ચીનથી દવા સપ્લાય ઠપ્પ, ભારતમાં એપ્રિલ સુધીનો જ સ્ટોક બચ્યો, એટલા માટે નિકાસ પર રોક સંભવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના વાઈરસની સાઈડ ઈફેક્ટ્સ
  • 80 ટકા દવાઓનો કાચો માલ (API)ચીનથી આવે છે
  • ભારત રૂ.1.3 લાખ કરોડની દવાઓની નિકાસ કરે છે

પવનકુમાર, નવી દિલ્હીઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાઈરસને કારણે ભારતમાં દવાઓનું ગંભીર સંકટ પેદા થઈ શકે છે. ભારત પાસે એપ્રિલ સુધીનો જ દવાનો સ્ટોક બચ્યો છે. દવાઓની કિંમત ન વધે અને આ સ્થિતિનો કેવી રીતે સામનો કરી શકાય તે માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. 8 મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ વિભાગોના નિષ્ણાતો સામેલ કરાયા છે. સમિતિએ એક પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. તેમાં કહેવાયું છે કે આગામી 1 મહિનામાં ચીનથી સપ્લાય શરૂ નહીં થાય તો ગંભીર સંકટ પેદા થઇ શકે છે. ભારતમાં ચીનથી 80 ટકા એપીઆઈ (દવા બનાવવાનો કાચો માલ) આવે છે. ચીનથી આશરે 57 પ્રકારના મોલિક્યુલ્સ આવે છે. 19 પ્રકારના કાચા માલ માટે ભારત સંપૂર્ણપણે ચીન પર જ નિર્ભર છે. ચીનમાં જાન્યુઆરીમાં રજાઓ હતી એટલા માટે કાચો માલ ઓછો આવ્યો હતો. 

ચીનમાં ઉત્પાદન તાત્કાલિક અટકાવી દેવાયું
તે પછી વાઈરસ ફેલાયો અને ચીનમાં ઉત્પાદન તાત્કાલિક અટકાવી દેવાયું. આ કારણે જ સપ્લાય એક મહિનાથી ઠપ છે. ત્યાં સ્થિતિ સામાન્ય થયા પછી જ્યારે ઉદ્યોગ શરૂ થશે તો સમુદ્ર માર્ગે થઇને ભારત સુધી દવા પહોંચવામાં ઓછામાં ઓછા 20 દિવસ લાગશે. આ સ્થિતિને જોતા ઉચ્ચસ્તરીય સૂત્રો કહે છે કે સરકાર દવાઓની નિકાસ પર રોક લગાવી શકે છે. ભારતથી અલગ અલગ દેશોમાં દર વર્ષે 1.3 લાખ કરોડ રૂપિયાની દવાની નિકાસ કરાય છે. દેશમાં કુલ અઢી લાખ કરોડ રૂપિયાનો દવાનો બિઝનેસ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો ચીનમાં સ્થિતિ નહીં સુધરે તો ભારતમાં એન્ટિબાયોટિક્સ, એન્ટિડાયાબિટિક, સ્ટેરોઈડ, હોર્મોન્સ અને વિટામિનની દવાઓ ખૂટી પડશે. ફક્ત ભારત જ નહીં વિશ્વના અનેક બીજા દેશોમાં પણ ચીનથી જ એપીઆઈ મગાવાય છે એટલા માટે સમસ્યા વધુ વકરી શકે છે. 

આંધ્ર: પરિવાર બચી જાય તે માટે વાઈરસની શંકામાં વ્યક્તિનો આપઘાત

હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં કોરોના વાઈરસની શંકા હેઠળ એક વ્યક્તિએ આપઘાત કરી લીધો. તેને શરદી-ખાંસી-તાવ હતો. મામલો ચિત્તુરનો છે. બાલાકૃષ્ણૈયા નામની વ્યક્તિને ડોક્ટરોએ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ડોક્ટરોને શંકા હતી કે બાલાકૃષ્ણૈયાને ટીબી છે. તેના પરિવારે કહ્યું કે હોસ્પિટલથી પાછા ફર્યા પછી તે કોરોના વાઈરસના સમાચાર જોઇ રહ્યા હતા. તેમને શંકા થઇ કે તેમને પણ કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. તેમણે વિચાર્યુ કે પરિવારના અન્ય સભ્ય વાઈરસની લપેટમાં ન આવે એટલા માટે તેમણે આપઘાત કરી લીધો. અા ઘટના પછી ડોક્ટરોએ કહ્યું કે શરદી-ખાંસી-તાવ અનેક સામાન્ય રોગોનાં લક્ષણ છે. બાલાકૃષ્ણૈયાને કોરોના વાઈરસનો ચેપ નહોતો લાગ્યો.

અન્ય સમાચારો પણ છે...