• Gujarati News
  • National
  • BJP; Delhi Election Results 2020; Why BJP Lost Delhi Vidhan Sabha Chunav Updates On Kashmir Article 370, Ayodhya Ram Mandir

દિલ્હીમાં ભાજપનો ઘોર પરાજય દર્શાવે છે કે સભ્ય, શાલીન રાજનીતિની શક્યતા હજુ સાવ મરી પરવારી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક અપૂર્વાનંદની કલમે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનું રસપ્રદ વિશ્લેષણ
  • અપૂર્વાનંદના મતે, દિલ્હીના મતદારોએ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બહુ સ્પષ્ટપણે કામનું અને વિચારધારાનું વિભાજન આંકી આપ્યું છે

નેશનલ ડેસ્કઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હવે એ સવાલ થવો જોઈએ કે લોકતાંત્રિક પ્રક્રિયામાં આ ચૂંટણીની ઉપલબ્ધિ શું? વધુ એક વિધાનસભાની ચૂંટણીથી ભારતીય લોકતંત્રમાં શું બદલાવ આવ્યો? પહેલું રસપ્રદ તારણ એ છે કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી આ ચૂંટણીને ભારતીય જનતા પક્ષની નફરત અને હિંસાની રાજનીતિનો પરાજય ગણાવે છે જ્યારે વિજયી નીવડેલી આમઆદમી પાર્ટીની પ્રથમ પ્રતિક્રિયા આ વિજયને કામગીરીનો વિજય ગણે છે. અલબત્ત, આ એક ઠાવકી અને પુખ્ત પ્રતિક્રિયા ગણવી પડે. ખરેખર તો આમઆદમી પાર્ટી જાહેરમાં એ શબ્દોમાં પ્રતિક્રિયા નથી આપી રહી, જેમાં ભાજપને હથોટી છે. આપ જાણે છે કે એવી પ્રતિક્રિયાથી તો છેવટે ભાજપનું જ જોર વધશે. આથી તેમણે ઠાવકી અને સંયમિત પ્રતિક્રિયા આપી છે.


આમ છતાં એ તો હરકોઈએ સ્વીકારવું જ પડશે કે આ ઐતિહાસિક જીત છે. આ ચૂંટણીજંગ દરેક રીતે વિરોધભાસનો જંગ હતો. એકતરફ સર્વસાધનસંપન્ન રાષ્ટ્રીય રાજકીય પક્ષ હતો, જેની પાસે કેન્દ્રની સરકાર હતી. વડાપ્રધાન અને ગૃહમંત્રીનો કરિશ્મા હતો. કેન્દ્રીય મંત્રીઓ, કેટલાંય રાજ્યોના મુખ્યમંત્રીઓ, 200થી વધુ સાંસદો, દેશભરમાંથી આવેલા હજારો કાર્યકરો અને ખાસ તો મોટાભાગના પ્રસાર માધ્યમોનો સાથ- સહકાર પણ આ ચૂંટણીમાં ભાજપના પક્ષે હતો. સામા પક્ષે એક એવો પ્રાદેશિક નાનકડો પક્ષ હતો જેની રચનાને પૂરા દસ વર્ષ પણ નથી થયા. જેની પાસે પૂરતા સંસાધનો કે પ્રશિક્ષિત કાર્યકરો નથી. પાણીની જેમ વહાવવા માટે ધન નથી. મીડિયા કોઈ દેખીતા કારણ વગર જેને અછૂત ગણે છે. આટલી તીવ્ર અસમાનતા પછી પણ જો આમઆદમી પાર્ટી 70માંથી 62 બેઠક મેળવી શકતી હોય તો પ્રચારમાં જોડાયેલા ભાજપના દરેક નેતાએ રાજીનામુ આપી દેવું જોઈએ, અલબત્ત એવું કશું થવાનું નથી.


શા માટે ભાજપ હજુ પણ આ હારમાંથી કોઈ બોધપાઠ નહિ શીખે તેનું નક્કર કારણ એ છે કે, ભાજપે જે મર્યાદાઓને કચડીને આ ચૂંટણી લડી એ આક્રમણ ફક્ત આમઆદમી પાર્ટી સામે ન હતું, પરંતુ એ જાહેરજીવનની મર્યાદા અને સંસદીય રાજકારણની પદ્ધતિ જ સમૂળી બદલી નાંખવાનો પ્રયાસ હતો. બેફામ વાણીવિલાસ, અભદ્ર ભાષા, જાહેર મંચ પરથી ઉચ્ચારાતી ધમકી, કાલ્પનિક ડર બતાવવાની પ્રયુક્તિ વ.નો કોઈ છોછ વગરનો ઉપયોગ ચૂંટણી પંચે અને ઘણેખરે અંશે પ્રસાર માધ્યમોએ પણ સહી લીધો. આ કોઈ મામૂલી વાત નથી. આ એક રીતે જોઈએ તો ભાજપની જ જીત છે. કારણ કે એ આવું જ કરવા ધારે છે અને ભવિષ્યમાં પણ આવું જ કરશે.

તો શું આપણે આ ભાજપની રાજનીતિનો અસ્વિકાર થયો એવું અર્થઘટન આપણે કરી શકીએ? ભાજપે આ ચૂંટણીને દિલ્હી અને શાહિનબાગ વચ્ચેના જંગમાં ફેરવી નાંખ્યો હતો. જનતાએ એ સ્વીકાર્યુ નથી. તો શું આ પરિણામોથી શાહિનબાગને ઉત્તેજન મળશે? આ સવાલના જવાબમાં એટલું કહી શકાય કે હાલ તો કમ સે કમ કેજરીવાલના જીત પછી અપાયેલા ભાષણમાંથી તો એવો સંકેત નથી મળતો. સમગ્ર પ્રચાર દરમિયાન કેજરીવાલે પોતાને શાહિનબાગ વિવાદથી દૂર રાખ્યા હતા અને તેને રાજકીય ચતુરાઈ ગણવામાં આવી હતી. શરજીલ ઈમામની ધરપકડ કરવાની તેમણે કરેલી માંગણી પણ એ રણનીતિનો જ હિસ્સો હતી. પરિણામે એકેય રીતે આમઆદમી પાર્ટીને મુસ્લિમોની હમદર્દ તરીકે ચિતરવાની ભાજપની પેરવી ફાવી શકી નહિ. આપે એવા કોઈ પૂરાવા ન છોડ્યા જેને લીધે તે મુસ્લિમોના મસિહા તરીકે બહુમતી
હિન્દુઓમાં બદનામ થઈ શકે. આ પછી પણ મુસ્લિમોએ આમઆદમી પાર્ટી પર ભરોસો મૂક્યો છે. આ બાબત ભારતીય રાજનીતિની વિચિત્રતા જ ગણવી પડે.


આમઆદમી પાર્ટીના ભવ્ય વિજયમાં ભાજપના સમર્થકોની પણ ભૂમિકા હતી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને તમામ સાત સંસદિય બેઠક આપનારા મતદારોએ જ વિધાનસભાની ચૂંટણીમાં આપનું સમર્થન કર્યું. રસ્તા, પાણી, આરોગ્ય, વીજળી, શિક્ષણ જેવા પ્રાથમિક સુવિધાઓના મુદ્દા માટે નિષ્ઠાથી કામ કરનારો સ્થાનિક પક્ષ અને રાષ્ટ્રીય ભાવનાઓના રક્ષણ માટે ભાજપ આવું દિલ્હીના મતદારોએ કરેલું કામનું વિભાજન હાલ તુરત આપ માટે પણ યોગ્ય જ ગણાશે. આમઆદમી પાર્ટીએ પોતાને વિચારધારાની દૃષ્ટિએ તટસ્થ, કામ સાથે નિસ્બત રાખનાર અને વ્યવહારુ પક્ષ તરીકે રજૂ કરી છે.


એક ગરીબ માણસ પોતાના બાળકોને સ્કૂલે મોકલે તો એ સ્કૂલ સુવ્યવસ્થિત હોય, તેને ઘરે બેઠાં જરૂરિયાત મુજબનું પાણી મળી રહે, વીજળી બિલમાં રાહત મળે આ દરેક મુદ્દાઓ આજે પણ એટલાં જ કારગત અને આવશ્યક ગણાય છે. ખરેખર તો આ અન્ય દરેક રાજ્ય સરકારો માટે બહુ મોટો પદાર્થપાઠ છે. પરંતુ હાલ તો એટલું કહી શકાય કે આપે એ જ દર્શાવ્યું છે કે તે આ સિવાય બીજા કોઈ મોટા વૈચારિક જોખમ ઉઠાવવા તૈયાર નથી. એટલે જ એ વાતનું ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ભાજપે આવી શરમજનક હાર પછી પણ આમઆદમી પાર્ટીને બદલે કોંગ્રેસને જ પોતાનો મુખ્ય વૈચારિક દુશ્મન ગણીને તેના પર જ આક્રમણ કરવાની કોઈ તક જતી નથી કરી. કારણ કે આમઆદમી પાર્ટીના આટલા ભવ્ય વિજય પછી પણ ભાજપ માટે આવતીકાલનો પડકાર આપ નહિ, પરંતુ કોંગ્રેસ જ છે.


ભાજપની રાષ્ટ્રવાદી રાજનીતિ મુસ્લિમો પ્રત્યે નફરતના પાયા પર ઊભેલી છે અને એ દર્શાવવા માટે આ ચૂંટણીએ એક તક ઊભી કરી હતી. જેમાં આડકતરી રીતે ભાજપ દિલ્હીની જનતાને સંબોધિત કરતું હતું પરંતુ એ સંદેશ બિહાર, બંગાળની જનતા માટે પણ હતો જ્યાં નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવવાની છે. પોતાની રાજકીય વિચારધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગંભીરતાનું આ ઉદાહરણ છે. ભાજપનું વલણ એ પ્રકારનું છે કે એ કોઈ દિગ્વિજય માટે નીકળેલો પક્ષ છે જે નાની કે મોટી પ્રત્યેક લડાઈને એકસરખી ગંભીરતા, તીવ્રતા અને આક્રમકતાથી લડે છે. સૌ કોઈને ખબર હતી કે આ ચૂંટણીમાં આપ જ જીતશે, છતાં ભાજપે પ્રયાસોમાં કોઈ કસર છોડી નહિ.


કોંગ્રેસે પોતાના માટે આશા ઊભી કરવાની વધુ એક તક ગુમાવી દીધી છે. તેને ય ખબર હતી કે તે સત્તાની રેસમાં ક્યાંય નથી. તો પણ તેણે ભાજપની માફક પોતાની વિચારધારાનો પ્રસાર કરવો જોઈતો હતો. તેને બદલે કોંગ્રેસે અગાઉથી જ શરણાગતી સ્વીકારી લીધી. તેણે ભાજપની વિચારધારાનો સામનો કરવાનો પ્રયાસ જ ન કર્યો. જેને લીધે મતદારોમાં તેની વિશ્વસનિયતા ય ઓછી થશે અને વિચારધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ શંકાસ્પદ ગણાશે.


આમ છતાં એ કહેવું પડશે કે ભાજપના નિર્ણાયક પરાજયને લીધે ચૂંટણીની રાજનીતિમાં સભ્ય આચરણની હજુ ય થોડીક શક્યતા બચી છે. આ પણ ઓછું આશ્વાસન નથી. સભ્યતા, શાલીનતા અને ધર્મનિરપેક્ષ રાજનીતિ માટે જરાક સરખી ઝાંખીપાંખી શક્યતા પણ બહુ જ મૂલ્યવાન છે. હવે એ શક્યતાના જોરે આગળ શું થશે એ જોવું રહ્યું.
(લેખક દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક છે)

અન્ય સમાચારો પણ છે...