• Home
  • National
  • Indian users spy on Israeli spyware, WhatsApp acknowledges, government urges details

સાઈબર ક્રાઈમ / વોટ્સએપે સ્વિકાર્યુંઃ ઈઝરાયલી સ્પાયવેર દ્વારા ભારતીય પત્રકારો, એક્ટિવિસ્ટની જાસુસી થઈ છે, સરકારે વિગતો માંગી

Indian users spy on Israeli spyware, WhatsApp acknowledges, government urges details

  • ભારત સહિત 20 દેશોના આશરે 1400 લોકોની ખાનગી વિગતો લિક થઈ હોવાનો ઘટસ્ફોટ
  • ગત એપ્રિલ-મે મહિનામાં થયેલી જાસુસી વિશે ફેસબુક, વોટ્સએપ દ્વારા છેક હવે સ્વિકાર કરવામાં આવ્યો
  • વોટ્સએપ વીડિયો કોલના માધ્યમથી ફોનમાં માલવેર ઈન્સ્ટોલ કરીને યુઝર્સની તમામ ખાનગી વિગતો મેળવી લેવાઈ

Divyabhaskar.com

Nov 01, 2019, 03:51 AM IST

નેશનલ ડેસ્કઃ ભારતમાં સર્વાધિક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપના માધ્યમથી ઉપયોગકર્તાઓની જાસુસી થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઈઝરાયલી સ્પાયવેર દ્વારા વોટ્સએપના માધ્યમથી ભારત સહિત અન્ય દેશોના ઉપયોગકર્તાઓની ખાનગી વિગતો મેળવાઈ હોવાના વોટ્સએપ દ્વારા સત્તાવાર સ્વિકાર પછી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ તમામ વિગતો પૂરી પાડવા વોટ્સએપને તાકિદ કરી છે.

ગત મંગળવારે ફેસુબકે ફરિયાદ દાખલ કરી
ગત એપ્રિલ અને મે મહિના દરમિયાન ઈઝરાયલી સ્પાયવેર દ્વારા વોટ્સએપના સર્વરનો ઉપયોગ કરીને આશરે દોઢ હજાર વપરાશકર્તાઓના મોબાઈલમાં માલવેર દાખલ કરી દેવાયો હતો, જેનાં વડે ઉપયોગકર્તાની ખાનગી વિગતો મેળવી લેવાઈ હતી. જાસુસીનો ભોગ બનેલાં લોકોમાં ભારત સહિત કુલ 20 દેશોના પત્રકારો, બુદ્ધિજીવીઓ, એક્ટિવિસ્ટ અને ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવ્યા પછી ગત મંગળવારે વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુક દ્વારા ઈઝરાયલની સાયબર સિક્યોરિટી કંપની NSO સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

વોટ્સએપ દ્વારા શું તકેદારી લેવામાં આવી?
કેટલાં લોકો સાઈબર જાસુસીનો ભોગ બન્યા છે તેનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણવા નથી મળ્યો પરંતુ 20 દેશોના આશરે 1400 લોકો હોવાનો હાલ અંદાજ મૂકાઈ રહ્યો છે. વોટ્સએપ દ્વારા હાલ આ માલવેરને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે અને જે લોકો તેનો ભોગ બન્યા છે તેમને અંગત રીતે ફોન કરીને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક દ્વારા એક ગંભીર સાઈબર એટેકને નિષ્ફળ બનાવાયો હોવાની ગત મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી.

કેવી રીતે કામ કરે છે સ્પાયવેર?
વોટ્સએપના યુઝર્સની વિગતો મેળવવા માટે ઉપયોગમાં લેવાયેલ સ્પાયવેરનું નામ Pagasus છે. જ્યારે પણ તમે વોટ્સએપ વીડિયો કોલ કરો છો અથવા તમારા મોબાઈલમાં વીડિયો કોલ આવે છે ત્યારે સાઈબર એટેક કરનાર લોકો એક કોડ ઈસ્યુ કરે છે. તમે વીડિયો કોલ રિસિવ ન કરો તો પણ આ કોડના માધ્યમથી તમારા ફોનમાં માલવેર ઈન્સ્ટોલ થઈ જાય છે. એ પછી તમારા ફોનની કોલ ડિટેલ્સ, વોઈસ કોલ, પાસવર્ડ, કોન્ટેક્ટ લિસ્ટ, કેલેન્ડર ઈવેન્ટ, માઈક્રોફોન, કેમેરા યુઝ સહિતની વિગતો લિક થઈ જાય છે.

NSOનો ઈનકાર
જોકે ઈઝરાયલની કંપની NSO દ્વારા આ આરોપનું ખંડન કરવામાં આવ્યું છે અને ફેસબુક દ્વારા કરાયેલ ફરિયાદનો કોર્ટમાં સામનો કરવામાં આવશે તેવું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. Pegasus એ કોઈ સ્પાયવેર નહિ પરંતુ માન્ય સોફ્ટવેર છે, જેને વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા પણ માન્યતા મળી હોવાનો કંપનીએ દાવો કર્યો છે.

વીડિયો કોલિંગ દ્વારા હેકિંગ
વોટ્સએપના જણાવ્યા અનુસાર યૂઝરના ફોનને હેક કરવા વોટ્સએપનું વીડિયો કોલિંગ ફિચર ઉપયોગમાં લેવાયું હતું. લગભગ 1400 જેટલા યૂઝરને અસર થઈ છે. વોટ્સએપ દ્વારા આ યૂઝરને સાયબર હુમલાની માહિતી પણ અપાઈ હતી. ભીમા કોરેગાંવ કેસના ઘણા આરોપીઓના વકીલ નિહાલસિંહ રાઠોડ, એક્ટિવિસ્ટ બેલા ભાટિયા, ડિગ્રીપ્રસાદ ચૌહાણ, આનંદ તેલતુમડે અને પત્રકાર સિદ્ધાંત સિબ્બલે એક ચેનલ પર વોટ્સએપનો સંદેશો મળ્યો હોવાનો દાવો કર્યો હતો.
કોંગ્રેસનો સરકાર પર જાસૂસીનો આરોપ
કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર જાસૂસીનો આક્ષેપ કર્યો છે. તેમણે સુપ્રીમકોર્ટને આ અંગે આગળ આવવા કહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે પત્રકારો, એક્ટિવિસ્ટ અને વિપક્ષી નેતાઓની જાસૂસી કરનારી સરકાર લોકશાહીમાં નેતૃત્વનો અધિકાર ગુમાવી ચૂકી છે.
પ્રાઈવસીના રક્ષણ માટે સરકાર કટિબદ્ધ
સરકારે વોટ્સએપને કરોડો ભારતીયોની પ્રાઈવસીના રક્ષણ માટે કયા પગલાં ભર્યા તે જણાવવા કહ્યું છે. આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટ કરી કહ્યું કે સરકાર પોતાના નાગરિકોના અધિકાર માટે કટિબદ્ધ છે. યુપીએ સરકાર દરમિયાન માજી નાણામંત્રી પ્રણવ મુખરજીની ઓફિસમાં બગ મળવાની ઘટના ભૂલવી જોઈએ નહીં. તે સમયના આર્મી ચીફ વી.કે.સિંહની પણ જાસૂસી થઈ હતી.

X
Indian users spy on Israeli spyware, WhatsApp acknowledges, government urges details

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી