• Home
  • National
  • China talks about Kashmir before Xi Jinping's visit This issue should be resolved bilaterally

બીજી અનૌપચારિક બેઠક / જિંનપિંગ 11 ઓક્ટોબરે ભારત આવશે, મોદી સાથે આતંકવાદ સહિત ઘણા મુદ્દે વાતચીત થશે

China talks about Kashmir before Xi Jinping's visit - This issue should be resolved bilaterally

  • ચીનથી જિનપિંગ દિલ્હીના બદલે સીધા ચેન્નાઈ જશે 
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠક યોજાશે
  • આતંકવાદ, ટેરર ફંડિંગ, સહકાર અને સોર્સિંગ પર વાતચીતની પણ શક્યતા
  • તમિલનાડુના કાંચીપુરમમાં ચીની  પ્રવાસી હ્યુન સાંગ આવ્યો હતો 

Divyabhaskar.com

Oct 10, 2019, 06:44 AM IST

ચેન્નાઈ/નવી દિલ્હી/બેજિંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ચેન્નાઈમાં શુક્રવારે અનૌપચારિક બેઠક યોજશે. બંને વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે, જે અનેક રીતે ઐતિહાસિક હશે. આ પ્રકારની વાતચીત રેકોર્ડેડ નથી હોતી, એટલે બંને નેતા તેમાં વ્યૂહાત્મક મર્યાદા તોડીને કાશ્મીર, ભારત-ચીન સરહદ વિવાદ જેવા મુદ્દે ખુલીને વાત કરી શકે છે. તેની પહેલી ઝલક 2018માં થયેલી વુહાન સમિટમાં જોવા મળી હતી. ત્યારે બંને દેશ વચ્ચે દોકલામ વિવાદ ચાલતો હતો. એ વખતે બંને નેતાએ એ મુદ્દે ખૂલીને વાત કરી હતી. આ મુલાકાતના 73 દિવસ પછી ચાલતો વિવાદ શાંત થઈ ગયો હતો. આ ઉપરાંત બંને નેતા વચ્ચે આતંકવાદ, ટેરર ફંડિંગ,સહકાર અને સોર્સિંગ જેવા મુદ્દે વાત થવાની શક્યતા છે. ગયા પાંચ વર્ષમાં મોદી અને જિનપિંગની દસથી વધુ મુલાકાત થઈ છે. આ વર્ષે આ ત્રીજી મુલાકાત છે. મહાબલીપુરમમાં બંને નેતાની અનૌપચારિક મુલાકાત વુહાન સમિટનું જ આ વિસ્તરણ છે, જે બંને દેશ વચ્ચે વિશ્વાસ વધવાની દિશામાં સારો સંકેત છે. તે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ માટે મહત્ત્વનું છે. આ પહેલા 2014માં મોદી અને જિનપિંગ ગુજરાતના અમદાવાદમાં મળ્યા હતા.
મહાબલીપુરમનો ખાસ સંબંધ
મહાબલપલ્લવ વંશના રાજાઓની રાજધાની રહેલું મહાબલીપુરમનો ચીન સાથે ખાસ સંબંધ છે. પલ્લવ વંશના શાસકોએ પોતાના દૂત ચીન મોકલ્યા હતા. યુનેસ્કોના વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ મંદિરોના શહેર મહાબલીપુરમને પસંદ કરવા પાછળ આ ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
ચીનનો મહાબલીપુરમ સાથેનો સંબંધ બે હજાર વર્ષ જૂનો
મહાબલીપુરમનો આશરે બે હજાર વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ હતો. પુરાતત્વવિદ રાજાવેલુએ કહ્યું છે કે, તમિલનાડુના પૂર્વીય તટ પરથી મળેલા પહેલી અને બીજી સદીના માટીના વાસણો અાપણને ચીન સાથેના વેપારની સાબિતી આફે છે. હાલ મમલ્લાપુરમ અને કાંચીપુરમ જિલ્લાના તટીય ક્ષેત્રો સહિત આ ક્ષેત્રોનો ચીન સાથે સંબંધ હતો.
કોઈ પણ સમજૂતી પર મોદી અને જિનપિંગ સહી નહીં કરે
ચીનના નાયબ વિદેશ મંત્રી લુઓ ઝાઓહુઈએ કહ્યું કે, ચીન અને ભારત બંને પોતાના સંબંધ સુધારવા પ્રયત્નશીલ છે. મુક્ત વેપાર અને આર્થિક વૈશ્વિકરણની મુશ્કેલીઓ વચ્ચે સૌથી મોટા વિકાસશીલ દેશો વચ્ચે સહકાર અને સંચાર મહત્ત્વના છે. જોકે, જિનપિંગની મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચે કોઈ સમજૂતિ પર સહી નહીં થાય.
કાશ્મીર મુદ્દે ચીનને પણ વાંધો
કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી ચીને યુએનમાં ભારતના નિર્ણયની ટીકા કરી હતી. ચીને કહ્યું હતું કે, અમે કાશ્મીરીઓ સાથે કામ કરીને તેમને નાગરિક અધિકારો માટે અને ન્યાય અપાવવા મદદ કરીશું. ડોકલામ મુદ્દે 73 દિવસ સુધી બંને દેશની સેના સામસામે હતી.
જિનપિંગનું પરંપરાગત નૃત્ય કરીને સ્વાગત, મોદી ડિનર યોજશે
જિનપિંગ શુક્રવારે બપોરે ચેન્નાઈ જશે, જ્યાં તેમનું પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે એરપોર્ટ પર સ્વાગત કરાશે. અહીંથી તેઓ હોટેલ આઈટીસી ગ્રાન્ડ માટે રવાના થશે. ત્યાંથી જિનપિંગ અને મોદી મંદિરોમાં જશે. સાંજે જિનપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં મોદી ડિનર પાર્ટી આપશે.
જિનપિંગે ઈમરાન ખાનને કહ્યું - પાક.-ચીન વચ્ચેના સંબંધ અતૂટ અને મજબૂત
ભારતના પ્રવાસ પહેલાં જિનપિંગે ચીન પહોંચેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બુધવારે મુલાકાત કરી. જિનપિંગે ખાનને આશ્વાસન આપ્યું કે ચીન-પાકિસ્તાન વચ્ચેની મિત્રતા આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્થિતિમાં પરિવર્તન છતાં અતૂટ અને મજબૂત છે. જ્યારે ખાને આર્થિક સહયોગ માટે ચીનનો અાભાર માન્યો. કાશ્મીર મુદ્દે યુએન, અમેરિકા સહિત અન્ય દેશોથી હતાશ થયા પછી ઈમરાન ખાન મંગળવારે ચીન પહોંચ્યા હતા.
વિશ્વના મોટા નેતાઓને દિલ્હી બહાર બોલાવવાની વડાપ્રધાન મોદીની નીતિ
વડાપ્રધાન મોદી ભારતના અન્ય હિસ્સા બતાવવા સામાન્ય રીતે વિદેશી નેતાઓને દિલ્હી બહાર આમંત્રિત કરવાની તરફેણ કરતા હોય છે. તેઓ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલને બેંગલુરુ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને વારાણસી અને ફ્રાંસના પ્રમુખ મેન્યુઅલ મેક્રોનને ચંદીગઢ આમંત્રિત કરી ચૂક્યા છે. મોદી જિનપિંગને પણ અમદાવાદ પ્રવાસ કરાવી ચૂક્યા છે. ભારત પછી જિનપિંગ રવિવારે નેપાળ પણ જશે. તેઓ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવીના આમંત્રણ પર કાઠમંડુ જઈ રહ્યા છે. આશરે બે દસકા પછી ચીનના કોઈ પ્રમુખની આ નેપાળ મુલાકાત હશે.

X
China talks about Kashmir before Xi Jinping's visit - This issue should be resolved bilaterally

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી