- ચેન્નાઈમાં રહેતો શનમુગ સુબ્રમણ્યમ મિકેનિકલ એન્જિન્યર છે
- શનમુગને એક ચમકતા બિંદુથી વિક્રમ લેન્ડરના ટૂકડાનો ખ્યાલ આવ્યો
- 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ક્રેશ લેન્ડિંગ થયું હતું
Divyabhaskar.com
Dec 03, 2019, 02:49 PM ISTનેશનલ ડેસ્ક: નવી દિલ્હી: અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાને ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કાટમાળ મળી ગયો છે. નાસાએ મંગળવારે સવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવથી અંદાજે 600 કિમી દૂર આવેલી સપાટીની તસવીર લીધી છે. ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર 7 સપ્ટેમ્બરે આ જ જગ્યાએ ખૂબ ગતિ સાથે અથડાયું હતું અને તેના ટૂકડાં અંદાજે એક કિલોમીટર સુધી ફેલાયેલા હતા. નાસાએ આ શોધનો શ્રેય ચેન્નાઈના 33 વર્ષના મિકેનિકલ એન્જિનિયર શનમુગ સુબ્રમણ્યમ (શાન)ને આપ્યો છે. ભાસ્કરે શનમુગ સાથે તેની આ શોધ વિશે વાત કરી છે.
શનમુગે સવારે 4 વાગે નાસાથી મળેલો મેલ જોયો
મંગળવારે શનમુગના દિવસની શરૂઆત નાસાથી મળેલા એક ઈ-મેલથી થઈ હતી. તેણે આ મેલ સવારે 4 વાગે જોયો હતો. નાસાના લૂનર રિકોનસન્સ ઓર્બિટર મિશન (એલઆરઓ)ના ડેપ્યૂટી પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ જોન કેલરે શાનને ઈ-મેલ મોકલ્યો હતો. તેમાં નાસાએ વિક્રમ લેન્ડરનો કાટમાળ શોધ્યાની માહિતી આપવા માટે તેમનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે, એલઆરઓની ટીમે તમારી શોધની ખરાઈ કરી છે. તમારા દ્વારા માહિતી આપ્યા પછી અમારી ટીમે તે વિસ્તારની ડિટેલ્સમાં તપાસ કરી તો લેન્ડર ચંદ્રની સપાટી સાથે અથડાયાના અને આસપાસમાં વિખેરાયેલા ટૂકડા શોધી લીધા છે. નાસા તેનો શ્રેય તમને આપે છે. અમે માનીયે છીએ કે, આ શોધ માટે તમારે ખૂબ મહેનત કરવી પડી હશે અને ખૂબ સમય આપવો પડ્યો હશે. આ વિશે તમારો સંપર્ક કરવામાં મોડુ થયું તે માટે અમે ક્ષમા માંગીએ છીએ. પરંતુ દરેક વાતની ખરાઈ કરવા માટે વધારે સમયની જરૂર હતી.
16 દિવસ તસવીર જોઈ, પછી દેખાયું ચમકતું બિંદુ- શનમુગ
શનમુગે જણાવ્યું કે,17 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધી મેં રોજ અંદાજે 4થી 6 કલાક સુધી રોજ રાતે આ તસવીરો દેખી. મને જ્યાં લેન્ડિંગ થવાનું હતું ત્યાંથી 750 મીટર દૂર એક સફેદ બિંદુ દેખાયું જે નક્કી કરેલી તારીખ પહેલાં તે તસવીરમાં નહતું. તેની ચમક વધારે હતી. ત્યારે મને 3 ઓક્ટોબરે અંદાજ આવ્યો કે તે વિક્રમનો જ ટૂકડો છે. મેં ટ્વિટ કર્યું કે, કદાચ આ જ જગ્યાએ વિક્રમ ચંદ્રમાની માટીમાં ઘૂસીને દફન થઈ ગયું. નાસાના અમુક વૈજ્ઞાનિકોને પણ મેં આજ માહિતી ચંદ્રની સપાટી પર કોઓર્ડિનેટ સાથે વિસ્તારથી ઈ-મેલ પર મોકલી હતી.
શનમુગ કહે છે કે, મને વિશ્વાસ હતો કે, મેં જે શોધ્યુ છે તેની એક દિવસ ચોક્કસ ખરાઈ થશે. નાસાએ એસઆરઓથી 11 નવેમ્બરે આ સાઈટની નવી તસવીર આવ્યા પછી આ જ જગ્યાની ડિસેમ્બર 2017માં લેવામાં આવેલી તસવીરની ડિટેલમાં તપાસ કરી તો તેમણે મારુ રિસર્ચ સાચુ હોવાની ખરાઈ કરી અને મને ખુશી છે કે, તેમણે મને આ વાતની ક્રેડિટ પણ આપી. હું માત્ર વિક્રમ ક્રેશનો એક જ ટૂકડો શોધી શક્યો હતો પરંતુ નાસાએ અન્ય ત્રણ ટૂકડાં પણ શોધ્યા અને ક્રેશ લેન્ડિંગના પહેલાં અને પછીની તસવીરો શેર કરીને ફરક પણ જણાવ્યો.
મંગળ પર જવા ઈચ્છતા હોવ તો ચંદ્ર પર બેઝ સ્ટેશન હોવું જોઈએ
કોમ્પ્યૂટર પ્રોગ્રામિંગ અને એપ બનાવવામાં રસ દાખવતા શનમુગે કહ્યું કે, સ્પેસમાં તેમને ખૂબ રસ છે. તેઓ કહે છે કે, નાસા અને ચંદ્રયાન વિશેની એટલી બધી માહિતી પબ્લિક ડોમેનમાં ઉપ્લબ્ધ છે કે ચંદ્રનો ડિટેલ મેપ તૈયાર કરી શકાય છે. તેમણે કહ્યું કે, જો આપણે મંગળ પર જવા ઈચ્છતા હોઈએ તો ચંદ્ર પર તેનું એક બેઝ સ્ટેશન હોવું જોઈએ. તે માટે હજી આપણે ચંદ્ર પર ખૂબ વધારે રિસર્ચ કરવાની જરૂર છે. મારું તો એવું સપનું છે કે, એક એવું સ્પેસક્રાફ્ટ બની જાય જે એરોપ્લેનની જેમ ચંદ્રની સપાટી પર લેન્ડ કરી શકે.
ઈસરોએ કહ્યું- નો કમેન્ટ ઓન ધિસ ઓફર
નાસા દ્વારા લેન્ડરના કાટમાળને શોધવાની તસવીરો જાહેર કરવામાં આવ્યા પછી ભાસ્કરે ઈસરો દ્વારા પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચેરમેન તરફથી કોઈ જવાબ ન મળ્યો. જોકે ઈસરોના ઓફિશિયલ પ્રવક્તા એસએમએસએ કહ્યું કે, વી હેવ નો કમેન્ટ ઓન ધીસ ઓફર. એટલે કે આ વિશે અમારી કોઈ પ્રતિક્રિયા નથી. જ્યારે અમે શનમુગને આ વિશે પુછ્યું તો તેમણે કહ્યું કે, મેં ઈસરોને આ વિશે માહિતી નહતી આપી. મેં માત્ર નાસાને જ માહિતી મોકલી હતી. કાટમાળ મળ્યો હોવાની ખરાઈ થયા પછી ઈસરોએ મારો સંપર્ક નથી કર્યો. ઈસરો સંપર્ક કરત તો સારું લાગત.
ટેક્નીકલ આર્કિટેક્ટ છે શનમુગ
- ચેન્નાઈમાં શનમુગ સુબ્રમણ્યમ એક ટેક્નીકલ આર્કિટેક્ટ તરીકે કોમ્પ્યૂટર પ્રોગ્રામર છે. મદુરાઈમાં રહેતા શનમુગ નાસાના લૂનર રિકનાઈસાંસ ઓર્બિટર દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો લીધી જે 17 સપ્ટેમ્બર, 14 અને 15 ઓક્ટોબર સિવાય 11 નવેમ્બરે લેવામાં આવી હતી. ત્યાર પછી તેમા સતત રિસર્ચ કરીને અંતે વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી નાખ્યો હતો.
- પોતાની સફળતા પછી શનમુગ નાસાને આ રિસર્ચ વિશે માહિતી અને ત્યારપછી નાસાએ તેની ખાતરી કરવા માટે અમુક સમય માંગ્યો હતો.
- અંતે નાસાએ પણ શનમુગની આ શોધને સ્વીકારી અને તેને ક્રેડિટ આપી.
@NASA @LRO_NASA @isro
— Shan (@Ramanean) November 17, 2019
This might be Vikram lander's crash site (Lat:-70.8552 Lon:21.71233 ) & the ejecta that was thrown out of it might have landed over here https://t.co/8uKZv7oXQa (The one on the left side was taken on July 16th & one on the right side was from Sept 17) pic.twitter.com/WNKOUy2mg1
નાસાના વૈજ્ઞાનિકે શનમુગને આપ્યો જવાબ
- નાસાના ડેપ્યુટી પ્રોજેક્ટ સાઈન્ટિસ્ટ જોન કેલરે શનમુગના ઈ-મેલનો જવાબ આપતા લખ્યું છે કે, તમારા આ મેલ માટે ઘન્યવાદ જેમાં તમે તમારા રિસર્ચ વિશે અમને જાણ કરી છે. લેન્ડિંગ પહેલા અને પછી લેન્ડિંગ સાઈટ પર થોડા ફેરફાર જોવા મળ્યા છે. તમે આપેલી માહીતી લઈને LROC ટીમે તેનું એનાલિસિસ કર્યું અને આ જગ્યાને વિક્રમ લેન્ડર અથડાયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
- કેલરે શનમુગની આકરી મહેનત વિશે તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે, તેમને ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે કે આ રિસર્ચ માટે તમે ખૂબ મહેનત અને સમય આપ્યો હશે. અમને દુખ છે કે અમે તમને મોડો જવાબ આપ્યો. ત્યારપછી નાસાએ ટ્વિટ કરીને વિક્રમ લેન્ડર મળી ગયુ હોવાની માહિતી સમગ્ર દુનિયાને આપી હતી.
- નાસાએ જણાવ્યું કે, વિક્રમ લેન્ડરનો કાટમાળ ક્રેશ સાઈટથી 750 મીટર દૂરથી મળ્યો છે. કાટમાળના ત્રણ મોટા ટૂકડાં 2*2 પિક્સલનો છે. નાસાએ મોડી રાતે અંદાજે 1.30 વાગે વિક્રમ લેન્ડરની ઈમ્પેક્ટ સાઈટની તસવીર શેર કરી છે અને જણાવ્યું છે કે, તેમના ઓર્બિટરને વિક્રમ લેન્ડરના ત્રણ ટૂકડાં મળ્યા છે.
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019
મેં બે તસવીરોની સતત સરખામણી કરી: શનમુગા
પોતાના આ રિસર્ચ વિશે શનમુગે જણાવ્યું કે, મેં બે તસવીરોની સતત સરખામણી કરી હતી. એક તરફ નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી જૂની તસવીર લીધી હતી અને બીજી બાજુ નવી તસવીર હતી જે વિક્રમ લેન્ડર ક્રેશ થયા પછી જાહેર કરવામાં આવી હતી. આ ખૂબ મુશ્કેલ હતું પરંતુ તેના માટે મેં ઘણાં પ્રયત્નો કર્યા છે. મારે મહેનત ફળી હોવાથી હું ખૂબ ઉત્સાહિત છું. મને સ્પેસ સાયન્સમાં હંમેશા ખૂબ રસ રહ્યો છે. હું કોઈ પણ લોન્ચ મિસ નથી કરતો.