દિલ્હી / કોંગ્રેસની રેલીમાં નેતાજીની જીભ લપસી, પ્રિયંકા ગાંધીને બદલે પ્રિયંકા ચોપડા ઝિંદાબાદના નારા લગાવ્યા, મંચ પરના નેતાઓ, કાર્યકરો મૂંઝાયા

  • કોંગ્રેસ નેતા સુરેન્દ્ર કુમારે નારાઓ બોલાવવાની શરૂઆત કરી હતી 
  • આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું

Divyabhaskar.com

Dec 02, 2019, 03:19 PM IST

નવી દિલ્હીઃ સોનિયા ગાંધી ઝિંદાબાદ... કોંગ્રેસ પાર્ટી ઝિંદાબાદ...રાહુલ ગાંધી ઝિંદાબાદ...પ્રિયંકા ચોપડા ઝિંદાબાદ. આવા નારા રવિવારે દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની જનસભામાં પાર્ટીના નેતા સુરેન્દ્ર કુમારે લગાવડાવ્યા હતા. સોનિયાથી રાહુલ સુધીના ઝિંદાબાદના નારા તો યોગ્ય હતા, પરંતુ જ્યારે બોલીવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા ઝિંદાબાદના નારા લાગ્યા તો મંચ પરના નેતાઓની સાથે-સાથે જનસભામાં ઉપસ્થિત લોકો પણ અચરજમાં મૂકાયા હતા. આ સમયે કોંગ્રેસને શરમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ન્યુઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યો જે ઝડપથી વાયરલ થયો. બાદમાં લોકોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

દિલ્હીમાં રવિવારે કોંગ્રેસે એક જનસભા આયોજિત કરી હતી. આ સભામાં કોંગ્રેસના દિલ્હીના અધ્યક્ષ સુભાષ ચોપડા પણ હાજર હતા. સભા દરમિયાન કોંગ્રેસ નેતા સુરેન્દ્ર કુમારે નારાઓ બોલાવવાની શરૂઆત કરી. તેમણે નારા લગાવ્યા- સોનિયા ગાંધી...લોકોએ કહ્યું- ઝિંદાબાદ. પછી કહ્યું કોંગ્રેસ પાર્ટી...ભીડે જોશ સાથે કહ્યું- ઝિંદાબાદ. પછીથી કહ્યું રાહુલ ગાંધી... લોકો બોલ્યા ઝિંદાબાદ અને પછી નારા લગાવડાવ્યા, પ્રિયંકા ચોપડા...લોકોએ કહ્યું- ઝિંદાબાદ. આ અંતિમ નારાની સાથે મંચ પર સુરેન્દ્ર કુમાર સાથે ઉભેલા સુભાષ ચોપડા નવાઈ પામ્યા. સુરેન્દ્ર કુમાર કદાચ પ્રિયંકા ગાંધીની જગ્યાએ પ્રિયંકા ચોપડા બોલી ગયા, જોકે તેની અસર ઝડપથી સામે આવવા લાગી.

કોંગ્રેસે કરેલી નારાબાજીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા અને હજારો ટ્વિટની સાથે પ્રિયંકા ચોપડા ટ્રેન્ડ થવા લાગી. બીજી તરફ આ વીડિયોને લઈને ટ્વિટર પર લોકોએ કોંગ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક વ્યક્તિએ ટ્વિટ કર્યું ભગવાન ભલું કરે. રાહુલ ગાંધી આ રેલીમાં આવ્યા ન હતા નહિતર કદાચ રાહુલ બજાજ ઝિંદાબાદના નારા લાગ્યા હોત. આ વાતને ઉદ્યોગપતિ રાહુલ બજાજ સાથે જોડીને કરવામાં આવી, જે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અન્ય એક વ્યક્તિએ ટ્વિટ કર્યું પ્રિયંકા ચોપડા કોંગ્રેસમાં ક્યારે જોડાયા ?

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી