પણ ઘણા એવા લોકો છે કે જેઓ આ કામગીરી કરી રહ્યાં છે. તેમને શોધીને કસૂરવારોને પકડવા જોઈએ.
X
GST ભવનની ફાઇલ તસવીર.GST ભવનની ફાઇલ તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી