દાઝ્યા પર ડામ / સરકારે પહેલીવાર સંસદમાં સ્વીકાર્યું, 18 હજાર કરોડની મુદ્રા લોન ડૂબી, કુલ મુદ્રા લોનની 3% NPA

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ફિચે કહ્યું- બેન્કોને હજુ 50000 કરોડના ભંડોળની જરૂર છે
  • એનસીએલટીમાં નાદારીના 10860 કેસ હજુ પણ પેન્ડિંગ છે
  • નીરવ સહિતના 51 ભાગેડુએ 17900 કરોડનો ચૂનો લગાવ્યો

Divyabhaskar.com

Dec 04, 2019, 10:56 AM IST
નવી દિલ્હી: સરકારે મંગળવારે કબૂલ્યું છે કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ મંજૂર કરાયેલી લોનમાંથી લગભગ 18 હજાર કરોડની લોન એનપીએમાં ફેરવાઈ ગઈ છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના ઉત્તરમાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે એપ્રિલ 2015માં આ યોજના શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં 6.04 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. તેમાંથી 17251.52 કરોડ એટલે કે લગભગ 3 ટકા જેટલી રકમ એનપીએમાં ફેરવાઈ છે. એનસીએલટીમાં નાદારીના 10860 કેસ હજુ પેન્ડીંગ હોવાનું ઠાકુરે ઉમેર્યું હતું. દરમિયાનમાં વૈશ્વિક રેટીંગ એજન્સી ફિચે કહ્યું છે કે ભારતીય બેન્કોને વૃદ્ધિ માટે હજુ 50 હજાર કરોડના ભંડોળની જરૂર છે.
બેન્કોમાં માત્ર 1 લાખ સુધીની થાપણની જ ગેરંટી: DICGC
જો કોઈ બેન્ક બંધ થઈ જાય તો તેમાં જમા થાપણમાંથી થાપણદારોને માત્ર 1 લાખ રૂપિયા જ મળી શકશે. આરબીઆઈની કંપની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશને આરટીઆઈ હેઠળ માંગેલી માહિતીમાં આ મુજબ જણાવ્યું છે. કંપનીએ કહ્યું કે તેની કલમ 16(1) હેઠળ જો બેન્ક બંધ થાય તો DICGC પ્રત્યેક થાપણદારને વીમા કવચ તરીકે 1 લાખ સુધી આપવા જવાબદાર છે. તેમાં મૂળ રકમ અને વ્યાજ પણ સામેલ છે. પીએમસી બેન્ક ગોટાળા પછી એવો સવાલ પૂછાયો હતો કે આની કોઈ મર્યાદા વધારવાની દરખાસ્ત છે કે કેમ? DICGCએ કહ્યું છે કે તેની પાસે આવી કોઈ માહિતી નથી. આ કાયદા હેઠળ સહકારી બેન્કો પણ આવે છે. બેન્કોમાં જે થાપણ જમા કરાવાય છે તેમાં મહત્તમ 1 લાખ સુધીનું જ વીમા કવચ હોય છે. મતલબ કે જો થાપણદારે 1 લાખથી વધુની થાપણ મૂકી હોય તો તેને 1 લાખ જ મળી શકશે.
ઓક્ટો.-નવે.’19માં 4.9 લાખ કરોડની લોન અપાઈ
જાહેર ક્ષેત્રની બેન્કોએ ઓક્ટોબર અને નવેમ્બરના ફેસ્ટિવલ મંથ દરમિયાન વિક્રમ સર્જક 4.91 લાખ કરોડની લોન આપી છે. નાણામંત્રીએ મંગળવારે કહ્યું કે અર્થતંત્રને પાટા પર લાવવા તથા વપરાશ વધારવા બેન્કોને લોકો સુધી પહોંચવા જણાવાયું હતું. દેશના 374 જિલ્લાઓમાં લોનમેળા કરીને તમામ ક્ષેત્રના લોકોને લોન અપાઈ છે. ઓક્ટોબરમાં 2.52 લાખ કરોડની લોન અપાઈ છે.
66 કેસમાં 51 ભાગેડુ અન્ય દેશમાં સ્થાયી થયા
ઠાકુરે કહ્યું કે સીબીઆઈએ અત્યાર સુધીમાં 66 કેસમાં 51 ભાગેડુઓની માહિતી મેળવી છે. આ લોકોએ દેશને 17900 કરોડનો ચૂનો લગાડ્યો છે. સીબીઆઈસીએ 6 ભાગેડુઓના આર્થિક ગુના અંગે રિપોર્ટ કર્યો છે જેઓ ગેરકાયદે રીતે દેશ છોડી ગયા છે. ઇડીએ 10 ભાગેડુઓ સામે કેસ દાખલ કર્યો છે. આ તમામ સામે રેડકોર્નર નોટિસ ઇશ્યૂ કરાઈ છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી