વરસાદથી બેઘર / પૂર-વરસાદથી 6 રાજ્યમાં 4 દિવસમાં 200 લોકોનાં મોત, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડમાં 24 કલાકમાં 9ના જીવ ગયા

તસવીર કર્ણાટકના બાગલકોટની છે. રેસ્ક્યૂ ટીમો ત્યાં ફસાયેલા 5000 લોકોને બચાવી ચૂકી છે.
તસવીર કર્ણાટકના બાગલકોટની છે. રેસ્ક્યૂ ટીમો ત્યાં ફસાયેલા 5000 લોકોને બચાવી ચૂકી છે.

  • કર્ણાટકમાં 5.82 લાખ, મહારાષ્ટ્રમાં 4.48 લાખ લોકો રાહત છાવણીઓમાં
  • રાહુલ બે દિવસથી વાયનાડમાં અસરગ્રસ્તોની મદદે
  • ક્વોટા પૂરો: અત્યાર સુધીમાં સામાન્યથી 1% વધુ વરસાદ

Divyabhaskar.com

Aug 13, 2019, 08:52 AM IST

દેહરાદૂન/કેરળઃ દેશનાં 6 રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી દુર્ઘટનાઓમાં 4 દિવસમાં 200 લોકોનાં મોત થયાં છે. તેમાં કેરળમાં 76, કર્ણાટક-મહારાષ્ટ્રમાં 42-42, ગુજરાતમાં 31, ઉત્તરાખંડમાં 6 અને જમ્મુ-કાશ્મીરમાં 3 મોત સામેલ છે. ઉત્તરાખંડના ચમોલી અને જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આ મોત છેલ્લા 24 કલાકમાં ભૂસ્ખલનથી થયાં. કેરળના 8 જિલ્લામાં અંદાજે 2.88 લાખ લોકોને 1654 રાહત છાવણીમાં પહોંચાડાયા છે જ્યારે 58 લોકો લાપતા છે. આ જિલ્લાઓમાં મંગળવારે પણ સ્કૂલો બંધ રહેશે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે પણ વાયનાડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. કર્ણાટકના 17 જિલ્લાનાં 2700 ગામ પૂરગ્રસ્ત છે. કર્ણાટકમાં 5.82 લાખ અને મહારાષ્ટ્રમાં 4.48 લાખ લોકોને રાહત છાવણીઓમાં ખસેડાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 372 કેમ્પ કોલ્હાપુર, સાંગલી જિલ્લાઓમાં છે.

દેશની સ્થિતિ: 3 રાજ્યમાં ભારે અને 20માં ઘણો ઓછો વરસાદ થયો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 3 રાજ્યમાં ભારે, બે રાજ્યમાં સામાન્ય, 10માં ઓછો અને 20માં ઘણો ઓછો વરસાદ થયો. બે રાજ્યમાં વરસાદ નથી થયો. ઉત્તરાખંડમાં સૌથી વધુ 26.4 મિ.મી. વરસાદ થયો, જે સામાન્યથી 84% વધુ છે. ત્યાર બાદ કેરળમાં સૌથી વધુ 22.2 મિ.મી. વરસાદ થયો, જે સામાન્યથી 42% વધુ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં 9 રાજ્યમાં અતિ ભારે અને 14માં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મોટાં જળાશયઃ 103માંથી 50 એવાં છે જે સામાન્યથી 80% વધુ ભરાયાં
વેધર એજન્સી સ્કાયમેટના કહેવા મુજબ, આ મોનસૂનમાં વરસાદે તેનો ક્વોટા પૂરો કરી લીધો છે. સોમવાર સુધીમાં સામાન્યથી 1% વધુ વરસાદ થયો છે. બીજી તરફ સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યાનુસાર દેશનાં 103 મોટાં જળાશયમાંથી 50 સામાન્યથી 80% વધુ ભરાઇ ચૂક્યાં છે જ્યારે 34 જળાશય 50% સુધી ભરાઇ ગયાં છે. દેશનાં આ જળાશયોમાં 76.84 બીસીએમ પાણી છે, જે કુલ સ્ટોરેજના 47% છે.

X
તસવીર કર્ણાટકના બાગલકોટની છે. રેસ્ક્યૂ ટીમો ત્યાં ફસાયેલા 5000 લોકોને બચાવી ચૂકી છે.તસવીર કર્ણાટકના બાગલકોટની છે. રેસ્ક્યૂ ટીમો ત્યાં ફસાયેલા 5000 લોકોને બચાવી ચૂકી છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી