કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં સોમવારે ભારતીય જનતા પાર્ટી(BJP) અને તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના કાર્યકર્તાઓની વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે સાંસદ અર્જુન સિંહ પર હુમલાના વિરોધમાં બીજેપીએ સોમવારે 12 કલાકના બંધની જાહેરાત કરી હતી. બીજેપીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા, ત્યારે તેમની ટીએમસી કાર્યકર્તાઓ સાથે અથડામણ થઈ હતી. જેમાં 25 બીજેપી કાર્યકર્તાઓને ઈજા થઈ છે.
બૈરકપુર-બારાસાત વિસ્તારમાં ઘટના બાદ તણાવ
બૈરકપુર-બારાસાત વિસ્તારમાં આ ઘટના બાદ હાલ તણાવગ્રસ્ત સ્થિતિ છે. પોલિસની સામે બંને પાર્ટીઓના સમર્થકોએ એક-બીજાના ગ્રુપના કાર્યકર્તાઓને દોડી-દોડીને માર્યા હતા. રવિવારે અર્જુન સિંહ પર હુમલો થયો હતો. તેના વિરોધમાં સોમવારે બૈરકપુર લોકસભા ક્ષેત્રમાં બીજેપીએ 12 કલાકના બંધની જાહેરાત કરી હતી.
બીજેપી કાર્યકર્તાઓ કાકીનાડા રેલવે સ્ટેશન પર અડ્ડો જમાવ્યો
બંધ સોમવારે સવારે 6 વાગ્યાથી આપવામાં આવ્યો છે. બીજેપી કાર્યકર્તાઓ કાકીનાડા રેલવે સ્ટેશન પર અડ્ડો જમાવ્યો હતો. આ કારણે ટ્રેનની અવરજવરને પણ અસર થઈ હતી. તેનાથી પેસેન્જરો ખૂબ જ હેરાન થયા હતા અને તેમણે બીજેપીના સમર્થકો સમક્ષ વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું. બૈરકપુર-બારાસાત વિસ્તારમાં મોટાભાગની જૂટ મિલો બંધ છે. કાકીનાડા, ધોષ પાડા રોડ, પાનપુર ક્રોસિંગ, નૈહાટી હાવડા રોડ, નીલગંજ રોડ પર બીજેપીના દેખાવકારોએ વિરોધ માર્ચ કાઢી હતી. આ વિસ્તારમાં મોટાભાગની દુકાન અને બિઝનેસ સેન્ટર બંધ છે.
પોલીસ લાઠીચાર્જમાં બીજેપી સાંસદ અર્જુન સિંહને ઈજા થઈ હતી
કાકીનાડા વિસ્તારમાં રવિવારે ક્થિત રીતે થયેલા પોલિસ લાઠીચાર્જમાં બીજેપી સાંસદ અર્જુન સિંહને ઈજા થઈ હતી. અર્જુન સિંહને ભાટપારાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને કોલકતા રીફર કરવામાં આવ્યા હતા. તેમને માથામાં ઘણાં ટાકા આવ્યા છે. અર્જુન સિંહ પર થયેલા પોલિસ લાઠીચાર્જની વિરુદ્ધમાં બીજેપીએ બૈરકપુર-બરાસાત વિસ્તારમાં સોમવારે 12 કલાકના બંધની જાહેરાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.