નવી દિલ્હી: સેના પ્રમુખ જનરલ રાવતને દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારે દેવામાં આવ્યો છે. હવે ચીફ ઓફ ડિફેન્સના નિવૃત્ત થવાની ઉંમર 65 વર્ષની કરવામાં આવી છે. 65 વર્ષની ઉંમર પૂરી થયા પછી જ આ પદથી નિવૃત્ત થશે. પહેલાં 62 વર્ષે નિવૃત્ત થવાની જોગવાઈ હતી.
જનરલ બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં થયો છે. હાલ તેઓ 61 વર્ષના છે. 2023માં તેઓ 65 વર્ષના થશે. આમ તેમની પાસે સીડીએસ પદ પર રહેવા માટે ઓછામાં ઓછો 3 વર્ષનો સમય છે. રાવત ડિસેમ્બર 1978માં કમીશન ઓફિસર (11 ગોરખા રાઈફલ્સ) બન્યા હતા. તેઓ 31 ડિસેમ્બર 2016થી આર્મી પ્રમુખ છે. તેમને પૂર્વી સેક્ટરમાં એલઓસી, કાશ્મીર ખીણ અને પૂર્વોત્તરમાં કામકાજનો અનુભવ રહ્યો છે.
પરમાણુ બટન દબાવવા PMના મુખ્ય સલાહકાર બનશે રાવત
ખાસ વાત એ છે કે, પરમાણુ વિભાગમાં તેમની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહેશે. પરમાણુ બટન દબાવવાના મામલામાં તે વડાપ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર રહેશે. 2003માં રચાયેલી પરમાણુ કમાન્ડ ઓથોરિટીમાં 16 વર્ષ પછી આ સૌથી મહત્ત્વનો ફેરફાર છે. પરમાણુ કમાન્ડમાં વડાપ્રધાનને આધીન બે કાઉન્સિલ હતી. એક રાજકીય અને બીજી કાર્યકારી. પરમાણુ હથિયારના ઉપયોગનો નિર્ણય રાજકીય કાઉન્સિલ જ લેતી. કાર્યકારી કાઉન્સિલ એનએસએની અધ્યક્ષતામાં કામ કરતી આવી છે. સીડીએસ કાર્યકારી કાઉન્સિલનું સંચાલન જોઈએ તો રાજકીય કાઉન્સિલમાં વિશેષ આમંત્રિત સભ્યો હશે. પરમાણુ હથિયારોની જવાબદારી સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ જુએ છે. આ કમાન્ડ અને સેના વચ્ચેની કડી એનએસએ હોય છે. હવે આ ભૂમિકા સી઼ડીએસની રહેશે.
રાવત વ્યસ્ત હોવા છતાં આ ઉંમરે રોજ ટ્રેડમિલ પર દોડવાનું છોડતા નથી
જનરલ રાવતની સાથે દાયકાઓ સુધી ઘણા મોરચે કામ કરી ચૂકેલા એક લેફ. જનરલે જણાવ્યું કે 'રાવત ત્રણે સેના સાથે સંકળાયેલા મુદ્દાની ઊંડી સમજ રાખે છે. તેઓ દરેક કામમાં પહેલ કરે છે, પણ ઉતાવળ કરતા નથી. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ઘણા લોકોને તેમણે પાણીચું આપી દીધું છે. ફિટનેસના મામલે પણ બહુ સજાગ છે. યુવા અધિકારી તરીકે એક વખત બહુ ખરાબ રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે વાપસી કરી અને હજુ પણ શારીરિક રીતે મજબૂત છે. તેઓ વ્યસ્ત હોય તો પણ ટ્રેડમિલ પર દોડે છે.
લેફ્ટનન્ટ જનરલ નરવણે આર્મી ચીફ
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે મંગળવારે દેશના 28મા સેના વડા તરીકે નિયુક્ત થશે. આ સાથે જ તેઓ ત્રણેય સેનાના વડા તરીકે NDAના 56મા કોર્સ અધિકારી બની જશે.
નવી ટ્રાઈ સર્વિસની કમાન પણ સીડીએસને
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી ત્રણ સેનાઓ સાથે જોડાયેલા મામલે રક્ષામંત્રીને સલાહ આપવાની રહેશે. સીડીએસ જ રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર બનશે. જોકે સૈન્ય સેવાઓ સાથે જોડાયેલા વિશેષ મુદ્દે ત્રણેય સેનાઓના ચીફ પહેલાની જેમ રક્ષામંત્રીને સલાહ આપતા રહેશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સૈન્ય અભિયાન દરમિયાન ત્રણ સેનાઓ વચ્ચે તાલમેલ ગોઠવવાનું કામ કરશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ 4 સ્ટાર જનરલ રેન્કના સૈન્ય અધિકારી કેટેગરીનું હોય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના મુખ્ય અધિકારીઓ જેટલી જ સેલરી આપવામાં આવશે.
48 વર્ષ પહેલાં ઈન્દિરા ગાંધી સૈમ માનેક્શોને સીડીએસ બનાવવા માંગતી હતી, ત્યારે મતભેદ થયા હતા
આર્મીમાં કેએમ કરિયપ્પા અને સૈમ માનેક્શોને ફિલ્ડ માર્શલની રેન્કિંગ આપવામાં આવી હતી. માનવામાં આવે છે કે, 1971માં યુદ્ધ પછી તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માનેક્શોને ફિલ્ડ માર્શલનું રેન્ક આપીને સીડીસી બનાવવા માંગતા હતા. ત્યારે વાયુસેના-નેવી પ્રમુખના મતભેદ સામે આવ્યા હતા. તેમનું માનવું હતું કે, તેનાથી વાયુસેના અને નેવીનું મહત્વ ઘટી જશે. જોકે માનેક્શોને ફિલ્ડ માર્શલ રેન્ક આપવા માટે સહમતી બની હતી. સૈમ જૂન 1972માં રિટાયર્ડ થવાના હતા. રેન્ક આપવા માટે તેમનો કાર્યકાળ 6 મહિના વધારવામાં આવ્યો હતો. જાન્યુઆરી 1973માં તેમને આ રેન્ક આપવામાં આવ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.