તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ કેન્દ્રીયમંત્રી જે.પી.નડ્ડા ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ આખરે જેની શક્યતા જોવાઈ રહી હતી એ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે અમિત શાહના સ્થાને વરિષ્ઠ નેતા જગતપ્રકાશ નડ્ડા (જે.પી.નડ્ડા)ને કાર્યકારી પદભાર સોંપવામાં આવ્યો છે. સોમવારે મોડી સાંજે દિલ્હી ખાતે યોજાયેલ ભાજપ સંસદિય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અપ્રતિમ સફળતા મેળવીને પક્ષને બબ્બે વખત કેન્દ્રની સત્તા અપાવનાર અને અનેક રાજ્યોમાં સૌ પ્રથમ વખત ભાજપની સરકાર બનાવવામાં સફળ નીવડેલા અમિત શાહે લોકસભા માટે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ત્યારથી જ આ સવાલ પૂછાઈ રહ્યો હતોઃ શું અમિત શાહ સરકારમાં જોડાયા પછી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષપદ છોડશે? સોમવારે સાંજે તેનો જવાબ મળી ગયો છે. ભાજપ સંસદિય બોર્ડની બેઠકમાં લેવાયેલ નિર્ણય અંગે માહિતી આપતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી જેવી મોટી જવાબદારી પર એકાગ્રતા જાળવવા માટે અમિત શાહે પોતે જ અન્યને પક્ષનું અધ્યક્ષપદ સોંપવા આગ્રહ કર્યો હતો. તેમના આગ્રહને માન આપીને પક્ષના સંસદિય બોર્ડે જગતપ્રકાશ નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. 

કોણ છે જગતપ્રકાશ નડ્ડા? 
59 વર્ષિય જગતપ્રકાશ નડ્ડા હિમાચલ પ્રદેશના પ્રતિષ્ઠિત અને સંપન્ન કુટુંબમાંથી આવે છે. તેમનાં માતા-પિતા તબીબ હતા. બી.એ., એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલા નડ્ડા વિદ્યાર્થીકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી પરિષદ સહિત સંઘની વિવિધ સંસ્થાઓમાં સંગઠન ક્ષેત્રે કામગીરી નિભાવ્યા બાદ નડ્ડા ભાજપ સાથે જોડાયા હતા. 1993માં સૌ પ્રથમ વખત તેઓ હિમાચલ પ્રદેશ વિધાનસભામાં ચૂંટાયા હતા. ત્રણ વખત ધારાસભ્ય બનેલા નડ્ડા હાલ રાજ્યસભાના સભ્ય છે. મોદી સરકારની પહેલી ટર્મમાં તેઓ આરોગ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. 

મોદીના વિશ્વાસુ
ખજુરાહો પ્રકરણ પછી નરેન્દ્ર મોદીને ફરજિયાત ગુજરાત બહાર મોકલવામાં આવ્યા ત્યારે તેમને હિમાચલપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. એ વખતે યુવાનેતા તરીકે નડ્ડાની ક્ષમતા મોદીએ પારખી હતી. સંઘની પરિપાટી પર કેળવાયેલા હોવાથી નડ્ડા સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. જોકે અમિત શાહે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપને જે મુકામ પર પહોંચાડ્યો છે એ જોતાં નડ્ડા માટે એ સફળતાનું પુનરાવર્તન કરવું બહુ મોટો પડકાર બની રહેશે.   

અન્ય સમાચારો પણ છે...